Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ખેડૂતોનો નવો મિત્ર: મોબાઈલ ઍપ

ફોકસ-ગીતા પાઠકમોબાઈલ ટેકનોલૉજી વિવિધ ક્ષેત્રે આશીર્વાદજનક સાબિત થઈ રહી છે. તાજેતરમાં કૃષિક્ષેત્રે પણ મોબાઈલ એપ ક્રાંતિ સર્જી રહી છે. ખેડૂતોના મોબાઈલમાં વાતાવરણના સમાચાર અગાઉથી આપતી ઍપને કારણે તેમના નાશ પામી રહેલા ખેતરોને બચાવી લેવાઇ રહ્યા છે.

બિહારમાં તમાકુની ખેતી કરતા ખેડૂતો ઍપનો ઉપયોગ શરૂ કર્યા પછી પપૈયાની વાવણી વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. બિહારના વાતાવરણમાં આવતો પલટો, વારંવાર પૂર અને વાવાઝોડાની પરિસ્થિતિને પરિણામે તમાકુની ખેતીને થતા નુકસાનની સરખામણીમાં પપૈયાના ઝાડ વાવાઝોડા અને પૂરની પરિસ્થિતિમાં પ્રમાણમાં વધુ માત્રામાં ટકી શકે છે. પરિણામ એ આવ્યું છે કે મોબાઈલ ઍપના ઉપયોગ બાદ બિહારના જહાનાબાદના ખેડૂતો તમાકુની ખેતીને બદલે પપૈયાની ખેતી તરફ વળ્યા છે. એટલું જ નહીં ઍપને આધારે વાતાવરણના સમાચાર જાણી પાકની સિંચાઈ, વાવણી તથા લણણીને લગતા ફાયદાકારક નિર્ણયો પણ કરી શકે છે. ઍપ દ્વારા મળી રહેલી સલાહને પગલે વાતાવરણ મુજબ કયો પાક ફાયદાકારક રહેશે, કયા બીજ ખરીદવા, ઓછા-વધુ વરસાદમાં વાવણી ફાયદાકારક છે કે કેમ, ખેતીના બીજ તથા ખાતર વગેરે ક્યાંથી ખરીદવું, મીડલમૅન પાસેથી ખરીદવાથી ફાયદો થાય કે ગેરફાયદો જેવી અનેક ખેતીલક્ષી સમસ્યાનું નિવારણ થઈ શકે છે. ગામવાસીએ આપેલી માહિતી મુજબ કૃષિવિષયક મોબાઈલ ઍપને કારણે બીજની ખરીદીથી માંડી પાકના વેચાણ સુધીની જટિલ પ્રક્રિયા સરળ થઈ છે. લાંબા અંતર સુધીના ધક્કા બચી રહ્યા છે. વાવાઝોડું, પૂર, દુષ્કાળ જેવી પરિસ્થિતિની આડઅસરથી થતા નુકસાનમાં ઘટાડો નોંધાયો છે.

તાજેતરમાં જ માર્ચ મહિનામાં કૈથાલી તથા રાજનગરના આસપાસના વિસ્તારોમાં કાપણી માટે કેટલોક તૈયાર પાક ભયાનક વાવાઝોડાને કારણે નાશ પામ્યો પરંતુ એ જ વિસ્તારના મોબાઈલ ઍપ સાથે સંકળાયેલા અસંખ્ય ખેડૂતોએ ઍપમાં આવેલી ચેતવણીને ધ્યાનમાં રાખી અગાઉથી જ તૈયાર પાક ઉતારી લીધો હોવાથી તેઓ ફાયદામાં રહ્યા હતા.

મહંતો જણાવે છે કે તેમના પૂર્વજો વાતાવરણની આગોતરી આગાહી માટે આકાશમાં મીટ માંડતા, પરંતુ હવેની પેઢીમાં એ આવડત તો નથી જ અને વાતાવરણના બદલાવનો પણ ભરોસો રહ્યો નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં મોબાઈલની સ્માર્ટઍપ આશીર્વાદજનક છે.

જુલાઈ, ૨૦૧૬માં બૅન્ગલોરમાં વ્યાવસાયિક સહયોગથી સ્માર્ટફાર્મ ઍપ લૉન્ચ કરવામાં આવી હતી. ખેડૂતો હવે તો પાકમાં લાગેલા રોગની જાણકારી પણ તેના ફોટા અપલોડ કરી મેળવી શકે છે. રોગ સાથે ઉપચારના ઉપાયો, કૃષિવિષયક સલાહ, જાણકારી જેવા પાસા પણ સ્માર્ટઍપમાં આવરી લેવામાં આવ્યા છે.

