Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ફૂટબૉલની કિકથી ડ્રગ્સને લાત મારી
નાગપુરના પંકજ મહાજન માટે રમતનું મેદાન બૂરી લતમાંથી બહાર કાઢવામાં નિમિત્ત બન્યું અને આજે એ સેંકડો લોકો માટે પ્રેરણાસ્રોત બની ચૂક્યો છે

કવર સ્ટોરી-દર્શના વિસરીયાદાનમાં તો સૌ કોઇએ ઊતરવું પડતું હોય છે. પછી એ રમતનું હોય કે જિંદગીના ખેલનું. જિંદગીની રમતમાં જો તમે ફોકસ બરાબર જાળવી શકો તો એ રમત તમારી જિંદગી બદલી નાખવાની તાકાત ધરાવે છે. નાગપુરના પંકજ મહાજનના જીવનમાં રમત જિંદગીમાં વળાંક લાવનારી સાબિત થઇ છે. એક એવો વળાંક જેણે એની અને એના પરિવારની ગાડી સીધા પાટે ચડાવી દીધી છે. જોકે, એક સમયનો ડ્રગ્સનો બંધાણી બની ગયેલો કિશોર હવે ફૂટબોલનો કૉચ થઈ ગયો છે અને ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેલો કોઈ બાળક ફરી પંકજ મહાજન ના બની જાય એ માટે તેમને ફૂટબોલ શીખવાડે છે.

આર્થિક રીતે એક અત્યંત સામાન્ય પરિવારનો પંકજ નાનપણથી જ સમસ્યાઓથી ઘેરાયેલો રહેતો હતો. એના પિતાને શરાબની લત હતી. પોતાના શરૂઆતના દિવસો પરાણે યાદ કરીને એ જણાવે છે, ‘અમારે એક નાનકડી પાનની ટપરી હતી જેમાંથી પરિવારનું ગુજરાત ચાલતું હતું. પણ પિતાજીને દારૂની લત હતી અને એટલે મોટાભાગની કમાણી એની પાછળ ખર્ચી નાખતા. એટલે પાનના ગલ્લે હું બેસતો. જોકે, ટપરીની કમાણી વધારવામાં હું કંઇ સફળ ન રહ્યો, પણ એક કુટેવ ઘર કરી ગઇ. કોઇ નબળી ક્ષણે મને તંબાકુ-ગુટકાની લત પડી ગઇ. એ કુટેવ ક્યારે મારા બાળપણને ભરખી ગઇ એનો ખ્યાલ પણ ના રહ્યો. સતત વર્તાતી આર્થિક તંગીને કારણે દસમા ધોરણથી આગળ ભણવાનું શક્ય નહોતું. ઘરખર્ચમાં મદદ મળી રહે એ માટે કોઈએ મને પેઈન્ટિંગનું કામ કરવાની સલાહ આપી. પેઈન્ટિંગનું કામ કરીને મને દિવસના 30થી 40 રૂપિયા મળી રહેતા. પણ દિવસેને દિવસે ઘરની સ્થિતિ સુધરવાને બદલે વધુને વધુ ખરાબ થતી ગઈ. હવે ઘરમાં મારપીટ-ગાળાગાળી અને સતત તણાવનો માહોલ જોવા મળતો. પપ્પા દારૂના નશામાં ધૂત થઈને આવતા અને મમ્મીની મારપીટ કરતા. આ પરિસ્થિતિથી ત્રાસીને હું ક્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયો, એની મને ખબર જ ના પડી. ડ્રગ્સનું સેવન કરનારા ગુ્રપનો હું એક કાયમી સભ્ય બની ગયો. વારંવાર તેમના અડ્ડામાં હાજર રહેતો. બધાને એવું જ લાગ્યું હતું કે પિતાની જેમ જ ડ્રગ્સની લત મને પણ ક્યાંયનો નહીં રહેવા દે...’ 24 વર્ષના નાગપુરના મરાઠી માણુસ પંકજ મહાજનની આપવીતીમાં પરેશાની તો છે જ, સાથે દર્દ પણ છે.

