Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સુનીતામાં સુનીતિ જડી નહીં અને કાનાણીએ પ્રકાશ કોઇ પાડ્યો નહીં
તહોમતનામું - એષા દાદાવાળા

આજનું તહોમતનામું સત્તાના નશા સામે. સુરતની એક ઘટના બહુ ચર્ચાઇ. બંને સિંઘમ બન્યા. એક મિત્ર આગળ અને એક પ્રજા આગળ. બંને સત્તાના મદમાં ચકચૂર હતા. ભૂલ બંનેની હતી. આરોગ્ય મંત્રીના દીકરાએ કરફ્યુ દરમિયાન બહાર નીકળેલા મિત્રોને છોડાવવા જવાની ભૂલ કરી અને પ્રજા વિડિયો ઉતારે તો મોબાઇલ તોડી નાખનારી પોલીસ ખુદ વિડિયો ઉતારી રહી હતી.

દારૂના નશા કરતાં પણ સત્તાનો નશો વધારે ખતરનાક હોય છે. દારૂનો નશો શરીરને પાયમાલ કરી નાખે છે પણ સત્તાનો નશો તમારી સત્તાને જ ખતમ કરી નાખે છે. સત્તાના નશાએ સુનીતા યાદવને એ ભુલાવી દીધું કે કાયદાનો પાવર તો એની પાસે જ હતો. કારના ડેસ્કબોર્ડ પર મુકાયેલા પાટિયાને હટાવવાથી એમ.એલ.એ.ની ખુરશીને હલાવી શકાતી નથી એવું સત્તાનો મદ ભુલાવી દેતો હોય છે. આરોગ્ય મંત્રીનો દીકરો નસીબદાર હતો કે એની સામે ઊભેલી પોલીસ સત્તાના મદમાં ચકચૂર હતી. બાકી, અડધી રાત્રે રસ્તા પર ઊભેલી પોલીસનો પાવર દેશના રાષ્ટ્રપતિ કરતાં વધારે હોય છે. ફરજમાં રુકાવટનો ગુનો માત્ર દાખલ કરાયો હોત તો આરોગ્ય મંત્રીએ સુનીતા યાદવને સામેથી ફોન કરવો પડ્યો હોત.

આપણે સૌ આપણને મળેલી સત્તાના નશામાં દિવસ-રાત ચકચૂર રહેતા હોઇએ છીએ. સંબંધોથી લઇને બિઝનેસ આ દરેક ક્ષેત્રમાં આપણે આપણને મળેલી સત્તાનો નકામો ઉપયોગ કરતા રહીએ છીએ. ‘હું કોણ છું...’ એવી ઓળખાણ આપવામાં ને આપવામાં આપણે સાચે જ ભૂલી જઇએ છીએ કે આપણે ખરેખર કોણ છીએ! પાવરફુલ માણસ આતંકવાદી કરતાં પણ વધારે ખતરનાક હોય છે. પાવર ક્યારેય બતાવવાનો નથી હોતો, એનો અનુભવ કરાવવાનો હોય છે માત્ર. પાવરફુલ વ્યક્તિ વધારે બોલતી નથી હોતી. દુર્યોધને પોતાના પાવરને ઓવર-એસ્ટીમેટ કર્યો અને એટલે એણે કૃષ્ણની પસંદગી કરવાને બદલે એમના સૈન્યને પસંદ કર્યું. પાવરને સમજનારા અર્જુને કૃષ્ણને પસંદ કર્યા.

