Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
‘રાતનો રજા’ બનાવી ઉડાવાતા પતંગ પર ભગવાનના નામે સંદેશો લખીને મોકલ્યો છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરકવિતા જ્યારે કોરા પાનાનો સામનો કરે છે ત્યારે કવિ અને કવિતાનું અસ્તિત્વ એક બને છે. કવિતા આપણને જે કંઈ આપે છે એ કવિમંથન પછી પ્રાપ્ત કરેલું નવનીત છે. કવિતાની વેદના કે પીડા જ્યારે કોરા પાનાનો મુકાબલો કરે છે ત્યારે સુખ જ આપે છે. આવા સુખની પ્રાપ્તિ ધીમે ધીમે ભીતરથી કવિ પ્રતિભાને ઘડતી હોય છે. સાત રંગો એ નર્યા મેઘધનુષના નથી હોતા; કવિ મનના પણ હોય છે. જોકે, એ રંગો પોતાની વિવિધ રંગલીલાને પાથરતા નથી હોતા. એ તો હાથમાં હાથ મેળવીને કવિહૃદયને આજવાળે છે. મુકેશ જોષી એના કવિ છે કે જેમની સાથે કવિતા સખીની જેમ ચાલે છે. ઈશ્ર્વર પણ મૂક બનીને ફક્ત ઈંગિતની ભાષા યોજે છે અને એની ભાષા કવિ મુકેશ તરત જ સમજે છે.

‘ઉત્તરાયણ’ રચનામાં આકાશને પોતીકું ગણાવતી સંવેદના છે. બાલ્યાવસ્થાનો ઉંબરો અને કિશોર અવસ્થાનું રમતિયાળ આંગણું એટલે ઉત્તરાયણનો ઉત્સવ. કિશોરો કેટલાય દિવસથી આ શુભદિનની તૈયારી કરવામાં મગ્ન હોય છે. પતંગને કેટલીયવાર ગણે છે, એના રંગોનું વૈવિધ્ય સાચવે છે અને ફીરકી એટલે તો અગાશીમાં કૂદકા મારવાનું સાધન.

ખરું જોતાં ફીરકી એ તો વીતેલા અને આવતા સમયનું સરવૈયું છે. ફીરકીની જેમ વીંટાતા, ઉકેલતા અને નિ:શ્ર્વાસ સાથે પોતાની વાત કહેતા દિવસો ફરી પાછા ફીરકીને આધારે લપેટાય છે. વચ્ચે વચ્ચે ‘કાપ્યો છે’નો ક્ષણિક વિજય છે. એ પણ ધ્વનિરૂપે જાણે લપેટાય છે.

ફીરકીને આધારે મુક્ત ગગનમાં વિહરવા મળે છે જે ધરતી પર ક્યાંય સ્વાતંત્ર્ય નથી. ઉત્તર અયતમાં સૂર્ય પ્રવેશે છે એનો ઉત્સવ મનાવવો એ તો એક નિમિત્ત છે. સૂર્યની ગતિ સાથે માનવ પણ ગતિ કરે છે. ભૂતકાળ ભલે ગમે તેટલો વેદનામય હોય પણ વર્તમાનમાં પતંગની ગતિ આકાશ તરફની છે. એ તો પોતાના કલ્પના પ્રદેશમાં પરીની જેમ ઊડે છે. શૈશવની સાથે જોડાયેલો આ ઉત્સવ શિશુ અવસ્થા પૂરી થતાં જ વિદાય લે છે.

પછી તો પાંચીકા આકાશમાં ઊડતાં ક્યાં જઈને પડે છે એ ખબર નથી. કોઈકને રમતા જોઈને, સાત તાળીની સાંકળીમાં યોગદાન આપીને જાણે ગત સમયને પાછો બોલાવે છે; ભલે ક્ષણભરનો હોય.

