Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
બચપન કે દિન ભી ક્યા દિન થે!

કથા કોલાજ-કાજલ ઓઝા - વૈદ્યનામ : ઉષા રાડા

સ્થળ : મહિસાગર-લુણાવાડા

સમય : ૨૦૧૯

ઉંમર : ૪૪ વર્ષ

આજે જ્યાંથી મારી જિંદગીને જોઈ રહી છું ત્યારથી બધું સરળ અને ઝળહળતું દેખાય છે, પરંતુ એક સ્ત્રી માટે એની કારકિર્દીનો પ્રવાસ હજી આ દેશમાં એટલો સરળ નથી... એમાંય હું જે સમાજમાં જન્મી અને મોટી થઈ એ સમાજમાં જો છોકરી કારકિર્દી બનાવવાની વાત કરે તો સહુથી પહેલું એણે ના સાંભળવાની તૈયારી રાખવી પડે. એમાંય જ્યારે પોલીસની કારકિર્દીનો વિચાર એક છોકરી કરે ત્યારે એની સામે અનેક ભયસ્થાનો ઊભા થાય છે. દુનિયામાં સ્ત્રીઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. આપણા દેશમાં પણ આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પગ ના મૂક્યો હોય તેમ છતાં હજુ યે કેટલાંક ક્ષેત્રો એવાં છે જેમાં સ્ત્રીઓની સંખ્યા આંગળીના વેઢે ગણાય તેટલી જ છે. આવું જ એક ક્ષેત્ર છે પોલીસ ખાતું. પોલીસ ફોર્સમાં આજે પણ મહિલા કર્મચારીઓની સંખ્યા દસ ટકાથી વધુ નથી અને તેમાં યે ઊચ્ચ હોદ્દા પર કામ કરતી સ્ત્રીઓની ટકાવારી તો માંડ બે ટકા જેટલી જ છે. એમાં આઈપીએસ તરીકે કારકિર્દી બનાવવી એટલે રોજેરોજ પરીક્ષામાંથી પસાર થવું... હજુ પણ મહિલા પોલીસ ઓફિસર, જરાક નવો શબ્દ છે-તો હું જ્યારે પોલીસમાં દાખલ થવાની તૈયારીમાં હતી ત્યારે તો એ સાવ જ આશ્ર્ચર્યજનક હતું. ગુજરાતી મહિલા પોલીસ ઓફિસર પ્રમાણમાં બહુ ઓછી છે અને એમાંય મારી અટકના લીધે મોટાભાગના લોકો માને છે કે હું ગુજરાતી નથી, પરંતુ સત્ય તો એ છે કે હું સો એ સો ટકા ગુજરાતી છું, બલકે કાઠિયાવાડી છું...

