|  ઘટના અને અર્થઘટન - સોનલ શુક્લ
એક કહેવત છે કે હાથી જીવતાં લાખનો અને મૂઆ પછી સવા લાખનો. જીવતાં તો સ્ત્રીના ઘરકામની કદર ઝાઝી થતી નથી. મુક્ત કે મફત જેવો શ્રમ કરનાર ગુલામ કે વેઠિયાને કોઈ મોભો હોતો નથી. સ્ત્રી ઘરમાં બેસે અને પુરુષ કમાવા જાય એવી ઉપલા વર્ગની માન્યતાને કારણે એ સમાજમાં સ્ત્રી કંઈ રોકડા કમાતી નથી. જો કે, એ સવારથી સાંજ એટલાં બધાં કામ કરે છે કે એ સઘળું કરવા માટે નોકર, રસોઈવાલા રાખો તો એના પગાર અને બગાડને મેળવીને મહિનાના હજારો રૂપિયા થાય. નોકરને કામ છોડી દઈ બીજું વધારે ફાવતું કે વધુ પગાર આપતું કામ શોધી લેવાની છૂટ છે, ગૃહિણીને નથી. જોકે, એના ઘરકામને લીધે જ છોકરાં સરખી રીતે ભણી શકે છે, વડીલો અને બીમારોને શુશ્રૂષી મળે છે અને પતિ ઘરે આવે ત્યારે એને ઘણું ખરું શાંતિ અને ગરમ રસોઈ મળે છે, એને ભાવતી હોય એવી, એના માબાપ અને બંનેનાં બાળકો સચવાઈ જાય છે, પહેરવાનાં કપડાં, ચાદર, તકિયાના કવર બધું સમયસર જાતે કે નોકરો દ્વારા ધોવડાવાઈ જાય છે. લોટ, અનાજ, દાળ, કઠોળ, ઘી-તેલ વગેરે સમયસર આવી જાય છે, ડબ્બા-બરણીઓમાં ભરાઈ જાય છે અને બગડે નહીં તેની તકેદારી લેવાઈ જાય છે, સંબંધીઓને મળવું, ફોન કરવા, બૅંકમાં જવું, શાળામાં વાલીઓની મિટિંગમાં જવું, છોકરાંનું લેસન લેવું વગેરે અનેક કામ પુરુષે જાતે કરવાનાં હોય તો એ ઝાઝી કમાણી ન કરી શકે. ક્રેમર વિ. ક્રેમર હોલીવૂડ ફિલ્મમાં કે એની નકલ જેવી અમીર ખાન અને મનીષા કોઈરાલાને ચમકાવતી ફિલ્મ ‘મન’માં આવી સ્થિતિનું વર્ણન આવે છે, જ્યાં બાળઉછેર માટે પતિએ મોટા પગારની નોકરી છોડી દેવી પડે છે અને ઘરકામ વગેરેની જવાબદારી લેવી પડે છે, એની કરિયર ખાડામાં જાય છે. અર્થાત્ સ્ત્રી જે કામ ઘરમાં કરે છે તેથી જ પુરુષ કમાઈ શકે છે અને પરિવાર પ્રસન્ન અને પૈસેટકે ઠીકઠીક રહી શકે છે.
