| આ ઋતુમાં ખાદ્યપદાર્થ વઘારો અને ગુણવત્તા વધારો |
|  આજે ઉતરાણ છે. સરસ મજાના સુસવાટા મારતા પવનમાં ઘણા લોકો નદી કે સાગર સ્નાન કરશે, યુવાનો, ખાસ કરીને ગુજરાતી યુવાનો પતંગ પણ ચગાવશે. શિયાળાની આ મોસમમાં શરીરને ગરમી આપતા તલના લાડુ તો ખાઇએ જ છીએ, આ ઉપરાંત તેલમાં વઘારેલી ચીજ-વસ્તુઓ ખાવાની આપણે આદત પાડવી જોઇએ. ખોરાકને ગરમ કરીને ખાતાં શીખ્યા એમાં આપણે ખોરાકને બાફવાની, તળવાની અને વઘારવાની ક્રિયાઓ પણ શોધી. જોકે, અહીં આપણે વાત કરવી છે વઘારની.
શિયાળામાં બાફેલી વસ્તુઓ ખાવાથી વાયુકારક દર્દો વધુ વકરે છે. બીજી બાજુ તળેલી ચીજો વધુ ખાવાથી શરીરની ચરબી વધે છે, માણસ હૃદયસંબંધી બીમારીઓ, બ્લડપ્રેશર કે ડાયાબિટીઝના ભરડામાં પણ ફસાઇ શકે છે. આ સંજોગોમાં વઘારવાની ક્રિયા ઉત્તમ બની રહે છે, કારણ કે તેમાં શરીરને વધુ પ્રમાણમાં તેલ નથી મળતું. જરૂરિયાત પૂરતી જ ચરબી મળે છે અને ખાદ્યપદાર્થોનો સ્વાદ પણ વધી જાય છે.
કોરા મમરા ખાવા કરતાં વઘારેલા મમરા ખાવાથી સ્વાદ પણ મળે છે, વાયુકારક પણ નથી બની રહેતા અને શરીરને જોઇતી ઉષ્ણતા તેમ જ ચરબી આ વઘાર માટે વપરાયેલા તેલમાંથી મળી રહે છે. આ જ રીતે બાફેલાં કઠોળ, મૂઠિયાં, ઢોકળાં, પાત્રાં, ખમણ, ખાંડવી કે ઇડલી ખાવાથી વાયુકારક બની શકે છે, પરંતુ એ જ ચીજોને વઘારી લેવાથી સ્વાદ અને સ્વાસ્થ્ય બેઉ
જળવાય છે.
શિયાળામાં ઠંડીને લીધે ઘણાને વિવિધ સાંધાઓના દુખાવા સતાવતા હોય છે. આવા સમયે તેલની માલિશ કે તૈલીય ચીજો શરીરમાં જાય એ પણ જરૂરી છે જે વાયુનો નાશ કરી શકે, પરંતુ એક તળેલી ચીજ ખાવાથી જેટલું તેલ શરીરમાં જાય એના કરતાં વઘારેલી ચીજો ખાવાથી પ્રમાણમાં ઘણું અને શરીરને જોઇતું જ તેલ અંદર જાય છે. જેથી ચરબી કે સ્થૂળતા વધારવાનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી.
ગૃહિણીઓને તો પ્રશ્ર્ન સતાવતો હોય છે કે રોટલી વધી પડે તો શું કરવું? તેને શેકીને ખાખરા બનાવી શકાય, પરંતુ જેમને ચાવવાની સમસ્યા હોય એવા સિનિયર સિટિઝન્સને નાસ્તાના સમયમાં રોટલીઓ વઘારીને આપી હોય તો ચાવી પણ શકાય અને અનેરી લિજ્જત પણ આવે.
સાચે જ વઘારવાની ક્રિયા ખરેખર ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વાદ વધારી મૂકે છે. તો ઠંડીના દિવસોમાં વઘારવાની ક્રિયાને ભૂલશો નહીં.
|
|