Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
ગહલોત સરકારને માથે લટકતી તલવાર
કારણ-રાજકારણ - ડૉ. હરિ દેસાઈ

રણછોડરાય નેતૃત્વ આશાવાદને રોળે - નેતાઓ ભૂલે છે કે ઘર ફૂટ્યે ઘર જાય - ચોમેર દોમદોમ સાહ્યબીની મેનકાઓઆખો જુલાઈ મહિનો જયપુરની કોંગ્રેસી સરકારને મામકાઓ અને સામેવાળાઓના ટેકે ઉથલાવવાની કવાયતમાં વીત્યો. હજુ ૧૪ ઓગસ્ટે વિધાનસભા મળે ત્યાં લગી કયા વાડામાંથી કોણ કઈ તરફ ગતિ કરશે એ કહેવું મુશ્કેલ છે. પોતાના પક્ષના ધારાસભ્યોને ફોડવાના ભાવ વધારી દેવાયાનું મુખ્ય મંત્રી પોતે જ કહે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાધનશુદ્ધિ અને રાજકીય સુચિતાનું રટણ કરનારા આપણા સર્વપક્ષી નેતાઓ એનું કેટલું પાલન કરે છે એનો અંદાજ આવી જ જાય છે. ૨૦૦ સભ્યોની ધારાસભામાં બહુમતી ધારાસભ્યો પોતાની કને હોવાનું એકથી વધુ વખત શક્તિપ્રદર્શન કરી ચૂકેલા મુખ્ય મંત્રી અશોક ગહલોતના પરિવારજનો અને મળતિયાઓ પર કેન્દ્રની દરોડા એજન્સીઓની ધોંસ વધારાયા છતાં સરકાર હજુ અકબંધ છે. સુપ્રીમ કોર્ટના બોમ્માઈ ચુકાદા મુજબ રાજભવન કે રાષ્ટ્રપતિ ભવનમાં શક્તિપ્રદર્શન કરવાનો કોઈ અર્થ નથી; શક્તિપ્રદર્શન તો ધારાગૃહમાં જ થાય એ પ્રમાણભૂત મનાય. સાથે જ રાજીવ ગાંધીના યુગમાં લવાયેલા પક્ષાંતર વિરોધી ધારા કે એમાં અટલ બિહારી યુગમાં કરાયેલા સુધારા છતાં કાયદાની છટકબારીથી કે પ્રજાને માથે નવી પેટા ચૂંટણીનો બોજ લાદવા રાજીનામાં આપીને ફરી ચૂંટાઈ આવવાના હાથવગા ખેલ થકી તો પક્ષાંતર વિરોધી ધારાનું પણ ચરિત્રહનન થઇ ચૂક્યું છે.

સ્વજનોની જ સત્તા

કાજે નારાજગી

રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તાપલટો આવે છે. ભાજપનાં વસુંધરા રાજેની સરકાર પછી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ કરતાં કોંગ્રેસ ખાસ્સી આગળ નીકળી ગઈ. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાજપને ૨૪ કરોડ મત મળવાની સામે કોંગ્રેસના એ વેળાના અધ્યક્ષ રાહુલ ગાંધીની કોંગ્રેસને ૧૨ કરોડ મત મળ્યા. બીજા પક્ષોને મળેલા મતનો આંકડો જુદો. ૧૨ કરોડ મતદારોએ રાહુલ ગાંધીમાં વિશ્ર્વાસ મૂક્યા છતાં એ રણછોડરાય થઇ જાય, અધ્યક્ષપદ છોડીને ત્રણ-ત્રણ મહિના સુધી કોંગ્રેસનું ખેતર રેઢું મૂકે તો સ્વાભાવિક છે કે એનું ભેલાણ કરવા ભણી કોઈનોય ડોળો હોય. કર્ણાટક, મધ્ય પ્રદેશ પછી રાજસ્થાનનો વારો કાઢવામાં આવે અને એના પછી મારાઓ ઝારખંડ ભણી નજર કરવાના હોય એવા સંજોગો આકાર લઇ રહ્યા છે. જે પક્ષનું નેતૃત્વ જ ભાગેડુ હોય અને બાર-બાર કરોડ લોકોના ભરોસા છતાં એનું નેતૃત્વ જ દ્વિધાપૂર્ણ અવસ્થામાં હોય ત્યારે અન્યોને શિરે દોષનો ટોપલો ઓઢાડવાને બદલે ગંભીર આત્મચિંતન કરવાની જ ઘડી છે. પોતાની કને ૨૦૦ની વિધાનસભામાં ૧૦૨ કરતાં વધુ ધારાસભ્યોનો ટેકો નક્કર હોય તો વિધાનસભા સત્ર બોલાવવાની શી જરૂર એવા રાજભવન ભણીથી આવેલા પ્રશ્ર્નમાં જ રાષ્ટ્રપતિ શાસનના ભણકારા જાદુગર મુખ્ય મંત્રી ગહલોતને ના સંભળાય એટલા અપરિપક્વ તો એ નથી. રાહુલ બ્રિગેડના નેતાઓ હરિયાણા કે મધ્ય પ્રદેશ કે અન્ય પ્રાંતોમાં ભાજપમાં ભળવામાં જ ઉજ્જ્વળ ભાવિ નિહાળતા હોય તો ગહલોત જેવા જૂની પેઢીના લોયલિસ્ટ પોતે જ પોતાનું સંભાળી લે એવું અપેક્ષિત હતું. રાજસ્થાનની કોંગ્રેસની સરકારને ટકાવવા કે તોડવાનો કકળાટ હવે એક હોટેલ કે રિસોર્ટથી બીજાં સ્થાનકો ભણી ગતિ કરી રહ્યો છે. રાજ્યપાલ કલરાજ મિશ્રે અંતે ૧૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ વિધાનસભાનું સત્ર બોલાવવા માટે લીલી ઝંડી આપી. મુખ્ય મંત્રી અશોક ગહલોત અને એમના નાયબ મુખ્ય મંત્રીમાંથી ૧૯ ધારાસભ્યો સાથે બગાવતના સૂર કાઢવા છતાં હજુ હું કોંગ્રેસમાં જ છું એવા હાકલાદેકારા કરનારા સચિન પાયલટ પ્રત્યક્ષ નહીં તો પરોક્ષપણે કોની કઠપૂતળી બનીને નર્તન કરે છે એ હવે અજાણ્યું નથી. એમનાં મનામણાં હવે પડતાં મુકાયાં છે. એમની છાવણીના કેટલાક ધારાસભ્યો પણ સ્વગૃહે પાછા આવી રહ્યાના સંકેત મળે છે. મામલાઓ અદાલતોમાં અટવાયા કરે અને ધારાગૃહના વિશેષ અધિકારો તેમ જ અધ્યક્ષની ગરિમાનો લોપ થવાનો યુગ બેઠો લાગે છે. દેશ આખો એક પક્ષ કે એક મોરચાના શાસન ભણી ધકેલાઈ રહ્યો હોય ત્યારે લોકશાહીની વ્યાખ્યાઓ પણ નવાં કલેવર ધારણ કરવામાં હોય એવું લાગે છે.

