Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
આજના યુવાનો નાની નાની વાતમાં મૂંઝાઈ જાય છે
ઓપન માઇન્ડ - નેહા મહેતા

કેમ છો મારા વહાલા વાચક મિત્રો, મજામાં છોને? પ્લીઝ મજામાં રહેજો. ઝાઝી ચિંતા કરવાથી કાંઇ જ નહીં ઊપજે સિવાય માથાનો દુખાવો. અને જો વાત માથે ચઢવા દો તો પછી તો માથું ફાટી જ જાય ને પછી કેવાં પરિણામો આવે છે તે દરેક જણ જાણે જ છે. મારી આ વાત ખાસ આપણા પરિવારનાં બાળકો માટે છે. જેઓનો અભ્યાસ તેની પદ્ધતિ અને દિનચર્યા હમણાં રઝળી ગઇ છે. ઘણા બધા લોકોને માનસિક ત્રાસ વધવાના કારણે પરિસ્થિતિ ગંભીર થઇ રહી છે જે સારી વાત નથી. પરિસ્થિતિઓ બદલાતી જ રહી છે ને બદલાતી જ રહેવાની. એમાં આપણે પરિસ્થિતિને કેટલા અનુકૂળ થઇને રહીએ છીએ તે આપણને મારશે કે જિવાડશે અને મારી એક વાત યાદ રાખજો મિત્રો લોકોને ખુશ કરવા કે લોકો શું કહેશે કે મારી આ પરિસ્થિતિ વિશે બીજા શું વિચારશે તેવું જો તમે વિચારશો તો તો થઇ રહ્યું તમે કાંઇ નહીં કરી શકો. તમારે જાતે જવાબદાર બનવું જ રહ્યું.

મિત્ર મને દુખ થાય છે કે મારા દેશવાસીઓ આમ કોઇ પણ પરિસ્થિતિ આવે ને તરત દુખમાં હોમાઇ જવાનું વિચારે તો અમારા બધાનું આટલું બધું વિચારી વિચારીને તમારા માટે લખવાનું તમારા સુધી પહોંચવાની જે કોઇ પણ મહેનત છે તે એળે જાય ને એના કરતાં તમે મારી સાથે તમારી વાતો શેર કરો. આપણે નાની નાની મૂંઝવણો દૂર કરી જીવન સારી રીતે જીવી જઇએ. જેમ આપણા એક યુવા વાચકમિત્ર છે જેમણે તેમના મનની મૂંઝવણ મને કહી ને મને ખરેખર દુખ થયું કે ભગવાન લોકો આટલી નાની નાની વાતને લીધે હારી જાય છે તો મારા જીવનની તકલીફોથી જો હું હારી ગઇ હોત તો આટલી મજલ પાર કેવી રીતે કરી હોત. આવો આપણા આ યુવા વાચક મિત્રના મનમાં શું મૂંઝવણ છે તે જાણીએ.

આ પત્ર અંગ્રેજીમાં લખાયો છે જેને હું ભાવના બદલાઇ ન જાય ને વાચકમિત્રની ભાવનાને માન આપીને શબ્દસહ તેનું રૂપાંતર કરી તમારી સમક્ષ મૂકું છું. મારું નામ મોનીશ ગુલાટી છે. હું દસમા ધોરણમાં ભણું છું. મારે એ જાણવું છે કે હું અભ્યાસમાં કેવી રીતે મન લગાવી શકું. મારે એકાગ્રતાથી ભણવું છે પણ હું જે મહેનત કરું છું તે પૂરતી નથી. મને લાગે છે કે હું આનાથી વધારે સારું પરફોર્મ કરી શકું એમ છું. પણ હું અભ્યાસમાં મન પરોવી શકતો નથી. હું કાયમ મારા ભવિષ્ય માટે વિચાર કરું છું કે મારે કયા ક્ષેત્રમાં જવું છે. એને કારણે મારી તાણ વધી જાય છે અને હું ચીડિયો થઈ જાઉં છું. ઘણી વાર તો મને અભ્યાસ છોડી દેવાનો વિચાર પણ આવે છે. મને સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ ટોર્ચર કરે છે, હું જાણું છું કે શાળામાં તે સામાન્ય વસ્તુ છે, પણ મને એનાથી માનસિક ત્રાસ થાય છે. તે વિદ્યાર્થીઓ મારાં માતા-પિતા વિશે ગમે તેમ વાતો કરે છે, પણ ખૂલીને કશું બોલતા નથી. હું મારા શિક્ષકોને એની ફરિયાદ કરું છું તો તેઓ એને ગંભીરતાથી નથી લેતા. મને એનાથી બહુ લાગી આવે છે અને મને એવા વિચારો આવે છે કે હું શા માટે જીવું છું. હું જરાય ખુશ નથી. મને માર્ગદર્શન આપો કે મારે શું કરવું.

