Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
સલીમ દુરાની આપણા સિક્સર-સ્પેશિયાલિસ્ટ
આઇપીએલમાં પોલાર્ડ, રસેલ, ગેઇલ છગ્ગાનો વરસાદ વરસાવી રહ્યા છે: જોકે, 1960-’70ના દાયકામાં જામનગરના દુરાનીસાહેબ ચાહકોની ડિમાન્ડ થતાં જ છગ્ગો ફટકારી દેવા માટે જાણીતા હતા

ખેલ અને ખેલાડી-અજય મોતીવાલાબુધવાર 10મી એપ્રિલે 32,000 કરતાં પણ વધુ પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલા વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ ઇન્ડિયન્સનો કાર્યવાહક કૅપ્ટન કીરોન પોલાર્ડ કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મૅચ દરમિયાન જેવો સ્ટ્રાઇક પર આવતો કે તરત જ તેના હજારો ચાહકો ‘પોલાર્ડ...પોલાર્ડ...’ અને ‘વી વૉન્ટ સિક્સર...’ની બૂમો પાડવાની શરૂ કરીને તેને પાનો ચડાવતા હતા. મોકો મળતાં જ પોલાર્ડ બૉલને સીધો મેદાનની બહાર મોકલીને ચાહકોની ઇચ્છા પૂરી પણ કરતો હતો. આપણે બધા જાણીએ જ છીએ કે આ કૅરેબિયન હાર્ડ-હિટરે એક પછી એક કુલ મળીને 10 છગ્ગા ફટકાર્યા હતા અને મૅચની છેક આખરી ઓવરના બીજા બૉલમાં પુલ-શૉટમાં ડીપ મિડ-વિકેટ પર ક્રિસ મિલરને કૅચ આપી બેઠો હતો. જોકે, પોલાર્ડે વિજયનો જે પાયો નાખી આપ્યો હતો તેની એ મહેનતને તેના જ દેશના અલ્ઝારી જોસેફે એળે નહોતી જવા દીધી અને મૅચના અંતિમ બૉલ પર મુંબઈને જિતાડ્યું હતું.

અહીં આપણે સિક્સરો પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું છે અને એટલે ખાસ કહેવાનું કે વર્તમાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં સિક્સરોનો વરસાદ વરસી રહ્યો છે. બધી ટીમોની માંડ અડધી લીગ મૅચો પૂરી થઈ છે ત્યાં કુલ સિક્સરોનો આંકડો 300ને પાર કરી ગયો છે.

23મી માર્ચે આઇપીએલ શરૂ થઈ છે ત્યાર પછી થયેલી ફટકાબાજીમાં બૅટ્સમેનોએ કંઈ કેટલાય બૉલના આકાર બગાડી નાખ્યા છે. બુધવારની વાનખેડેની મૅચની જ વાત કરીએ. પોલાર્ડ સિક્સર પર સિક્સર ઝીંકવામાં મશગૂલ હતો ત્યારે મૅચની આખરી પળોમાં એક તબક્કે પોલાર્ડે સૅમ કરનની ઓવરના પહેલા અને છેલ્લા બૉલમાં છગ્ગો ફટકાર્યો ત્યાર પછી મોહંમદ શમીની ઓવર દરમિયાન અમ્પાયરોએ બૉલનો આકાર બદલાઈ ગયો હોવાનું જણાતાં બૉલ બદલવો પડ્યો હતો.

2019ની આઇપીએલમાં ચોથા ભાગની (પચીસ ટકા) સિક્સરો વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમેનોએ ફટકારી છે. કીરોન પોલાર્ડ, ક્રિસ ગેઇલ અને આન્દ્રે રસેલ જો ફૉર્મમાં ન હોત તો આ વખતે છગ્ગાની કુલ સંખ્યા ઘણી ઓછી હોત. જોકે, સિક્સરો આઇપીએલના મનોરંજનનો એક અમૂલ્ય હિસ્સો છે અને એ સ્પર્ધાની બાકીની મૅચોમાં પણ અનુભવાશે.

