Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
બાળપણથી જ હું વિદ્રોહી હતી

નારી વિશ્ર્વ-દિવ્યાશા દોશીમને શીખવ હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

કુન્દનિકા કાપડિયા આ પ્રાર્થનાને જીવન બનાવીને જીવે છે. સાંઈ મકરંદની સ્મૃતિને પ્રેમથી જીવંત રાખે છે. . મકરંદ દવે અને કુન્દનિકા કાપડિયા આનંદગ્રામ નંદિગ્રામની મુલાકાત મારા માટે હંમેશા સ્મરણીય રહી છે. મકરંદભાઈ આજે નથી રહ્યા પણ તેમની આગળ સ્વ. લગાડવાનું મન નથી થતું. તેમના અંતિમ સમય સુધી જીવનસંગિની બની રહેલા કુન્દનિકા કાપડિયાનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. તેમને ૨૭ વરસથી સતત મળતી આવી છું પણ તેમની સજાગતા અને સ્વભાવ જરા પણ બદલાયા નથી. ઉંમરને કારણે તેઓ થોડા ઢીલા જરૂર જણાય પણ આજેય તેમના લાંબા સુંદર વાળ, ભાવવાહી આંખો અને મોનાલિસા જેવું સ્મિત તમને આકર્ષક લાગે. નંદિગ્રામમાં હાલ મ્યુઝિયમ પણ તેમણે ઊભું કર્યું છે, જેમાં મકરંદ દવે અને તેમના સહજીવનના ફોટાઓ આપણને સાહિત્યકાર, આધ્યાત્મિક બેલડીના ભૂતકાળની ઝાંખી કરાવે છે. કુન્દનિકા કાપડિયાને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ૧૯૮૫ની સાલમાં મળ્યો હતો. પહેલાં સંપાદક અને પછી વાર્તાકાર, નવલકથાકાર અને ત્યારબાદ પ્રાર્થનાઓનો સંગ્રહ તેમણે આપ્યો છે. સાત પગલાં આકાશથી આજે પણ ઓળખાતા કુન્દનિકા કાપડિયા પોતાના સમયથી ઘણા આગળ જીવતા હતા. આજે પણ તેઓ સતત કંઈને કંઈ લખતા હોય, નંદિગ્રામના કામનું સંચાલન કરતા હોય કે પછી ન દેખાતા કોઈ વિશ્ર્વમાં ખોવાઈ ગયા હોય એ રીતે શાંત બેઠા હોય. કુન્દનિકાબહેને પોતાની વાત કરતાં કહ્યું હતું તે હવે તેમના જ શબ્દોમાં વાંચો, "મને યાદ છે, મારા બચપણનો મુખ્ય ભાગ ગોધરામાં વીત્યો. ગોધરા પંચમહાલનું ગામ. મોટેભાગે જંગલ જેવા વિસ્તારમાં તેથી મારો મુખ્ય રસ પ્રકૃતિપ્રેમ છે. ઘણા ઘણા કલાકો વૃક્ષો ઉપર ચડી ડાળ ઉપર ગોઠવાઈને વાંચવું, એકાંતમાં ફરવું, સ્મશાનમાં જવું. એનું કારણ એ હશે કે જે બીજા ન કરે તેવી વિદ્રોહી પ્રવૃત્તિ કરવી મને ગમતી. મારા બાપુજી ડૉક્ટર હતા તેથી તેમના વૈદકના પુસ્તકો અને બીજો જે હાથમાં આવે તે વાંચતી. કૃષ્ણમૂર્તિના સ્ટાર મેગેઝિનમાં આવતી કવિતા વાંચતી, સમજાય ન સમજાય તોય બસ વાંચ્યા કરતી. હાલમાં મારી જાગૃતિ ક્ષણની વાત કહું. હું લગભગ અગિયાર કે બાર વર્ષની હોઈશ ત્યારે લેન્ટાનાની નાની ઝાડીઓ વચ્ચે ધૂળભર્યો માર્ગ નદી તરફ જતો હતો ત્યાંથી સાંજના સમયે એકલી પસાર થઈ રહી હતી ત્યારે હું એક ક્ષણ ઊભી રહી. મને થયું કે હું કોણ છું? આ જગત શું છે? આવા ગંભીર સવાલો મનમાં ઉઠ્યા. મારા સ્વભાવમાં જે ગંભીરતા છે તે કદાચ તે ક્ષણથી આવેલી છે. મને થયું આ બધું શું છે? આપણે જીવીએ છીએ તે શું છે? પછી મેં આ બધા પ્રશ્ર્નો ર.વ.