Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વન્યસૃષ્ટિ સભર કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન

આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારીદેશ-વિદેશથી ભારત આવતા મુલાકાતીઓ માટે દિલ્હી, આગ્રા, જયપુર, જેસલમેરની જેમ કોરબેટ પાર્ક અને રણથંભોર પણ ખાસ આકર્ષણો છે. હંમેશાં વિદેશીઓનાં ટોળાં ત્યાં ઊમટી આવતાં દેખાય છે. કોરબેટ પાર્કમાં અહીંનાં લીલાછમ જંગલો, વચ્ચેથી વહેતી રામગંગા નદી અને શિવાલિક પહાડોમાં વસતાં અસંખ્ય પ્રાણીઓ અને પક્ષીઓ પ્રકૃતિ પ્રેમીઓને ઉત્સાહથી ભરી દે છે. કોશી નદીને કિનારે આવેલાં નાના શહેર રામનગર પહોંચી ત્યાંથી ૧૮ કિલોમીટર દૂર ધનગઢી પ્રવેશદ્વારથી કોરબેટ પાર્કમાં પ્રવેશ થાય છે. ધનગઢીમાં નાનું સંગ્રહસ્થાન અને જિમ કોરબેટનું અરધા કદનું બાવલું છે. ધનગઢીથી ૩૩ કિલોમીટર દૂર આવેલા ઢીકાલામાં રહી જીપમાં અથવા હાથી ઉપર જંગલમાં ઊંડે સુધી જઈ શકાય છે. રામગંગા નદી ઉપર કાલાગઢ પાસે રૂ. ૧૫૦ કરોડના ખર્ચે બંધ બાંધીને સરોવર બનાવવામાં આવ્યું છે. અહીં નાના નાના બંગલા, આવાસો, પુસ્તકાલય, ભોજનાલય વગેરે છે. ઢીકાલા સિવાય ખીનૌલી, સર્પદુલી, ગેઈરાલ, બિજરાની, સુલતાન, કાન્ડા, માલાની, જીરના વગેરે ઠેકાણે રહી શકાય છે. કેટલેક ઠેકાણે અંગ્રેજ શાસનકાળના શિકારીઓના બંગલા આવેલા છે. અહીં રહેવાની સગવડ છે. કોરબેટ પાર્ક ૩૦મી જૂનથી ૧૫મી નવેમ્બર સુધી બંધ હોય છે. સાંજે પ વાગ્યા પછી પણ પ્રવેશદ્વાર બંધ હોય છે.

કેવી રીતે જવું?

નૈનિતાલથી ઢીકાલા ૧૧૮ કિ.મીટર દૂર છે, જ્યારે રાણીખેતથી ૧૧૨ કિ.મીટર દૂર છે. મુંબઈથી જનારા રાજધાની ટ્રેનમાં કે વિમાનમાં દિલ્હી પહોંચે છે. ત્યાંથી વાહનમાં રામનગર થઈ ઢીકાલા ર૯૦ કિ.મી.નું અંતર કાપીને પહોંચે છે. મુંબઈવાસીઓ એપ્રિલ-મેમાં મોટી સંખ્યામાં કોરબેટ પાર્કની મુલાકાત લે છે. ત્યારે ગરમીને લઈને પ્રાણીઓ પણ સહેલાઈથી નજરે પડે છે. દિલ્હીથી ગાઝિયાબાદ, ગઢમુક્તેશ્ર્વર, મુરાદાબાદ, કાશીપુર થઈને રામનગર પહોંચાય છે. દિલ્હી-રામનગરનું અંતર રપ૦ કિ.મી. છે. રામનગરમાં પણ વનવિભાગના મકાનમાં રહેવાની સગવડ છે.

