Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
શલ્યપર્વની શરૂઆત

મા ફલેષુ કદાચન-અંકિત દેસાઈમહાભારતના યુદ્ધના સત્તરમા દિવસે કર્ણ પણ ઢળી પડ્યો હતો અને એની સાથે જ કૌરવસેના પક્ષે હવે જૂજ લડવૈયાઓ રહ્યા હતા. યુદ્ધના દસમા દિવસે પિતામહ ઢળી પડ્યા ત્યારથી લઈને ગુરુ દ્રોણ, દુ:શાસન, દુર્યોધનના બીજા સગા ભાઈઓ અને કર્ણ મોતને ભેટ્યા. દુર્યોધનને જેમના પર મદાર હતો એ યોદ્ધાઓ જ હણાઈ ગયા હતા એટલે દુર્યોધન માટે હવે પછીનું યુદ્ધ લડવું મુશ્કેલ હતું.

કર્ણના મોત પછી પાંડવોએ થોડા સમયનો શોક પાળ્યો હતો અને હજુ તો તેનું શબ પણ રણભૂમિમાંથી દૂર નહોતું કરાયું ત્યાં ભીમ અને શિખંડી જેવા પાંડવયોદ્ધાઓ શકુનીની પાછળ પડી ગયા હતા. ભીમ તો જીદે ચઢ્યો હતો કે આજે સૂર્યાસ્ત થાય એ પહેલાં શકુનીને પણ ઢાળી દેવો છે એટલે આવતીકાલે દુર્યોધને એકલા યુદ્ધ લડવું પડે.

કૌરવોની સ્થિતિ જોઈને કૃપાચાર્યે દુર્યોધન સાથે થોડો વિમર્શ કરવાનું નક્કી કર્યું. દુર્યોધન કર્ણના મસ્તકને પોતાના ખોળામાં લઈને વ્યથિત બેઠો હતો ત્યારે કૃપાચાર્યે તેની પાસે જઈને કહ્યું, ‘મહારાજ, તમે ક્રોધિત ન થતા હો તો એક વાત કહેવા માગું છું’

‘કહો આચાર્ય. જેનું સઘળું સમાપ્ત થઈ જાય છે એ ક્રોધ કે આનંદ જેવી લાગણીઓથી પર થઈ જાય છે. હું પણ હવે એ જ સ્થિતિમાં છું. જીવથીય વહાલા દુ:શાસન અને આ કર્ણના મૃત્યુ પછી જો હજુય કોઈ વાતે મને ક્રોધ આવતો હોય તો સમજી જજો કે હું માનવકુળનું નહીં, પરંતુ રાક્ષસકુળનું ફરજંદ છું’

કૃપાચાર્ય દુર્યોધનની વ્યથા સમજી શકતા હતા. દુર્યોધને ભલે આજીવન અધર્મનું આચરણ કર્યું હોય કે ભલે તેણે જીવનપર્યંત અનેકોનું અપમાન કર્યું હોય, પરંતુ દુ:શાસન અને કર્ણ સંદર્ભે તેની લાગણી અત્યંત કૂણી હતી. એ બંને પ્રત્યેના અનુરાગને કારણે દુર્યોધન ક્યારેક તેના સ્વભાવથી વિરુદ્ધ પણ વર્તતો હતો.

‘મહારાજ, એ સંદર્ભે જ મારે આપને કહેવું હતું કે તમે જો આજ્ઞા કરો તો તમારા વતી હું યુધિષ્ઠિરને મળી આવું અને સંધી કરીને થોડું રાજ્ય આપને માટે લઈ આવું.’ કૃપાચાર્યે ગભરાતા ગભરાતા દુર્યોધનને આ વાત કરી.

‘આચાર્ય હું સમજી શકું છું કે આપ શું કામ આ સંધીની વાત કરી રહ્યા છો. હું પણ જાણું છું કે જે યુદ્ધમાં ભીષ્મ, દ્રોણ અને કર્ણ જેવા મહાપુરુષોનો નાશ થઈ ગતો હોય એમાં મારા જેવા અધર્મીની શું વિસાત?’

