Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
પતંગોેત્સવમાં સ્પોર્ટ્સ પતંગ ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા

પ્રાસંગિક - સોનલ મહેતા-શેઠદરેક તહેવારને ભારે આનંદ અને ઉત્સાહથી ઊજવતા ગુજરાતીઓ આજે તો સવારથી જ તેમના ઘરના ધાબા પર કે બિલ્ડિંગની અગાસીમાં ચઢી ગયા હશે, કેમ કે આજે તો તેમનો માનીતો તહેવાર છે, મકરસંક્રાંતિ. આકાશ રંગબેરંગી પતંગોથી ઊભરાઇ જશે. ભાઇઓ પતંગ ચગાવશે અને બહેનો તેમની ફીરકી પકડીને, પતંગને ઢીલ આપવામાં અને ભાઇને પતંગ કાપવા પાનો ચઢાવશે. કાયપો છે...ના નારાથી અગાસી અને ધાબાં ઊભરાતાં હશે. વચ્ચે વચ્ચે તલ, મમરાના લાડવા, ચિક્કી પણ ખવાશે, ઘરમાં ઊંધિયાની પણ રંગત જામશે.

કેટલાં આનંદ, મસ્તી અને ધમાલથી ઉતરાણનો એટલે કે પતંગ ચગાવવાનો તહેવાર આપણે મનાવીએ છીએ! સામાન્યપણે ઘરનો પુરુષ વર્ગ જ પતંગ ચગાવે અને સ્ત્રી વર્ગ તેમની ફીરકી પકડે અને માંજાની ઢીલ આપે. જોકે, સાવ એવું નથી. આપણા રંગીલા ગુજરાતમાં તો બહેનો પણ પતંગ ચગાવી જાણે છે અને કાપી પણ જાણે છે અને દુનિયાને બતાવી આપે છે કે પતંગ ચગાવવી એ માત્ર પુરુષોનો જ ઇજારો નથી. વેલ, પતંગનો તહેવાર માત્ર ગુજરાત કે મહારાષ્ટ્ર સુધી સીમિત નથી. દેશભરના લોકો પતંગનો તહેવાર ઊજવે છે. ગુજરાતના અમદાવાદ ખાતે અને દેશમાં અનેક ઠેકાણે દર વર્ષે પતંગ મહોત્સવ પણ યોજાય છે, જેમાં દેશવિદેશના સ્પોર્ટ્સ કાઇટ ફ્લાયર્સ અને સ્ટંટ કાઇટ ફ્લાયર્સ અને ટીમો ભાગ લે છે. આવા મહોત્સવમાં ભાગ લેનારી વ્યક્તિને કુદરતી રીતે જ સૂર્યપ્રકાશમાં રહેવાથી વિટામિન ડી મળી જાય છે જે સ્વાસ્થ્ય માટે ઘણો જ જરૂરી ઘટક છે. એ દૃષ્ટિએ જોવા જઇએ તો આ તહેવાર આરોગ્યવર્ધક પણ ગણાય. ઉપરાંત આ પતંગ મહોત્સવમાં વાપરવામાં આવતો માંજો કોટનની દોરીઓનો બનેલો અને જાડો હોય છે, તેથી માંજાને કારણે પક્ષીઓનાં કે બાઇક પર સવાર વ્યક્તિઓનાં ગળાં કપાવાની ભીતિ પણ નથી. મહોત્સવમાં વિદેશના કાઇટ ફ્લાયર્સ અને તેમની ટીમમાં મહિલાઓ પણ જુદા જુદા રંગ અને આકારની મોટી મોટી પતંગ ઉડાવતી જોવા મળે છે, પણ કોઇ ભારતીય મહિલા પતંગ મહોત્સવમાં પતંગ ઉડાવતી જોવા નથી મળતી.

તો શું ભારતીય મહિલાઓ સ્પોર્ટ્સ કાઇટ ફ્લાયર્સ બનવાની ક્ષમતા નથી ધરાવતી?

ઉતરાણના દિવસે ધાબા પર ચઢીને પતંગ ચગાવતી અનેક મહિલા જોવા મળશે, પણ પતંગ મહોત્સવમાં ભારતીય મહિલાઓની હાજરી નહોતી. હા, બે વર્ષ પહેલાં કેરળની મહિલા મિની પી. એસ. નાયરે અમદાવાદના પતંગ મહોત્સવમાં ભાગ લઇને વિશાળકાય પતંગ ઉડાવી આ મહેણું ભાંગ્યું અને સ્પોર્ટ્સના પતંગ ઉડાવનારી પ્રથમ ભારતીય મહિલા બનવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત કર્યું અને જુદા જુદા આકારની વિશાળકાય પતંગો ઉડાવવા પર ભારતીય પુરુષોની મોનોપોલી પર બ્રેક લાગી. ચાલો આપણે મિની વિશે જાણીએ.

