| પોશાકના રંગથી જાણો વ્યક્તિત્વ |
|  તમારો મનપસંદ રંગ તમારા વ્યક્તિત્વ (પર્સનાલિટી) અંગે ઘણું બધું કહી દે છે. તમે કયા રંગનાં કપડાં વધુ પહેરો છો તેના પરથી તમારા સ્વભાવ અને વ્યક્તિત્વની ખબર પડી જાય છે. તમે પણ તમારા મનપસંદ રંગથી જાણો તમારા વ્યક્તિત્વનો રાઝ.
ફેશન - હિના પટેલ
કેસરી રંગ
તમારો મનપસંદ રંગ કેસરી (ઓરેન્જ) હોય તો તમે જ્યાં પણ જાવ ત્યાં બધાને પોતાની તરફ આકર્ષિત કરો છો. કેસરી રંગ લાલ અને પીળા રંગને ભેળવીએ ત્યારે બને છે, તેથી તેમાં બંને રંગની ખૂબીઓ હોય છે. ઓરેન્જ કલરના આઉટફિટ (પોશાક) આકર્ષક દેખાય છે, તેથી તેને કોઇ ખાસ પ્રસંગે પહેરો.
-------------------------
લીલો રંગ
જો તમારો મનપસંદ કલર લીલો છે તો તમારો સ્વભાવ શાંત અને સ્થિર છે. જરૂરી મીટિંગ, ગુસ્સામાં ભરાયેલો બોસ અથવા માથા ફરેલ સંબંધીઓને મળવા જતી વખતે લીલા રંગનો પોશાક પહેરો. આમ કરવાથી તેમની સાથે ડીલ કરવામાં સરળતા પડશે.
---------------------
જાંબુડી રંગ
જો તમારો મનપસંદ કલર જાંબુડી (પર્પલ) હોય તો તમારું વ્યક્તિત્વ ઘણું શક્તિશાળી છે. શાહી (રોયલ) અને સુસંસ્કૃત (સોફિસ્ટિકેટેડ) દેખાવા માટે જાંબુડી કલરને તમે તમારો સ્ટાઇલ મંત્ર બનાવી શકો છો. તમે જ્યારે પર્પલ કલરનો પોશાક પહેરો છો ત્યારે લોકો જાતે જ અંદાજો લગાવી લે છે કે તમે ઘણા પાવરફુલ છો. ડિનર, કોકટેલ પાર્ટી, વગેરે માટે પર્પલ ડ્રેસ પરફેક્ટ છે.
------------------------
ગુલાબી રંગ
જો તમારો મનપસંદ રંગ ગુલાબી હોય તો તમે પરિવાર અને મિત્રોમાં ઘણા લોકપ્રિય છો. ગુલાબી કલર મિત્રતાનું પ્રતીક છે, તેથી મિત્રોમાં લોકપ્રિય બનવા માટે પિન્ક કલરને તમારા કબાટમાં ખાસ જગ્યા આપો. પ્રેમાળ સ્વભાવ દેખાડવા માટે ગુલાબી કલર એક સારો વિકલ્પ છે, તેથી ડેટ પર જતી વખતે પિન્ક કલરનો ડ્રેસ પહેરો.
---------------------
પીળો રંગ
જો તમારો મનપસંદ રંગ પીળો હોય તો તમે બહુ ખુશમિજાજ વ્યક્તિ છો. પીળા કલરનો પોશાક તમારી સાથે સાથે તમારી આસપાસના લોકોનો મિજાજ પણ ખુશ બનાવી દે છે. મિત્રો સાથે પાર્ટી, પબ, લંચ વગેરે માટે જતી વખતે પીળા કલરનો પોશાક જરૂર પહેરો.
-----------------------
વાદળી રંગ
જો તમારો મનપસંદ રંગ વાદળી (બ્લુ) હોય તો તમે હંમેશાં સકારાત્મક રહેવાવાળા આનંદી વ્યક્તિ છો. આ રંગ તમને પોઝિટિવ એટિટ્યુડ આપે છે. કોઇને પ્રભાવિત કરવા હોય કે ઇન્ટરવ્યુમાં જવાનું હોય તો નેવી બ્લુ કલરના પોશાક પહેરો. તમે તમારી અંદર એક નવી ઊર્જાનો અનુભવ કરશો.
-------------------
લાલ રંગ
જો તમારો મનપસંદ રંગ લાલ હોય તો તમે પોતાની જાત પર ખૂબ વિશ્ર્વાસ રાખો છો. તમારો આત્મવિશ્ર્વાસ જ તમને સફળતા આપે છે. આત્મવિશ્ર્વાસનો અનુભવ કરવા અને આકર્ષણનું કેન્દ્ર બનવા માટે તમે આવાર-નવાર લાલ રંગનાં કપડાં પહેરો છો. એટલે જ લગ્નના દિવસે નવવધૂ લાલ કપડાં પહેરવાનું પસંદ કરે છે.
|
|