Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
શહેરમાં દોડાદોડી કરતો માનવી ભીંસમાં ડરતો ડરતો સમાઈ જાય છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરઆ શહેર...

આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં,

આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં.

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભોે, આ ઘટનાઓ,

આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં.

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે,

ભરતી છે: દરિયો શું શું નહીં ડુબાવી દે, કહેવાય નહીં.

સપનાંના છટક રસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ

પાંપણનું ખૂલી પડવું પાછી સપડાવી દે, કહેવાય નહીં.

દૃશ્યો-દૃશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ,

રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં.

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે,

કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં.

- રમેશ પારેખ

--------------------

‘લયના રાજવી’ કવિ રમેશ પારેખ. પૃથ્વી પર મોકલતી વખતે કવિના હાથનો ખોબો અમૃત બિંદુઓથી ભરેલો અને કહેલું કે ‘આમાંથી એક બિંદુ પણ પૃથ્વીની માટીમાં ભળશે તો ચમત્કૃતિ સર્જાશે. એની વાત તને હું હમણાં નહીં કહું.’ અને ખરેખર કવિ રમેશ પારેખે એક એક બિંદુ પૃથ્વી પર વેર્યાં અને એમાંથી ગુજરાતી ભાષાના સદ્ભાગ્યે અનન્ય કાવ્યરચનાઓ સર્જાઈ. ખરેખર, ઈશ્ર્વર વિરહથી વ્યાકુળ કવિ રમેશ અકાળે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા અને એમની અમર રચનાઓને આપણે જોતાં રહ્યાં. જતાં જતાં કવિ રમેશ સહૃદય પ્રેમીઓના અંતરે વણરુઝ્યો જખમ કરતા ગયા. એમનાં કાવ્યો સમગ્ર માનવજીવનને અનુલક્ષીને સર્જાયાં અને શબ્દ વૈભવના આ રાજવીએ વિવિધ કવિતાઓ રચી. હૃદયસ્પર્શી પંક્તિઓ આપવા છતાંય કવિ રમેશે પોતાનું આત્મગૌરવ ક્યારેય ન ખોયું. કવિ સર્જિત આકાશમાં અભિવ્યક્તિના પંખીઓ ગાતાં જ રહ્યાં. એ નખશિખ કવિ હતા. ગીત, ગઝલ, સોનેટ, છાંદસ ને અછાંદસ કવિતા એ તો કાવ્ય વિવેચકોએ કવિતાને આપેલું વિશેષ સ્વરૂપ વૈવિધ્ય છે, પરંતુ કવિ રમેશ પારેખ જન્મદત્ત કવિ હતા. માણસને એ ચાહતા પણ એના હૈયાની ભીતર કવિતાનો મુકામ કેવો અને કેટલો છે એ પણ જાણી લેતા. અમરેલીની ‘અમર વેલ’નું એ સદા હરિયાળું પાન હતા. કવિતાની હરિયાળી પર ધીમું ધીમું મલકતા, ઘૂમતા, કવિનો પ્રસન્ન - ઉદાસ ચહેરો આપણને ક્યારેય દેખાવાનો નથી.

કવિ રમેશ પારેખને ધોળો કાગળ અને કલમ આપતાં એના પર કવિતાનું ચિત્ર હંમેશાં અંકાયેલું મળતું. પ્રણયકાવ્ય, ભક્તિકાવ્ય કે માણસની પ્રકૃતિ અને કુદરતના સૌંદર્યનું કાવ્ય જેટલી સહજતાથી કરે એટલી જ સહજતાથી એમણે ગામડા અને શહેર વચ્ચેની પરિસીમાને આંકી છે. શહેરી જીવનનો તિરસ્કાર પણ સૌમ્યભાવે આપે છે. ‘આ શહેર...’ - વરસાદી કવિની આ નગર સંસ્કૃતિની કવિતા માણીએ. આધુનિક કવિઓની પંક્તિમાં સહુથી વધુ જેમની કવિતાઓને હોંકારો મળ્યો છે એ છે કવિ રમેશ પારેખ. શહેરીઓની કુટિલતા જોઈને કવિ ચાબખો વીંઝે છે પણ એ ઘા આકરો નથી લાગતો, કારણ કાજળ અને કંકુ વચ્ચેનો ભેદ કવિ જાણે છે. લયવૈવિધ્ય તો આ કવિનું જ. એટલે જ ભાંખોડિયાભેર ચાલતાં બાળકોનું મુગ્ધજગત પણ કવિનું છે અને ‘વરસાદ ભીંજવે’ની પ્રેમાર્દ્રતા પણ કવિની છે.

કુમારચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક, નરસિંહ મહેતા પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજિતરામ ચંદ્રક અને ધનજીકાનજી સુવર્ણચંદ્રક ઉપરાંત અનેક પારિતોષિકો અને સન્માનો વિ. પ્રાપ્ત કરનાર કવિ રમેશ પારેખ આજે પણ સહૃદયની લાગણીને જીતી શક્યા છે. આ જ સાચો પુરસ્કાર છે. ઈશ્ર્વર પાસે માનવજાતનું પ્રતિનિધિત્વ કરવા સમર્થ છે. માનવજાતની વડાઈને ઈર્ષ્યા વગર પણ ગાઈ શકવા સમર્થ કવિ.

છે તો છ અક્ષરનું કવિનું નામ પણ કવિના શબ્દ ઐશ્ર્વર્યની સામે અક્ષરનો કક્કો પણ ઓછો પડે. એ ભીતરની અભીપ્સાના કવિ છે. નગરની કવિતા રચતાં એ કવિની જેમ તટસ્થ નથી રહી શકતા. કવિ પણ નગરના બનીને નગરને ટોકે છે. કવિતા સ્વની ન રહેતા શહેરીઓની, સર્વની બની જાય છે. એ તો જીવતરનો આહકારો છે એમાં બધા નગરજનો હાથ મેળવે છે.

‘આ શહેર’ રચનામાં નગર સભ્યતાનું વરવું ચિત્ર છે. ગઝલનો મિજાજ કવિએ જાળવ્યો છે. પણ નગરજીવનનું આલેખન અહીં સવિશેષ પ્રાધાન્ય ભોગવે છે. કવિનું સંવેદનશીલ હૃદય સ્થળકાળના ભેદ કરવા છતાં પણ એમાં જ રમતું નથી. ‘મનસૂબા’ કાયમના હોય છે. એ મનસૂબાઓને ઉખેડવા સહેલા નથી એટલે એને પરાજિત બનાવી ઉથલાવે છે. ‘કહેવાય નહીં’ અર્થાત્ કહેવું મુશ્કેલ છે. કવિ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રત્યુત્તરની અપેક્ષા રાખે છે. ચહેરા પર ચિપકતો બીજો ચહેરો એ નકલી હોઈ શકે. અસલિયતને આ શહેરી માનવી કઈ રીતે છુપાવી દે છે! શહેરમાં સાચા માણસને મેળવવો અઘરો છે. પછીના શેરમાં ગઝલકાર અસલ મસ્તીમાં આવે છે, કારણ ચાર શહેરનાં લક્ષણો દર્શાવે છે. સંકેત, અફવા, સંદર્ભ અને ઘટના આ ચાર પ્રવૃત્તિના સ્તંભો છે. ઘટના એ તો આખરે છેલ્લે આવતું ફળ છે. જેને સહુ જોઈ શકે છે. પણ આ ઘટનાનું રૂપ દૃશ્યમાન થાય એ પહેલાં સંકેત, અફવા, સંદર્ભના તબક્કાઓમાંથી પસાર થાય છે. કેટલીક વાતો સંકેત બનીને અટકી જતી હોય છે. કેટલીક અફવાની વરાળ બનીને ઊડી જતી હોય છે અને કેટલીક સંદર્ભને યુદ્ધની ભૂમિકા આપતી હોય છે. આ ત્રણેય તબક્કાઓ ઘટનાના રૂપને અર્થાત્ નકશાના આકારને બદલાવી નાખે છે. આ શહેરની ગડમથલ છે. ગામડાની નિર્દોષ માટીની નથી.

દરિયો પાણીનો હોઈ શકે તેમ માણસોનો પણ હોઈ શકે. દરિયાની ભરતી કંઈકને ડુબાડી દે એ રીતે માણસોની પક્ષાપક્ષી કંઈકને પોતાની ભીતર અદૃશ્ય કરી દેતી હોય છે. સમગ્ર ગઝલમાં વિસ્મય સાથે સાથે ડર છે. શહેરમાં દોડાદોડી કરતો માનવી ભીંસમાં ડરતો ડરતો સમાઈ જાય છે, કારણ કે બધાને કમાવું છે. ચારે તરફથી આર્થિક ચિંતા ડરાવતી હોય છે. શહેરમાં વસતો માનવી પાક્કો તો બને છે પણ શરીરની દૃષ્ટિએ કાચ્ચો બને છે. એ શહેરમાં વસવા માગે છે; રોકડા રૂપિયાની જેમ. ‘લૂનો ચોરસ દરિયો’ વાહ કવિ રમેશ ગામડામાં લૂ વાય ખરી પણ એના એકથી એકવીસ ઉપાય હાજર હોય છે. જ્યારે શહેરની સંકડામણમાં ગૂંગળાતો માનવી ગરમ લૂનો સામનો નથી કરી શકતો. દરેક વ્યક્તિ શ્રીમંત થવા માગે છે. આ લૂના દરિયામાં અનેક આકાંક્ષાઓ ડૂબી જતી હોય છે. ટૂંકમાં આનંદને પણ મોકળાશ નથી મળતી.

