| મહિલાઓને ઘરકામ માટે વેતન |
| આઝાદી પહેલાં પણ બે મહિલા સ્વાતંત્ર્યસેનાનીએ આ મુદ્દો ઉપાડ્યો હતો |
|
|  કવર સ્ટોરી - મુકેશ પંડ્યા
તાજેતરમાં તમિળ અભિનેતા કમ રાજકારણી કમલ હસને જે નવો પક્ષ સ્થાપ્યો છે તેણે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સાત મુદ્દાનો એક એજન્ડા જાહેર કર્યો હતો. આમાંનો એક મુદ્દો એ પણ હતો કે ગૃહિણીઓને તેમના ઘરકામ બદલ વેતન આપીને તેમના કામને એક નવી ઓળખાણ આપવામાં આવશે. આ જાહેરાત થયા પછી તો સોશિયલ મીડિયા પર આની તરફેણમાં અને વિરોધમાં ખૂબ ચર્ચાઓ થવા લાગી હતી.
જોકે, આ મુદ્દો ક્ંઇ નવો નથી. દાયકાઓ અગાઉ પણ મહિલાઓને ઘરકામ બાબતે સમાજ અને દેશ તરફથી વેતનપ્રાપ્ત માન્યતા મળે તેની ચર્ચાવિચારણા કરવામાં આવેલી. ૧૯૩૮માં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝના વડપણ હેઠળ નેશનલ પ્લાનિંગ કમિટીની રચના થઇ હતી. આ સંસ્થાની એક સબકમિટીમાં તે વખતની બે જાજરમાન મહિલા સ્વાતંત્ર્યસેનાનીએ ભવિષ્યના ભારતીય અર્થકારણમાં મહિલાઓ શું ભાગ ભજવી શકે તેનો અહેવાલ આપ્યો હતો તેમાં પણ આ વેતનનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો.
આ બે સ્વાતંત્ર્યસેનાનીઓ હતી લક્ષ્મીબાઇ રજવાડે અને મૃદુલા સારાભાઈ. દાક્તરી વિદ્યા પ્રાપ્ત કરી હતી તે લક્ષ્મીબાઈ મેજર જનરલ અને તેની પૂર્વે ગ્વાલિયરના રાજા રહી ચૂકેલા સી. આર. રજવાડેનાં ધર્મપત્ની. તેમણે સરોજિની નાયડુના પ્રમુખપદે રચાયેલી ઑલ ઇન્ડિયા વીમેન્સ કૉન્ફરન્સ (એ. આઇ. ડબ્લ્યુ. સી.)નાં સક્રિય સભ્ય તરીકે ઘણાં સામાજિક કાર્યો કર્યાં હતાં. કુટુંબ નિયોજનનાં તેઓ કડક આગ્રહી હતાં જેનો તે વખતે અમુક લોકોએ વિરોધ પણ કર્યો હતો છતાંય છેલ્લે સુધી તેમણે પોતાનો મત છોડ્યો ન હતો. સ્વાતંત્ર્ય બાદ ૧૯૫૦માં તેમણે યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
બીજાં સ્વાતંત્ર્યસેનાની ગુજરાતના પ્રખ્યાત અવકાશ વિજ્ઞાની વિક્રમ સારાભાઈનાં બહેન મૃદુલા સારાભાઈ હતાં. ૧૯ વર્ષની નાની વયે કૉંગ્રેસ સેવાદળમાં જોડાનાર મહાત્મા ગાંધીની ઐતિહાસિક દાંડીકૂચમાં પણ તેમણે ભાગ લીધો હતો. તેમણે આ સમયે બ્રિટિશ માલસામાનના બહિષ્કારની ઝુંબેશ પણ ઉપાડી હતી. મીઠાનો કાળો કાયદો તોડવા બાબતે બ્રિટિશ સરકારે તેમની ધરપકડ પણ કરેલી. ૧૯૪૬માં ફેલાયેલા કોમી હુલ્લડ દરમ્યાન ગાંધીજીએ અતિસંવેદનશીલ વિસ્તાર નોઆખલીની મુલાકાત લીધી ત્યારે તેઓ પણ ગાંધીજીની સાથે હતાં. આ એવો સમય હતો જ્યારે હિન્દુ-મુસ્લિમ રમખાણ તેની પરાકાષ્ઠાએ હતું. આવા સમયમાં મહિલાઓ અનેકોની વાસનાનો ભોગ બનવાની સંભાવના હતી. છતાંય મૃદુલા સારાભાઈ કોઇ પણ જાતના ડર, અરે મૃત્યુના પણ ભય વગર ગલીઓમાં શાંતિની અપીલ કરતાં ફરી રહ્યાં હતાં. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનના નેતાઓએ પણ તેમની હિંમતનાં ખૂબ વખાણ કર્યાં હતાં.
