Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
શિયાળાની વાનગી સ્વાદિષ્ટ ઊંધિયાની શાન ગણાતી ‘સુરતી પાપડી’

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિકઆપ સર્વેને મકર સંક્રાંતિની અનેક શુભકામના....

બાળકોની મનપસંદ વિવિધ આકારમાં ઉપલબ્ધ ફૂદ્દી, ચાંદેદાર, ઢાલ, ચીલ, પૂછડીવાળાં રંગબેરંગી પતંગને આકાશમાં ઊડતાં જોઈને મન આનંદમય બની ગયું હશે. ઉત્તરાયણને દિવસે સમગ્ર ગુજરાત પતંગ ઘેલું જોવા મળતું હોય છે. પતંગ ઉડાવવાની, પેચ લડાવવાની તથા કપાયેલો પતંગ પકડવાનો આનંદ જ અવર્ણનીય હોય છે. નાના-મોટા પ્રત્યેક રંગબેરંગી પતંગ તથા સાંજના સમયે તુક્ક્લ ચડાવવાની કેમ જાણે સ્પર્ધા ન કરતાં હોય તેવું અદભુત દૃશ્ય જોવા મળે છે. ગુજરાતની પ્રજા ઉત્સવ પ્રિય છે. પ્રત્યેક તહેવારને ઊજવવાની રીત પણ આગવી હોય છે. જેમ કે નવરાત્રિમાં ગરબા રમવાની સાથે યુવાવર્ગ રંગબેરંગી ચણિયા-ચોળી તથા કેડિયું પહેરીને રાસ રમવા ભેગા મળે છે. ધરતી પર મેઘધનુષી રંગોની મહેફિલ જામે છે. દિવાળીમાં ઘરના આંગણે રંગોળીમાં મેઘધનુષની ઝાંખી કરાવે છે. ઉત્તરાયણમાં રંગબેરંગી પતંગોની મહેફિલ જમાવીને મેઘધનુષી રંગોને આકાશમાં ઊડતાં કરે છે. વળી આ બધા તહેવારોની ખાસ વાત એટલે કે પ્રત્યેક તહેવારોમાં મોસમને અનુરૂપ સ્વાદિષ્ટ ભોજનની ખાસ વ્યવસ્થા જોવા મળે છે. જેમ કે નવરાત્રિમાં ફરાળી વાનગીનો રસથાળ, દિવાળીમાં ઘેર-ઘેર મધમધતી મીઠાઈ તથા ખાસ તહેવારને અનુરૂપ ફરસાણ બનાવવામાં આવે છે. મઠિયા, સૂંવાળી, ચકરી, સેવ, મગજ, મોહનથાળ, સાટા. ઉતરાણમાં તો પ્રત્યેક ઘરેથી પ્રસરતી મીઠી મધુરી એક જ સોડમ આવતી હોય છે તે છે ગોળ-તલની ચિકીની. ફરસાણની વાત કરીએ તો સ્વાદસભર ઊંધિયું. જી હા, ઊંધિયું. ઉતરાણની મજા ત્યારે જ સંપૂર્ણ બની કહેવાય કે જ્યારે ઉત્તરાયણમાં નાસ્તામાં ચિક્કી હોય તથા ભોજનમાં ગરમાગરમ સ્વાદિષ્ટ ઊંધિયું પીરસાયું હોય. ઊંધિયાની વાત નીકળી છે તો ચાલો જાણી લઈએ ઊંધિયાની મુખ્ય સામગ્રી એટલે ‘સુરતી પાપડી’. લીલીછમ નાની નાની કૂણી કૂણી પાપડીનો શ્રેષ્ઠ ઉપયોગ ઊંધિયામાં જ કરવામાં આવે છે. ‘સુરતી પાપડી’ ‘વાલ પાપડી’ તરીકે પણ ઓળખાય છે. શિયાળામાં બજારમાં મળતાં લીલાંછમ તાજા શાકભાજીમાં પાપડીનું પણ એક આગવું સ્થાન છે. શિયાળામાં ખાસ તાજા મળતાં વટાણા, વાલોળ, પાપડી, તુવેર લીલવા વગેરે દેખાવમાં જેટલાં તાજગી સભર હોય છે તેટલો જ તેમનો સ્વાદ પણ વિશિષ્ટ જોવા મળે છે. વળી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તેમાં અનેક ગુણો સમાયેલા છે. મોસમી લીલાં શાકભાજીનો સ્વાદ આગવો હોય છે. પાપડીનો દેખાવ, રંગ તથા સ્વાદ ખાસ હોય છે. તેની અંદરના દાણા વટાણા કરતાં આકારમાં થોડા ચપટાં હોય છે. હૃદય આકારના તથા એકદમ કૂણા હોય છે. તેને વાલ કહેવામાં આવે છે.

પાપડીનો મુખ્ય ઉપયોગ ઊંધિયું બનાવવામાં થાય છે. વળી સુરતીલાલા તો પાપડી મૂઠિયાનું સ્વાદિષ્ટ શાક પણ બનાવતા હોય છે. પાપડીના દાણા નાખેલ પુલાવ પણ બનાવી શકાય છે. પાપડી-રીંગણનું શાક પણ સ્વાદિષ્ટ બને છે. ઊંબાડિયામાં પણ સુરતી પાપડીનો ઉપયોગ કરવામાં આવે છે. ઊંધિયામાં ભારોભાર વપરાતી સુરતી પાપડીના ઉપયોગ થકી જ તે સ્વાદિષ્ટ બને છે.