જ્યારે તમને લાગેને કે તમારા જીવનમાં અંધકાર જ અંધકાર છે અને તમે એમાંથી ક્યારેય બહાર નહીં આવી શકો, પણ બરાબર એ જ વખતે કોઈ એવી ઘટના બને કે પછી કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશે જે તમારા માટે આશાનું કિરણ નહીં, પણ આખેઆખો સૂર્યોદય લઈને આવે. પંકજના જીવનમાં ફૂટબોલનો સૂર્યોદય લઈને આવ્યા હોમકાંત સૂરદાસે.

‘2010માં હોમકાંત સર, જ્યારે મને પહેલી વખત મળ્યા ત્યારે જ તેમણે મને ફૂટબૉલ રમવા માટે આગ્રહ કર્યો અને મેં ધીરે-ધીરે ફૂટબૉલમાં રસ લેવાનું શરૂ કર્યું. ફૂટબોલ રમતાં રમતાં ડ્રગ્સનું વ્યસન છૂટતું ગયું અને ફૂટબોલનું વ્યસન થઇ ગયું. ગરીબ બાળકો માટે કામ કરતા એક એનજીઓના વડા અભિજિત બરસેએ મારી ગેમ જોઈ અને મને ફૂટબૉલમાં જ કરિયર બનાવવાની સલાહ આપી અને એટલું જ નહીં લોકો તો સલાહ મફત હોય એટલે આપ્યા કરે, પણ તેમણે મને આર્થિક મદદ સુધ્ધાં કરી, જેથી હું મારું અધૂરું રહી ગયેલું ભણતર પૂરું કરી શકું. પહેલાં ડિસ્ટ્રિક્ટ લેવલ પર અને પછી સ્ટેટ લેવલ પર હું મેચ રમ્યો. 2014માં મને ચિલીમાં યોજાયેલી હોમલેસ વર્લ્ડ કપમાં ભાગ લેવાની તક મળી અને 2017માં નૉર્વેના ઓસ્લોમાં ફરી એક વખત મને ફૂટબોલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. જોકે, 2017માં હું ટીમના એક પ્લેયર તરીકે નહીં પણ ટીમના કોચ તરીકે હોમલેસ વર્લ્ડ કપમાં ભાગ લેવા પહોંચ્યો હતો.’ વધુમાં કહે છે પંકજ.

ગરીબી અને નશાની લતથી છુટકારો મેળવનાર પંકજ હવે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોનો કોચ થઈ ગયો છે અને પોતાને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે બીજા કોઈને ના કરવો પડે તેનું તે ખાસ ધ્યાન રાખે છે. એક પ્લેયરથી એક કોચ સુધીની સફર વિશે તે આગળ વાત કરતાં કહે છે કે ‘હું આ બાળકોમાં મારો ભૂતકાળ અને બાળપણ જોઉં છું. ગરીબી અને ઘરના તંગ વાતાવરણને કારણે આ બાળકો નશાના રવાડે ના ચડે અને આ બાળકમાંથી કોઈ બીજો પંકજ મહાજન ના બને એ વાતનું હું ખાસ ધ્યાન રાખું છું, કારણ કે દરેક પંકજના જીવનમાં હોમકાંત સૂરદાસે આવે જ એવું શક્ય નથી.’.

અત્યાર સુધી પંકજ 12,500 બાળકને ફૂટબૉલ રમવાનું શીખવાડી ચૂક્યો છે. કોઈ પણ વાતનો છોછ રાખ્યા વિના એ પોતાના વિદ્યાર્થીઓને તેના ભૂતકાળ વિશે વાતો કરે છે અને કઈ રીતે તેમાંથી બહાર આવ્યો તે જણાવે છે. પંકજ એ એક નોર્મલ કૉચ નથી બનવા માગતો. તેનું લક્ષ્ય છે કે તેના વિદ્યાર્થીઓ એક સારા પ્લેયર હોવાની સાથે સાથે આત્મવિશ્ર્વાસથી છલોછલ હોય. જીવનમાં કોઈ અઘરી ક્ષણોમાં એ ખોટો નિર્ણય ના લઇ બેસે. એક સમય હતો કે લોકો પંકજને દૂરથી જ જોઈને રસ્તો બદલી લેતા, હવે એ જ લોકો એને સામેથી બોલાવતા થયા છે અને તેને એક પ્રેરણાના સ્રોત તરીકે જોવા લાગ્યા છે.

