Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
યહ બ્રિજ હૈ કે ટૂટતા નહીં

ઘણીવાર આપણે ધાર્યું હોય કંઈક અને થતું હોય છે કંઈક. મુંબઈમાં લોકોની અવરજવર માટે બનાવેલા બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી બની રહી છે. વાત આટલેથી નથી અટકતી. કેટલાંક જર્જરિત થઈ ગયેલા બ્રિજ વિવિધ કારણોસર લોકોની સલામતીને ધ્યાનમાં રાખી બંધ કરવામાં આવ્યા છે. આની સામે કેરળનો બ્રિજ જાણે અમરપટો લખાવીને આવ્યો હોય એવું લાગી રહ્યું છે. રાજ્યના કોટ્ટાયમ શહેરનો ૬૦ વર્ષથી અડીખમ ઊભેલો બ્રિજ ‘સર કટા સકતે હૈ લેકિન સર ઝૂકા સકતે નહીં’ની ભાવનાને ફળીભૂત કરવા ઊભો હોય એમ લાગી રહ્યું છે. એને તોડવાના પ્રયત્નો સતત થઇ રહ્યા હોવા છતાં એ તૂટવાનું નામ નથી લેતો.

ચાલો મળીએ કેરળના કોટ્ટાયમ રેલવે ઓવરબ્રિજને. આ બ્રિજ ૧૯૫૯માં બાંધીને તૈયાર કરવામાં આવ્યો હતો. થયું છે એવું કે કોટ્ટાયમ શહેરના વિકાસમાં હવે એ અવરોધક બની રહ્યો છે. વળી આ બ્રિજનો હમણાં વપરાશ પણ નથી થઇ રહ્યો. તાજેતરમાં એને તોડવા બે વાર સતત પ્રયત્ન કરવામાં આવ્યા, પણ સફળતા મળી નહોતી. થોડા દિવસો પહેલા બ્રિજ તોડવા પહેલો વિસ્ફોટ રાતે સવા બારે કરવામાં આવ્યો, પરંતુ બ્રિજની કાંગરી સુધ્ધાં ન ખરી એમ કહી શકાય. તરત જ સત્તા વિભાગે સાંજે પાંચ વાગ્યાની આસપાસ બ્રિજ તોડવા બીજો વિસ્ફોટ કર્યો પરંતુ થોડીઘણી કપચી ખર્યા સિવાય કોઈ ખાસ પરિણામ આવ્યું નહીં.

બ્રિજ ડિમોલિશન જોવા નહેરુ સ્ટેડિયમ પર એકત્રિત થયેલી જનમેદની બ્રિજની મજબૂતી જોઈ રાજી થવું કે દુ:ખી થવું નક્કી નહોતી કરી શકતી. જોકે, ‘ફેવિકોલ કા મજબૂત જોડ હૈ, તૂટેગા નહીં’નું સ્લોગન યાદ કરીને જનતા હસી રહી હતી. બધા જ પ્રયત્નોને નિષ્ફળતા મળ્યા પછી આખરે રેલવે વિભાગે બ્રિજ તોડવાનો ઇરાદો માંડી વાળવો પડ્યો. રેલવે ઑથોરિટીએ કબૂલ કર્યું કે બ્રિજ ખૂબ જ મજબૂત છે. એને વિસ્ફોટથી પણ તોડવો અસંભવ લાગી રહ્યું છે. બ્રિજ તોડવા અંગે અન્ય પદ્ધતિઓ નક્કી કરવા માટે ચર્ચા-વિચારણાને અંતે નિર્ણય લેવામાં આવશે એવું રેલવે વિભાગે જાહેર કર્યું. જોકે આ પ્રકારના નિર્ણય માટે ઘણા નીતિનિયમ પણ ચકાસવા પડશે. બ્રિજ તોડવામાં નિષ્ફળતા મળ્યા બાદ તેનું સ્થાપત્ય, એન્જિનિયરિંગ તથા સલામતીના પાસાની ચકાસણી બાદ માર્ગ પર રેલ ટ્રાફિકને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય હાલ લેવામાં આવ્યો છે. ટ્રેક પરના અવરોધક આવરણો દૂર કરવામાં આવ્યા છે અને ઉપરથી પસાર થતા ઇલેક્ટ્રિક કેબલ્સને પણ ફરી બેસાડી દેવામાં આવ્યા છે.

આ બ્રિજ પર ફરી ટ્રાફિક શરૂ કર્યા બાદ તેની પરથી થિરુવનંતપુરમ ચેન્નઇ સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ હતી. ત્યાર બાદ અન્ય એક એક્સપ્રેસ પણ પસાર કરવામાં આવી હતી. અલબત્ત બ્રિજ તોડવાની યોજનાના ભાગરૂપે કોટ્ટાયમની કેટલીક ટ્રેનસેવા રદ કરવામાં આવી હતી. જેને કારણે જનજીવન પર પણ અસર પડી હતી. લાંબા અંતરની ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા હતા. ૧૯૫૯માં બનેલા બ્રિજના ૧૫ વર્ષ પહેલા અપગ્રેડ કરેલા બંને એઆરસી બીમને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નજીકના બે સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેક કરવા બ્રિજનું નવું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં રેલવે દ્વારા થોડા થોડા ભાગમાં બ્રિજ ડિમોલિશનની યોજના બનાવી હતી પરંતુ નિષ્ફળ ગયેલા રેલવેતંત્રએ અંતે વૈકલ્પિક યોજનાના ભાગ સ્વરૂપે ફરી બ્રિજને ધમધમતો કરવો પડ્યો છે. આજકાલ જરાક જરાકમાં તૂટી પડતા માળખાની બાંધકામમાં સંલગ્ન સમગ્ર ટીમે બ્રિજના બાંધકામનો ઊંડો અભ્યાસ કરવા જેવો ખરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

786n01
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com