Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
હેમરાજજીનું માથું કપાયું અને રાજકારણીઓનાં નાક
લાંસ નાયક હેમરાજની શહાદતને છ-છ વર્ષ થવા છતાં વચનો સરકારી ચોપડામાં રહી ગયાં અને પરિવાર પર આફતના પહાડ તૂટી પડ્યા

યુદ્ધ કેસરી-પ્રફુલ શાહલશ્કરી જવાનોની શહાદત પર રાજકીય ભાખરી શેકવાની મોસમ પૂરબહારમાં છે એને બદલે સૈનિકો માટે પૂરતી સલામતી, આધુનિક શસ્ત્રો, એના પરિવાર માટે સન્માનીય જોગવાઈ અને શહીદો માટે કાયમી વ્યવસ્થા કરવાનું વચન આપવાનું એકેય રાજકીય પક્ષને આજ સુધી સૂૂઝયું નથી.

કમનસીબે યુદ્ધ, લશ્કર અને સૈનિકો ચૂંટણી મુદ્દો બની રહ્યાં છે અને આ પવિત્ર મુદ્દાને મત આંચકી લેવાના લોલીપોપમાં ફેરવાઈ રહ્યાં છે, ત્યારે એક શહીદ જવાનના પરિવારે મારવા પડતાં વલખાં ખૂબ ક્ષોભજનક લાગે છે. લાંસનાયક હેમરાજનું નામ ઘણાં દેશપ્રેમીઓને યાદ હોઈ શકે પણ આપણા રાજકારણીઓ જે તે સમયે બૂમબરાડા પાડીને પોતાને વધુ દેશપ્રેમી કહેવડાવનારા રાજકારણીઓ હવે આ શહીદને સાવ ભૂલી ગયા છે. રાજકીય પક્ષો અને એમની સરકારે એક દેશભક્ત શહીદના પરિવારને કેવો છેહ દીધો છે એ આંચકો ખમવા પહેલાં થોડું હેમરાજજી વિશે.

2013ની આઠમી જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા પાસે કૃષ્ણા ઘાટીમાં લાંસનાયક હેમરાજ શહીદ થયા હતા. આ મૂળ મથુરાવાસી સત્તાવાર યુદ્ધ, સરહદ પારના ગોળીબાર કે આતંકવાદી હુમલામાં શહીદ નહોતા થયા, પણ બદમાશ પાકિસ્તાને હેમરાજ સાથે અન્ય જવાન સુધાકરસિંહના માથા ધડથી અલગ કરી નાખ્યા હતા.

આ બર્બરતાથી દેશ આખો ખળભળી ગયો હતો. ખેપાની પાકિસ્તાનીઓ ભારતીય સીમામાં ઘૂસીને આપણા જવાનના માથા વાઢી જાય એ કેવી રીતે સહન થાય. ત્યારે મનમોહનસિંહની સરકાર હતી કે વિરોધ પક્ષો અને ખાસ તો ભાજપ ઠેકીઠેકીને હાકલા-પડકારા કરવા માંડ્યો હતો. આ મામલો ગરમાવા માંડ્યો એટલે શહાદતના બીજે દિવસે ભાજપના તત્કાલીન પ્રમુખ નીતિન ગડકરી સાથે રાજનાથસિંહ અને સુષમા સ્વરાજ જેવા વરિષ્ઠો પહોંચી ગયા એમને ઘરે. દિલ્હીથી 160 અને મથુરાથી પ0 કિલોમીટરના અંતરે આવેલું શહીદનું ગામ જાણે રાજકારણીઓ માટે રમતનું મેદાન બની ગયું. પછી તો ચૂંટણી સભાઓમાં નરેન્દ્ર મોદીથી લઈને સુષમા સ્વરાજ ગર્જના કરતા રહ્યા કે એક ભારતીયને બદલે દશ-દશ પાકિસ્તાનીના માથા લાવીને જ ઝંપીશું. આ દાવો કેટલો પોકળ એ ચર્ચાનો વિષય નથી.

એ સમયે રાજકીય સ્કૉર વધારવા હેમરાજજીના કુટુંબને વળતર ઉપરાંત નોકરી અને પેટ્રોલપમ્પ આપવાનાં વચનો ઉછાળાયા, પણ એમના પત્ની ધર્મવતી અને માતા મીનાદેવીને આંચકો લાગ્યો કે કોઈને વચન પાળવામાં રસ નથી. રોકડ વળતર મળ્યું રપ લાખનું પણ એમાંથી દશ લાખની છેતરપિંડી કોઈક આર્મીમેન બનીને કરી ગયો, પણ બૅંકના સીસીટીવીમાં ઝડપાયેલો એ માણસ પકડાયો નહીં.

ત્યાર બાદ ધર્માવતી, મીનાદેવી અને હેમરાજજીના પિતરાઈ નરેન્દ્રે પોતાના વચનો પૂરા કરાવવા માટે ભૂખ હડતાળ શરૂ કરી. તેમણે પ્રવાહી સુધ્ધાં લેવાનો નનૈયો ભણી દીધો. છેવટે યુ.પી.ના તત્કાલીન મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ખાતરી આપી કે બધા વચન પૂરા કરાશે એટલે તેમણે ભૂખ હડતાળ માંડી વાળી. પણ થયું કંઈ નહીં.

