Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
નવદીપ સૈની: વિરાટ સેનાનો મૂલ્યવાન સૈનિક

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાહરિયાણાનો ૨૭ વર્ષનો ફાસ્ટ બોલર નવદીપ સૈની ઑગસ્ટ , ૨૦૧૯માં ભારત વતી જે પહેલી ઇન્ટરનેશનલ મૅચ રમેલો એમાં મૅન ઑફ ધ મૅચ બન્યો હતો અને ભારત વતી સફળતા સાથે કરિયર શરૂ કરનારા ખેલાડીઓની હરોળમાં આવી ગયો હતો. સૈનીનો સપાટો તો જુઓ કેવો છે! તે હજી માંડ ૮ ઇન્ટરનેશનલ મૅચ રમ્યો છે અને એમાં તેણે બે મૅન ઑફ ધ મૅચના અવૉર્ડ મેળવ્યા છે અને એક મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મેળવ્યો છે.

ભારત પાસે અત્યારે પેસ બોલરો અને સ્પિનરોની કોઈ જ તંગી નથી. એટલા બધા ટૅલન્ટેડ બોલરો કતારમાં ઊભા છે કે આ વર્ષના ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ માટેની ટીમ નક્કી કરતી વખતે કોને લેવા અને કોને બાકાત રાખવા એની સિલેક્ટરો મીઠી મૂંઝવણ અનુભવશે.

ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલીના સુકાનમાં રમીને હરીફ દેશોના બૅટ્સમેનોને નમાવતા નવદીપ સૈનીને યોગાનુયોગ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમમાં પણ વિરાટના નેતૃત્વમાં રમવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આરસીબીએ સૈનીને ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

નવદીપ સૈનીનો જન્મ ૧૯૯૨ની ૨૩મી નવેમ્બરે હરિયાણાના કર્નલ શહેરમાં થયો હતો. તેના પિતા અમરજિત હરિયાણા સરકારના એક વાહનના ડ્રાઇવર હતા. તેના દાદા કર્નમ સિંહ સુભાષ ચંદ્ર બોઝની ઇન્ડિયન નેશનલ આર્મીના કાર્યકર હતા.

નવદીપ સૈનીએ ૨૦૧૬ની બીજી જાન્યુઆરીએ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેની એ પહેલી ટુર્નામેન્ટ હતી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી. એમાં તે ખૂબ ચમક્યો હતો અને પછીની બીજી ડોમેસ્ટિક મૅચોમાં પણ નોંધનીય પર્ફોર્મન્સને પગલે ૨૦૧૭માં આઇપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમે તેને માત્ર ૧૦ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યાર પછી જાન્યુઆરી ૨૦૧૮માં આરસીબીએ તેને ઊંચા ભાવે ખરીદી લીધો હતો અને હજી સુધી એ ટીમ વતી જ રમે છે.

સૈની દિલ્હી વતી રણજી ટ્રોફીમાં રમ્યો છે અને ૨૦૧૭ તથા ૨૦૧૮ના વર્ષ તેના માટે બહુ સફળ હતા. ૨૦૧૭માં તેણે રણજી ટ્રોફીમાં દિલ્હી વતી સૌથી વધુ ૩૪ વિકેટ લીધી હતી અને ત્યાર બાદ બીજા વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હી વતી ૮ મૅચમાં ૧૬ વિકેટ લીધી હતી.

જૂન ૨૦૧૮માં ઈજાગ્રસ્ત મોહંમદ શમીના સ્થાને સૈનીને ભારતીય ટીમમાં આવવા તો મળ્યું હતું, પરંતુ તેને અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં રમવાની તક નહોતી મળી. એપ્રિલ ૨૦૧૯માં તે વન-ડેના વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં સ્ટૅન્ડ-બાય બોલર તરીકે પસંદ થયો હતો. એમાં પણ તેને રમવાનો મોકો નહોતો મળ્યો, પરંતુ જૂનમાં વિશ્ર્વકપ પૂરો થયા બાદ બીજા જ મહિનામાં તેનો એકસાથે બે ફૉર્મેટ (વન-ડે અને ટી-ટ્વેન્ટી)ની ટીમમાં સમાવેશ થયો હતો. ટૂંકમાં, સૈનીએ ઇન્ટરનેશનલ કરિયર વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ કરી હતી.