હંહંહંહં. મિત્ર તમારા મનની મૂંઝવણ માટે મેં મારા વડીલ મિત્ર મિહિર દેસાઇજીને વાત કરી. જેઓ એક સ્કૂલના ડાયરેક્ટર અને અન્ય બે-ત્રણ શાળાના ટ્રસ્ટી પણ છે. મિહિરજી કરિયર કાઉન્સેલર,મોટિવેશનલ સ્પીકર, પેરેન્ટિંગ એક્સપર્ટ તથા એડ્યુકેશનિસ્ટ છે. તેઓ કહે છે કે મોનીશ, તું ખરેખર ખૂબ સુખી છે. તને માનવ અવતાર મળ્યો છે. તું તંદુરસ્ત છે. માતા-પિતાના આશીર્વાદ છે. તું શાળામાં ભણવા જાય છે. તું પ્રયત્ન કરે છે. તું વિચારી શકે છે. દુનિયામાં ઘણા લોકો એવા છે કે તને જે સુખ મળ્યું છે તે સુખ બીજાને મળ્યાં નથી છતાં જ ખૂબ આનંદ કરતા હોય છે. તારી પાસે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે કે ખાલી છે તેનો વિચાર સદા દુ:ખી કરે છે તારે સુખી થવું હોય તો એમ વિચાર પાણીનો ગ્લાસ તારા હાથમાં છે. તું ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. તું એમ વિચાર તારે શું કરવું છે? ને તું શું કરી શકે છે? તને કેટલું આવડે છે? અને તું કેટલું તૈયાર કરી શકે છે? આ પોઝિટિવ વિચાર તને સફળ બનાવશે.

ફોકસ શબ્દનો અર્થ એકાગ્રતા, વિશ્ર્વાસ, આત્મવિશ્ર્વાસ, મન, સભાનતા, પોતાનો અભિગમ, પ્રેક્ટિસ, રિયાજ, સમજ, માનસિક અને શારીરિક સ્થિતિ, પોતાનો ઈગો, કોઈનો ડર, છુપાવવું વગેરે કાર્ય સાથે જોડાયેલો છે. આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે પોતાની જાતને ઓળખો. તમે જ તમારી જાતને ખુશ કરી શકો છો. અને તમે જ તમારી જાતને બદલી શકો છો. તમે તમારા કાર્યમાં ખુશ હશો તો આપોઆપ તમે તમારા કાર્યને ફોકસ કરી શકશો. અન્યની વાત કદાચ આપને સાંભળવી કે અનુસરવી પસંદ હોતી નથી માટે આપણે દુ:ખી થઈએ છીએ અને વ્યક્તિ માટે અણગમો મનમાં અનુભવીએ છીએ. જો વાત કદાચ આપણા માટે સત્ય હોય, જરૂરી હોય અને જો તે આપનું જીવન સફળ બનાવી શકે તો તે વાતને આનંદથી સ્વીકાર કરવો જોઈએ. એક પથ્થર પર અનેક ટાંચણાં પડે છે. ત્યારે ઈશ્ર્વરની મૂર્તિ બને છ.ે અનેક લોકો શ્રદ્ધાથી માથું ઝુકાવે છે. પથ્થર પર પડતા ટાંચણાં પથ્થરને આકાર આપે છે અને આધ્યાત્મિક ભાવ પ્રગટ કરે છે. કદાચ તમારા પર પડતા ટાંચણાં તમને પસંદ ન હોય, પરંતુ એમ વિચારવાનું છે કે એક પથ્થર મૌન ધારણ કરી પોતાના પર પડતા ટાંચણાં સહન કરી પોતાની સમજ અને ધીરજથી ઈશ્ર્વર બને છે. તો આ જ સમજ અને ધીરજ તમને સફળ વ્યક્તિ બનાવી શકે છે. હતાશાનું મુખ્ય કારણ નિષ્ફળતા નથી, પરંતુ સહનશક્તિ અને સમજશક્તિ વચ્ચેના યુદ્ધનું પરિણામ છે. તમને મળેલો જન્મ ઈશ્ર્વરે આપેલા કાર્ય કરવાનો અવસર છે. કેટલાક ચોક્કસ કાર્ય માટે તમારું સર્જન કરેલ છે. તમારું જીવન સમગ્ર માનવજાત માટે વરદાન છે. જો તમે આ કાર્ય છોડીને અધવચ્ચે ચાલ્યા જશો તો તમારી સૌથી મોટી ભૂલ છે. તમે વિશ્ર્વના પ્રત્યેક સફળ વ્યક્તિના જીવનને ઓળખો તો અનેક નિષ્ફળતા બાદ પોતાના કાર્યને દૃઢ સંકલ્પથી અને પોતાના આત્મવિશ્ર્વાસ અને મહેનતથી સફળતા પ્રાપ્ત કરી પોતાનું જીવન અનેક માટે આદર્શ બનાવી શકે છે માટે મોનીશ ગઈ કાલ કદાચ તારા માટે અવરોધ હતી, પરંતુ વર્તમાન અને આવતી કાલ તારો સુવર્ણયુગ છે. અનેક અવસર આવશે તેવી મને ખાત્રી છે.

મિત્રો, આવી પરિસ્થિતિ અત્યારે ઘણાં ઘરોમાં સર્જાઇ રહી છે. મારી વિનંતી છે મારા વાચકમિત્રોને કે તમારી સાથે તમારી આજુબાજુ પણ જો કોઇ બાળકો હોય તો તને પણ અમારો લેખ વંચાવજો. ને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમો અમારો આ સહકાર તમારી સાથે સારી સલાહ મુજબ અપનાવો અને ખુશ રહો. મોનીશભાઇના પત્રનો બીજો ભાગ આવતા રવિવારે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

442Ho6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com