આટલું કહેતા તો દુર્યોધનની આંખોમાં પાણી બાઝી ગયા. અલબત્ત, તેના આંસુ પસ્તાવાના કે ભયના નહોતા. એણે જ થોડા સમય પહેલાં કહ્યું હતું કે ‘તે હવે ક્રોધ કે આનંદ કે ભય જેવી લાગણીઓથી પર થઈ ગયો હતો.’

તેણે કર્ણના રક્તરંજીત ચહેરા પર હળવેથી હાથ ફેરવ્યો. કૌરવસેનાના અન્ય યોદ્ધાઓ કર્ણના શબને રણભૂમિમાંથી દૂર કરવા માટેની વ્યવસ્થામાં પડ્યા હતા. નક્કી એવું કરાયું હતું કે કર્ણ જ્યાં ઢળી પડ્યો હતો ત્યાં જ તેને ગંગાજળથી સ્નાન કરાવીને તેને યોદ્ધાની જેમ તૈયાર કરવો અને ત્યાંથી દબદબાભેર તેના અંતિમદર્શન રાખી તેની અંતિમક્રિયાઓ કરવી.

સહેજ અટકીને દુર્યોધન ફરી બોલ્યો, ‘હવે મારું મૃત્યુ નજીક છે ત્યારે હું સંધીની વાત ન કરી શકું. હવે જો હું એમ કરીશ તો કાયર તો લેખાઈશ જ, પરંતુ પિતામહ, દ્રોણાચાર્ય, દુ:શાસન અને કર્ણના મોતનું અપમાન પણ ગણાશે.’

કૃપાચાર્ય કોઈ ઉત્તર આપ્યા વિના સાંભળી રહ્યા.

‘મારી એક હાંક પર આ યોદ્ધાઓ અને ભારતવર્ષના અનેક રાજાઓ મારે પક્ષે આવીને ઊભા રહી ગયા હતા આચાર્ય. હવે માત્ર મારા મૃત્યુના ભયે હું નમતું જોખીશ તો શું એ રાજાઓ, યોદ્ધાઓ, વીરોનું માન જળવાશે?’

‘સત્ય વચન.’ કૃપાચાર્ય પણ દુર્યોધનની વાત સાથે સહમત થયા.

‘બીજું એ કે જો યુધિષ્ઠિર સંધી કરે તો પણ એ મને આપી આપીને કેટલું રાજ્ય આપશે? જે દુર્યોધને ધરતીના મોટા ભાગ પર મહારાજ તરીકે રાજ કર્યું હોય એ દુર્યોધન ભીખમાં મળેલા ધરાના નાનકડા ટુકડાનો રાજા બને તો શું એ મને છાજે?’

‘આપની વાત શતપ્રતિશત સાચી છે મહારાજ.’ કૃપાચાર્ય દુર્યોધનની વાત સાથે સહમત થયા.

‘એટલે જ હું કહીશ કે હવે ભલે મૃત્યુ મળતું. આમેય હવે હું જીતીશ તોય મારા મિત્ર અને ભાઈઓ વિના આ રાજ્ય ભોગવી શકું એમ નથી. તો પછી હવે સંધિ કેવી ને સંતાપ કેવો?’

‘તો હવે શું કરવું છે મિત્ર?’ કૃપાચાર્ય અને દુર્યોધન વિમર્શ કરી રહ્યા હતા ત્યારે અશ્ર્વત્થામા પણ ત્યાં આવી પહોંચ્યો.

‘હું પણ એ જ વિમાસણ છું મારા મિત્ર. કર્ણના ગયા પછી આવતીકાલે સવારે કોને આપણા સેનાપતિ બનાવી શકાય? એવો કયો યોદ્ધો બચ્યો છે, જે આવતીકાલે કૌરવસેનાનું પ્રમુખપદ સંભાળી શકે અને તેની આગેવાનીમાં કૌરવસેના જીતનો આખરી પ્રયાસ કરી શકે?’ દુર્યોધનનું મન એ હદે ઉદાસ હતું કે તેના સૈન્યમાં કયા કયા યોદ્ધાઓ છે એ વિશે પણ તેને યાદ નહોતું આવતું.

