Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
નામુમકિન હુઆ મુમકિન!

૮૧વર્ષની ઉંમરે એક આયરિશ મહિલા તેને જણનારી માતાને જિંદગીમાં પ્રથમ વાર મળી એમ કહીએ તો તમારા માન્યામાં આવે ખરું ? પણ હા, આ હકીકત છે. એલિન મેકન આયર્લેન્ડની એવી મહિલા છે, જે તેની ૧૦૩ વર્ષની માતાને મળવામાં સદ્ભાગી નીવડી હતી. પૌત્ર-પૌત્રીઓ સાથે રમવાની ઉંમરે અગર દાદીમા જ પુત્રી બનીને જનેતાને મળવા જાય એ વાત જ સાનંદાશ્ર્ચર્ય આપે એવી છે.

વાત એમ છે કે, એલિન મેકન નામની આ મહિલા આયર્લેન્ડના ડબ્લિન શહેરના એક અનાથાશ્રમમાં ઉછરી હતી. એ જ્યારે ૧૯ વર્ષની થઇ ત્યારથી જ પોતાની માતાને શોધવાનો પ્રયત્ન કરતી હતી, પણ તેના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યાં હતા. આખરે નિરાશ થઇને તેણે એક લોકપ્રિય રેડિયો શો લાઇવલાઇનમાં ‘ધા’ નાખી હતી. આ શો દ્વારા તેને એક જીનીઓલોજિસ્ટ (વંશાવલીનો અભ્યાસ કરનાર)નો ભેટો થયો, જેણે એલિનને તેની માતા સાથે ભેટો કરાવ્યો. ઓહ, છ દાયકાની વિહ્વળ પ્રતીક્ષા પછી આ સોનેરી ક્ષણો પ્રાપ્ત થઇ હતી.

જોકે, તેની ૧૦૩ વર્ષની માતા હયાત તો હતી, પણ તે સ્કોટલેન્ડમાં હતી. એલિન તેની માતાના એક હૂંફાળા સ્પર્શ માટે આતુર હતી. તેની માતા સ્કોટલેન્ડમાં બે પુત્રો સાથે રહેતી હતી. એલિને જ્યારે એક પુત્ર જોડે વાત કરી કે તેની માતા તમારા ઘરે છે, શું હું તેને મળવા આવી શકું? અને પેલા પુત્રે (જે એલિનનો સાવકો ભાઇ ગણાય) તેને પરવાનગી આપી.

આયર્લેન્ડથી સ્કોટલેન્ડ સુધીનો પ્રવાસ ખેડીને જ્યારે એલિન તેની માતાના ઘરે પહોંચી ત્યારે આ સદી વટાવી ગયેલી માતા એક છાપું વાંચી રહી હતી. પોતાના દીકરી જમાઇ સાથે સ્કોટલેન્ડ પહોંચેલી એલિને માતાને ઓળખાણ આપી ત્યારે એ ખરેખર રોમાંચિત થઇ ઊઠી હતી. તેણે લાંબો સમય સુધી એલિનનો હાથ પોતાના હાથમાં રાખીને અલકમલકની વાતો કરી હતી.

ત્રણ દિવસ સ્કોટલેન્ડ રોકાઇને માતા સાથે ખૂબ ખૂબ વાતો કરીને એલિન પાછી તો ફરી, પણ એ આ અદ્ભુત ઘટનાને ક્યારેય ભૂલવા નથી માગતી. ઘરે પાછી ફરી છે ત્યારથી ઘરના એકે કામ તેને સૂઝતાં નથી. તેના બાળકોને કહેતી હતી કે આખી જિંદગી મેં મારી માતાને પ્રેમ કર્યો, પણ હું તેને જાણતી ન હતી કે એ કેવી હશે અને ક્યાં રહેતી હશે. આખરે ઉંમરના આ પડાવે મને મારી મા મળી છે એ વિચારે જ હું તો અત્યારે પણ રોમાંચિત થઇ જાઉં છું.

એલિન જે અનાથાશ્રમમાં ઉછરી ત્યાં વર્ષો પહેલાં લગ્ન થયા વગર કોઇ મહિલા બાળકને જન્મ આપતી તો અહીં મૂકી જતી. જોકે, અહીં કોઇ કલ્પનાના ઘોડા દોડાવીને એલિનની માતા કયા સંજોગોમાં એને અહીં છોડીને ગઇ હશે તે અંગે કોઇ કલ્પનાના ઘોડા દોડવવાની જરૂરત આટલાં વર્ષે નથી જ. આપણે તો આ ભાગ્યેજ જોવા મળતા મિલનને જોઇને હરખાઇએ. ઘણા એવા અનાથ બાળકો હોય છે જે જિંદગીમાં ક્યારેય પોતાની માતાને મળી શકતાં નથી, ત્યારે એલિન એવી સહભાગી નીકળી કે તેને મોડે મોડે પણ જનેતાની હૂંફનો સાક્ષાત્કાર થયો. એલિનનું નસીબ કહો તો નસીબ કે પછી જિજીવિષા કહો તો જિજીવિષા, તેને આખરે ‘મા’ મળી ખરી.

દેર આયે, પર દુરુસ્ત આયે !

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

01Gc8o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com