સૈનીની કેટલીક ખાસિયતો પર એક નજર કરીએ: સૈની સતતપણે કલાકે ૧૪૦ કિલોમીટરથી વધુ ઝડપે બૉલ ફેંકવાની ક્ષમતા ધરાવતા સૈનીએ તાજેતરમાં કલાકે ૧૪૮ કિલોમીટરની ઝડપે ફેંકવામાં આવેલા યૉર્કરમાં શ્રીલંકાના ઓપનર દાનિષ્કા ગુણથિલકાનું ઑફ સ્ટમ્પ ઉડાડી દીધું હતું. ત્યાર બાદ તેણે કલાકે ૧૦૬ કિલોમીટરની ઝડપે ફેંકેલા ઑફકટરમાં શ્રીલંકાના જ ભાનુકા રાજપક્સાને કૅચઆઉટ કરાવ્યો હતો અને પછી તેણે બોલિંગમાં કલાકે ૧૫૦ કિલોમીટરની મર્યાદા પણ ઓળંગી હતી.

તાજેતરમાં જસપ્રીત બુમરાહ પીઠના નીચલા ભાગના સ્નાયુઓ ખેંચાવાની ઈજાને કારણે પથારીવશ હતો ત્યારે ભારતના જે પેસ બોલરોએ ભારતને જિતાડવાની જવાબદારી સંભાળી હતી એ ‘સૈનિકો’માં સૈની પણ એક હતો.

સૈની કરિયરની શરૂઆતમાં માત્ર પેસ પર (બૉલની ઝડપ જાળવી રાખવા અથવા વધારવા પર) ધ્યાન આપતો હતો, પણ ધીમે-ધીમે જવાબદારી વધતાં તેણે સ્વિંગ પર પણ એકાગ્રતા રાખી છે.

૨૦૧૩માં ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆતથી જ બૅટ્સમેનોને પોતાની પેસથી શિકાર બનાવતો સૈની શરમાળ સ્વભાવનો છે. ૨૦૧૨માં (ક્રિકેટના મેદાન પર પગ મૂકતાં પહેલાં) ૨૦ વર્ષની ઉંમરનો સૈની હરિયાણાના કર્નલથી દિલ્હી આવ્યો હતો. ત્યારે દિલ્હીની રણજી ટીમમાં વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર તથા ઇશાંત શર્મા જેવા ખ્યાતનામ ખેલાડીઓ હતા. ત્યારે સૈની એક મિત્રના ઘરમાં રહેતો હતો. એક હિન્દી અખબારમાં સૈનીએ દિલ્હીની મૅચમાં રમનારા ખેલાડીઓના નામ વિશે જાણ્યું ત્યારે ખુરસીમાંથી ઊભો થઈ ગયો હતો. તે બસમાં બેસીને ફિરોજશા કોટલા સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. પોતે જેને ક્રિકેટ-હીરો માને છે એને જોવાની તેને ખૂબ ઇચ્છા હતી. તેને સ્ટેડિયમમાં અંદર જવા તો મળ્યું હતું, પણ સલામતી રક્ષકોએ તેને પ્લેયરોની નજીક નહોતો જવા દીધો.

ત્યારે જ સૈનીએ નક્કી કર્યું હતું કે એક દિવસ પોતે ઉત્તમ કક્ષાના ખેલાડી તરીકે ઉભરશે અને પોતાને જોવા અસંખ્ય ચાહકો આવશે. એટલું જ નહીં, સ્ટાર ખેલાડીઓની વચ્ચે પોતે ઘેરાયેલો પણ રહેશે.