સિક્સરોની વાત ચાલી રહી છે તો આપણા લેજન્ડરી ક્રિકેટર અને જામનગરમાં રહેતા સલીમ દુરાનીને કેમ ભુલાય? આ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન ઊંચા ફટકા મારવા માટે અને પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે જાણીતા હતા. દેશ-વિદેશમાં ખૂબ માન પ્રાપ્ત કરનાર આ ઑલરાઉન્ડર 1960થી 1973 સુધીમાં 29 ટેસ્ટ રમ્યા હતા. અત્યારે તેેઓ 84 વર્ષના છે. આ સ્ટાઇલિશ બૅટ્સમૅન ‘પ્રિન્સ સલીમ’ તરીકે જાણીતા હતા. તેમણે ખૂબસૂરત બૅટિંગથી અસંખ્ય લોકોના દિલ જીતી લીધા હતા. તેઓ ‘ઑન ડિમાન્ડ’ સિક્સર ફટકારતા હતા. જે મેદાન પર રમતા હોય ત્યાંના પ્રેક્ષકોમાંથી ‘સિક્સર...સિક્સર...’ની બૂમો પડે તો તેઓ એકાદ તો અચૂક ફટકારી દેતા હતા. એ અરસામાં ભારતીયોમાં જો કોઈ બૅટ્સમૅન બૅટિંગમાં આવતાં જ ફટકાબાજી કરતો તો તેની ટીકા થતી હતી. ઊંચા શૉટ નહીં મારવાના અને ગ્રાઉન્ડ-શૉટ્સ ફટકારવા પર જ એકાગ્રતા રાખવી એ ભારતનો અભિગમ હતો. એક મૅચમાં સુનીલ ગાવસકરે દાવના પહેલા જ બૉલમાં ચોક્કો ફટકારેલો ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી. ઘણા નિષ્ણાતો ત્યારે કહેતા કે ‘અરે, ચોક્કો ફટકારવાનું જોખમ લઈને આ રીતે દાવની શરૂઆત કરાય?’

જોકે, એ સમયે દુરાનીસાહેબ અલગ જ માટીના બનેલા આપણા ક્રિકેટર હતા. તેઓ બિગ-શૉટ મારવામાં કોઈ જ ખચકાટ નહોતા અનુભવતા. તેમણે તાજેતરમાં એક ચૅનલ પરની મુલાકાતમાં કહેલું, ‘એ તો લોકોના મારા પ્રત્યેના પ્રેમની કમાલ હતી. મેં પબ્લિકની ડિમાન્ડ પરથી બૉમ્બે, કલકતા અને મદ્રાસમાં સિક્સરો ફટકારી હતી. મને થાય છે કે લોકોની સિક્સરની દરેક ડિમાન્ડ જો હું પૂરી કરી શક્યો હોત તો મેં પ્રત્યેક ઇનિંગ્સમાં 300થી 400 રન બનાવ્યા હોત.’

અફઘાનિસ્તાનમાં જન્મેલા સલીમ દુરાનીએ વધુમાં કહ્યું છે, ‘મને સિક્સર ફટકારવી ખૂબ ગમતી હતી.’

દુરાની ખાસ કરીને 1960 અને 1970ના દાયકામાં ‘ઑન ડિમાન્ડ’ સિક્સર ફટકારવા માટે પ્રખ્યાત હતા. જ્યારે સિક્સરની બૂમો ઊઠતી ત્યારે જો ક્યારેક છગ્ગો શક્ય ન બને તો ચોક્કો તો ફટકારી દેતા હતા. એ રીતે તેઓ અન્ય બૅટ્સમેનોથી જુદા તરી આવતા હતા, કારણકે દુરાની ઊંચા શૉટ મારવાનું વધુ પસંદ કરતા, જ્યારે બીજા ઘણા બૅટ્સમેનો ગ્રાઉન્ડ-શૉટ મારવા પર વધુ ધ્યાન આપતા હતા. દુરાની ઍગ્રેસિવ સ્ટાઇલની બૅટિંગ માટે જાણીતા હતા. તેઓ કહે છે, ‘હું ટીવી પર ભારતની મોટા ભાગની મૅચો જોઈ લઉં છું. વન-ડે અને ટી-ટ્વેન્ટીનો એક પણ બૉલ જોવાનું નથી ચૂકતો. મને વિચાર થાય કે હું જો ટી-ટ્વેન્ટી રમતો હોત તો બોલરો માટે કેટલો બધો વિનાશક બન્યો હોત.’