‘મારું એવું સખતપણે માનવું છે કે ફૂટબૉલના ફિલ્ડમાં છોકરાઓને જેટલી ઊજળી તકો મળે છે, એટલી તકો છોકરીઓને નથી મળતી. કોઈ પણ માતા-પિતા તેમની દીકરી ફૂટબૉલ રમે એ માટે ખુલ્લા દિલથી પરવાનગી નથી આપતા. આ પરિસ્થિતિ પણ બદલાવવી જોઈએ એવી મારી દિલથી ઈચ્છા છે અને આપણે સ્ત્રી-પુરુષ સમાનતાના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે જો ઘરના દીકરાને ફૂટબોલ રમવાની પરવાનગી આપવામાં આપણે અચકાતા ના હોઈએ તો દીકરીને પણ એ તક મળવી જ જોઈએ’ વધુમાં કહે છે પંકજ.

જિંદગીમાં સિદ્ધિ અને સફળતા તો મેળવી લીધી પણ હવે આગળ શું, એવું પૂછતાં જ તે કહે છે કે ‘મારે સ્પોટર્સમાં જ આગળ વધવું છે અને સ્પોટર્સ મેનેજમેન્ટમાં જ માસ્ટર્સ કરવાની મારી ઈચ્છા છે. સ્પોટર્સને કારણે જ આજે હું જ્યાં પહોંચ્યો છું ત્યાં પહોંચી શક્યો છું, એટલે હવે સ્પોટર્સને છોડવાની તો કોઈ શક્યતા જ નથી.’

પંકજે તો ફૂટબૉલથી કિક મારીને ગરીબી અને વ્યસનને તો તેના જીવનથી દૂર કરી દીધા અને ભવિષ્યમાં પણ તે આ જ રીતે બીજા કોઈ બાળક પંકજ મહાજન ન બને તેની પૂરતી તકેદારી લઈ રહ્યો છે.

---------------------------------------------------

ચેસથી દારૂને કર્યો ચેકમેટવ્યસનમુક્તિમાં સ્પોટર્સ નિમિત્ત બન્યું હોય એવો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ આવું બની ચૂક્યું છે, કેરલાના થિસુરના એક નાનકડા ગામ મારોતિચલ આનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 1960-70ના દાયકામાં આખું ગામ દારૂના નશામાં ડૂબી ગયું હતું અને તેને કારણે જ ગામનું વાતાવરણ પણ ધીરે-ધીરે ખરાબ થવા લાગ્યું હતું. ગામમાં જ નાનકડી હૉટેલ ચલાવનાર સી. ઉન્નીકૃષ્ણન્ને આ બાબત ધ્યાનમાં આવી અને તેમણે આખા ગામને દારૂની લતમાંથી છોડાવવાનું પ્રણ લીધું. તેમણે ગામના લોકોને ચેસ રમવા માટે પ્રેરણા આપી અને આજે આખું ગામ સાંજ પડે દારૂના પીઠા પર જવાને બદલે ઘરના આંગણામાં પરિવાર સાથે બેસીને ચેસ રમવાનું પસંદ કરે છે. 6000ની વસતીવાળા આ ગામમાં ઘરદીઠ એક ચેસ પ્લેયર તો જોવા મળે જ છે, એટલું જ નહીં પણ વિદેશી પર્યટકો પણ ભારત પરિભ્રમણ વખતે આ ગામની મુલાકાત લેવાનું ચૂકતા નથી.!આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

20870s
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com