‘મિત્ર, આવતીકાલે આપણા સૈન્યનું સુકાનપદ સંભાળવા માટે મદ્રરાજ શલ્ય સિવાય બીજું કોઈ ઉત્તમ નામ મને સૂઝતું નથી.’

અશ્ર્વત્થામાનો વિકલ્પ સાંભળીને દુર્યોધને માત્ર તેનું માથું હલાવ્યું.

જીવથીયે વહાલા પોતાના ભાણેજ એવા પાંડુપુત્રોને છોડીને એ મદ્રરાજ આપણી સાથે જોડાયા છે એ શું નાની વાત છે? આ તો માત્ર વફાદારી થઈ, પરંતુ તેમનું શૌર્ય અને સામર્થ્ય ક્યાં ઓછું છે? આમેય કર્ણના સારથી બનીને તેમણે આપણા પર ઘણો ઉપકાર કર્યો છે. તો આવતીકાલે આપણે તેમને સેનાપતિ બનાવીને તેમનું આપણા પરનું ઋણ ઉતારીએ’

‘તારું સૂચન ખરેખર અત્યંત યોગ્ય છે મિત્ર શલ્યને બોલાવીને તેમની સાથે વિમર્શ કરો અને આવતીકાલે વહેલી સવારે સેનાપતિ તરીકે તેમનો અભિષેક કરો.’ દુર્યોધને આદેશ આપ્યો.

એ દરમિયાન સૈન્યના બીજા સૈનિકે કર્ણને ગંગાજળથી નવડાવ્યો અને તેને સેનાપતિને છાજે એવા વાઘા પહેરાવીને મરણશૈયા પર સૂવડાવ્યો. તેના શબને રણમેદાનેથી ખસેડીને તેની છાવણીની બહાર ગોઠવવામાં આવ્યો, જેના દર્શને કુરુવંશના તમામ પુત્રો, માધવ અને બંને તરફ લડી રહેલા અન્ય રાજાઓ પણ આવ્યા.

પિતામહને શલ્યે કર્ણએ પાઠવેલો સંદેશ આપી દીધો હતો. અને તેમણે તેમની છાવણીમાંથી એક વડીલને છાજે એ રીતે કર્ણના આત્મા માટે શાંતિ માગી. પિતામહને ખબર હતી કે કર્ણ પણ કુંતિનું જ ફરજંદ છે એટલે તેમને થોડી ગ્લાનિ થઈ. જોકે કુરુવંશ સાથે તેનો કોઈ નાતો નહોતો એ વાતે પણ તેઓ એટલા જ સજાગ હતા.

સત્તરમાં દિવસની સાંજ યુદ્ધના અન્ય દિવસોની સાંજ કરતાં ઘણી ઉદાસ હતી. અત્યાર સુધી માત્ર રણભૂમિમાં જ સાંજની ઉદાસી પ્રસરતી હતી, પરંતુ સત્તરમાં દિવસે આખુંય આકાશ, રણભૂમિમાં વાતા પવનની લહેરકી અને પશ્ર્ચિમાકાશે ધીમે ધીમે અદૃશ્ય થઈ રહેલા સૂર્ય સુધ્ધાં ઉદાસ હતા.

સૂર્યનું ચાલ્યું હોત તો પોતાના પુત્રના મોતના બદલામાં આખીય પૃથ્વીને અનંત અંધકારની ભેટ આપી દેત, પરંતુ સૂર્ય પણ ક્યાં પોતાની નિયતિથી અને કર્મથી પર હતો? ખુદ સૂર્ય પણ એક ગૂઢ તંત્રને આધીન હતો, જે તંત્રને સુચારુરૂપથી ચલાવવા માટે તે ક્યારેય પોતાનું ધાર્યું નહોતો કરી શકતો. નહીંતર પોતાના પુત્રના મોત પર સૂર્ય કંઈ સમસમીને બેસી રહે? (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

61C1CF53
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com