આ દેખીતી વાત ફરી એકવાર ઉઠાવવી પડે છે, કારણ કે જ્યારે ઉઠાવાય ત્યારે એની હાંસી થાય છે અને બધું સમેટાઈ જાય છે. હવે જ્યારે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે કે પતિનું ઑફિસ કામ જેટલું જ મૂલ્ય છે સ્ત્રીના ઘરકામનું . અને ખરેખર સ્ત્રીના કામને બિરદાવી તેની અક્ષરશ: કિંમત કરી એના અકાળ મૃત્યુ બદલના વળતરમાં વધારો કરે એ આવકારદાયક ઘટના છે. મેં તો દ. ભારતની એક હાઈ કોર્ટના ચુકાદામાં આવા કેસની નોંધ જોયેલી પણ ત્યાર પછી મળેલી સામગ્રીમાં સુપ્રીમ કોર્ટના આદેશ તરીકેનો ઉલ્લેખ છે, કિસ્સો હતો એક સ્કૂટર અને કારના અકસ્માતનો. યાદ રાખવું પડે કે સંસદ કાયદો પસાર કરી બદલાવ ન કરે ત્યાં સુધી હાઈ કોર્ટ-સુપ્રીમ કોર્ટના ચુકાદા ત્યાર પછીના એ જ પ્રકારના કેસોમાં કાનૂનની જેમ જ સંદર્ભ તરીકે અપાય છે, બ્રિટનની કોર્ટના ચુકાદા સુધ્ધાં પેલા સ્કૂટરવાળા કિસ્સામાં ચુકાદો આપ્યો છે કે પત્નીના મોત બદલ પતિના મોત બદલ સગાંને અપાતી રકમ જેટલી જ રકમ એની પત્નીના મોત બદલ આપવી જોઈએ. ઑફિસે જતા પતિના બદલામાં ૩૩ લાખ વીસ હજારનું કોમ્પન્સેશન અપાયું તો પત્ની બદલ પણ ૧૧ લાખ વીસ હજાર નહીં પણ ૩૩ લાખ વીસ હજાર જેટલી જ રકમ આપવાની. જીવતે જીવત કોઈ પત્ની જાણતી હોય છે કે પોતાની કિંમત બરાબર પતિ જેટલી જ અંકાય? પતિના પગાર જેટલી જ એના ઘરકામની કિંમત છે એવું જ્ઞાન સર્વવ્યાપી બને તો દુનિયા બદલાય. રાજસ્થાની ગરીબ સ્ત્રીઓના એક સેલ્ફ હેલ્થ જૂથનાં ગાયન યાદ આવે છે, ‘ચેત ચકે તો એક જમાણે. આયો ચેતણ રે... એક દો તો પહેલે ચેતી કુછ નહીં ફરકો આયો, દોચાર કે ચેતસુ કુછ ઝણકારો પાયો, ગાવાંકી સબ મહિલા ચેતી ધરતી પલટો પાયો, બહેના ચેત સકે તો ચેત...’ કેલિફોર્નિયામાં તો લગ્ન પછી જે કાંઈ સંપત્તિ આવી, મૂડીરોકાણ થયું, ઘર લીધું એ બધાંમાં પતિપત્ની બંનેને એક સરખો ભાગ રહે. આવું અમેરિકામાં ઘણે ઠેકાણે હોવાથી ઘણુંખરું પતિની જબરદસ્ત કમાણી અને મૂડી હોય ત્યાં લગ્ન અગાઉનો કોન્ટ્રેક્ટ કરાય છે જેથી છૂટાછેડા થાય તો કોને કેટલું મળે.
વેજીસ ફોર હાઉસવર્ક, ઘરકામ માટેની રોજા કે પગાર માટેની એક બહુ મોટી ચળવળ થયેલી છે. કોઈ એવું કામ ન હોય જ્યાં તહેવારના દિવસે કે રવિવારે રજા ન હોય, પગાર ન હોય, કામ નિયમિત પણ હોય અને પાછા એકાએક આવી પડેલાં કામ હોય જેમ કે ઘરમાં કોઈ માંદું પડે, ઘણા મહેમાન આવી જાય વગેરે. કામના કલાકો સવારે છથી રાતે ગમે ત્યાં સુધી હોઈ શકે. એક નિવૃત્તિવેતન કે કાંઈ ન હોય એવું કામ કોઈ પાસે કરાવી શકાય? તો શું કરવું? આ કામ પણ એવું છે કે એ એકનું એક રોજેરોજ કરવાનું. મને એમ લાગે છે કે પગાર ચૂકવવાથી આપણે બજારુ મૂલ્યો ઘરમાં લાવીએ છીએ અને એમ ન કરીએ તો સ્ત્રીનાં કામની કદર નથી. બહુ બહુ તો મોઢેથી ક્યારેક વાહ વાહ થાય અથવા એ ઘરડી થાય ત્યારે એના દીકરાઓ પોતાની માતાએ શા શા ત્યાગ કર્યા તેની વાત કરે. શું દર મહિને એને અમુક દિવસ કાંઈ જ કામ ન કરે એવું ઘરનું સમયપત્રક બનાવવું? એને મોજમજા કરવા સમય આપવો? ઘરની સ્ત્રીનું કામ એકધારું હોય, એ ન થાય તો જ કોઈનું ધ્યાન જાય કે એ કામ કરતી હોય છે. તાજાં અથાણાં કેમ નથી એમ પૂછાય તો એ કબૂલાત છે કે સ્ત્રીએ જ વરસનાં અને તાજાં અથાણાં બનાવવાનાં કે બનાવડાવી લેવાનાં હોય છે, ઉનાળે મેથિયા ને છુંદો ને શિયાળે આંબા હળદરના કટકા લીંબુમાં જાળાં કે બાઝેલાં છે? અર્થાત્ જાળા પડાવવાનું કામ ઘરની સ્ત્રીનું છે. મેં એક વાર લખેલું કે મારા સાસુની રસોઈ બહુ જ સરસ. જરા ગોળસાકર વધારે નાખે પણ ને માત્ર મને ન ભાવે, ઘરે સૌ એથી ટેવાયેલાં દરેક વસ્તુ એટલી ચિવટથી, શાંતિથી ધીરેધીરે બનાવે અને હાથમાં એવો જાદુ કે રોસઈ હંમેશાં એ ગ્રેડની, પછી એ અડદિયો હોય કે દહીંવડા, ક્યારેક જ કાંઈ દર વખત લેવલ જેવું ન બન્યું હોય તો મારા સસરા રોકયા વિના ન રહે. એ ઊંચા લેવલના જમનાર ખરા સ્તો. ભજીયાબટેટાવડાને "નાકકાન ન નીકળવા જોઈએ. રોટલી કે પૂરીમાં બંને પડ લગભગ સરખાં જ હોવા જોઈએ, નીચેનું જાડુ નહીં. ઉપર એકે લાલ ટપકાં ન જોઈએ પણ એ કાચી પણ ન રહેવી જોઈએ. આવી અનેક એમની માગણીઓ, મારું કે નણંદ આમાં પહોંચી ન શકે. રોટલી કરી અમે છેલ્લે પાંચ લુવા જેટલો લોટ છોડી દઈએ. મારા સાસુ જ સાવ નાનકડી કાગળ જેવી રોટલી બનાવી સસરાને જમવા બેસાડે. એક વાર એમણે કાંઈક ટીકા કરી અને હું ત્યાં જ હતી. મેં કહ્યું ભાભી રોજરોજ કાંઈ ને કાંઈ અતિશય સરસ બનાવે છે ત્યારે તમે કાંઈ કહેતા નથી અને કાંઈક ના ગમે તો કેમ તરત જ કહો છો? એમણે ખૂબ આત્મવિશ્ર્વાસ સાથે કહ્યું કે સારું થાય એમાં વળી શું કહેવાનું હોય! એ તો થવું જ જોઈએ. ન થાય તો જ કહેવું પડે. ટૂંકમાં ઘરકામ સારામાં સારું કરે તો પણ તે માટે કાંઈ ભાવ મળે, સ્ત્રી ખુશ થાય અને એથી એક સ્ફૂર્તિ કે ઉત્સાહ મળે એવું કાંઈ જરૂરી નહીં. મારા સસરા કાંઈ વિલન નહોતા. પિતૃસત્તાને બાંધણીએ એમને જે શીખવેલું તે માનતા હતા. ઘરકામની રોકડામાં કિંમત થઈ શકતી હોત તો મારા સાસુ કરોડપતિ થઈ ગયા હોત. એમને જ લીધે એમના દીકરા, દીકરી, પુત્રવધૂ અને પતિ કામ કરી શકતા હતા. કમાણી કરતા હતા કે આગળ ડિગ્રીઓ મેળવતા હતા.
વય આગળ વધી
અત્યાર લગી લાગતું હતું કે બે બાળકીથી માંડીને બોંતેર વર્ષની સ્ત્રી પર બળાત્કાર થતાં હોય છે, હવે એ આગળ વધી નેવું સુધી આવી છે. આ વયની સ્ત્રી પર બળાત્કાર થયો છે એવા સમાચાર આવ્યા છે. બળાત્કાર હંમેશાં ગરીબ, પછાત જ્ઞાતિ કે જનજાતિની કે કોઈ પણ રીતે અસહાય સ્ત્રી પર થાય છે. આ વય વધીને હવે નેવું વરસની સ્ત્રી સુધી બળાત્કારે પ્રવાસ કર્યો છે. જબરદસ્તી કરનાર કોઈ ભીલ આદિવાસી હોય કે કોઈ મંદિરનો પૂજારી, કામ ખૂન કે માર કાપથી થયું હોય કે તે વગર પણ સ્ત્રીની અવસ્થાનો લાભ લઈને કરાય છે. આ એક જ અઠવાડિયામાં કેટલાયે કિસ્સા બહાર આવ્યા છે. આ સમાચાર શું માત્ર મારા છાપામાં જ આવે છે કે બધામાં? હવે પછી કરીશું શું? ઉ |