Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મમ્મીને મદદ કરવાને લીધે મને પિયરવખ્ખુ કહીને વગોવાય છે

કેતકી જાનીસવાલ: હું ૪૫ વર્ષની નોકરી કરતી બે બાળકોની માતા છું. પ્રોબ્લેમ એ છે કે પિયરમાં મારી મમ્મી એકલી જ છે, પપ્પા પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા અને એક માત્ર સંતાન હોવાથી તેઓ મારી જવાબદારી છે તેવું હું માનું છું. પપ્પાનું પેન્શન આવે છે તેથી આર્થિક તો ઓછી જરૂર પડે, પણ છતાં ક્યારેક મારા મનથી હું મમ્મી માટે કાંઈ લઉં, તેમને સાચવું તે મારાં સાસુ-સસરાને આંખમાં ખૂંચે છે. મારા પતિની કાનભંભેરણી કરી ઘરમાં ઝઘડા કરાવે છે. બધા સામે પિયરવખ્ખુ કહીને વગોવે છે. મારે શું કરવું એ બોલો, આ કંકાસથી બચવા હું છાનામાના મમ્મી માટે જે કરવું હોય તે કરી લઉં છું. મને હંમેશાં તેનો ડંખ રહે કે આ ખોટું છે, પણ હું શું કરું સમજાતું નથી.

--------------------

જવાબ

પ્રય બહેન, તમારા ઘરવાળા લોકો જો તમારી ભાવના સમજતા ના હોય તો તમે જે કરો તે જ કરવું પડે તેના સિવાય કોઈ જ આરોઓવારો નથી જ. પરંતુ તમારે એ રીતે કંકાસથી સતત ડરવાનું નહીં.

જ્યારે જ્યારે તક મળે સાસુ-સસરા-પતિને કહેતા રહેવાનું કે હું જે કરી રહી છું તે મારી ફરજ છે, હું ફરજમાંથી કેવી રીતે છટકી શકું? તેમને આડકતરી રીતે વિવિધ વાતોથી એવો સંદેશ જવો જોઈએ કે જે ઘરમાં તમે લાડ-પ્રેમથી ઊછરી પરણવા જેટલાં થયા ત્યારે પરણીને આ ઘેર પ્રેમથી આવ્યા તે ઘર તો તમારા માટે સ્વર્ગ જ હોવાનું ને? અને હા, માતાનું સંભાળવામાં તમે સાસરાનું જ સારું બતાવો છો સમાજમાં. લોકો શું કહેશે જો તમે તમારી જ એકલી વૃદ્ધ માતાનું ધ્યાન નહિ રાખો તો? આપણાં સમાજમાં હવે દીકરીઓ પોતાની રીતે નિર્ણય લેતી થઈ છે, તે ખરેખર સ્ત્રી સ્વતંત્રતા તરફની આગેકૂચ છે અને સન્માન યોગ્ય છે. તમારી માતા પ્રત્યેની ફરજનિષ્ઠાને હું તો બિરદાવું છું, મને લાગે છે કે એક દિવસ તમારા પતિ - સાસુ - સસરા પણ ચોક્કસ તમારી ભાવદશા સમજશે, છતાં તેઓ સમજે ત્યાં સુધી રાહ જોઈ ના શકો. તમારે તમારી રીતે માતાને મદદ કરવાની જ. તમે કાંઈ ખોટું નથી કરી રહ્યાં. આ પ્રમાણે વર્તીને વ્યક્તિ ખોટું ત્યારે જ બોલે ને કે જ્યારે તેને ડર હોય કે જે તે સ્થિતિ વિશે જણાવીશ તો સામેની વ્યક્તિ સહન નહિ કરી શકે, ઘરમાં-જીવનમાં આવતા કકળાટને ટાળવા તમે જે પણ રસ્તો અખત્યાર કર્યો છે તે લેશમાત્ર ખોટો નથી. ‘ખોટા’ના બોજ તળે તમારા અંતરાત્માને હેરાન કરવાનું અબઘડીથી છોડી દો, અસ્તુ.

----------------------------

ખૂબ ધ્યાન આપવા છતાં દીકરાને

ઓછા માર્ક્સ જ આવે છે

સવાલ: મારો પુત્ર હમણાં પ્રાથમિક શિક્ષણ લઈ રહ્યો છે. એક જ સંતાન હોવાથી અમે તેનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. ઉછેરમાં કોઈ જ કમી ના રાખી હોવા છતાં તે ભણવામાં ખૂબ જ નબળો છે. માંડ માંડ પાસ થાય છે. તેનાં સારા રિઝલ્ટ માટે સારામાં સારા ટ્યૂશન હોવા છતાં ટ્યૂશન ના હોય તેવાં પડોશી બાળકો સારા માર્ક્સ લાવે છે. શું કરવાથી તેનો માનસિક વિકાસ થાય? ગમે તેટલું ટોકું તેને અસર જ ના થાય તેને, શું કરવું મારે?

