Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
મોત, મસ્તી અને મિસ્ટરી: પાર્ટી કે પીછે ક્યા હૈ?
મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઈટલ્સ

નફ્ફટ શૈલી કરતાં એક સાચી રજૂઆત વધુ અસરકારક હોય (છેલવાણી)

સુશાંત સિંહ રાજપૂત નામના કલાકારના મોત પાછળ અનેક વાતો થાય છે. એમાંની એક વિચિત્ર વાત એ છે કે સુશાંતની મેનેજર દિશા સેલીએને સુશાંતના મોતના બરોબર એક અઠવાડિયા પહેલાં, પોતાના બોયફ્રેંડની બાલ્કનીમાંથી નીચે પડતું મૂકેલું! એ વખતે દિશા મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. કહેવાય છે કે એ પાર્ટીમાં કોઇ રાજનેતા પણ શામિલ હતા! એ બધું જે હોય એ તો પોલીસ તહકીકાતમાં બહાર આવશે પણ સવાલ એ થાય છે કે સુશાંતના આપઘાતના અઠવાડિયા પહેલાં જ, એક હસતી રમતી દિશા નામની ખુશહાલ છોકરી આમ અચાનક લોકડાઉનમાં પાર્ટી કરવા શું કામ જાય અને અચાનક આત્મહત્યા શા માટે કરે? (બરોબર આવી જ રીતે ૧૯૭૯માં બાલ્કનીમાંથી અડધી રાતે નીચે પડીને ગુજરાતી રંગમંચના સુપર સ્ટાર અભિનેતા, નિર્દેશક પ્રવીણ જોષીનું મોત થયેલું જે આજેય રંગમંચના ચાહક માટે આઘાતની વાત છે!)

હોલીવુડમાં અનેક પાર્ટીઓમાં મર્ડર થયાના દાખલા છે. અમેરિકામાં અંડરવર્લ્ડવાળાઓ ઘોંઘાટભરી ડિસ્કો પાર્ટીની વચ્ચોવચ્ચ અચાનક કોઇ એક નાચતી વ્યક્તિને ગન પર સાઇલેંસર મૂકીને ચૂપચાપ મારી નાખતા હોય છે... આસપાસના લોકોને ખબર પણ ના પડે અને પેલાની લાશ ઢળી પડે, હત્યારાઓ ચૂપચાપ ભીડમાંથી જતા રહે!

પાર્ટીઓના અનેક રમૂજી અને રહસ્યમય કિસ્સાઓ છે. એક માણસ કોઈ કારણસર ગુજરાતીઓને બહુ ધિક્કારતો હતો. એ માણસ રાત્રે એક બારમાં ગયો અને ત્યાં પાર્ટીમાં એણે એક ગુજરાતીને વાત કરતાં સાંભળ્યો. તો એણે તરત જ બારમાં બેઠેલા બધા લોકોને ઉદ્દેશીને કહ્યું, ‘મારા તરફથી સૌને બે-બે પેગ મફતમાં ગિફ્ટ, પણ ફક્ત આ ગુજરાતીને નહીં આપવામાં આવે!’ ગુજરાતી માણસ અપમાન સાંભળીને ચૂપ રહ્યો. થોડી વારે પેલાએ ફરીથી એલાન કર્યું, ‘હવે મારા તરફથી સૌને બીજા બે પેગ અને ડિનર ફ્રીમાં મળશે, ખાલી આ ગુજરાતીને છોડીને!’ ત્યારે પણ ગુજરાતી માણસ ચૂપ રહ્યો. પછી પેલો માણસ, સૌ માટે એક પછી એક ઓર્ડર આપતો જ રહ્યો હતો અને ગુજરાતીનું સતત અપમાન થયે રાખ્યું. આખરે એણે કંટાળીને ગુજરાતીને પૂછ્યું, ‘કમાલ છે તું! મેં બધાની સામે તારું આટઆટલું અપમાન કર્યું, તને ફરક જ નથી પડતો? તું છે કોણ?’