મિની એક વાર ગોવાના પતંગ મહોત્સવમાં આવી હતી, જેમાં રશિયાની ૭૦ વર્ષીય સહભાગીને મળી. સૌથી પહેલો સવાલ આ રશિયને મિનીને એ કર્યો કે અહીં ભારતીય મહિલાઓ પતંગ ઉડાવતી કેમ જોવા નથી મળતી? રશિયનના આ સવાલે મિનીને ઝંઝોડી નાખી. એને બાળપણના દિવસો યાદ આવી ગયા, કેરળમાં એના ઘર નજીકના ખેતરમાં સ્કૂલના ઉનાળાના વેકેશન દરમિયાન છોકરાઓ પતંગ ચગાવતા. મિની એના ભાઇ અને મિત્રો સાથે પતંગ ચગાવવા જતી. જોકે, એના ભાગે ક્યારેક થોડી વાર માટે ચગાવેલા પતંગની દોરી પકડવાનું કે ફીરકી પકડવાનું જ આવતું. પણ તોય મિની ખુશ હતી. બાળપણના મિત્રો સાથે જ મિની પતંગ બનાવવાનું શીખી. તેઓ આજુબાજુની ટેક્સટાઇલ શોપ્સમાંથી રંગબેરંગી કેલેન્ડર્સ ભેગાં કરતાં અને એમાંથી રંગીન પતંગ બનાવતાં. કાગળની પટ્ટીથી કે કેસેટની રીલથી પતંગની પૂંછડી બનાવતાં એમ મિની જણાવે છે.

આ હતી બાળપણની વાતો, પણ હવે મિની મોટી થઇ અને પતંગની બધી વાત વીસરાઇ ગઇ. એના ઘર નજીકનાં ખેતરોનું સ્થાન પણ બિલ્ડિંગોએ લઇ લીધું હતું. મિનીએ પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને કોલેજમાં અંગ્રેજીનાં લેક્ચરર અને ત્યાર બાદ એક રેડિયો સ્ટેશનમાં રેડિયો જોકી અને પ્રોગ્રામિંગ હેડ બની, પણ પતંગ સાથેનો તેનો ફરી મેળાપ હજુ સુધી થયો ન હતો.

એક વાર કપ્પડ બીચ પર મિનીએ જ્યારે લોકોને પતંગ ચગાવતાં જોયા ત્યારે એ આશ્ર્ચર્યચકિત થઇ ગઇ. અહીંના પતંગ કાગળના પતંગ નહોતા. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનારાઓ વિવિધ કદ, રંગ અને આકારના પતંગ લઇને આવ્યા હતા. અમુક પતંગ તો પવનને પોતાનામાં ભરી ફુલાતા અને વિવિધ આકાર ધારણ કરતા. મનને મોહિત કરનારા રંગબેરંગી પતંગો જોઇને મિની અને તેના પુત્રને ઘણી ખુશી થઇ. મિનીની પતંગ સાથેની ઓળખ ફરીથી તાજી થઇ. એવામાં એક વાર તેના રેડિયો સ્ટેશનમાં કોઝિકોડેના

અબ્દુલ્લા અને તેમની વન ઇન્ડિયા કાઇટ ટીમના સભ્યો આવ્યા. તેઓ કોઝિકોડેના બીચ પર પતંગ મહોત્સવ અંગે એક પ્રોગ્રામ કરી રહ્યા હતા. એમની સાથેની ઓળખાણ સાથે મિનીની પતંગોની દુનિયામાં ફરીથી એન્ટ્રી થઇ. અબ્દુલ્લાએ મિનીને પતંગ ઉડાવવાના ઉત્સાહીઓના વોટ્સએપ ગ્રુપમાં ઉમેરી. આ જૂથમાં મિની એકમાત્ર મહિલા હતી. મિનીને સમજાયું કે પતંગ ઉડાવવી એ ખાવાના ખેલ નથી. એ એક વિજ્ઞાન છે. કેટલીક પતંગ બનાવવાનો ખર્ચ એક લાખ રૂપિયા જેટલો પણ આવે છે. મિનીએ જોયું કે સ્પોર્ટ્સ પતંગ ઉડાવવામાં કોઇ મહિલા નથી. કદાચ બીચ પરનો આકરો તાપ મહિલાઓ સહન કરી શકતી નહોતી. વન ઇન્ડિયા કાઇટ ટીમ સાથે રહીને મિનીને પતંગ ઉડાવવા માટેની મહિલા ટીમ વિશે વિચાર આવ્યો અને એણે એ દિશામાં કાર્ય શરૂ કર્યું.