આરોગ્ય મંત્રીનો દીકરો અડધી રાત્રે કોઇના માટે ટોસિલિઝુમાબ ઇંજેક્શન શોધવા નીકળી પડ્યો હોત અથવા તો ઇંજેક્શન ન આપનાર ડોક્ટર કે ફાર્માસિસ્ટ સામે એણે દાદાગીરી કરી હોત તો પિતા આરોગ્ય મંત્રી હોવાનો પાવર સાચી જગ્યાએ વપરાયો હોત. એવી જ રીતે કોરોનાના કરફ્યુ દરમિયાન બહાર નીકળેલા છોકરાઓ ઉપર પોતાનો તમામ પાવર વાપરી નાખવા કરતાં સુનીતા યાદવે દારૂ ભરેલી ગાડી પકડવા માટે કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરતા લોકો માટે પાવર બચાવીને રાખવાની જરૂર હતી. પાવરનો ઉપયોગ ક્યાં કરવો અને ક્યારે કરવો એની સમજ હોવી ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે કે પાવર હેઝ અગ્લી ફેસ અને એટલા માટે જ તમારે એને મખમલી મોજામાં પહેરીને રાખવો પડે છે જેથી એ કોઇને ડંખી ન જાય.

સંબંધોમાં પણ આપણે સત્તાના પાવરતળે લાગણીઓને કચડાવી દેતા હોઇએ છીએ. લગ્ન કરી લીધા પછી પતિ-પત્ની બેઉને એકમેક પર રાજ કરવાની આજીવન સત્તા મળી જતી હોય છે અને એ સત્તાના નશામાં પથારી પર રોજ ને રોજ યુદ્ધો ખેલાતાં રહે છે. દરેક સત્તાને એક ‘ટેગ’ હોય છે. જ્યારે જ્યારે આ ‘ટેગ’ તમારા પર હાવી થઇ જાય ત્યારે ત્યારે તમે એક-એક પગથિયું ઉપર ચડવાને બદલે નીચે ઊતરતા જાવ છો. પાવર તમને મળેલા ટેગમાં ક્યારેય પણ હોતો જ નથી. પાવર મૌન રહેવાના તમારા મિજાજમાં હોય છે. ક્યારે ન બોલવું એની સમજણમાં હોય છે.

‘ગોડફાધર’માં ડોન કોર્લિઓને કહે છે કે બ્રીફકેસ લઇને આવેલો લોયરગન લઇને ઊભેલા માણસ કરતાં વધારે પૈસા ચોરી શકે છે. આપણે હંમેશાં પાવરની ગન લઇને ફર્યા કરીએ છીએ. એવું માનીએ છીએ કે આપણા હાથમાં ગન જોઇને સામેવાળી વ્યક્તિ ડરી જશે, આપણને સરંડર થઇ જશે પણ બ્રીફકેસમાં બધું સમેટીને એ ક્યારે આગળ નીકળી જાય છે એની આપણને ખબર જ પડતી નથી.

આપણે હંમેશાં ખુરશીનું સન્માન કરીએ છીએ, વ્યક્તિનું સન્માન કરતા નથી અને એટલે જ ખુરશી જતાં પાવર પણ જતો રહે છે.

મોબાઇલને ચાર્જ કરવા માટે પાવરબેંક આવે છે. સત્તાના પાવરને સાચવી રાખવા માટે આપણા મનની અંદર ક્યાંક ઊંડે આવી એક પાવરબેંક સાચવી રાખવાની ખૂબ જરૂર છે. માત્ર ધ્યાન એટલું રાખવાનું છે કે મોબાઇલની બેટરી ઊતરી જાય, ક્યાંય પણ ચાર્જિંગ માટે પ્લગ મળી ન રહ્યો હોય ત્યારે અને ત્યારે જ પેલી પાવરબેંકના પાવરનો ઉપયોગ કરવાનો છે.

બાકી સુનીતા યાદવની જેમ પાવરનો ઉપયોગ કારના ડેસ્કબોર્ડ પર મૂકેલું પાટિયું ઉતારવા માટે કરવા માંડશો તો પાટિયાવાળી તમારા કારના ફોટોગ્રાફ્સ પણ ફરતા થઇ જશે, ચોઇસ ઇઝ યોર્સ!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3T73T34
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com