દુરાનીસાહેબ 84 વર્ષની ઉંમરે પણ ‘સિક્સર’ મારવાનું નથી ચૂકતા. તેમનો આ ‘છગ્ગો’ અલગ પ્રકારનો હોય છે. એક પત્રકારે તેમને પૂછ્યું કે ‘તમારો ફેવરિટ ક્રિકેટર કોણ?’ તો જવાબમાં તેમણે ફટ દઈને કહ્યું, ‘સલીમ દુરાની.’ આ જવાબ સાંભળતાં જ પત્રકાર અને તેમની આજુબાજુમાં ઊભેલા સૌકોઈ હસી પડ્યા હતા.

જોકે, થોડા ગંભીર થઈને તેમણે કહ્યું, ‘મને ઘણા ક્રિકેટરો પસંદ છે. ભારતે અનેક મહાન ખેલાડીઓ પેદા કર્યા છે. હું અલગ-અલગ યુગના ક્રિકેટરોને એકબીજા સાથે સરખાવવામાં નથી માનતો. જોકે, બધા પ્લેયરોમાં વિનુ માંકડ એકદમ અલગ હતા. મારા માટે તેઓ સ્પેશિયલ હતા. એનું સૌથી મોટું કારણ એ છે કે હું જામનગરમાં તેમને રમતા જોઈને મોટો થયો હતો. દરેકને મારી સલાહ છે કે તેમણે ‘ક્રિકેટ બંગલો’માં જઈને વિનુભાઈનું સ્મારક અચૂક જોવું જોઈએ.’

--------------------------------------------

આધુનિક ક્રિકેટના

સિક્સર-સ્પેશિયાલિસ્ટો

સિક્સરોની બાબતમાં અહીં ખૂબ રસપ્રદ આંકડા પ્રસ્તુત છે:

1 ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સમાં એક દાવમાં સૌથી વધુ 32 સિક્સર્સનો ભારત-વેસ્ટ ઇન્ડિઝ મૅચનો વર્લ્ડ રેકૉર્ડ છે. ઑગસ્ટ, 2016માં અમેરિકામાં રમાયેલી ઇન્ટરનેશનલ ટી-ટ્વેન્ટીમાં કૅરેબિયનો જૉન્સન ચાર્લ્સ, એવીન લુઇસ, કીરૉન પોલાર્ડ અને આન્દ્રે રસેલની સિક્સરોવાળી ફટકાબાજી પછી રોહિત શર્મા, લોકેશ રાહુલ અને મહેન્દ્રસિંહ ધોનીએ ધબધબાટી બોલાવી હતી. જોકે, ભારત ફક્ત 1 રનથી એ મૅચ હારી ગયું હતું.

2 વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરો ફટકારનારા ટોચના પાંચ બૅટ્સમેનોમાં બે ભારતીયો છે. એ યાદીમાં શાહિદ આફ્રિદી (351), ક્રિસ ગેઇલ (314), સનથ જયસૂર્યા (270), મહેન્દ્રસિંહ ધોની (224) અને રોહિત શર્મા (218).

3 એક વન-ડેમાં સૌથી વધુ 16 છગ્ગા ફટકારવાનો વિક્રમ રોહિત શર્મા, એ. બી. ડી’વિલિયર્સ અને ક્રિસ ગેઇલના નામે છે.

4 ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ 107 છગ્ગા બ્રેન્ડન મૅક્લમે ફટકાર્યા છે. તેના પછી બીજા નંબરે ઍડમ ગિલક્રિસ્ટ (100 છગ્ગા) છે અને ક્રિસ ગેઇલ 98 સિક્સર સાથે ત્રીજા સ્થાને છે.

5 ટેસ્ટના એક દાવમાં સૌથી વધુ 12 સિક્સર ફટકારવાનો વિશ્ર્વવિક્રમ વસીમ અકરમના નામે લખાયેલો છે જે તેણે 1996માં ઝિમ્બાબ્વે સામેની મૅચમાં નોંધાવ્યો હતો. ત્યાર પછી 11-11 સિક્સર સાથે નૅથન ઍસ્ટલ અને મૅથ્યૂ હેડન છે.

6 ટેસ્ટ, વન-ડે અને ટી-ટ્વેન્ટી ક્રિકેટના સંયુક્ત વિક્રમોમાં સૌથી વધુ 517 સિક્સર ક્રિસ ગેઇલે ફટકારી છે. શાહિદ આફ્રિદી (476) બીજા સ્થાને, બ્રેન્ડન મૅક્લમ (398) ત્રીજા ક્રમે, મહેન્દ્રસિંહ ધોની (354) ચોથા નંબરે અને રોહિત શર્મા (352) પાંચમા સ્થાને છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

an5FP08
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com