દેસાઈને લખીને મોકલેલા. તેમણે જવાબ આપ્યો કે હમણાં તમે ભણવામાં ધ્યાન આપો તો વધારે સારું. હવે હું બધાને એવા જવાબ આપું છું. ઘણા વિદ્યાર્થીઓના પત્રો આવી ચર્ચા લખેલા આવે છે. પરંપરાગત રૂઢિઓના વિરોધમાં જવાનો મારો સ્વભાવ છે. એક વાર એવું થયું કે ઘરમાં નોકર નહીં આવેલો એટલે બાએ મને વાસણ માંજી નાખવાનું કહ્યું એટલે મેં કહ્યું મોટા ભાઈને કેમ નથી કહેતી મને જ કેમ કહે છે. વળી, તે વખતે હરિજનોને ન અડાય એવું બધા કહેતા તેથી હું તેમને ખાસ ઘરે બોલાવીને ભણાવતી. જ્ઞાતિમાં હું માનતી નહીં, અને વતન જેવું પણ મને ખાસ લાગે નહીં. મને લાગે છે મારું વતન તો હજી હું શોધું છું. શોધું છું કે મારા મૂળિયા ક્યાં છે. મારા મિત્રની કઈ જ્ઞાતિ છે કે પંથ છે તે ખબર નથી. મને એ બધી વસ્તુઓ (વાતો) માણસ માણસ વચ્ચે ભેદભાવ વધારનારી લાગે છે. પછી કૃષ્ણમૂર્તિને વાંચ્યા. તેથી મારી લાગણીઓ કે વિચારો વધારે પુષ્ટ થયાં. તેથી જ મારા લેખોમાં પણ વારંવાર લખું છું, અને મારો આગ્રહ પણ રહ્યો છે કે માણસે પોતાની અટક કાઢી નાખવી જોઈએ. સાત પગલાં આકાશમાં પણ મેં ઘણી નવી વાતો કરી છે જે પરંપરાની વિરુદ્ધ છે. હું જ્યારે સાત પગલાં આકાશમાં લખતી હતી ત્યારે કાંતાબહેનને કહેતી (કાન્તાબહેન નંદિગ્રામની શરૂઆત થઈ ત્યારના પ્રથમ રહેવાસીઓમાંના એક હતા. તેમનો સ્વર્ગવાસ થઈ ગયો છે. તેમને મળવાનો લાભ મને મળ્યો હતો ) જો આ વાર્તા લોકો ધ્યાનથી વાંચશે તો ખળભળાટ મચી જશે અને એવું જ થયું . સ્ત્રીઓ પ્રત્યે અન્યાય તો મેં મારા ઘરમાં અને આજુબાજુ બધે જોયો છે, અને એટલે કદાચ એની અસર મારી વાર્તાઓ ઉપર છે. મારા પિતા ડૉક્ટર અને મારી મા ચાર ચોપડી ભણેલી તેથી મારા પિતા વારંવાર મારી માને કહેતા તને કંઈ ખબર ન પડે, અને મા હંમેશા દબાયેલાં રહેતાં. કુટુંબના આંબામાં પણ માનું નામ ન હોય. લોકો એમ પૂછે છે કે પુરુષો સ્ત્રીઓ ઉપર શું અત્યાચાર કરે છે? હું તો જવાબ આપું કે સૂક્ષ્મ રીતે તેઓ સ્ત્રીના અસ્તિત્વને નામશેષ કરે છે. સર્જકો પણ તેમાં સહભાગી બને છે. બીજું સ્ત્રીઓનું એટલું બ્રેઇનવોશિંગ થાય છે કે તેમને એટલો અહેસાસ પણ ન થાય. એવું પણ બને કે કદાચ તેમને ગૌરવ પણ લાગે છે. કોલેજનું શિક્ષણ મેં ભાવનગર તથા વડોદરામાં લીધું. સાથે સાથે સ્વાતંત્ર્ય લડતમાં સક્રિય રહી. એકાદ-બે દિવસ જેલમાં પણ રહી આવી હતી. તે વખતે માનસિક તૈયારી સ્વરાજની લડતમાં સક્રિય ભાગ લેવાની હતી. ભવિષ્ય નક્કી હતું. મને સમાજવાદ ગમે . માણસે પોતાની મૂળ પ્રકૃતિના હિસાબે તેને અનુરૂપ અનેક વિકલ્પોમાંથી એક વિકલ્પ શોધી લેવો જોઈએ. આઝાદી પછી જીવનને નવેસરથી શરૂ કરવાનો વિચાર આવ્યો. હું મુંબઈ આવી. મારી પ્રેમના આંસુને વિશ્ર્વ વાર્તા સ્પર્ધામાં બીજું ઈનામ મળ્યું. તેનાથી મેં સાહિત્યમાં પ્રવેશ કર્યો. કૃષ્ણમૂર્તિની અસર મારા ઉપર પડી. તેમને પ્રથમ વાર સાંભળ્યા પછી કહી શકું કે હું એમને પામી છું. ધીમે ધીમે લખાતું ગયું. પછી મેં યાત્રિક નામનું મેગેઝિન શરૂ કર્યું. અને પછી નવનીત ડાયજેસ્ટનું સંપાદન કર્યું.