કૈથાલીના અન્ય ખેડૂત રંજૂ દેવી જણાવે છે કે ઍપ દ્વારા પાક વિષયક જાણકારી ઉપરાંત પાક માટેની દવાઓની ઉપલબ્ધિ અને ઉપયોગની માહિતી સુધ્ધાં મેળવી શકાય છે. જંતુનાશક દવામાં ઉપયોગ, તેની વૈકલ્પિક સામગ્રી, ઓર્ગેનિક ખેતી જેવી જાણકારી પણ મોબાઈલ ઍપથી ઉપલબ્ધ થઈ શકે છે. ઍપ સાથે જોડાવાનો ફાયદો એ છે કે માનો કે કોઈ સંજોગવશાત સમગ્ર પાક નિષ્ફળ ગયો છે તો આજીવિકાની વૈકલ્પિક સમજ અને જાણકારી પણ મળી રહે છે. હતાશાજનક પરિસ્થિતિમાં આત્મહત્યા એકમાત્ર વિકલ્પ નથી. ૧૦૦૦ ખેડૂતોએ ૨૬૯૧ ખેતરો ઍપ સાથે રજિસ્ટર કર્યા હોવાની માહિતી મળી છે. પટનાથી ૫૦ કિ.મી. દૂર બીબીપુરના મોટા ભાગના ખેડૂતો તમાકુની ખેતી છોડી અન્ય વિકલ્પો તરફ વળ્યા છે. જે સામાજિક બદલાવ પણ દર્શાવે છે.

પેઢીઓથી તમાકુની ખેતી કરી રહેલા કિશુન રાયે આ વર્ષે પપૈયાના ૫૫ પ્લાન્ટ્સ રોપ્યા હતા જેમાંથી ૪૫ પ્લાન્ટ્સ ખરાબ હવામાનનો સામનો કરીને પણ ટકી રહ્યા હતા. રાયે પાછલા બે મહિના દરમિયાન પપૈયાના વેચાણથી ૩૦૦૦૦ રૂપિયા મેળવી લીધા છે. રાય કહે છે કે તમાકુની ખેતી તમાકુ વાવો ત્યારથી ચિંતાનો વિષય રહે છે. અન્ય ખેડૂત ઇન્દરજીત સિંહે ગયા વર્ષે ફ્રૂટની ખેતી કરી હતી જેની સરખામણીમાં આ વર્ષે તેણે બેવડી જમીનમાં ફ્રૂટની ખેતી પસંદ કરી અત્યાર સુધીમાં ૫૦૦૦૦ રૂપિયાની આવક મેળવી છે. પપૈયાની ખેતીમાં રોકેલા એક લાખ રૂપિયા સામે ત્રણ લાખનું વળતર મળતું હોવાનો તેમનો દાવો હતો.

કૃષિવિષયક અન્ય સંગઠન ટેકનોલૉજી ઍપ ખેડૂતોને પ્લેટફૉર્મ આપે છે. તેમને ઘરઆંગણે કૃષિ માટે બી મોકલવાથી માંડી પેસ્ટીસાઈડ્સ સુધીની તમામ સગવડો પૂરી પાડે છે. આ સગવડને પગલે કેટલેક ઠેકાણે બજારભાવ કરતા ૩૦થી ૪૦ ટકા ઓછા ભાવે બીજ મળી રહે છે. વેચાણના પ્લેટફૉર્મ તેમની તથા ખેડૂતો વચ્ચે મધ્યસ્થી રાખતા ન હોવાથી પણ ઓછા ભાવે સારા બીજ પ્રાપ્ત થાય છે. ડીહાટના સ્થાપક શશાંક કુમાર જણાવે છે કે ડીહાટ હાલ ૭૨૦૦૦ સબસ્ક્રાઇબર ધરાવે છે. ૨૦૨૨ સુધીમાં એક મિલિયન સબસ્ક્રાઈબર્સ મેળવવાની સંભાવના છે. ભારતમાં કૃષિ અર્થતંત્ર ૪૦૦ બિલિયન ડૉલર્સનું હોવાની ધારણા છે, પરંતુ પારદર્શક આંકડો નહીં હોવાનું જણાવતા સૂત્રો ભારતમાં ૪૦ ટકા પાક નિષ્ફળ જતો હોવાનું પણ જણાવી રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

46b1JD8o
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com