ઘડિયાળને કાંટે જોખાતી આ જિંદગી છે. એમાં સપનાને તો ભંડકિયામાં પૂરી દેવાં પડે છે. એ હૈયાનું ભંડકિયું પણ હોય કે આંખોમાં પુરાયેલાં સપનાં પણ હોય. બાકી લૂના ચોરસ દરિયામાં પસીનો એટલો બધો વહે છે કે આપણને ડૂબવું પડે છે. વાસ્તવમાં જેના સપનાં સાચાં પડે એનો સત્કાર સમારોહ કરવો જોઈએ. રમ્ય સપનાં ભવ્ય થવાને બદલે વિકૃત બને છે. ધીરે ધીરે રમેશ ગઝલકાર જાણે એક એક શેરમાં ધાર કાઢી ગઝલને ઊંચે લઈ જાય છે. આવી છે શહેરની વરવી વાસ્તવિકતા. એટલે તો પોતાને ગામને પાદર પહોંચતી વ્યક્તિ હાશકારો અનુભવે છે. આવી છે શહેરની બહાર દેખાતી પ્રગતિ પણ વાસ્તવમાં તો એ અધ:પતનની ઊતરતી ભાંજણી બને છે. જ્યાં ક્ષણે ક્ષણે ચહેરાઓ

બદલવા પડતા હોય ત્યાં મૂલ્ય માપનની નૈતિકતા

ક્યાં રહે છે!

આવી છે શહેરની નિયતિ. માણસો પણ કુંડળીના ગ્રહોની જેમ ‘ઘર’ બદલતા હોય છે. શોષિત ક્ષણો અને તકલાદી યોગનું સામ્રાજ્ય એટલે શહેર. જે પડકાર તો અનેક ફેંકે છે પણ એ બુમરાણની કક્ષાના હોય છે. ગઝલકારની અકળામણ શબ્દોને બેવડાવવામાં છતી થાય છે. ‘ચશ્માં’ને કેન્દ્રમાં રાખીએ તો એ દેખાતું દૃશ્ય જંગલનું પણ હોઈ શકે અને ઝાંખું પાંખું ધુમ્મસિયું પણ હોઈ શકે.

ધબકાર એ તો જીવંતપણાની નિશાની છે. ટાવર, રસ્તા અને માણસનો અધમૂઓ થતો ધબકારો. આમાં ટાવરને ચાવી આપનાર જુદા છે. રસ્તા માણસોથી ધબકતા બને છે અને એ બધામાં સુખી જણાતો માણસ તો કવચિત્ દેખાય છે. બાકી માણસ પણ અરધો-પરધો ધબકે છે, કારણ એના ધબકારનો આધાર શહેરની રીતિ-નીતિ પર છે. આમ પરાધીન માણસનું ચિત્ર આગલા કવિઓથી નિરાળું

બને છે.

અપધો-પરધો ધબકાર અટકાવનાર માણસો જ છે અને એના સંજોગો, આર્થિક પરિસ્થિતિની ભીંસ જાણે એના અર્ધા ધબકારને પણ અટકાવે છે. ચાવી વગરના રહેતા ટાવર, રસ્તા પરની હડતાલની શૂન્યતાને કવિ માણસ પર જ અવલંબિત બનાવે છે.

ધબકતું શહેર અને મદમસ્ત હવામાં ઝૂલતું ગામડાનું માનસ કવિ તુલનાનો અંગુલિનિર્દેશ નથી કરતા પણ પરોક્ષ રીતે સામ્ય-ભેદ દર્શાવે છે. આનું નામ ગઝલકાર રમેશ પારેખ. મને હંમેશ ગમતી કવિની પંક્તિઓ; જે દર્શાવે છે કે રમેશ પારેખ કવિતા દેવીનો આરતીનો દીવો બને છે;

‘શબ્દમાં સહજતાથી જાણે કે

વિષ્ણુ, બ્રહ્મા, મહેશ ખૂલે છે.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0r230Q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com