સૈનીની પોતાના વિશેની ભવિષ્યવાણી સાચી પડી છે. તે આજે ભારતના ટોચના પેસ બોલરોમાં ગણાવા લાગ્યો છે. નવાઈની વાત એ છે કે તેણે જ્યારે કોટલા પર ખેલાડીના રૂપમાં પાછા ફરવાનો સંકલ્પ કર્યો એના થોડા જ દિવસોમાં ગૌતમ ગંભીર (જે હવે દિલ્હીમાં ભાજપનો સંસદસભ્ય છે)ને એક સાથી-ખેલાડી પાસેથી સૈનીની ક્ષમતા અને કાબેલિયત વિશેની વિગતો મળી હતી. ગંભીરે સૈનીને બોલાવ્યો હતો અને તેને નવા સ્પોર્ટ્સ શૂઝ (સ્પાઇક્સ) પણ લઈ આપ્યા હતા. ગંભીરે ત્યારે દિલ્હી ક્રિકેટ એસોસિયેશનના સત્તાધીશો સાથેના ઘર્ષણ વચ્ચે સૈનીને દિલ્હીની ટીમમાં લેવડાવ્યો હતો. ગંભીરે સૈનીમાં મૂકેલો વિશ્ર્વાસ સાચો ઠર્યો છે.

ખુદ સૈની એક મુલાકાતમાં કહે છે, ‘મેરી કરિયર મેં ગંભીરભૈયાકા બહુત બડા યોગદાન હૈ.’

એક સમય હતો જ્યારે સૈની તેના હીરોઝને (ગંભીર, વિરાટ જેવા નામાંકિત ક્રિકેટરોને) જોવા ઝંખતો હતો, પણ હવે એ જ સૈનીને જોવા અસંખ્ય લોકો ઊમટી પડે છે.

નવદીપ સૈનીએ ક્રિકેટર બનવા માટેની સફર શરૂ કરી ત્યારે તેનો પરિવાર આર્થિક રીતે સાધારણ સ્થિતિમાં હતો. સૈનીને એક મિત્રે ત્યારે કહેલું કે ક્રિકેટમાં કારકિર્દી બનાવવી બહુ ખર્ચાળ છે. ખુદ સૈનીના પિતા અમરજિત કહે છે, ‘મારા પુત્રને ક્રિકેટર ગમેએમ કરીને બનવું જ હતું એટલે તેણે મને કહ્યું કે, પાપા આપ ફિકર મત કરો...મૈં તો ક્રિકેટર હી બનુંગા.’

નવદીપને એક ભાઈ પણ છે. તેમની મમ્મી ગુરમીત કૌરને બન્ને પુત્રો ખૂબ વહાલા છે. એમાં ખાસ કરીને નવદીપનો ક્રિકેટ-પ્રેમ તેમને ખૂબ ગમતો હતો. ગુરમીત એક મુલાકાતમાં કહે છે, ‘નવદીપ નાનપણથી આખો દિવસ ટીવી પર ક્રિકેટની મૅચો જોતો હતો. એટલું જ નહીં, સારા-સારા બોલરોની બોલિંગ-ઍક્શનની ઍક્ટિંગ પણ કરી લેતો હતો. તે મને કહેતો કે તેને બ્રેટ લી અને ડેલ સ્ટેન ખૂબ ગમે છે.’

જોકે, ગુરમીત કૌરને શું ખબર હતી કે એક દિવસ તેમનો પુત્ર પણ ભારતીય ટીમમાં સ્થાન મેળવશે અને મોટા ક્રિકેટરોની સાથે રમશે.

--------------------------

નવદીપની કરિયર પર એક નજર

નવદીપની કરિયર પર એક નજર

ૄ નવદીપ સૈનીએ એકમાત્ર વન-ડેમાં બે વિકેટ લીધી છે.

ૄ ૮ ટી-ટ્વેન્ટીમાં તેણે ૧૧ વિકેટ લીધી છે.

ૄ ટી-ટવેન્ટીની ટૂંકી ઇન્ટરનેશનલ કરિયરમાં તે બે મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ અને એક મૅન ઑફ ધ સિરીઝ અવૉર્ડ મેળવી ચૂક્યો છે.

ૄ ૪૫ ફર્સ્ટ-ક્લાસ કરિયરમાં તેણે કુલ ૧૨૫ વિકેટ લીધી છે જેમાં ૩૨ રનમાં ૬ વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ રહ્યો છે.

ૄ શ્રીલંકા સામે શુક્રવારે પૂરી થયેલી ટી-ટ્વેન્ટી સિરીઝમાં સૈનીની પાંચ વિકેટ સૌથી વધુ હતી. જોકે, શાર્દુલ ઠાકુરની પણ એટલી જ વિકેટ હતી, પરંતુ એકંદરે સૈનીનો પર્ફોર્મન્સ ચડિયાતો હોવાથી તે સિરીઝનો સુપરસ્ટાર ઘોષિત થયો હતો.