આ તો થઇ બેઉ મહિલા સ્વાતંત્ર્યસેનાનીઓ વિશેની થોડી જાણકારીની વાતો, પરંતુ તેમણે ગૃહિણીઓની આર્થિક સધ્ધરતા અંગે જે કામ કર્યું હતું તે જાણવા જેવું છે. અગાઉ કહ્યું તેમ નેશનલ પ્લાનિંગ કમિટીની સબકમિટીમાં ચૂંટાયેલી આ બે મહિલાઓએ ૧૯૪૦માં એક અહેવાલ રજૂ કર્યા હતો જેમાં લખવામાં આવ્યું હતું કે સ્ત્રીઓને ઘરની જે પણ આવક હોય તેનો અમુક ભાગ મળવો જ જોઇએ. ઉપરાંત પતિની કોઇ પણ જાતની મિલકતમાં પણ તેને ભાગીદાર બનાવવી જોઇએ. એમાં કોઇ શંકાને સ્થાન જ નથી કે ઘરેલુ કાર્યોનો વધુ પડતો બોજો મહિલાઓ જ ઉઠાવતી હોય છે. ખાસ કરીને મધ્યમવર્ગ જ્ે પોતાના ઘરે નોકર-નોકરાણી રાખી શકતો નથી ત્યાં તો ઘરની મહિલાઓ પર જ ભાર હોય છે.
વીમેન્સ રોલ ઇન પ્લાન્ડ ઇકોનોમી-ના શીર્ષક હેઠળ લખાયેલા આ અહેવાલમાં આ બે મહિલાઓએ આગળ લખ્યું હતું કે ‘અમને એવું લાગે છે કે મહિલાઓ જે ઘરકામ કરી રહી છે તેમને રાજ્ય કે પછી તેમના સમાજ તરફથી કોઇ માનપાન નથી મળી રહ્યાં, તેમના આ કાર્યને ઘરની બહાર કરાતાં કાર્યો કરતાં ઓછા મહત્ત્વનું કદાપિ ન સમજવું જોઇએ. એટલું જ નહીં પણ તેના આર્થિક વળતર વિશે પણ વિચારવું જોઇએ.’
આ બન્ને મહિલાઓએ એવી પણ દલીલ કરી હતી કે ઘરની સ્ત્રીઓ માત્ર રસોઈ બનાવવાનું કે કપડાં ધોવાનું જ કામ નથી કરતી, પરંતુ સંતાનોનું પાલન-પોષણ અને તેમનામાં સંસ્કાર-વિદ્યાનું સીંચન કરવાની જવાબદારી પણ નિભાવતી હોય છે. કમનસીબે તેઓ અશિક્ષિત હોવાથી તેમના આ કાર્યનું યોગ્ય મૂલ્યાંકન નથી થયું.
ભારતમાં એક માન્યતા છે કે પુરુષ બ્રેડ-વિનર છે અને તે બહારથી કમાઇને લાવે છે એટલે તેને જ વધુ મહત્ત્વ અપાવું જોઇએ. પણ આપણે એ ન ભૂલવું જોઇએ કે મહિલાઓ ઘર-સંતાનને પાળવામાં જે શ્રમ ઉઠાવે છે તે ન ઉઠાવે તો પુરુષો બહારનાં કાર્યો કરવામાં આટલા શક્તિમાન થઇ શકે? વળી દરેક બાબતે પુરુષ પર જ અવલંબિત રહેવાની આ મનોદશા તેમને આર્થિક ગુલામી તરફ ઢસડી જઇ શકે છે.
આ અહેવાલનું સમાપન કરતાં તેમણે લખ્યું હતું કે ‘જ્યાં સુધી ઘરકામ કરતી મહિલાઓના કાર્યને ઘરની બહાર કરાતાં કાર્યો જેટલું મહત્ત્વનું અને ઉત્પાદક નહીં સમજવામાં આવે અને જેમ બહાર કામ કરતા પુરુષોને વેતન આપવામાં આવે છે તેમ ગૃહિણીઓને પણ તેમના કાર્યનું વળતર નહીં આપવામાં આવે ત્યાં સુધી તેમના આ શ્રમને કોઇ પણ જાતનાં માનસન્માન નથી મળ્યાં એમ જ ગણાશે.’
જોકે, ૮૦ વર્ષ પૂર્વે આ મહિલા મહાનુભાવોએ જે અહેવાલ આપ્યો હતો તેની ઘણી અવગણના થઇ છે. આજે પણ આ પ્રશ્ર્નને ઉકેલતો કોઇ કાયદો કે વ્યવસ્થા આપણા સમાજમાં કે દેશમાં જોવા નથી મળતાં.
આજકાલ અનેક જાતના સર્વે થાય છે. તેમાં પણ ઘરની અંદર ભારેમાં ભારે અને રાતદિવસ કામ કરતી મહિલાઓના વ્યવસાય સામે માત્ર ‘ગૃહિણી’ એટલું જ લખવામાં આવે છે અને બહાર કામ કરતી મહિલાઓના વ્યવસાય સામે જ ‘વર્કિંગ વુમન’ એમ લખવામાં આવે છે. જાણે ઘરની અંદર રહેતી મહિલાઓ તો કોઇ કામ જ ન કરતી હોય.
સમય આવ્યો છે હવે આ જાતની માન્યતાઓ બદલવાનો. મહિલા સશક્તીકરણના અભિયાન હેઠળ ઘણી સ્ત્રીઓ આજે માનવામાં ન આવે તેવાં ક્ષેત્રોમાં પોતાનો પગ મજબૂત કરી રહી છે ત્યારે પોતાની ફરજ સમજતી, ઘરની અંદર રહી પ્રેમપૂર્વક સઘળાં કામ કરતી નારીના પગ પણ ન લથડે અને તેમનું પણ આત્મસન્માન જળવાય તે જોવાની જવાબદારી સરકારની અને આપણા સહુની છે.
|
|