Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
દેખાડા ન હોય તો પરંપરાગત પ્રસંગો માણવા જેવા હોય છે

ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લરવિવાર, મેની બારમીએ અમારા રસોઈવાળાં બહેનની વર્ષગાંઠ હતી. એમના પરિવાર જોડે અમારે ત્રણ પેઢીનો સંબંધ, સ્નેહાળ સંબંધ, બહુ ઉમદા અને ભલી બાઈ. કોઈ કહે કે સાવ આપણા ઘરની જ વ્યક્તિ. જોકે એવું કહેવું મને ગમતું નથી. નોકર માટે ‘સાવ ઘરનો માણસ’ કહેવામાં કદાચ દંભ છે. ઘરના માટે કરીએ છીએ એ પ્રમાણમાં એને કપડાં - દાગીના કરાવતા નથી કે નથી એને પલંગ પર સુવડાવતા કે નથી એને સમાપ વારસો આપી જતા. મારા પતિ લાગણીપ્રધાનવાળા અને આવી બાબતોમાં દયાળુ હતા, મને ચાલીસેક વર્ષથી સીધું ઝૂંપડપટ્ટીઓમાં શિક્ષણકાર્યની ટેવ હતી, પરિણામે આ બહેનની ઠીકઠીક સંભાળ લીધી કહેવાય, સામાન્ય રીતે લેવાય છે તેથી સવિશેષ પણ બિલકુલ કહેવાય નહીં કે નજીકના પરિવારની જેમ જ એને કાંઈ આપીએ છીએ, અને અમે એને સંભાળીએ છીએ તો એ ક્યાં અમને ઓછું સંભાળી લેતી આવી છે. બસ હવે જોકે, ઝાઝાં વખાણ કરીએ તો કદાચ કોઈની નજર લાગી જાય. મે માસમાં કામવાળીઓએ વતનની રાહ પકડેલી છે ત્યારે તો ખાસ. આ બહેનની વાત નીકળી પણ સંદર્ભ બીજો હતો. વરસગાંઠ રવિવારે હતી એટલે હું શનિવારે એને માટે કેક લાવી રાખવાની હતી. મને મોડું થઈ ગયું એટલે એમ લાગ્યું કે દુકાન કદાચ બંધ થઈ ગઈ હશે. સાડાનવે પહોંચી તો દુકાન તો હકડેઠઠ ભરેલી. બહુ જ મોટી દુકાન છે અને કેક, બ્રેડ, બેકરીના નાસ્તા વગેરે માટે અતિશય પ્રખ્યાત છે. હું સમજી કે રમજાન મહિનો ચાલે છે એટલે મુસ્લિમો રાતે જમે, એકબીજાં સગાં, ઘરે મળવા આવે જાય.

આથી દુકાન ભરચક હવે. થોડે જ દૂર મોટી મુસ્લિમ વસતીઓ છે અને બેકરીઓ મુસ્લિમ અને પારસીઓ વધુ ચલાવે. બેકિંગ આપણા દેશની મૂળ રસોઈ રીત નથી. એ મધ્ય એશિયાના દેશોમાંથી આવી છે જ્યાંથી મુસ્લિમ અને પારસી પ્રજા આવી. પાછળથી પોર્ટુગીઝ, અંગ્રેજ વગેરેએ એ વધુ વિકસાવી. જેમ પાંઉ, બટાટા, મરચાં વગેરે અહીં પોર્ટુગીઝો લાવ્યાં તેમ નાન રોટી, પુલાવ, જલેબી, સૂતરફેણી વગેરે મુસ્લિમો સાથે ભારત આવ્યા. અમારી પાસેના વિસ્તારમાં આવેલી આ બેકરી તો હવે જબરદસ્ત લોકપ્રિય થઈ ગઈ છે. જેમ હવે રેસ્ટોરાં બહુ મોંઘાં પડે છે અને લોકો રસ્તે ખાતાં થઈ ગયાં છે તેમ આવી મોટી દુકાનોમાંથી રેડીમેડ નાસ્તા લઈને પણ યુવાનિયાઓ ખાતા થઈ ગયા છે.