------------------------

પ્રિય બહેન, સૌપ્રથમ તો મારે તમને એક વાત કહેવી છે કે મહેરબાની કરી તમારા બાળકની અન્ય બાળકો સાથે સરખામણી કરવાની ટેવ અબઘડી જ છોડી દો. ગુલાબનું ફૂલ જે ફોરમ આપે તે જ ફોરમની અપેક્ષા આપણે મોગરાના ફૂલ પાસે રાખીએ છીએ? ગુલાબની પોતાની મહેક-સુંદરતા છે અને મોગરાની પોતાની. શા માટે તમે નાહક માનસિક રીતે પરેશાન થાવ છો આ તદ્દન પાયાવિહીન સરખામણી કરીને? તમે જાણો છો કે તમારી આ સરખામણી એમણે જ તમારા બાળકનાં મનમાં તમારા પ્રતિ છૂપો રોષ પેદા કરે છે?

દરેક બાળક એક વિશિષ્ટ ક્ષેત્રમાં ચોક્કસ હોશિયારી સાથે જ જન્મે છે. તમારા બાળકમાં રહેલી તે વિશિષ્ટતા શોધવાનો તમે કદી પ્રયત્ન કર્યો છે? બાળકના વિકાસમાં તમે માત્ર સારા ટ્યૂશન રાખી પૈસા ખર્ચો એટલે તમારી ભૂમિકા પૂરી, તેમ માનતા હોવ તો માફ કરજો, પણ મારે કહેવું પડશે કે તમે ભીંત ભૂલો છો.

બાળકને ભાવનિક જરૂરિયાતો પણ હોય છે બહેન. ભાવના જગતનો કોઈ પણ બાળકની યાદદાસ્ત ઉપર જોરદાર પ્રભાવ હોય છે. નકારાત્મક કે નકારાત્મક અનુભવો બાળકના શિક્ષણ પ્રવાસના સાથી હોય છે. મારીને, ધમકાવીને, ગુસ્સો કરીને, બરાડા પાડીને ભણાવવાથી બાળકોને ભણાવી શકાતાં નથી. શીખવાનો - ભણવાનો અનુભવ જો આનંદદાયી હોય તો કોઈ પણ બાળકનું મન આપોઆપ શિક્ષણ પરત્વે ખેંચાય છે. તેને મન થાય છે કે લાવ ભણું, આનાથી જ મને નવું નવું જાણવા મળે છે, એટલે કે તેની જિજ્ઞાસાવૃત્તિને સંતોષે તેવો આનંદદાયી અનુભવ બાળકોને શિક્ષણમાં અવ્વલ બનાવતી ગુરુચાવી છે.

ભાવનાત્મક સુરક્ષા બાળકોને માનસિક સ્થિરતા આપે છે. ચંચળતા કોઈપણ બાળપણનું એક અનિવાર્ય અંગ છે. તેને કારણે બાળમનમાં વિવિધ પ્રકારના ડર-બીક-ધાક હોય છે જે તેના સમગ્ર વિકાસમાં ભાગ ભજવે છે. માટે તમે જો તમારા બાળકને ખરેખર પ્રેમ કરતા હો તો તેના વ્યક્તિત્વને ઓળખવાનો ખરેખર પ્રયત્ન કરો. સવારથી સાંજ સુધી તેનું નિરીક્ષણ કરો એક દિવસ. તમને તેનામાં શું છે? તેને શેમાં રસ પડે છે? તે બધું સમજાવાનું શરૂ થશે. તેને બોલવા દો અને તમે ચૂપ રહો ક્યારેક. તેના મનમાં ધરબાયેલ ડર, આનંદ તે ધીરે ધીરે નિ:સંકોચ વ્યક્ત કરે તેની રાહ જુઓ. તેને ફટાફટ ભણવામાં હોશિયાર કરી દે તેવું કોઈ ટોનિક છે, તેવું મેં તો હજી સુધી સાંભળ્યું નથી, તેને, તેની શારીરિક - માનસિક મર્યાદાને સમજો. તમે જે ધ્યાન રાખ્યું છે તેમાં તમારી કંઈ ગફલત તો નથી થઈ ને? માત્ર પૈસા ખરચી જાણવાને તમે ધ્યાન રાખ્યું નથી ગણતા ને? તમે અને તમારા પતિ તેને સમય આપો છો? તે શાળામાં કોની સાથે રમે - ભણે - ઊઠે - બેસે - ફરે છે તે તમે જાણો છો? તેના રસના વિષય વિશે સત્વરે જાણી તમારે તેને પહેલા તેમાં પ્રોત્સાહન આપવાનું શરૂ કરવું જોઈએ. તેનો વિશ્ર્વાસ કેળવો પહેલાં અને પછી તેને અઘરા લાગતા વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરો. જે-તે વિષયને કોઈ અલગ સરળ રીતે સમજી શકાય તેમ છે કે કેમ? આ વિચારી તેને અનુકૂળ રીતે તે સમજી શકે તેની વ્યવસ્થા કરો. માટે સૌપ્રથમ તેને તમારા ‘હાઉ’થી મુક્ત કરી સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે ખીલવા દો, ખુલવા દો. તમને જરૂર એ તત્ત્વ મળશે, જેમાં તે બીજા બધા જ હમઉમ્ર બાળકો કરતાં ખૂબ જ સારો હશે. અસ્તુ.

------------------------

સવાલ આ ઈ-મેઇલ પર મોકલી આપો

તફદફફહબજ્ઞળબફુતફળફભવફિ.ભજ્ઞળ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

122W8N63
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com