Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઝાલાવાડ: ઈતિહાસ અને સંસ્કૃતિનો સંગમ

સફરનામા-દર્શના વિસરીયાકોઈ તમને આવીને પૂછે કે ઝાલાવાડ ભારતમાં ક્યાં આવેલું છે તો? તમને થશે ને કે ભાઈ ઝાલાવાડ તો એક જ છે અને એ પણ આપણા ગર્વીલા ગુજરાતના સૌરાષ્ટ્રમાં જ, બરાબર ને? પણ જો કોઈ કહે કે ગુજરાતના ઝાલાવાડ ઉપરાંત પણ એક બીજું ઝાલાવાડ છે અને એ પણ રાજસ્થાનમાં... ચોંકી ગયા ને? રાજસ્થાનમાં ઝાલાવાડ જિલ્લો છે અને આ જિલ્લાનું મુખ્ય આકર્ષણ છે અહીંનો ગાગરોં કા કિલા. પણ આ કિલ્લા વિશે વધુ માહિતી મેળવીએ એ પહેલાં ઝાલાવાડ વિશે પણ થોડું જાણી લઈએ. ૧૭૯૧માં ઝાલા જાલિમ સિંહ દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી. જાલિમ સિંહનું સપનું મૂળ તો આ જગ્યાને લશ્કરી છાવણીના સ્વરૂપમાં વિકસાવવાનું હતું, જેથી મરાઠા ઘૂસણખોરોથી આ ક્ષેત્રની રક્ષા કરી શકાય. પણ બાદમાં અંગ્રેજોએ આ જગ્યાને ઝાલા જાલિમ સિંહના પૌત્ર ઝાલા મદન સિંહને સોંપી દીધી હતી. ઝાલા મદન સિંહ ઝાલાવાડના પહેલાં શાસક બન્યા અને તેમણે ૧૮૩૮થી ૧૮૪૫ સુધી રાજ કર્યું.

પાણીની વચ્ચોવચ્ચ ઊભેલો આ કિલ્લો સેંકડો મહિલાઓના જૌહરનો સાક્ષી રહી ચૂક્યો છે, એટલું જ નહીં આ ભારતનો એક માત્ર એવો કિલ્લો છે કે જેનો પાયો નથી. અદ્ભુત બાંધકામ ઉપરાંત આ કિલ્લો તેના ગૌરવશાળી ઈતિહાસ માટે પણ એટલો જ જાણીતો છે. સેંકડો વર્ષ પહેલાં અહીંના શાસક અચલદાસ ખીંચી માલવાના શાસક હોશંક શાહ સાથેના યુદ્ધમાં પરાજિત થયા ત્યારે અહીંની સેંકડો રાજપુતાણીઓએ શિયળની રક્ષા માટે અગ્નિસ્નાન કર્યા હતા અને આજે યુનેસ્કો દ્વારા આ કિલ્લાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં કરવામાં આવ્યો છે.

આ કિલ્લાની બનાવટ અન્ય કિલાઓ કરતાં અલગ છે અને એની શરૂઆત પ્રવેશદ્વારથી જ થાય છે. સામાન્યપણે કિલ્લામાં એક જ મુખ્ય પ્રવેશદ્વાર હોય છે, પણ આ કિલ્લામાં બે મુખ્ય પ્રવેશદ્વાર છે, જેમાંથી એક રસ્તો નદી તરફ નીકળે છે જ્યારે બીજો રસ્તો પર્વતીય રસ્તા તરફ. ઈતિહાસકારોના મતે આ કિલ્લાનું નિર્માણ સાતમી સદીથી લઈને ચૌદમી સદી સુધી ચાલ્યું હતું. પહેલાં આ કિલ્લાનો ઉપયોગ દુશ્મનોને મૃત્યુદંડની સજા આપવા માટે કરવામાં આવતો હતો અને અહીંના દીવાન-એ-ખાસ, દીવાન-એ-આમ, જનાના મહેલ, મધુસૂદન મંદિર, રંગ મહેલ વગેરે મહત્ત્વની જગ્યાઓ જોવાનું પર્યટકો વધુ પસંદ કરે છે.

રાજા બીજલદેવે બારમી સદીમાં આ કિલ્લો બંધાવ્યો હતો અને અત્યાર સુધી ૧૪ યુદ્ધ અને બે જૌહરનો સાક્ષી રહી ચૂકેલો આ કિલ્લો રાજસ્થાનનો એક માત્ર એવો કિલ્લો છે જે ચારેય બાજુ પાણીથી ઘેરાયેલો છે. પાણીથી ઘેરાયેલા હોવાને કારણે આ કિલ્લાને જલદુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાજસ્થાનમાં ફરવા નીકળ્યા હોઈએ એટલે કિલ્લા અને મહેલો તો હોવાના જ રાઈટ? ગાગરોં કિલા ઉપરાંત પણ અહીં અનેક કિલ્લાઓ આવેલા છે અને તેમાંથી એક એટલે ઝાલાવાડ કિલ્લો કે જેને ગઢ મહેલના નામે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત અહીં ૧૦૦ ફૂટ ઊંચું સૂર્યમંદિર પણ આવેલું છે, જે ભગવાન સૂર્યને સમર્પિત છે. આ ઉપરાંત પણ અહીં કેટલીક એવી જગ્યાઓ આવેલી છે, જ્યાં જવાનું અને સમય વિતાવવાનું પર્યટકો વધુ પસંદ કરે છે. આવો જોઈએ કઈ છે આ જગ્યાઓ-

