Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ચોવકો ભાષામાં કલ્પનો ખડાં કરે છે!

કચ્છી ચોવક-કિશોર વ્યાસચોવક અને રૂઢિપ્રયોગ, મારા અભ્યાસ મુજબ સ્વત: પ્રફૂટ થાય છે. કોઈ કારણવશ કોઈ પર કટાક્ષ કરવો હોય કે વ્યંગબાણ છોડવાં હોય ત્યારે આ પ્રકારમાં સમાવી શકાય તેવા શબ્દો પ્રગટે છે અને વાચાને માર્મિક બનાવે છે કે, સાંકેતિક બનાવે છે. કોઈ પણ ભાષા હોય આ બંંને પ્રકારો ભાષાવિકાસના પ્રકાશક અને પરિચાયક બની રહે છે. ભાષાનો ઈતિહાસ એ વાતની હામી ભરે છે કે, આદિકાળથી પ્રત્યેક ભાષા અનુકરણના સહારે વિકાસ પામી છે. આ બંને પ્રકારો ખરેખર તો સુંદર કલ્પનો ખડાં કરીને ભાષામાં પ્રાણ પૂરે છે, ભાષાને સુંદર અને આકર્ષક બનાવે છે. રૂઢિપ્રયોગોને કાવ્યના અને ચોવકોને ગદ્યના સહોદર કહીએ તો એ અતિશયોક્તિ નથી! કચ્છમાં, ખાસ કરીને, રણપ્રદેશ અને વિસ્તૃત સમુદ્રકાંઠાના કારણે આ બંને પ્રકારો ખાસિયતોના પરિચાયક બની ગયા છે.

રણપ્રદેશમાં જનજીવનમાં ઊંટ જેવા પશુની ભૂમિકા ઘણી મહત્ત્વપૂર્ણ રહી છે. ઊંટ ઉપરાંત ઘોડા પણ ચોવકો અને રૂઢિપ્રયોગોમાં અલગ સ્થાન મેળવી શક્યા છે. એક ઊક્તિ જોઈએ ‘ઊઠવારો તાલ’ આ ઊક્તિ રૂઢિપ્રયોગ અને ચોવક બંને પ્રકારમાં આવરી લેવાઈ છે. આમ તો તેનો અર્થ વિવેચકો તાલ વિનાનાં વાદન અને નૃત્ય જેવો કરે છે. પણ ઊંટની ચાલ પરથી ‘તાલ’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હોવો જોઈએ! આવા, ઊંટ જેવા પશુને આવરી લઈને કોઈ મૂરખ લાગતી વ્યક્તિ માટે એવી ચોવક પ્રયોજવામાં આવી છે કે, ‘અકાલ જો ઉઠ’! એ કદાચ એટલા માટે પણ હોઈ શકે કે, ઊંટ માટે એમ કહેવાય છે કે, તેને ઉત્તર દિશાના વાતા વાયરા માફક નથી આવતા, એ દિશામાં ઊંટને ચાલવા કે દોડવામાં તકલીફ પડે છે અને કદાચ આવા અનુભવે ચોવક બની કે ‘ઊઠ, ઉત્તર કે ડે પુઠ’! ઊંટને આવરી લઈને જેટલી ચોવકો રચાઈ છે, તેટલી બીજા કોઈ પશુ કે પ્રાણી પર નથી રચાઈ, અલબત્ત કૂતરા જેવા પ્રાણી પર ઘણી ચોવકો જોવા મળે છે. ‘કુતે જો મોં ગડો઼ડો ચટે’ કદાચ ક્યારેક આવું ભલતું દૃશ્ય જોવા મળતું હશે, પણ શબ્દાર્થ એવો થાય છે કે, ‘પાત્ર પ્રમાણે સ્નેહ’ થાય. સ્નેહની સરવાણી ફૂટે ત્યારે પાત્રની પાત્રતાને જોવા પાટા બંધાઈ જાય!

આપણે ઘોડા જેવા શક્તિશાળી પશુનો આગળ ઉલ્લેખ કર્યો. ઘોડાને સમાવી લેતી એક સરસ ચોવક છે: ‘અંધી ઘો઼ડી ને લંભ મેં લડે.’ ‘લંભ’ એક પ્રકારનું ઘાસ છે, જે સુકાય ત્યારે તેનો ઉપયોગ સાવરણી બનાવવામાં થાય છે. પરંતુ અહીં તેનો ભાવાર્થ એવો થાય છે કે, ‘આયોજન વગરનું કામ’ મતલબ આડેધડ કામ કરવું! સામાન્ય રીતે ઘોડો કોઈ પ્રકારના ઘાસમાં મોઢું ન નાખે... કહેવત છે ને, ‘ઘોડો ઘાસ ન ખાય’! પણ માણસ કંઈ વિચાર્યા વગર કામ આદરે તો, ‘લંભમેં લડે’ જેવી સ્થિતિ ઊભી થાય છે.

