Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
બિહારના રાજકારણમાં પત્ની, પુત્ર ને પરિવારની આડશ

સત્તાનો મોહ માણસને સતત તેની ખુરશી સાથે બાંધી રાખે છે અને જો ક્યારેક પણ ખુરશી છોડવાનો વખત આવે તો તરત જ સત્તાભૂખ્યા રાજકારણીઓ તેમના સ્થાને ઘર-પરિવારની અંગત વ્યક્તિને સ્થાપિત કરવાનું વધુ પસંદ કરે છે જેથી સત્તાનો દોર તેમના હાથમાંથી સરકી જાય નહીં. આમ પણ ભારતમાં રાજકીય ક્ષેત્રે પારિવારિક પરંપરા કોઇ નવી વાત નથી.

બિહારમાં ઘણા એવા બાહુબલી છે જે વિવિધ ક્ષેત્રમાંથી (ખાસ તો ગુનાહિત ક્ષેત્ર) રાજકારણમાં પ્રવેશ્યા હોય અથવા તો રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગુનાકીય ગતિવિધિને પરિણામે જેલની હવા ખાઈ રહ્યા હોય. આવા તમામ નેતા તથા તેમના રાજકીય પક્ષોએ પણ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમની બેઠકો ટકાવી રાખવા કુટુંબવાદનો સહારો લીધો છે.

બિહારના ડૉન ગણાતા અનંતસિંહ જેમણે પાછળથી રાજકારણમાં પ્રવેશ કર્યો, તેમના પત્ની નીલમ દેવીને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે. નીલમ દેવી એનડીએના રાજીવ રાજનસિંહ ઉર્ફે લલનસિંહ (જેડીયુ) સામે ચૂંટણી લડી રહ્યાં છે. બિહારના એમએલએ અનંતસિંહ પર ૧૬ કેસ રજિસ્ટર્ડ થયા છે. અનંતસિંહ પોતે ઉમેદવારી કરવા માગતા હતા, પરંતુ તેની પર થયેલા કેસને ધ્યાનમાં રાખી કોંગ્રેસે તેની પત્નીનેે ટિકિટ ફાળવી છે.

કોંગ્રેસના અન્ય ઉમેદવાર રાજેશ રાજન ઉર્ફે પપ્પુ યાદવનું પત્તું કાપી કોંગ્રેસે તેની પત્ની રણજિત રંજનને ટિકિટ ફાળવી છે. રણજિત ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી સુપોલ બેઠક પર જીતી ચૂક્યા છે. કોંગ્રેસે તેમને જ રિપિટ કરવાનું હિતાવહ માન્યું છે. પપ્પુ યાદવનો પણ ઇતિહાસ છે. ૯૦ના દાયકામાં નોર્થ ઇસ્ટ બિહારમાં પપ્પુ યાદવનો આતંક વર્તાતો હતો. તેના પર સીપીઆઈ (એમ)ના નેતા અજિત સરકારની હત્યા સહિત અનેક અપરાધોમાં સંડોવણીનો આક્ષેપ છે.

દિલ્હી ડબલ મર્ડર કેસમાં તિહાર જેલની હવા ખાઈ રહેલા ભૂતપૂર્વ સંસદસભ્ય મોહમદ શાહબુદ્દીનનાં પત્ની હિનાને રાષ્ટ્રીય જનતાદળ તરફથી ઉમેદવારી કરાવવામાં આવી છે. શાહબુદ્દીનનો સિવાનમાં આજની તારીખે પણ દબદબો છે તેઓ અહીંના સુલતાન કહેવાય છે. આ બેઠક પરથી તેઓ સતત ચાર વખત વિજયી નિવડ્યા છે. જોકે ૨૦૧૪માં મોદી લહેર સામે તેઓ હાર્યા હતા. ૨૦૧૪માં સિવાનમાં ભાજપના ઓમપ્રકાશ યાદવનો વિજય થયો હતો. હિના સામે એનડીએ તરફથી કવિતાસિંહ (જેડીયુ) ચૂંટણી લડી રહ્યાં છે. કવિતાસિંહ નેતા અજયસિંહની પત્ની છે.

નવાડાના સસ્પેન્ડ થયેલા એમએલએ રાજભલ્લા યાદવનાં પત્ની વિભાદેવીએ આરજેડી તરફથી ઉમેદવારી નોંધાવી છે. રાજભલ્લા જેલવાસ ભોગવી રહ્યા છે. આ ઉપરાંત રેતી અને પથ્થરના ગેરકાયદેસર માઇનિંગમાં પણ એ સંડોવાયેલા છે. નોંધનીય છે કે આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવનાં પત્ની રાબડી દેવી વિભાદેવી માટે પ્રચાર કરી રહ્યાં છે. અપક્ષ ઉમેદવારો પણ પત્નીપ્રેમમાંથી બાકાત નથી રહ્યા. બિહારની ગુનાખોરીમાંથી રાજકીય કારકિર્દીમાં પરિવર્તિત થયેલા ભૂતપૂર્વ ડૉન આનંદમોહન સિંહનાં પત્ની લવલી આનંદે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આનંદમોહન હાલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની હત્યાના આરોપ હેઠળ જેલમાં સજા ભોગવી રહ્યા છે. આનંદમોહન ટિકિટની આશાએ કોંગ્રેસમાં જોડાયા હતા, પરંતુ મહાગઠબંધનની ગોઠવણ મુજબ શિયોહરની બેઠક આરજેડીને ફાળે ગઈ હતી.

કેટલાક બાહુબલીઓએ રાજકીય ક્ષેત્રે પ્રવેશ બાદ તેમના ભાઈ તથા પુત્રને પણ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરાવ્યો છે. આરજેડીએ પૂર્વ એમપી પ્રભુનાથ સિંહના પુત્ર રણવીર સિંહને ટિકિટ ફાળવી છે. પ્રભુનાથ સિંહ હાલ ૨૨ વર્ષના યુવકની હત્યાના કેસમાં ઝારખંડની હજારીબાગ જેલમાં સજા કાપી રહ્યા છે. પ્રભુનાથ સિંહ મહારાજગંજ, સરન તથા સિવાનના વિસ્તારોમાં ડૉન ગણાતા હતા. તેમના નામથી આ વિસ્તારની પ્રજા આજ દિવસ સુધી ફફડે છે. અપરાધી સૂરજભાન સિંહના ભાઈ ચંદનકુમાર સિંહને લોકજનશક્તિ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. સૂરજભાન સિંહના પત્ની વીણા દેવી ૨૦૧૪માં વિજયી નિવડ્યાં હતાં.

નોંધનીય છે કે બિહારનું રાજકીય ક્ષેત્ર ગુનાહિત ઇતિહાસથી ખરડાયેલું છે. એક રાજકીય સમીક્ષકના જણાવ્યા પ્રમાણે બિહારના અપરાધી નેતાઓ પોતાની ખુરશી બચાવવા પત્ની, પુત્ર તથા અન્ય પરિવારજનોનો સહારો લઈ રહ્યા છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Q33x00H7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com