૧૬ જુલાઈ, ૧૯૭૪ના દિવસે પોરબંદરમાં હું જન્મી ત્યારે મારા માતા-પિતાને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે હું આવા કામો કરીને ગુજરાત અને પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ રોશન કરીશ. એ વખતે તો એમના મનમાં એક ‘દીકરી’ જન્મી એટલું જ હશે! પણ હું નાની હતી ત્યારથી જ બીજી છોકરીઓ કરતા થોડી જુદી હતી. ઘર ઘર અને ઢીંગલી રમવાનું કદાચ મને બહુ અનુકૂળ આવ્યું જ નહીં. મારા પિતાજી પહેલાં આર્મીમાં મેઈલ ઑવરસિયર હતા, પાછળથી તેઓ આર્મી છોડી ટપાલ ખાતામાં જોડાયા હતા. એમની બદલી થતી રહી પણ પપ્પા ભાઈ-બહેનો વચ્ચે બહુ ફેર જોતા નહીં. એમની અદમ્ય ઈચ્છા હતી કે હું ભણું. અમારા સમાજમાં એ સમયે દીકરીઓ બહુ ભણતી નહીં પણ પપ્પાએ કોઈની પણ પરવાહ કર્યા વગર મારા શિક્ષણ માટે સમય અને પૈસા બેઉં ખર્ચ્યા. મારા મમ્મી જામજોધપુરની સ્કૂલના આચાર્ય હતા એટલે અમે બધા મમ્મી સાથે રહેતા. પપ્પાની બદલી થયા કરે એટલે અમારી શાળા વારેવારે ફેરવવી એના કરતા મમ્મી એક જગ્યાએ સ્થિર હોય એ વધુ યોગ્ય હતું. મારું બાળપણ જામજોધપુરમાં વીત્યું. મારો ભાઈ મારાથી પાંચ વર્ષ નાનો. એ ખૂબ જ ડાહ્યો હતો. સહેજે તોફાન ન કરે બલકે આખા દિવસમાં મેં જે જે તોફાનો કર્યા હોય તેનું લિસ્ટ બનાવે, રાત્રે પપ્પા ઘરે આવે એટલે તેમને એ લિસ્ટ આપે. હું જાગતી હોવા છતાં ઊંઘવાનો ડોળ કરી પડી રહું જેથી ઠપકા મારમાંથી બચી શકાય. હું લગભગ આખો દિવસ ઘરની બહાર જ હોઉં. જામજોધપુર એક નાનકડું ટાઉન હતું. સાંજે પાંચ છ વાગ્યે ટ્રેન આવે જેની વ્હિસલ ગામના ખૂણેખાંચરે સંભળાય. ટ્રેનની વ્હિસલ સંભળાય એટલે તરત હું દોડીને ઘરે પહોંચી જાઉં, કારણ કે પપ્પાનો ઘરે પાછા આવવાનો એ સમય હતો. મારાં તોફાનો આખાં ગામમાં મશહૂર હતાં. તોફાની હોવા છતાં ભણવામાં હું એક્કો હતી. હંમેશાં સ્કૂલમાં મારો પહેલો નંબર જ આવે, એટલે મમ્મી મને ખૂબ લાડકોડ કરે, પરંતુ મારાં તોફાનો અને ખાસ તો મારી જે ફરિયાદો આવતી તેનાથી તેઓ પરેશાન થઈ જાય. મને ડરાવવા ધમકાવવા માટે તેમણે એક સ્પેશિયલ લાકડી રાખી હતી. એક દિવસ અમારા ઘરે પપ્પાના કોઈ મિત્ર આવ્યા અને વાત વાતમાં તેમણે પપ્પાની કોઈક ટીકા કરી. મેં ધડ દઈને એ લાકડી તેમના માથામાં મારી દીધી. મારા પપ્પા વિશે કોઈ અજૂગતું બોલી જ કઈ રીતે શકે ? આજે તો કદાચ એ વાત માનવી મુશ્કેલ લાગે, પણ એ હકીક્ત છે કે હું નાનપણમાં ભયંકર તોફાની છોકરી હતી. સ્કૂલમાંથી, આડોશ-પાડોશમાંથી મારી રોજ ફરિયાદો આવે. સ્કૂલમાં મારી દાદાગીરી ચાલે. જો ખબર પડી કે કોઈએ કોઈની હેરાનગતિ કે કનડગત કરી છે તો તેનું આવી બને. ધોલધપાટ કે માર મારતાં હું જરાયે ના અચકાઉં. જો કે, મારું એ વર્તન ક્યારેય કોઈની સામે એટેક કરવાની રીતે નહોતું. તે હંમેશાં હિંસા સામેનું એક રિએક્ટિવ પગલું રહેતું. હું હંમેશાં છોકરાઓના ગ્રુપમાં જ ફરતી અને અમારા નાનકડા ગામમાં તે બહુ સ્વાભાવિક લેખાતું નહીં. મારી ઉંમરે છોકરીઓ ઘરકામ શીખતી, રસોઈ શીખતી જ્યારે હું છોકરાઓની સાથે રમતી, તોફાનો કરતી...

અમારા ગામની ભાગોળે શેરડીના ખેતરો અને શેરડીનો રસ કાઢી તેમાંથી ગોળ બનાવવાના કારખાનાઓ હતા. અમારી ટોળકીના કેટલાક જણ ચોકીદારને વાતોમાં લગાડતા અને પછી અમે સહુ કારખાનામાં ઘૂસી જતાં. ત્યાં શેરડીના રસનાં પીપ પડ્યાં હોય તેમાંથી કિટલીઓ ભરીને શેરડીનો રસ કાઢી લેતા અને ગટગટાવતા શું મજા આવતી એ રસ પીવામાં! એ રસની મજા તો આજે પૈસાથી ખરીદીને પીવાતા રસમાં જરાયે નથી ! સમર વેકેશનમાં અમે ગાડી કરીને ગીર, માધવપુર વગેરે નજીકના સ્થળોએ ફરવા જઈએ ત્યાં આંબાવાડિયાં ઘણાં. એમાંથી કેરીઓ પાડવાનો આઈડિયા હંમેશાં મારો હોય. બપોરે મોટેરાંઓ બધા આરામ કરતા હોય ત્યારે અમે બચ્ચાંપાર્ટી કેરીઓ તોડીએ તેને જીપમાં સંતાડીને મૂકી દઈએ, પણ કેરી તેની સોડમ ફેલાવ્યા વગર રહે ? પપ્પાને ખબર પડી જાય અને અમને ખૂબ માર પડે. વાડીવાળાને તેની કેરીઓ પાછી આપી દેવી પડે ! બાળપણનાં એ તોફાનો નિર્દોષ હતાં. શેરડીનું ટ્રેક્ટર જતું હોય તેમાંથી શેરડીના સાંઠા ઊઠાવી લેવામાં કે આંબા પરથી કેરીઓ લૂંટવામાં એક અજબ પ્રકારનો રોમાંચ થતો.