ગુજરાતીએ જવાબ આપ્યો, ‘હું આ બારનો માલિક છું! તું આ બધા માટે ઓર્ડર આપી આપીને મારો ધંધો વધારતો હોય તો ઘડી-બે ઘડીના અપમાનથી મને શું ફરક પડે છે? મારે તો અહીંયાં રોજ પાર્ટી હોય છે!’ છેને અજબનો ગુજરાતી એટિટ્યુડ? પણ જો એની જગ્યાએ પંજાબી કે બીજો કોઇ અક્રમક માણસ હોત તો પાર્ટીમાં ગોળીબાર થઇ જાત!

પાર્ટીઓની વાત નીકળી છે તો નસીબ જોગે હું એ ફિલ્મલાઈનમાં છું, જ્યાં રોજ પાર્ટીઓ થતી હોય છે. ફિલ્મ હિટ હોય કે ફ્લોપ, દિવાળી હોય કે ઇદ, શોબિઝમાં પાર્ટીઓ સતત ચાલ્યા જ કરે છે. ફિલ્મ ગમે તેવી નબળી જાય પણ શોમેન રાજ કપૂર, ફિલ્મના પ્રીમિયરની પાર્ટી કદીયે કેંસલ નહોતા કરતા! રાજ કપૂર, પોતાના મિત્રોથી માંડીને વિરોધીઓ સુધી બધાને હોળીની પાર્ટીમાં બોલાવતા અને આર. કે. સ્ટુડિયોની એ પાર્ટીમાં આમંત્રણ મળે એટલે તમને ઇંડસ્ટ્રીમાં સ્થાન મળ્યું છે એમ કહેવાતું. બોલીવુડમાં વરસોથી ફિલ્મના મુહૂર્ત વખતે, મ્યુઝિક રિલીઝ કરતી વખતે કે સિલ્વર જ્યુબિલી વખતે પાર્ટીઓ તો થતી, પરંતુ દરરોજ રાત્રે ઘરમાં પાર્ટી આપવાની પ્રથા ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂર દ્વારા શરૂ થઇ. મિત્રો -નિર્માતાઓ અને ચમચાઓની સાથે શમ્મી કપૂરના ઘરે રોજ રાતે જાણે દરબાર ભરાતો. એક વાર રાજેંદ્ર કુમાર જેવા નબળા ડાન્સર અભિનેતાએ નશાની અસરમાં, શમ્મી કપૂરને કહ્યું કે એમણે ફલાણા ગીતમાં કઈ રીતે નાચવું જોઈતું હતું! પછી તો શમ્મી કપૂરે ભોળા બનીને પૂછ્યું, ‘અચ્છા? તો કેવી રીતે ડાંસ કરવો જોઇતો હતો એ જરા કરી બતાવોને’ અને પછી આખી રાત શમ્મી કપૂરે નબળા રાજેંદ્ર કુમાર પાસે એ ડાંસ કરાવ્યો!

શમ્મી કપૂરની જ જેમ રાજેશ ખન્ના સુપર સ્ટાર બન્યા એટલે ‘આશીર્વાદ’ બંગલામાં રોજ ૫૦-૧૦૦ લોકોની પાર્ટીઓ થતી. ફિલ્મલાઈનના દરેક મોટા નિર્માતા-નિર્દેશક ત્યાં હાજરી આપતા અને એ બધામાંથી રાજેશ ખન્ના કોઈ એકને ‘સ્વયંવર’ની જેમ સિલેક્ટ કરીને એની સાથે મીટિંગ કરતા! ખન્નાએ અંગત મુલાકાતમાં મને કહેલું કે એમને ત્યાં આખી રાત રોજ મહેમાનો આવે ને જાય... તો રાજેશ ખન્નાને થયું કે એ મોટા મહેમાનોના ડ્રાઈવરો મોડી રાત્રે ક્યાં અને ક્યારે જમતા હશે? એટલે પછી રાજેશ ખન્નાએ બંગલાના કંપાઉન્ડમાં એ લોકો માટે રોજ બુફે કાઉન્ટર મૂકવાના શરૂ કર્યા જેથી રાત્રે ડ્રાઈવરો ભૂખ્યા ના રહી જાય!! આને કહેવાય એક સ્ટારનો ક્લાસ! વળી એક વાર ફિલ્મફેર એવોર્ડના ફંક્શનનો બહિષ્કાર કરવા રાજેશ ખન્નાએ રાતોરાત પોતાને ઘરે પાર્ટી જાહેર કરી દીધી અને પછી આખી ઇડસ્ટ્રીએ ફિલ્મફેરનો એવોર્ડ શો પડતો મૂકીને ખન્નાના બંગલે પાર્ટીમાં હાજર રહેવું પડેલું. આને કહેવાય સ્ટાર પાવર!

