| મકરસંક્રાંતિમાં માણો મીઠી મિજબાની |
|  ભારત તહેવારોનો દેશ છે અને અહીં દરેક તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. મકરસંક્રાંતિ પણ ભારતનો એક મુખ્ય તહેવાર છે, જેને વિવિધ રાજ્યોમાં અલગ અલગ નામ અને રીતથી ઊજવવામાં આવે છે. મકરસંક્રાંતિના ખાસ અવસર પર તલના લાડુ તો બધા બનાવે છે, પણ આ વખતે તમારે અલગ વાનગી બનાવવી જોઇએ અને એટલે જ અમે તમારા માટે લઇને આવ્યા છીએ કેળાનું પોંગલ અને રવા-માવાના લાડુ.
વાનગી - પ્રિયંકા પટેલ
રવા-માવાના લાડુ
સામગ્રી: દોઢ કપ રવો, દોઢ કપ દળેલી સાકર, બે કપ ઘી, બે કપ માવો, અડધો કપ કાજુ કાપેલા, અડધી ટેબલ સ્પૂન એલચી પાઉડર
રીત: એક તવામાં ઘી ગરમ કરીને રવાને ધીમી આંચ પર શેકો. રવો શેકાઈ ગયા બાદ તેને એક થાળીમાં કાઢીને ઠંડો થવા માટે રાખી દો. આ જ તવામાં માવો નાખીને તેને ધીમા તાપે શેકો અને તેનો રંગ બદલાઈ ન જાય ત્યાં સુધી તેને શેકતા રહો. રવો અને માવો થોડો ઠંડો થઇ ગયા બાદ તેને એક મોટા બાઉલમાં નાખો અને તેમાં દળેલી સાકર, કાજુ અને એલચી પાઉડર મિક્સ કરીને લાડુ બનાવો. આ લાડુને એર ટાઇટ ડબામાં ભરી લો.
-----------------------
કેળાનું પોંગલ
સામગ્રી: દોઢ કપ સમારેલાં કેળાં, પા કપ પીળી મગની દાળ, એક ટેબલ સ્પૂન ચણાની દાળ, એક કપ ચોખા (ધોઇને નિતારી લીધેલા), એક કપ દૂધ, બે કપ સમારેલો ગોળ, ૨ ટેબલ સ્પૂન ઘી, ત્રણ ટેબલ સ્પૂન સમારેલા કાજુ, બે ટેબલ સ્પૂન કિસમિસ, એક ટેબલ સ્પૂન એલચી પાઉડર, પા ટેબલ સ્પૂન જાયફળ પાઉડર, થોડા કેસરના રેસા (સજાવવા માટે)
રીત: એક પહોળા નોન સ્ટિક પૅનમાં બંને દાળને મધ્યમ તાપ પર પાંચ મિનિટ સુધી સૂકી શેકી લો. આ શેકેલી દાળ સાથે ચોખા, દૂધ અને અઢી કપ પાણી મેળવી, સરખી રીતે મિક્સ કરી પ્રેશર કૂકરમાં છ સીટી સુધી બાફી લો. બીજા એક ઊંડા નોન સ્ટિક પૅનમાં ગોળ અને પોણો કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરી લીધા બાદ મધ્યમ તાપ પર સાત મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. તે પછી રાંધેલા ચોખા-દાળનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી વધુ ચાર મિનિટ સુધી રાંધી લીધા પછી તેને બાજુ પર રાખો. હવે વઘાર તૈયાર કરવા માટે એક નોન સ્ટિક પૅનમાં ઘી ગરમ કરી તેમાં કાજુ અને કિસમિસ ઉમેરી ધીમા તાપ પર બે મિનિટ સુધી સાંતળી લો. આમ તૈયાર કરેલા વઘારને ગોળ-ભાતના મિશ્રણમાં એલચી પાઉડર, જાયફળ પાઉડર અને કેસર સાથે ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહી રાંધી લો. છેલ્લે તેમાં કેળાં ઉમેરી સારી રીતે મિક્સ કરી તેના પર પીગળેલું ઘી રેડી તરત જ ગરમ ગરમ પીરસો. |
|