ૄ ખરા અર્થમાં શ્રીલંકા સામેની સફળ સિરીઝથી ભારતીય ટીમને નવદીપ સૈનીના રૂપમાં આશાસ્પદ ફાસ્ટ બોલર મળ્યો છે.

-------------------------

સૈની કરતાં તેના

પિતા વધુ લોકપ્રિય

કહેવાય છેને કે ‘બાપ કરતાં બેટો સવાયો’. જોકે, નવદીપ સૈનીના કિસ્સામાં અત્યારે તો એવું નથી. તેના પિતા અમરજિત સિંહ ભલે સરકારી નોકર હતા, પરંતુ પોતાના વિસ્તાર તરાવરીમાં તેઓ જ વધુ ફેમસ છે. જો કોઈ વ્યક્તિ નવદીપ સૈનીનું ઘર શોધી રહી હોય અને કોઈને પૂછે કે ‘સૈની કા ઘર કહાં હૈ?’ તો સામેવાળો તરત કહેશે કે ‘અમરજિત સૈની? હાં, વો વહાં પર રહેતે હૈ’.

અમરજિત સિંહ સૈનીનું બે માળનું મકાન છે અને બાજુમાં જ તેમનું ગૅરેજ છે જેમાં હ્યુન્ડાઇ ક્રેટા, હાર્લી ડેવિડસન અને રૉયલ એન્ફિલ્ડ છે. સૈની પરિવાર મૂળ પંજાબ રાજ્યના રોપર જિલ્લાનો છે. નવદીપ સૈનીના દાદા જેઓ સ્વતંત્ર ભારત પહેલાંની ઇન્ડિયન નેશનલ આર્મીમાં હતા તેમણે ૧૯૬૦ના દાયકામાં હરિયાણાના તરાવરીમાં પાણીના ભાવે જમીન ખરીદી હતી અને ત્યારથી સૈની પરિવાર અહીં વસે છે.

નવદીપ સૈનીની ઊભરતી કરિયરમાં ફિટનેસ કોચ નાસિર જમશેદનું પણ મોટું યોગદાન છે. તેઓ કહે છે, ‘હું પહેલી વાર નવદીપને મળ્યો ત્યારે તે મારુતિ અલ્ટોમાંના ૨૦૦૦સીસીના એન્જિન જેવો હતો. ત્યારે તે દિલ્હીના શાહપુર જાટ વિસ્તારમાં મારી પાસે પહેલી વાર આવ્યો ત્યારે તેનું વજન માંડ ૬૦ કિલો હતું. જોકે, તે બહુ સારો ફાસ્ટ બોલર છે એવું મેં જાણ્યું ત્યારે મને ખૂબ નવાઈ લાગી હતી.’ નવદીપને ફિટનેસનું કોચિંગ આપવામાં જમશેદે તેને દરરોજ ૮થી ૧૦ કલાક આરામ કરવાની, જિમ્નેશિયમમાં વર્ક-આઉટ કરવાની સલાહ આપી હતી તેમ જ તેના માટે ખાસ ડાયટ-ચાર્ટ બનાવી આપ્યો હતો.

હવે જ્યારે નવદીપ સૈની ભારતીય ક્રિકેટ ટીમમાં આવી ગયો છે અને ચમકી પણ રહ્યો છે તેમ જ ડોમેસ્ટિક મૅચોમાં પણ રમતો હોવાથી હરિયાણાના ઘરે ભાગ્યે જ રહે છે. તેના પિતા કહે છે, ‘નવદીપ ભાગ્યે જ ઘરે હોય છે. તે રમતો હોવાથી તેમ જ તેના ટ્રેઇનિંગના સેશન હોવાથી તેણે ઘરથી દૂર જ રહેવું પડે છે. જોકે, તેણે આ કરિયર અપનાવી હોવાથી હવે ક્રિકેટ જ તેનું જીવન છે.’

-------------------------

નવદીપ સૈનીના પિતા અમરજિત અને દાદા કર્નમ સિંહઆપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j6k4NAbn
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com