મારો પરિવાર એટલો જુનવાણી નથી તેમ છતાં મારો ઉછેર તો દીકરીની જેમ જ થયો છે. જિંદગીના ઉતાર-ચઢાવ જોતાં જોતાં આજે જ્યાં પહોંચી છું ત્યાંથી મને એટલું ચોક્ક્સ સમજાય છે કે મને જે મળ્યું છે એ બધું જ મારા સંઘર્ષનું, મારી મહેનતનું અને ઈશ્ર્વરની કૃપાનું પરિણામ છે. આજના સિનેમામાં જ્યારે મહિલા પોલીસ ઓફિસરને જોઉં છું ત્યારે થોડું હાસ્યાસ્પદ લાગે છે. મહિલા આઈપીએસની કારકિર્દી આવી ગ્લેમર્સ કે આવી આસાન નથી એ વાત કદાચ જે પોલીસ ખાતામાં કામ કરતું હોય એને જ સમજાય એવી છે. હમણાં એક વેબ સિરીઝ દિલ્હી ક્રાઈમ જોતી હતી ત્યારે મને સમજાયું કે આપણા દેશમાં મહિલા અફસરોને એટલું સન્માન નથી મળતું જેટલું બહારના દેશોમાં મળે છે. ગમે તેટલું પરાક્રમ કરનારી આઈપીએસ ઓફિસર હોય એની પાસે પણ ઘર ચલાવવાની કે રસોઈની અપેક્ષા રાખનારા લોકો મળી આવે છે ! મને ઘણાં પૂછે છે, "તમને રાંધતા આવડે ? ત્યારે થોડુંક હસવું આવે ને થોડીક આ દેશની માનસિક્તા વિશે વિચાર કરતા કરી મૂકે એવી સ્થિતિ થાય... કેમ સ્ત્રીએ જ રસોઈ કરવાની ? કેમ સ્ત્રી જ ડોમેસ્ટિક જવાબદારી ઉપાડે ? આવા સવાલો હું નાની હતી ત્યારે પણ મને થતા ને આજે પણ મને થાય છે. મારી દીકરીને મેં આવું કશું પણ શીખવવાની જીદ નથી કરી. એ એની મરજીથી રસોડામાં આવે કે કંઈ શીખવા માગતી હોય તો જરૂર શીખે, પણ ફક્ત સ્ત્રી છે એટલા ખાતર એને શીખવું જોઈએ એવો આગ્રહ મેં ક્યારેય નથી રાખ્યો...

જોકે, મારી મમ્મી અને પપ્પા વચ્ચે એટલો ફેર હતો... કે મમ્મી મારી પાસેથી એક ડાહી દીકરી બનવાનો આગ્રહ રાખતી ને પપ્પા મને આ તોફાનોની ફરિયાદમાંથી સાંગોપાંગ બચાવી લેતા. ભણવામાં હોશિયાર હતી એટલે બાકી કોઈ સમસ્યા નહોતી. મમ્મી વારંવાર કહ્યા કરતી કે જો આમને આમ ચાલશે તો સમાજમાં કોઈ છોકરો લગ્ન માટે તૈયાર નહીં થાય. હું જવાબ આપતી, "તે મારે ક્યાં લગ્ન કરવા છે ! જામજોધપુરમાં આજે પણ તેવા વડીલો છે કે જેમને મારા તોફાનો યાદ છે...

મારાં તોફાનોથી થાકી હારીને પપ્પા મમ્મીએ મને પોરબંદરના આર્ય ક્ધયા ગુરુકુળમાં મૂકવાનો નિર્ણય કર્યો. તેમને હતું કે ત્યાં મૂકવાથી હું સુધરીશ અને તેમનો એ નિર્ણય ખૂબ સાચો ઠર્યો. આઠમા ધોરણથી મેં આર્યક્ધયા ગુરુકુળમાં પ્રવેશ કર્યો અને એ સાથે જ મારું વ્યક્તિત્વ ધરમૂળથી બદલાઈ ગયું. અહીં આવ્યા પછી મને જિંદગીની સમજ આવી, મારાં મૂલ્યો બદલાયાં, મારો આખો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. મને લાગ્યું કે મારા થકી મમ્મી પપ્પાને ઘણી માનસિક પીડા પહોંચી છે, હવે ગુરુકુળમાંથી મારી કોઈ ફરિયાદ તેમને ન થાય તેનું હું ખૂબ ધ્યાન રાખતી. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2q3032
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com