ધનગઢીથી ઢીકાલા જવા માટે રામગંગાને કિનારે સડક ઉપર મુસાફરી કરવાની રહે છે. રસ્તામાં સાંબર, કાકર, હોગડિયર, ચિત્તલ વગેરે આજુબાજુ જોવા મળે છે. ક્યારેક જંગલી હાથી સામે મળે છે ત્યારે સંકટ ઊભું થાય છે. અમે વહેલી સવારે મુસાફરી કરી તેથી લાલ જંગલી મુરઘીઓ આજુબાજુનાં સાલનાં જંગલમાં જોવા મળી હતી.

સવારે સાડાસાત વાગ્યે અને બપોરે સાડા ત્રણ વાગ્યે એમ બે વાર પાળેલા હાથીઓ ઉપર બેસી જંગલમાં મુસાફરી કરવાની હોય છે. એક હાથી ઉપર ૪ જણા બેસી શકે છે. લગભગ ર કલાક સુધી મહાવતોએ પસંદ કરેલી કેડીઓ ઉપર જવાનું હોય છે. બધા મહાવતો નદીનો પટ અને જંગલ ખૂંદી વળે છે. કાકર, સાંબર, વાનરો, પક્ષીઓના ‘એલાર્મ કોલ’ એટલે કે ભયસૂચક અવાજો સાંભળી હાથીને ત્યાં દોરે છે. નસીબ હોય તો વાઘ જોવા મળે છે. નહીં તો વાઘનાં ‘પગમાર્ક’ જોઈને સંતોષ માણવાનો રહે છે. અહીં હાથીઓનાં નામ રજની, મૌલી, ચંચળ, પવનપરી, રૂપકલી, મોહિની વગેરે છે. ઢીકાલામાં સફેદ ફૂલો ધારણ કરતાં કામિની વૃક્ષોનું જંગલ છે. તે સિવાય કોરબેટ પાર્કમાં હલ્દુ, કુસુમ, કેસુડો, આંબળા, મીઠો લીમડો, ગરમાળો, ઉંબર, જાંબુ, બીલીપત્ર, સીસમ, કામિની વૃક્ષોથી સભર જંગલ છે.

ચાર વર્ષ પહેલાં ગયા હતા ત્યારે ચેમ્પિયન પાસે રામગંગા નદી ઓળંગતી વાઘણ અને તેનાં ૩ બચ્ચાં જોયાં હતાં. આ વખતે ચાર વખત જંગલમાં ગયા, પરંતુ વાઘનાં દર્શન ન થયાં, પરંતુ જંગલી ડુક્કર, હોગડિયર, સાંબર, શિયાળ, શાહુડી વગેરે જોવા મળ્યાં. કોરબેટ પાર્ક પક્ષીપ્રેમીઓ માટે પણ પક્ષી અવલોકનની ઉત્તમ તક પૂરી પાડે છે. અહીં સુડો, લાલ માથાવાળો તૂઈ પોપટ, મોર, ટીટોડી, હિમાલયનો કાબરો કલકલિયો, -(ઙશયમ ઊંશક્ષલ રશતવયિ) ઢોક ચાંચ-કલકલિયો, નીલકંઠ, જાત જાતનાં પતરંગા (ઇયય યફયિંતિ) અને જાતજાતનાં બાજ પક્ષીઓ જોવા મળે છે.

અહીં જંગલમાં ૬રર હાથીઓ છે. વાઘની સંખ્યા ર૧પ છે. અહીં ચારેબાજુ વાઘનાં શિકારીઓ તક મળતાં વાઘને હણે છે. ચીનમાં દવાઓમાં વાઘનો ઉપયોગ થાય છે. ભારતના ૪૪ વાઘ પ્રકલ્પમાં અહીં વાઘની સંખ્યા સૌથી વધુ છે. તે સિવાય રીંછ, કાળું રીંછ, સાંબર, કાકડ, ચિત્તલ, મારટેન, જળ બિલાડી, જંગલી બિલાડી વગેરે જોવા મળે છે. રામગંગામાં જડબાને છેડે દટ્ટાવાળા ઘરિયાલ મગર છે. આમ કોરબેટ રાષ્ટ્રિય ઉદ્યાનમાં રોમાંચક અને રસપ્રદ અનુભવ થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

31186n5T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com