અહીં પતંગ ચગાવવાનો આનંદ નથી; શૈશલ ચાલ્યું ગયું છે એનો અફસોસ છે. જાણે ગત દિવસો પણ સમયની ફીરકી પર લપેટાઈ જાય છે. કવિ મુકેશ જોષીની કવિતાની લાક્ષણિકતા છે કે એ ગત સમયને મખમલિયા શબ્દોથી લપેટે છે અને કવિતામાં જીવતો રાખે છે. ગીતોની આંબાડાળે એમનું આયખું કવિતામાં ઝૂલતું જણાય છે. એક એક અમૂલ્ય દિવસોને તેઓ કાળની મુઠ્ઠીમાંથી સંવેદનાના જોરે લઈ આવે છે. પ્રેમ એ ફક્ત વ્યક્તિ પ્રત્યેનો નહીં; પરિસ્થિતિ પ્રત્યેનો પણ છે. પવનના સૂસવાટા વચ્ચે ય એ માંજાના જોરે ઊંચે ચડતી પતંગનો આનંદ માણી શકે છે. આકાશ સામે જોનારો ઋષિ, વિરહી, એકાકી તો હોય જ છે પણ બાળક-કિશોર પણ હોય છે. જે પોતાના સ્વાતંત્ર્ય સુખથી ભરેલા દિવસોને પાછા બોલાવે છે કોઈ ને કોઈ નિમિત્તે. અહીં આ રચનામાં ‘ઉતરાણ’નું નિમિત્ત છે. ભલે કવિ શૈશવનાં સ્મરણોને તાજાં કરતા હોય, પણ એ સ્મરણોને પણ ઈશ્ર્વર છે. ‘રાતનો રાજા’ રૂપે સપનામાં નિરખેલો ઈશ્ર્વર છે. ભગવાનને નામે લખાતો સંદેશ, કંદીલ અને ફીરકીની ‘ઢીલ’. બાળકનો અનુબંધ ઈશ્ર્વર સાથે છે. ‘ભગવાન આપણો પત્ર વાંચે ખરા?’ આ એક જ પ્રશ્ર્નના અનેક દિશાના ઉત્તરો છે. ભક્તિનો પ્રારંભ છે.

‘તારો પતંગ મળ્યો’; પત્ર નથી કહેતા અને આખરે એક પરી માગે છે. પરી એ તો શિશુ અવસ્થાએ સર્જેલું એક રૂપાળું સપનું છે. પરી અને રાક્ષસ - આ બે પ્રતીકો આજે પણ એટલા જ વપરાય છે. એક આનંદ આપે છે બીજો ભય. આ બંને પુખ્ત માણસે રચ્યાં છે.

ભગવાન પણ પતંગ ચગાવે છે? આ પણ કિશોરે કરેલી કલ્પના છે. અહીં ફીરકી પકડવા માટે પણ અન્ય માણસની વાત નથી કરી. ફક્ત સાથીરૂપે ભગવાન છે અને રાતનું અંધારું છે. જે આકાશ પોતીકું લાગતું હતું એ અચાનક પારકું થઈ ગયું. ખરું જોતાં સ્વજન અને પરાયાજન વચ્ચેનો સંબંધ ઉંબરા જેવો હોય છે. એક ‘લક્ષ્મણરેખા’ અર્થાત્ એક ઉંબરો ઓળંગે અને સ્મિત સિક્કાની બીજી બાજુની જેમ વેદનામાં પલટાય છે. હાથમાંથી ઉત્તરાયણો નથી સરતી; એનો આનંદ સરી જાય છે. ખરું જોતાં પલટાતી જિંદગી એ તો ફક્ત પડખું બદલે છે અને બધું બદલી નાખે છે. આ પણ ઈશ્ર્વરસર્જિત ચમત્કાર છે.

‘મીણબત્તી અને પરી’ જાણે કે એકમાં દર્શનનું સાધન છે અને બીજામાં સાધ્ય છે, પણ આ બંને વચ્ચે પલટાતી સંસ્કૃતિએ આપેલી ભીંસ છે. ગામ છોડાય છે શહેર ઘૂંટાય છે અને હાથમાં આવેલો ‘ઉતરાણ’નો આનંદ સરી જાય છે. જાણે કે એક શિશુ પોતાની કિશોરાવસ્થાને વેદનાગ્રસ્ત બની ખંખેરી નાખે છે. યુવાવસ્થામાં આપણે જાણીએ છીએ કે કપાળ પરના પ્રસ્વેદ બિંદુની જેમ ગ્રામ સંસ્કૃતિ છૂટતાં છૂટતી નથી. એ તો શહેરની સંસ્કૃતિને ઘૂંટવી પડે છે એ પણ ધ્રૂજતે હૈયે.

