Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
અસહમતીનો અવાજ અને કટ્ટરતાની અંધભક્તિ
મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી

રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષના વિદ્રોહી નેતા સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલે હાઈ કોર્ટને દખલ કરવાનો અધિકાર નથી, તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં મનાઈહુકમ મેળવવા માટે ગયેલા રાજ્યની વિધાનસભાના સ્પીકરની અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ‘લોકશાહીમાં અસહમતીના અવાજને દબાવી ના શકાય. અગાઉ આ જ મામલે રાજસ્થાન હાઈ કોર્ટમાં પાયલટના વકીલ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી કે પક્ષની અંદર અસહમતીના કારણે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા તે અભિવ્યક્તિની આઝાદીનું ઉલ્લંઘન છે.’

સુપ્રીમ કોર્ટના આ નિરીક્ષણના વ્યાપક સૂચિતાર્થ છે. ભારતની રાજનીતિ ભિન્નમતની બુનિયાદ પર ઊભી થઇ છે, કારણ કે એના મૂળમાં એક માનવીય સચ્ચાઈનો સ્વીકાર છે: એકબીજા સાથે અસહમત થવું એ માણસની સ્વાભાવિક વૃત્તિ છે. આ દુનિયામાં એકપણ માણસ એવો નથી જે કોઈ ને કોઈ બાબતને લઈને કોઈની સાથે અસહમત ના હોય. માણસની માણસ બનવાની, તેના ‘સ્વ’ની રચનાની પ્રક્રિયામાં ‘ના’ની ભૂમિકા હોય છે.

એક બેબી જ્યારે ‘ના’ કહેવાનું શરૂ કરે, ત્યારે જ તેના ‘હું’નો પાયો નખાય છે. સ્વતંત્ર વ્યક્તિત્વ બીજાથી જુદા પાડવામાંથી આવે છે. એવો એકપણ પરિવાર નથી, જેમાં બાળકોને પેરેન્ટ્સ સાથે અને ભાંડુંઓને એકબીજા સાથે મતભેદ ના હોય. જે પરિવાર ભિન્નમતોનો સુમેળથી સામનો કરી શકે છે, તે સંવાદિતા સ્થાપી શકે છે. જે સત્તાવાહી રીતે મતભેદને કચડી નાખે છે, તે વિદ્રોહને જન્મ આપે છે.

આ આજનું નથી. ભારતમાં અસહમતીનાં મૂળિયાં બહુ જૂનાં છે. ઇતિહાસમાં, સંસ્કૃતિઓમાં પ્રવર્તમાન વિચારો કે મત સામે પ્રતિમતની એક પરંપરા રહી છે. પુરાણમાં આદિ શંકરાચાર્ય અને તેમની પત્ની વચ્ચેનો વાદ-વિવાદ અસહમતીના પાયામાંથી આવ્યો હતો. વૈદિક સમયમાં ગાર્ગીએ બ્રહ્માંડમાં માણસના અસ્તિત્વને લઈને પરંપરાગત માન્યતાઓ સામે વિવાદ કર્યો હતો.

ગ્રીકમાં સોક્રેટિસે પૌરાણિક રૂઢિઓનો વિરોધ કરીને સાર્વજનિક બૌદ્ધિકની ભૂમિકા અદા કરી હતી અને એટલે જ એના પર દેવનિંદા અને નાસ્તિકતાનો આરોપ મૂકી ઝેર આપવામાં આવ્યું હતું. આર્યભટ્ટે જો તત્કાલીન રાજવી જ્યોતિષીઓનાં મત-માન્યતાઓનો વિરોધ કર્યો ન હોત, તો ગેલિલિયોથી હજાર વર્ષ પહેલાં એ સાબિત કરી શક્યો ન હોત કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

યુરોપમાં ગેલિલિયોએ તત્કાલીન ધાર્મિક માન્યતાઓ અને ચર્ચની સત્તાના અભિગમથી વિરુદ્ધ જનસમાજને વૈજ્ઞાનિક સમજ આપવાના પ્રયાસ કરીને આજીવન કારાવાસની સજા વહોરી લીધી હતી. આપણે ત્યાં ગૌતમ બુદ્ધે કર્મ, પૂર્વજન્મ કે આત્માની અમરતાને માનવાનો ઇન્કાર કરીને હિન્દુ દાર્શનિકોનો રોષ વહોરી લીધો હતો અને ‘નાસ્તિક’ના લેબલ સાથે ભારતમાંથી નિષ્કાષિત થયા હતા. બૌદ્ધિક ઋષિ પરંપરામાં ચાર્વાકે પારલૌકિક સત્તાનો ઇન્કાર કરીને પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ રાખ્યો હતો.