----------------------

સ્વાસ્થવર્ધક પાપડીના ગુણો જાણી લઈએ

પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલ છે: એવું કહેવાય છે કે પાપડીમાં પોષક તત્ત્વોનો ખજાનો સમાયેલો છે. પ્લાન્ટ પ્રોટીન, ફોલૅટ, વિટામિન્સ, મિનરલ્સની સાથે ફાઈબરની માત્રા પણ અધિક છે. ફાઈબરને કારણે ચયાપચયની ક્રિયા સુધરે છે. કૉલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે.

પાર્કિન્સન્સની બીમારીમાં ગુણકારી: આ રોગમાં મગજમાં ડોપામાઈન નામક સેલ બનવાનું બંધ થઈ જાય છે. તેને કારણે શરીરમાં ધ્રુજારી થવી, ચાલવામાં તકલીફ પડે છે. આ રોગના ઈલાજમાં ડોપામાઈન ધરાવતી દવા આપવામાં આવે છે. પાપડીમાં લીવોડોપા નામક તત્ત્વ સારા પ્રમાણમાં સમાયેલ છે. હાલમાં વધુ સંશોધન ચાલી રહ્યું છે. પાપડીનો સપ્રમાણ માત્રામાં આહારમાં ઉપયોગ કરવાથી રોગથી બચી શકાય છે.

તંદુરસ્ત બાળક માટે ઉપયોગી ગુણો: પાપડીમાં ફોલેટની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. ગર્ભમાં રહેલ શિશુુના સર્વાંગી વિકાસ માટે ફોલેટની માત્રા શરીરમાં સપ્રમાણ માત્રામાં હોવી આવશ્યક છે. એક સંશોધન પ્રમાણે વિશ્ર્વમાં ૨,૬૦,૦૦૦ બાળકોને જન્મ વખતે ફોલેટની માત્રાની ઊણપને કારણે મગજ સંબંધિત બીમારી કે કરોડરજ્જુની બીમારી જોવા મળી હતી. એક કપ પાપડીમાં ફોલેટનું પ્રમાણ ૪૦ ટકા છે. આથી ગર્ભાવસ્થામાં પાપડીનું સેવન કરવું હિતાવહ છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગ: શિયાળામાં મળતી તાજી પાપડીનો ઉપયોગ આહારમાં કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

હાડકાંને મજબૂતાઈ બક્ષે છે: પાપડીમાં મેગેનિઝ અને કૉપરની માત્રા પણ સારા પ્રમાણમાં સમાયેલી છે. વય વધવાની સાથે હાડકાંની મજબૂતાઈ ઘટતી જતી હોય છે. શરીરને જો પૂરતા પ્રમાણમાં મેગેનિઝ તથા કૉપરની માત્રા ન મળે તો ધીમે ધીમે હાડકાં નબળા પડે છે. વિટામિન ડી,ઝિંક, કૅલ્શિયમની સાથે જો મેનોપૉઝ વખતે ઉપરોક્ત વિટામિન પણ યોગ્ય પ્રમાણમાં લેવામાં આવે તો હાડકાંની મજબૂતાઈ વય વધવાની સાથે પણ જળવાય છે.

એનિમિયાની ફરિયાદમાં રાહતદાયક: આયર્નથી ભરપૂર ખોરાક ખાવામાં આવે તો એનિમિયામાં રાહત મળે છે. શરીરમાં આયર્નનું કામ પૂરતાં પ્રમાણમાં હિમોગ્લોબિન બનાવવાનું છે. આયર્નની ઊણપને કારણે શરીરમાં નબળાઈ આવવી, સ્વભાવ ચીડિયો બની જવો જેવી તકલીફ વધે છે. પાપડીમાં આયર્નનું પ્રમાણ પણ ભરપૂર સમાયેલું છે. આથી એનિમિયાની તકલીફથી બચવું હોય તો શિયાળામાં પાપડીનો આહારમાં ઉપયોગ કરવો હિતાવહ છે.

પાપડીની વિવિધ જાત દેશ-વિદેશમાં ઊગતી જોવા મળે છે. ભારત સહિત યુરોપ, એશિયા, ચીન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા તથા ન્યુઝીલૅન્ડમાં પણ પાપડી મળી રહે છે. ગ્રીન ફ્લૅટ ઈન્ડિયન બી તરીકે તે ઓળખાય છે. તો ગુજરાતીમાં તે વાલોળ બીન, વાલ બીન, વાલોળ પાપડી, દેશી પાપડી, ગુજરાતી પાપડી કે સુરતી પાપડી તરીકે જાણીતી છે. ઊંધિયામાં ખાસ વપરાતી પાપડી પ્રમાણમાં નાની તથા આછા લીલા રંગની અતિશય કૂણી જોવા મળે છે. સુરત પાસે આવેલા કતાર ગામની પાપડીનો સ્વાદ તથા ગુણવત્તા શ્રેષ્ઠ જોવા મળે છે. ફક્ત ઉત્તરાયણમાં જ નહીં પણ શિયાળામાં તંદુરસ્તી જાળવવી હોય તો સુરતી પાપડીનો ઉપયોગ ખાસ કરવો જ જોઈએ. ગેસ કે અપચાથી બચવા માટે તેમાં અજમાનું પ્રમાણ સરખું લેવું આવશ્યક છે.

-----------------------

સુરતી પાપડી ખરીદતી વખતે શું ધ્યાન રાખશો?

પાપડી નાની, લીલી તથા દાણા વાળી હોય તે જોવું.

પાપડી ઉપર કાળાં ડાઘ પડ્યા હોય તો ન ખરીદવી. પાપડી છોલીને પણ જોવી કે તેમાં ઈયળ કે અન્ય જીવાત તો નથીને.

આછા લીલા રંગની પાપડીનો સ્વાદ પકાવ્યા બાદ વધુ આવે છે.

પાપડીનો દેખાવ જેટલો આછો લીલો હશે તેટલી તે વધુ તાજી ગણાય.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

05c62n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com