પતંગ તૂટી જાય છે. એની સાથે બધાં સપનાં પણ વેરવિખેર થાય છે. ખરું જોતાં રંગબેરંગી આકાશમાં ઊડતાં પતંગો પણ કિશોરોનાં રંગીન સપનાં જેવાં છે. કંદીલ સાથે બંધાયેલી મીણબત્તી પવનને જોરે બુઝાતી નથી, કારણ એ મીણબત્તીના ટમટમતા પ્રકાશને આ કવિ કિશોરે સપનાથી ભરી દીધાં છે. એ કંઈ તલગોળના લાડુ, શેરડીના ટુકડા, બોરની વિવિધતાની ખાદ્યસામગ્રીની વાત નથી કરતા, કારણ ઈશ્ર્વર સાથે સંવાદિતા સાધવા વચનની પ્રાપ્તિ કવિ પાસે ભરી પડી છે. મીણબત્તી પ્રકાશ આપતાં આપતાં ઓગળે છે. એ પણ વેદનાનો રંગ જ દર્શાવે છે. પરી સાથે ઊડી શકાય અને એ ઊડવાના બળને અનેકગણું વધારનાર સૂરની સૃષ્ટિ કવિ પાસે છે. આ ગીતોમાં આનંદ, મીઠાં સ્મરણો અને ઊડવાની આકાંક્ષા ભરી પડી છે.

પતંગ વિશે કવિતા લખી, પણ કવિએ પોતાનું રમતિયાળપણું છોડ્યું નથી. એટલે ફાટેલા પતંગમાંથી પણ પેટ ભરીને મનચાહ્યા આકાશને નીરખે છે.

કવિ મુકેશને એક જ વિનંતી, એ પણ ભાવકની વિનંતી કે આ કવિતાનું કલ્પવૃક્ષ હંમેશાં હરિયાળું, બધકતું રાખજો. હાથમાંથી સરી જતી ઉત્તરાયણોને બચાવજો અને મંદિરેથી આવ્યું હોય એવા આકાશને હંમેશાં તાજું સ્મિત ફરકાવતું રાખજો તથા પતંગો, ઉત્તરાયણને ફાટતાં બચાવજો.

---------------------------

ઉત્તરાયણ

આખું શૈશવ લઈ જેની પાછળ દોડતા

છાપરાઓ કૂદતા

અગાસીની કિનારીએથી ઠેકતા

એ પતંગો અને ઉત્તરાયણ બંને ફાટી ગયાં.

હાથમાં રહી ગયેલો માંજો

અમે ફીરકી ઉપર લપેટી રાખતા.

ફીરકી ઉપર લપેટાયેલા એ દિવસો

બીજી ઉત્તરાયણ સુધી આકાશ સાથે જકડી રાખતાં.

આખો દિવસ ચગાવેલા પતંગોમાંથી

અને ગમતા રંગોમાંથી

અમે સ્થિર પતંગને ‘રાતનો રાજા’ પતંગ બનાવી ઉડાડતા

એ પતંગ ઉપર ભગવાનને નામે સંદેશ લખાતો

કંદીલ સાથે બાંધીને પતંગ ઉપર જતો,

અમે બે-ચાર ફીરકીની ઢીલ એ ‘રાજા પતંગ’ માટે છોડતા

ત્યારે થતું.:

આ પતંગ ખૂબ ઊંચે જશે પછી ભગવાનના

હાથમાં આવશે

રાતના અંધારામાં ઈશ્ર્વર કઈ રીતે વાંચી શકે

એટલે જ મીણબત્તી સાથે પતંગ ઉડાડતા

એ અમને સૂરજ મોકલે, ને અમે એને મીણબત્તી

પ્રકાશની આપ-લે થતી

એ રાતે મોડે સુધી ઊંઘ ન આવતી, રાતે થતું;

ભગવાન આપણો પત્ર વાંચે ખરા?

ને સપનામાં ઘેરા, મૃદુ અવાજે

એકવાર ભગવાને કહેલું,

‘તારો પતંગ મળ્યો.’

‘વાંચી આનંદ થયો.’

તારે કશું જોઈએ તો માગ!

મેં કહેલું, ‘ભગવાન! એક પરી આપો ને’

જેની સાથે ઊડી શકાય.

ગીતો ગાઈ શકાય.

ભગવાને કહ્યું:

આવતી ઉત્તરાયણે પરી આવશે... ચાલશે?

તે પછી ભગવાન તો જતા રહ્યા.

સવારે અગાસીમાં બાંધેલો પતંગ ગાયબ.

થોડેક માંજો પડેલો.

અમને થયું, ભગવાને પતંગ તોડીને પોતાની પાસે રાખી

લીધો હશે.

પણ પછી તો

ગામ છોડતાં ને

શહેર ઘૂંટતાં

હાથમાંથી ઉત્તરાયણો સરી ગઈ

આકાશ પારકું થઈ ગયું

ભગવાનને મીણબત્તી મોકલવાની રહી ગઈ ને

પરી?

- મુકેશ જોષી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4HUPY48
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com