મોટા ભાગે ચોવકોમાં હળવા કટાક્ષ જોવા મળે છે. એક ચોવક તેને લગતી છે, જે ચોવક પણ છે અને તેમાંના અર્થને કાવ્યાત્મક સ્વરૂપ અપાતાં રૂઢિપ્રયોગ બની જાય છે. બહુ મજાની ચોવક છે: ‘મોંધ માની, પુઠીયા આઉં’ શબ્દાર્થ થાય છે: ‘આગળ રોટલો, પાછળ હું’ પણ ચોવક નસીબની બલિહારી દર્શાવે છે. ‘મોંધ’ એટલે આગળ અને ‘પુઠીયા’ એટલે પાછળ. નસીબની બલિહારી એટલા માટે કે કોઈ અથાગ મહેનત કરે, પણ તેને કામમાં સફળતા જ ન મળે! પરિણામે આજીવિકા હાથ-તાળી આપતી રહે! એટલે જ ચોવક કહે છે કે, ‘આગળ રોટલો અને પાછળ હું’ આ પકડાપકડીનો દાવ ચાલુ જ રહે! હવે તેનું કાવ્યાત્મક સ્વરૂપ જોઈએ, ‘હલેં ટંગૂં, લુડે બાંઉં, ઈગીયા માનીને પુઠીયા આંઉ’ શબ્દાર્થ એવો છે કે, ‘પગ ચાલે, બાંહો લટકતી રહે પણ પરિણામ એ જ કે રોટલો આગળ અને પાછળ હું’!

તેના વિરોધી અર્થવાળી ચોવક ઘણું બધું કહી જાય છે. ગુજરાતીમાં કહેવત છે કે, ‘ભાગ્યશાળીના ભૂત કમાય.’ આ ‘ભૂત’ શબ્દપ્રયોગ ‘કંઈ ન કરવું’ તેવા અર્થમાં છે. ઘણા તમે જોજો, કંઈ જ ન કરતા હોય, અથવા થોડું જ કામ કરતા હોય છતાં એ ઘણું કમાતા હોય છે, જ્યારે કરમી માણસ અકર્મી કે અભાગિયા જેવો લાગે. ચોવક છે: ‘કરમીજી જીભ ને અકરમીજા ટાંટિયા’ ભાગ્યશાળીની જીભ કમાઈ આપે જ્યારે કરમીના કપાળે કાળી મજૂરી છતાં, કમાણી જરૂરિયાત પૂરતી નહીં!

સીધો ભાવાર્થ છે કે, જો તમારા ભાગ્ય સારાં હોય તો તમારા બોલવાથી લક્ષ્મીકૃપા ઊતરે, પણ જો ભાગ્યમાં ન હોય તો, ગમે તેટલી ટાંટિયા-તોડ કરો પણ અકર્મી જ ઠરો! તેનો મતલબ એવો નથી થતો કે, જોઈતું ન ઉપજે તો કરતા હોઈએ એ કામ પણ છોડી દેવું! ભાગ્ય કોઈ વાંચી નથી શકતું, ક્યારે નસીબ આડેનું એ પાંદડું ખસી જાય અને ભાગ્ય બદલાય... તેની રાહ જોવી જ પડે! અહીં ‘કરમી’નો અર્થ ભાગ્યશાળી કરવો જરૂરી બની રહે છે, અને અભાગિયા જણ માટે ‘અકરમી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે!

આ જીવનની વાસ્તવિકતા છે અને આપણે જેટલા પુરુષાર્થી હોઈએ તેટલા જ પ્રારબ્ધવાદી પણ રહેવું પડે! અને પ્રારબ્ધ તો ઘેલું છે, રાજા છે, દૈવ છે, આપે તો દીકરા આપે નહીં તો હોય એ પણ ઝૂંટવી લે... આપણે જોતા હોઈએ છીએ સમાજમાં, આ બધા પ્રારબ્ધના ખેલ ગણતા જ હોઈએ છીએ આપણે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

nRerkh7i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com