બેકરીશોપની અંદર ગઈ તો દૃશ્ય કાંઈ જુદું જ હતું. જોઈને ઓળખાય એવા ઘરાકોમાં હિંદુ-મુસ્લિમ બંને દેખાતા હતા. કેકના વિભાગમાં રીતસરની ધક્કામુક્કી હતી. બંને લેવા આવેલાં મધર્સ ડે માટે. એમનો ઉત્સાહ જોવા જેવો હતો. કેક ફટાફટ ઊપડી જતી હતી એટલે જે જોઈએ તે ન મળવાથી કોઈ કોઈ નિરાશ થતા હતા, બીજું શું લેવું તેની ચર્ચા કરતા હતા. હેપી મધર્સ ડે લખવા હવે દુકાનદાર પાસે ક્રીમ બચી નહોતી અને કાર્ડ પણ ખૂટી પડેલાં. લેનારામાં વધુ યુવતીઓ હતી. મેં પણ જલદીથી એક કેક ખરીદી લીધી. આમ તો મધર્સ ડે કરીને વેપારીઓ કમાણી વધારે. ઉત્સવો ખર્ચાળ થતા જાય છે અને હવે જૂના અને અમેરિકા - યુરોપનાં ઉમેરાય છે એથી વધુ ખર્ચ થાય છે. એ બધું જ ખરું પણ પોતાની માની હસ્તીને સેલિબ્રેટ કરવા મળશે તેનો ઉત્સાહ માણવા જેવો હતો. આ પછી હું સેલરીઝ વિભાગમાં ગઈ. ત્યાં પણ લગભગ સૂપડા સાફ હતાં. એકલી કેક માત્ર ગળી ગળી લાગે એટલે જોડે કાંઈક ખારી વસ્તુ લેવી એમ નક્કી કરેલું. આ બહેનનાં દીકરા-વહુ પણ આવવાનાં હતાં. જે કાંઈ બચેલું તેમાં એક વાનગીના જ અડધો ડઝન જેટલા પીસ વધેલા હતા. નામ તો કાંઈ ઓળખાય એવું નહોતું પણ આ વિભાગ સંભાળતા એક યુવાને કહ્યું કે એમાં ચીઝ અને શાકભાજી છે, ચાર પીસ લીધાં ત્યાં એક યુવાન છોકરી આવી. પેલો માણસ અને આ ક્ધયા બંને અંગ્રેજીમાં બોલતાં હતાં. સમજીને પછી પેલી છોકરીએ બીજા જોડેનાને પૂછ્યું છે કે આ વસ્તુ છે, લઈ લઉં. સામેથી હા આવી, એણે ઓર્ડર આપ્યો અને મેં ઓર્ડર આપેલું તેનું પેકેટ એ જ વખતે પેલાએ મને આપ્યું. મેં એને કહ્યું સારું લાગે છે, મેં આ જ લીધું. છોકરી હસી અને મને થેંકયુ કહીને બોલી, ‘હેપી વિમેન્સ ડે’. માતા કે દાદી, નાની ને વયની સ્ત્રીઓને આ બે દિવસ સૌ આમ કહીને ગ્રીટ કરતા હતા, અજાણી સ્ત્રીઓને પણ. સવાર પડી અને મારાથી વીસેક વર્ષ નાની ‘બગીચા મિત્ર’નો કલ્પનાનો ફોન આવ્યો. એ મને અમ્મા કહે છે. કહે કે, ‘હેપી મધર્સ ડે’ અમ્મા. તમે બ્રેકફાસ્ટ કર્યો?’ મેં કહ્યું કરી જ રહી છું. એ બ્રેકફાસ્ટ કરવા જૂહુની એક સરસ હોટેલમાં જઈ રહી હતી. અમેરિકાથી આવેલો એનો દીકરો એને ‘મધર્સ ડે બ્રેકફાસ્ટ’ માટે લઈ જઈ રહ્યો હતો. એ વાત ખરી છે કે વેલેન્ટાઈન્સ ડે, મધર્સ ડે વગેરે ધનિક અને મધ્યમવર્ગને જ પોસાય પણ એક વાર એટલું કબૂલ કરી લો પછી તહેવારો દિલને સ્પર્શી તો જાય છે જ. જેમને માટે કેક કે ભેટ ખરીદાઈ હશે એ માતાઓને ખુશી તો થઈ જ હશે. પોતાને માટે એક વિશેષ દિવસ હોય એ કઈ માતાને ન ગમે?