ગહલોત સામે પાયલટની દ્વિધા

કોંગ્રેસના મોવડીમંડળની ઘર ફૂટ્યે ઘર જય એવી અવસ્થાનું આભ ફાટ્યું હોય ત્યાં થાગડથીગડ ક્યાં લગી ચાલશે એ પ્રશ્ર્ન પણ છે. કોંગ્રેસ નેહરુ-ગાંધી પરિવારમાં જ નેતૃત્વની અપેક્ષા કરીને બેઠી થવા માગતી હોય તો એણે ઇન્દિરા ગાંધીની જેમ કિલર્સ ઇન્સ્ટિંક્ટ જેવી મનોવૃત્તિ કેળવવી પડે. માર્ચ ૧૯૭૭માં સ્વયં વડાં પ્રધાન ઈન્દિરાજી પણ હાર્યાં હતાં, પણ એ ૧૯૮૦માં ભારે બહુમતી સાથે સત્તામાં પાછાં ફર્યાં હતાં. આવું નેતૃત્વ નેહરુ-ગાંધી પરિવારમાં ન હોય તો એણે બહારના નેતાઓને અધ્યક્ષ પદ સોંપવાની તૈયારી રાખવી પડે. કોઈક અકળ કારણસર પ્રિયંકા ગાંધીને સુકાન સોંપવામાં ના આવ્યું અને પરાજયની પરંપરાઓમાં પક્ષ અને એના કાર્યકરો વેરવિખેર થવા માંડે ત્યારે અન્યોને દોષ દેવાનો કોઈ અર્થ નથી. રાખમાંથી બેઠા થવાના કોંગ્રેસના ઈતિહાસને ફરી સાકાર કરવા માટે એણે માત્ર ચિંતન બેઠકો કે વિચારણા કરવાને બદલે પ્રજા સાથે સીધો સંવાદ સ્થાપિત કરી પ્રજાલક્ષી કામોમાં જોતરાઈ જવું પડે. ભાજપ અને એની માતૃસંસ્થાના આક્રમણને ખાળવા માટે વાતોનાં વડાં ચાલે નહીં, એના માટે તો સત્તાપક્ષમાં પણ ભાજપની નેતાગીરી કને જે આક્રમકતા છે એ કોંગ્રેસે આત્મસાત્ કરવી પડે. અન્યથા ભાજપની આવતાં પચાસ વર્ષ રાજ કરવાની ઘોષણા સામે ચાલીને કોંગ્રેસીઓ જ સાચી પડાવશે.તિખારો

ગાંધી ક્યાંક હશે ભારતમાં

ગાંધીના સપનાનું ભારત આજ કઈ હાલતમાં?

ગાંધી ક્યાંક હશે ભારતમાં!

તેઓ રાજઘાટની સમાધિ

આપણ આધિ, વ્યાધિ, ઉપાધિ (૨)

સત્તા, પદ, સંપદમાં

ગાંધી ક્યાંક હશે ભારતમાં!

ગાંધીના સપનાનું ભારત આજ કઈ હાલતમાં?

ગાંધી ક્યાંક હશે ભારતમાં!

(નારાયણ દેસાઈની ગાંધીકથામાંથી)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j5871N
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com