કટ્ટરતા એટલે શું? કટ્ટરતા એટલે જે પોતાની માન્યતા, વિચાર, લાગણી અને અભિપ્રાયમાં અટલ છે અને જે કોઈપણ પ્રકારની ટીકા કે સવાલથી પરે છે તે. કટ્ટરતા અંધભક્તિમાંથી આવે. એક વ્યક્તિ, એક પરિવાર, એક સમુદાય કે એક આખો સમાજ તેની માન્યતા અને વિરોધમાં કટ્ટર હોઈ શકે.

‘માત્ર મારો વિચાર અને મારી ભાવના જ સાચી છે અને જે વ્યક્તિના વિચાર મારાથી અલગ છે, તે વ્યક્તિ ગલત છે અને દુનિયામાં જે ગલત છે, તેને દૂર કરવાની આપણી ફરજ છે.’ એક વ્યક્તિને કે પછી પૂરા સંસારને બહેતર બનાવવા માટે જે વ્યક્તિમાં આ પ્રકારનો વિચાર જડાયેલો હોય, તે કટ્ટર કહેવાય. એક નાસ્તિક કરતાં એક આસ્તિક વધુ કટ્ટર હોય છે, તેનું કારણ એ છે કે આસ્તિક એમ માને છે કે તેની પાસે અથવા તેના ઈશ્ર્વર કે ગુરુ પાસે તમામ સવાલોના અસલી જવાબો છે અને તમામ સમસ્યાઓનાં સમાધાન છે અને તેણે હવે બીજું કશું કરવાની જરૂર નથી, માત્ર પાલન જ કરવાનું છે. આમાંથી તેમનો અહંકાર મજબૂત થાય અને કટ્ટરતા જન્માવે. ધાર્મિક લાગણીઓ એટલે જ બહુ આસાનીથી દુભાય છે.

જેની લાગણી દુભાતી હોય, તે વ્યક્તિ કટ્ટર હોય, કારણ કે તેને મન તેની લાગણી સાચી અને સર્વોચ્ચ છે અને તેનો આગ્રહ હોય કે તમામ લોકોએ તે લાગણીને માન આપવાનું, પછી એ લાગણી ધાર્મિક હોય, સામાજિક હોય, પારિવારિક હોય કે વ્યક્તિગત હોય. મારા ભગવાનને કશું કહેવાનું નહીં, મારા ગુરુ વિશે ઘસાતું બોલવાનું નહીં, મારા પરિવારને કશું કહેવાનું નહીં, મારા ઝંડા માટે ગમે તેમ ના બોલતા, મારા નેતા વિશે કશું બોલતા નહીં, મારી મા સુધી ના જતા, મારા છોકરા માટે એકફેલ ના બોલતા, મારા વિશે સંભાળીને બોલજે... આ કટ્ટરતા!

કટ્ટર વ્યક્તિ પણ રૂઢિચુસ્ત હોય છે, પણ એની રૂઢિમાં પરિવર્તનની શક્યતા નથી. તેનું સત્ય અંતિમ હોય છે. તેની ટીકા કે વિશ્ર્લેષણ ના થઇ શકે. તેમાં સંદેહને કોઈ સ્થાન ના હોય. તેમાં અસહમતી કે પ્રતિ-વિચારની સંભાવના ના હોય. કોઈ તેની વિવેચના કરે, તો પણ તે સમર્થનમાં જ હોય. કટ્ટરતામાં મતભેદની જગ્યા નથી હોતી. દાખલા તરીકે જર્મનીમાં નાઝીઓ તેમની આર્યોની શ્રેષ્ઠતાના સિદ્ધાંતમાં એટલા કટ્ટર હતા કે લાખો યહૂદીઓને ‘ગંદા’ ગણીને મારી નાખ્યા હતા. તેમણે તેમની થિયરીના સમર્થનમાં વિજ્ઞાન પણ વિકસાવ્યું હતું. પશ્ર્ચિમનાં રાષ્ટ્રોએ તેમની માન્યતાનો વિરોધ કર્યો, તો તેમણે યુદ્ધ છેડી દીધું.

ભારતમાં અસહમતીની ભાવના ખતરામાં છે. આપણે ત્યાં સાંપ્રદાયિક અસહિષ્ણુતાનો લોહિયાળ ઈતિહાસ હતો જ, હવે તેમાં અસહમતીની અસહિષ્ણુતાનો ઉમેરો થયો છે. જ્યારથી દેશમાં સોશિયલ મીડિયાનો પ્રભાવ વધ્યો છે, ત્યારથી (રાજકીય પક્ષોના આઈટી સેલની મહેરબાની અને મદદથી) જુદો મત કે વિચાર કે માન્યતાવાળા લોકોને નિશાન બનાવવાનું પણ શરૂ થયું છે. અસહમતીનો સ્વીકાર તમને ઉદાર બનાવે છે. સુપ્રીમ કોર્ટ જ્યારે કહે કે લોકશાહીમાં અસહમતીના અવાજને દબાવી ના શકાય, ત્યારે તે ઉદારતાનો પક્ષ લે છે. કટ્ટર સમાજમાં અસહમતી માટે જગ્યા નથી હોતી.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8g532j
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com