ઈન્ટરવલ

બે જણા દિલથી મળે તો મજલિસ છે ‘મરીઝ’

દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી!

આજના સ્ટાર્સમાં સલમાન ખાનને ત્યાં લગભગ રોજ પાર્ટી હોય છે. રોજ ૩૦-૪૦ મિત્રો તો આવે જ. શાહરુખ તો ફિલ્મ મેકિંગને જ એક પાર્ટી ગણે છે. એક ફિલ્મ વિશે મેં શાહરુખને સૂચન આપેલું કે અમુક દૃશ્યો બરોબર નથી થયાં તો ફરીથી રિ-શૂટ કરીને ફિલ્મને સુધારી લઈએ. ત્યારે શાહરુખે ફિલસૂફના અંદાજમાં કહેલું: ‘ફિલ્મ બનાના ભી એક કિસ્મ કી પાર્ટી હૈ. ઝ્યાદા સોચો મત... પાર્ટી એન્જોય કરો! અબ પાર્ટી શરૂ હો ચૂકી હૈ. વ્હિસ્કી હૈ તો વ્હિસ્કી લે લો, રમ હૈ તો રમ પી લો.’

શો-બિઝનેસમાં સ્ટાર્સ આવે છે, જાય છે, પણ બોલીવુડ નામની પાર્ટી ચાલતી જ રહે છે. જોકે ‘પાર્ટી’ વિશે એક અજીબ ઉદાસ કિસ્સો પણ યાદ આવે છે. જે રાજેશ ખન્નાને ત્યાં રોજ ૧૦૦-૧૨૫ લોકોની પાર્ટી થતી ત્યાં સમય વીતતાં એવો સમય આવે છે કે રાજેશ ખન્ના અનેક લોકોને સામેથી ફોન કરી કરીને એમને ત્યાં પાર્ટી કરવા ડ્રિંક-ડિનર માટે બોલાવે છે પણ સૌ એમની કંપની ટાળવા માંડે છે. છેવટે રાજેશ ખન્નાએ પોતાના સુવર્ણકાળની યાદો સાથે સાંજ ગુજારવી પડે છે. આ જગતમાં જેમ કોઇ સુક કે દુ:ખ કાયમી નથી એમ કોઇ પાર્ટી કે કોઇ ઉત્સવ કાયમી નથી. આજે અહંકારના નશામાં રાચતા અને પોતાના જીવનને કદીયે ખત્મ ન થનારી પાર્ટી સમજનારા લોકોએ એ વાત સમજવા જેવી છે-

અચ્છે દિન હોય કે બૂરે દિન, પણ પાર્ટી ચાલતી રહેવી જોઇએ - એ જ મુદ્રાલેખ છે શો બિઝનેસનો કે પછી રંગબેરંગી જીવનનો! તો તમે પણ આજના ગમગીન કોરોના કાળમાં, જૂની પાર્ટીઅપને વાગોળીને અને નવી પાર્ટી ઊજવવાના વિચારોમાં ‘જિંદગી’ નામની પાર્ટી ઊજવતા રહેજો!

એન્ડ ટાઈટલ્સ

આદમ: પાર્ટીનો મૂડ આવે છે!

ઈવ: તો આજે રંગબેરંગી માસ્ક પહેરી લે! ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1p356T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com