આ અગાઉ શહાદતને એક વર્ષ થયું ત્યારે નવો આઘાત લાગ્યો. પાકિસ્તાનીઓ કોઈકના કપાયેલા માથા સાથે રમતા હોય એવો અપમાનજનક વીડિયો યુ-ટ્યૂબ પર ફરતો થઈ ગયો. પરિવારજનો ઓળખી ગયા કે આ મસ્તક તો શહીદ હેમરાજનું જ. રોકકળ અને હોબાળા બાદ ફરી વચનબાજી શરૂ થઈ કે તપાસ કરાશે, પાકિસ્તાન પાસે જવાબ મંગાશે વગેરે વગેરે. પછી આવી સૌથી સબળ અને રાષ્ટ્રવાદી ગણાતી ભાજપની સરકાર, પરંતુ શહીદના પરિવારની પીડામાં લેશમાત્ર ફરક ન પડ્યો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના પ્રયત્નો કર્યા પણ મુલાકાતનો સમય ન મળ્યો. ગૃહપ્રધાન રાજનાથસિંહે વચન ન પળાયાના ઘા પર વચન પૂરા કરવાનો નવો મલમ ચોપડી દીધો. મથુરાથી વારંવાર દિલ્હીના આંટાફેરામાં થાક, હતાશા, નિરાશા અને ખર્ચા માથે પડ્યા. અનેક મંત્રાલયમાં અવહેલનાથી લઈને ઠાલા વચન સિવાય કંઈ હાથ ન લાગ્યું.

શહીદ હેમરાજને નેતાઓએ, ઉચ્ચ અમદારોએ અને સ્થાનિક પ્રશાસને ઝડપભેર ભુલાવી દીધો. એમના શહાદત દિને સાંત્વન આપવા સ્થાનિક સાંસદ હેમા માલિની પણ ક્યારેય ગયા ન હોવાનો પરિવારને ગુસ્સો છે.

શહીદ હેમરાજના પેન્શન થકી ઘરનું ગુજરાન અને બાળકોનું શિક્ષણ શક્ય ન હોવાથી એક સમાજસેવી સંસ્થા મીરાશ્રી ચેરિટેબલે પરિવારના મેડિકલ અને શૈક્ષણિક ખર્ચની જવાબદારી ઉઠાવી લીધી હતી. આ ટ્રસ્ટના લલિતા સહરાવત હેમરાજજીના ગામમાં જઈને પોતે જોયું. એમને લાગ્યું કે માત્ર પેન્શનની રકમમાંથી ત્રણ-ત્રણ બાળકોનું શિક્ષણ મુશ્કેલ બને છે. લલિતાજીને વધુ એક આંચકો લાગ્યો. દર વર્ષે ગામમાં આઠમી જાન્યુઆરીએ હેમરાજજીનો શહાદત દિવસ મનાવાય છે. એનો જે ખર્ચ થાય એ એમની પત્ની ચૂકવે છે.

જોકે ભૂતપૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારની સહાયાર્થે ડાયરેક્ટોરેટ ઑફ એક્સ સર્વિસમેન વેલ્ફેરની સ્થાપના થઈ છે, પરંતુ અહીં ગાદીગરમ કરતા આઈ.એ.એસ. ઑફિસરને શહીદો કે સૈનિકોના પરિવાર સાથે શું સંબંધ એવો કડવાશભર્યો સવાલ ઘણાં ભૂતપૂર્વ સૈનિકો તો ઠીક, ખુદ રિટાયર્ડ મેજર જનરલ એસ.પી. સિન્હા. કહી ચૂક્યા છે.

જો કે શહીદ હેમરાજની ફેમિલિની પીડાનો અંત આવતો જ નથી. જાહેર કરાયેલી નોકરી કે પેટ્રોલ પમ્પ માટે દોડધામ અને હડધૂત થવાનો ત્રાસ ઓછો હતો એમ એક નવી આફત આવીને ત્રાટકી. મથુરાના કેન્ટ વિસ્તારમાં લશ્કરે આપેલા ક્વાર્ટરમાં હેમરાજજીની વિધવા પોતાના બાળકો સાથે રહેતા હતા, પણ હવે આ ઘર ખાલી કરવાની એમને નોટિસ મળી છે!

કબૂલ કે બધા શહીદના પરિવારને પેટ્રોલ પમ્પ કદાચ, રિપીટ કદાચ, ન ફાળવી શકાય. ફાઈન પણ તો પછી વચન આપવું શું કામ? જે માણસે દેશ માટે જીવ આપ્યો હોય એના પરિવારજનને નોકરીમાં પ્રાથમિકતા મળવી જ જોઈએ. આમેય રોજગાર તો દરેક ભારતીયનો બંધારણીય હક ન ગણાય? તાજીતાજી શહાદત વખતે છવાયેલા આક્રોશને શાંત પાડવા માટે પાલન ન થઈ શકે એવા વચનોની લહાણી કરનારા રાજકારણીઓએ લાજવું જોઈએ.

સૈનિક, લશ્કર કે શહીદની લાગણી સાથેની ક્રૂર રમત કરનારા સૌ ધિક્કારને પાત્ર છે.

કેન્દ્ર સરકાર કે તેમના સંરક્ષણ મંત્રાલય, ગૃહ મંત્રાલય, રાજ્ય સરકાર કે સ્થાનિક પ્રશાસનમાં એકેય વીરલો એવો નથી જેને ખરેખર શહીદ માટે સાચું માન હોય, એના પરિવાર માટે પેટમાં બળતું હોય? આવા કિસ્સા થકી આપણે જાગૃતિ જગાવીએ અને સાથોસાથ આપણી સલામતી-શાંતિ માટે જીવ ન્યોછાવર કરનારા શહીદ હેમરાજને દિલથી નતમસ્તકે સેલ્યુટ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2k4h8i8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com