આપવાલેવાના સત્તાના સંબંધો, દહેજ અને દેખાડા ન હોય તો પરંપરાગત પ્રસંગો અને ઉત્સવો મજાથી માણવા જેવા હોય છે. મારા પતિના પરિવારમાં નજીકના સંબંધમાં લગ્ન એકનું હતું ત્યારે મેં ખાસ સગાંસંબંધીઓને તેડાવીને જૂનાં લગ્નગીતોની પ્રેક્ટિસ કરાવેલી. આજે બહુ બંધ બેસે નહીં એવું એમાં હોય પણ પ્રસંગે પણ જૂના સાંસ્કૃતિક વારસાને ઠુકરાવી દેવાનું કેમ ચાલે? તદ્દન જુનવાણી કે બનાવટી ધાર્મિકતા બતાવનારાને ફિલ્મો પર નાચવું ગમતું હશે પણ એક બાજુ રાંદલ તેડાવો, અગ્નિની સાથે ફેરા ફરો અને બીજી બાજુએ ‘મહેંદી અને સંગીત’ની પંજાબી રસમો કરીને સિનેમાનાં ગીતો ઉપર નાચો એ શોભે? પાર્ટીઓમાં એ જ કરવાની કોણ ના પાડે છે? દરેકે દરેક પ્રસંગોમાં બૉલીવૂડ ડાન્સ કરવા આવશ્યક છે? પરંપરાઓ બદલાતી રહે, એમાં ઓછુંવત્તું થાય જ પણ તેથી શું ગુજરાતી ભાષા, ગીતો, સંસ્કૃતિ વગેરેને કશે જ સ્થાન નહીં? સૂર્યા સંબંધે મારી ભત્રીજી થાય. માબાપ ડાબેરી મતના. ટ્રેડ યુનિયનમાં કામ પણ કરે. રેશનાલિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક તર્ક અને વાસ્તવવાદમાં જ માને. દીકરી પણ તેમ જ. સુંદર હતી. લાંબા વાળ, ગાલે ખાડા, કાંઈક ગોરી અને હસમુખી. એને કોઈ વિશેષ પુરુષમિત્ર કે પ્રેમસંબંધ કે એવું કાંઈ નહીં. એક નાના શહેરમાં રહે. ક્યાંક નામ લખાવ્યું તો મુરતિયા જોવા આવીને ખુશ થાય. સૂર્યા પહેલેથી જ કહી દે કે પોતે ધાર્મિક નથી અને નાતજાતમાં માનતી નથી. હસીને અને હળવાશથી. સામેથી ઘણી વાર જવાબ આવે કે અમે ધાર્મિક છીએ પણ અમારે ચાલશે. પેલીને બંધબેસતું નહીં. આખરે એક સરસ મજાનો અને લગભગ સમાન જીવન મૂલ્યોવાળા પરિવારનો યુવાન મળી ગયો. સૂર્યાએ લગ્ન પરંપરા મુજબ કરવાનો આગ્રહ રાખ્યો, કેમ? એ કહે કે સરકારી ઑફિસમાં સહી કરીને પટાપટ નીકળી આવીએ તો લગ્ન અને મત આપી આવવામાં ફેર શું? કાંઈક વિધિ હોય, પછી ભલે એમાં અષ્ટમ્પષ્ટમ્ બોલાતું હોય કે શુદ્ધ સંસ્કૃત પણ કાંઈક થતું તો હોય! સગાંવહાલાં માંડવે બેસીને વાતો કરતા હોય, છોકરાં દોડાદોડ કરતા હોય, દરેક પ્રસંગે શું પહેરવું તે નક્કી થયેલું હોય, એકબે દિવસ અગાઉ કાંઈ રાસગરબા થયાં હોય તો મજા આવે. બહારગામથી સગાંવહાલાં આવ્યા હોય તો એ બહાને સૌ ભેગાં થાય. મને સહી કરતી જોવા બધાં શું કામ આવે? વાત તો સાચી હતી. લગ્ન સૌએ માણ્યાં.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

j71521
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com