મિનીએ બે વર્ષ પહેલાં ગુજરાતમાં અમદાવાદના પતંગ મહોત્સવમાં પોતાની ઓલ વુમન ટીમ સાથે ભાગ લીધો. આ મહોત્સવમાં ભાગ લેવા ૩૦ દેશના લોકો આવ્યા હતા. મિનીની ઉત્તેજનાનો પાર નહોતો. કેરળ બહારનો આ તેનો પ્રથમ પ્રવાસ હતો. મિનીની આખી ટીમ ગણવેશમાં સજ્જ હતી. આ એક રોમાંચક અનુભવ હતો. જાણે તેઓ ઓલિમ્પિક્સમાં ભાગ લઇ રહ્યાં હોય એવી ફીલિંગ આવતી હતી. ત્યાં એને ઉત્કૃષ્ટ પતંગનો એવોર્ડ મળ્યો.

પતંગ ઉડાવવા માટે પવન બહુ જરૂરી છે. પવન ન હોય તો તમારો પતંગ ચગે નહીં. રાતના મિનીએ એલઇડી લાઇટ લગાવેલો પતંગ ચગાવ્યો. ‘ઘણાને એમ લાગે છે કે આ પતંગ ઉડાવવાની સ્પર્ધા છે, પણ પતંગ મહોત્સવ એ કોઇ સ્પર્ધા નથી. અહીં તમારે કોઇ એવોર્ડ કે કપ જીતવાનો નથી. માત્ર મહોત્સવમાં ભાગ લો અને આનંદ મેળવો. દરેક દેશની ટીમ અહીં પોતાના સ્ટોલ લગાવે છે. કેટલાક લોકો લાખ રૂપિયાની કિમતના પતંગ વેચે છે,’ એમ જણાવતાં મિની ઉમેરે છે કે અહીં આવીને પતંગ વિશેની મારી બધી જ માન્યતાઓ બદલાઇ ગઇ.

અમદાવાદની યાત્રાએ મિનીને એક નવી દિશા આપી અને કેરળ પરત ફરી મિનીએ ક્રીડા નામનું સ્ત્રીઓ માટેનું ફિટનેસ સેન્ટર ખોલ્યું અને રેડિયો જોકીની નોકરી છોડી દીધી. ત્યાર બાદ તેણે પતંગ બનાવતાં શીખવાનું નક્કી કર્યું. પોતાના પુત્ર સાથે એણે ગોવાના પતંગ મહોત્સવમાં ભાગ લીધો. આ મહોત્સવમાં માત્ર ત્રણ જ મહિલા હતી. વિદેશી કાઇટ ફ્લાયર્સની આ સ્પોર્ટ્સ પ્રત્યેની પ્રતિબદ્ધતા અજોડ છે. એ જાણે કે તેમના જીવનનો એક ભાગ છે, એમ મિની જણાવે છે.

‘કેરળમાં પતંગ ઉત્સાહીઓ માટે ઘણી તક છે. અમારી પાસે વિશાળ સમુદ્ર તટ છે. તમે કોઇ પ્રોડક્ટ અથવા તમારી કંપનીની પ્રમોશનલ એક્ટિવિટી તરીકે પતંગ ઉડાવી શકો છો. વિદેશમાં તો પતંગ ઉડાવવાને જાહેરાતનો એક ભાગ જ ગણવામાં આવે છે,’ એમ મિની જણાવે છે.

બાળકોમાં પતંગ ઉડાવવાની કળા લોકપ્રિય બને તે માટે મિની વર્કશોપ્સ પણ યોજે છે. મિનીનાં પતંગ ઉડાવવાનાં સાહસોમાં તેનો પુત્ર અને માતા પણ સાથ આપે છે. આશા રાખીએ કે ગુજરાતણો પણ આવી વિરાટકાય સ્પોર્ટ્સ પતંગ ઉડાવવાની ઇવેન્ટમાં ભાગ લે અને પતંગ ચગાવવામાં અવ્વલ ગુજરાતનું નામ આ ક્ષેત્રે પણ રોશન કરે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w514WM
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com