મારી સૌ પહેલી વાર્તા તો મેં લગભગ ૧૯૫૫માં લખી. જેમાં પુરુષના પ્રભુત્વ અંગે વધુ ભાર હતો .જેમાં પતિ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે પણ તેને સ્વતંત્ર નિર્ણય નથી લેવા દેતો. છેવટે પત્ની પતિને છોડીને ચાલી જાય છે. ઈબ્સનની ડોલ હાઉસની મારા પર ઘણી અસર છે. જેમાં સ્ત્રી પોતાની અસ્મિતા ખાતર પતિને છોડી જાય છે પછી તો ઘણું લખ્યું. ન્યાય નામની વાર્તા અને ચળકાટ વગેરે એ બધી વિદ્રોહની વાર્તાઓ છે. મારી ઘણી વાર્તાઓમાં ઘર છોડી જવાની વાત આવે છે. તે અસર ડોલ હાઉસની છે. કદાચ એમ પણ હોય કે પૂર્વજન્મમાં હું કદાચ ઘર છોડીને ગઈ હોઈશ. બે-ત્રણ લાગણીઓ છે. હું પૂર્વજન્મમાં કદાચ એકલી પણ હોઈશ કારણ કે મારામાં કુટુંબભાવ જરા પણ નથી. લગ્ન પહેલા પણ નહીં, લગ્ન પછી પણ નહીં. સંસાર વ્યવહાર જેવો સ્વભાવ મારામાં નથી. અથવા તો કદાચ હું પૂર્વજન્મમાં સાધ્વી પણ હોઉં. હું ખૂબ જ એકાંત પ્રિય છું. મારો મુખ્ય રસ કોઈ વ્યક્તિની સાથે જીવનના પડ ઉકેલવાનો. વ્યક્તિગત જીવન વિષે નહીં, મનના સ્વરૂપ વિશે, જીવનના સ્વરૂપ વિશે. તેથી ખાલી ગપ્પા મારવા મારા સ્વભાવમાં જ નથી.

મને નામ પ્રતિષ્ઠા એવાં કશાનો મોહ નથી. તેથી મને જ્યારે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો કે પ્રેમના આંસુને પુરસ્કાર મળ્યો ત્યારે પણ મને અંદરખાને કશો પણ તરખાટ નહોતો થયો. ઠીક છે, સ્વાભાવિક છે, મળે! એટલે મારી વાર્તાઓમાં એ પ્રકારનો ધ્વનિ જોવા મળે છે. અગનપિપાસા વાર્તામાં એ વાત છે. કલાકારને પ્રતિષ્ઠા ન મળે, માન ન મળે, છતાં પણ જીવનમાં પરિપૂર્ણતા છે. એ જ મારું દૃષ્ટિબિંદુ છે. સાત પગલાં આકાશમાં તો મારે વાત કેવી હતી સ્ત્રીઓની વેદનાની, તેમના પર થતા અત્યાચારની, સૂક્ષ્મ હિંસાની. કુન્દનિકાબહેનને આજે ઈશામા તરીકે પણ બોલાવે છે. મકરન્દભાઈ સાથેના તેમના સહજીવનની શરૂઆતની વાત કરતાં કહે, અમારાં લગ્ન સામાન્ય રીતે જેમ થાય છે તેમ નહોતાં થયાં. બે વ્યક્તિઓ મળે, સમજે ને પ્રેમ થાય એમ નહીં. પહેલ મકરંદે કરેલી. તેમણે મને કાગળ લખ્યો, પણ નાનપણથી જ મારી લગ્ન કરવાની ઇચ્છા નહોતી. જે સામાજિક સંસ્કારો અને પુરુષોનાં સ્ત્રી પ્રત્યેના વલણો જોયાં હતાં તેને લીધે ઇચ્છા જ નહોતી. મેં લગ્ન કરતા પહેલા ખૂબ મંથન કરીને લગ્ન કર્યાં. મેં ઘણા મોડાં લગ્ન કર્યાં. મેં લગ્ન કર્યા ત્યારે મારા બાપુજીને એમ કે આનું શું થશે? પણ તેઓ જ્યારે મકરંદને મળ્યાં ત્યારે ખૂબ ખુશ થયા હતા. લગ્ન અમે ખૂબ સાદાઈથી અખાત્રીજને દિવસે વિહાર તળાવને કાંઠે બે-ચાર વ્યક્તિની હાજરીમાં કર્યા હતા. મકરંદ વિશે કહેવું ઘણું મુશ્કેલ છે. કેમ કે તેઓ જે દેખાતા તેવા એ નહોતા. (આમ કહેતાં કુન્દનિકાબહેન જાણે ક્યાંક ખોવાઈ ગયાં.) મારા જીવનમાં એમના આવ્યા પહેલા ઈશ્ર્વરનો પ્રવેશ નહોતો. કૃષ્ણમૂર્તિ કે બુદ્ધની વાતમાં ક્યાંય ઇશ્ર્વરની વાત આવે નહીં. એટલે એમના થકી ઈશ્ર્વરે મારા જીવનમાં પ્રવેશ કર્યો એ ખૂબ જ મોટી વાત છે અને સ્મરણો તો એટલા બધા છે કે એમની એક નાના છોકરા જેવી વાત છે. એક વખત હું જ્યારે નવનીતમાં કામ કરતી હતી ત્યારે અમે ફરવા જવાનું નક્કી કર્યું અને બસ સ્ટોપ પર મળ્યા. બસમાં બેઠા પછી કહ્યું કે હું તારા માટે ભેટ લાવ્યો છું કહીને હાથમાં ડબ્બી મૂકી ને ડબ્બી ખોલી તેમાં એક પડીકું હતું. મેં પડીકું ખોલ્યું તો વળી એક બીજું પડીકું મળ્યું, એમ સાતથી આઠ પડીકા ખૂલ્યા પછી મને એક ચિઠ્ઠી મળી જેમાં લખ્યું હતું આઇ લવ યુ. મારી સામે બેઠેલા ભાઈ તો જોયા જ કરે કે આ બેન કેટલાં પડીકા ખોલ્યે રાખે છે. આવા તો અનેક પ્રસંગો છે. જ્યારે પણ બહારગામ જતી ત્યારે મકરંદ પ્રેમના ગીત કે પ્રેમનું વાક્ય લખીને મારા પર્સમાં મૂકી દેતા. એક પ્રસંગ કહું તેમની તબિયતને કારણે તેમને માટે પ્રવાસ કરવાનું મુશ્કેલ બનતું, તેથી તેઓ પ્રવાસ ન કરતા. એક વાર એકલી ઇગતપુરી વિપશ્યના શિબિરમાં ગઈ હતી. ત્યાં આઠ દિવસના મૌન એકાંત પછી નવમા દિવસે જ્યારે હું બહાર આવે ત્યારે મને કોઈએ આવીને કહ્યું કે મકરંદભાઇ મળવા બોલાવે છે. પહેલા તો હું માની જ ન શકી પછી જ્યારે તેમને ત્યાં જોયા ત્યારે સુખદ આશ્ર્ચર્ય પામી. મને મળવા માટે તેઓ ખાસ આવ્યા હતા મારે માટે તો એ ખૂબ અદ્ભુત વાત હતી. તેમની સાથેનું જીવન આધ્યાત્મિક અનુભૂતિઓથી ભરપૂર હતું, આનંદમય હતું.

નંદિગ્રામમાં આજે પણ એ આધ્યાત્મિક સાહચર્યનાં આંદોલન અનુભવાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

434O6I
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com