બૌદ્ધ ગુફાઓ અને સ્તૂપ

બૌદ્ધ ગુફાઓ અને સ્તૂપ ઝાલાવાડના મહત્ત્વના આકર્ષણમાંથી એક છે. પર્વતોમાં કોતરાયેલી આ ગુફાઓ કોલવી ગામમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન મળી આવી હતી. પુરાતત્ત્વ અને ઐતિહાસિક દૃષ્ટિએ આ ગુફાઓનું અલગ મહત્ત્વ છે. ભગવાન બુદ્ધની પ્રતિમા અને સ્તૂપ પર કરવામાં આવેલું સુંદર નક્શીકામ ગુફાની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. કોવલી ગામ અનેક ગામોથી ઘેરાયેલું છે અને સદીઓ પહેલાં વૈભવી સભ્યતાઓનું પ્રદર્શન કરી રહ્યું છે આ ગામ.

ઝાલરાપાટણ

ઝાલાવાડથી ૭ કિલોમીટર દૂર આવેલા ઝાલરાપાટણની વિશેષતા એ છે કે આ આખું શહેર એક દીવાલથી ઘેરાયેલું છે. મહારાજા વિક્રમાદિત્યના પૌત્ર પરમાર ચન્દ્રસેને આ શહેરનું નિર્માણ કરાવ્યું હતું. ઝાલરાપાટણ ચન્દ્રભાગા નદીના કિનારા પર આવેલું છે અને આ શહેરને ‘મંદિરની ઘંટીઓના શહેર’ તરીકે ઓળખવામાં આવે છે.

આ વિસ્તારમાં લગભગ ૧૦૮ મંદિર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

દલહનપુર:

દલહનપુર-ઝાલાવાડ વચ્ચે ૫૪ કિલોમીટરનું અંતર છે અને છાપી નદીના કિનારે વસેલું છે. દલહનપુરમાં તમે નક્શીકામ કરેલાં સ્થંભ, મરોડદાર મૂર્તિઓ અને તોરણ જોઈ શકો છે. આ જગ્યાની સુંદરતામાં આસપાસની હરિયાળીને કારણે ચાર ચાંદ લાગી જાય છે.

પૃથ્વી વિલાસ પેલેસ:

પૃથ્વી વિલાસ પેલેસ અહીંના પસંદગીના પર્યટનસ્થળોમાંથી એક છે, જેનું નિર્માણ રાજા ભવાની સિંહ દ્વારા ૧૯૧૨માં કરાવવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં અહીં રાજ પરિવારના કેટલાક સભ્યો રહે છે. ત્રણે બાજુથી આ મહેલમાં પ્રવેશી શકાય છે. આ ઉપરાંત મહેલમાં એક મોનોગ્રામ પણ છે, જે પહેલાંના શાસકોના શૌર્ય અને વિનમ્રતાની ગાથા સંભળાવે છે.

--------------------------

કેવી રીતે પહોંચશો?

ઝાલાવાડ જિલ્લો દેશનાં અન્ય શહેરો સો ટ્રેન, રોડ અને હવાઈ માર્ગે સારી રીતે જોડાયેલો છે. બાય ટ્રેન ઝાલાવાડ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન છે રામગંજ મંડી. રેલવે સ્ટેશનથી ઝાલાવાડ પહોંચવા માટે બસ, ટેક્સીની સુવિધા ઉપલબ્ધ છે.

બાય ફ્લાઈટ: ઝાલાવાડ જવા માટે સૌથી નજીકનું ઍરપોર્ટ છે કોટા. કોટા પહોંચ્યા બાદ આગળનો ૮૨ કિલોમીટરનો પ્રવાસ પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં કે પ્રાઈવેટ ટેક્સીમાં કરવો પડશે.

રોટી, કપડાં ઔર મકાન: રાજસ્થાનમાં જાવ અને તમને રહેવા-ખાવા-પીવામાં તકલીફ પડે એ શક્ય જ નથી ભાયા. અહીં રહેવા માટે પણ અલગ અલગ રેન્જની હોટેલ્સ ઉપલબ્ધ છે જ્યારે ખાવા-પીવા માટે તો અહીં ઢગલો ઓપ્શન્સ છે.

રાજસ્થાન એટલે રણપ્રદેશ અને ઉનાળામાં રાજસ્થાન જવાનો આઈડિયા એકદમ જ ખરાબ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન અહીંનું તાપમાન ૨૭ ડિગ્રીથી લઈને ૪૨ ડિગ્રી સુધી પહોંચી જાય છે. ચોમાસામાં અને શિયાળામાં રાજસ્થાન ફરવાની મજા માણી શકાય છે, કારણ કે ત્યારે અહીંનું વાતાવરણ ઠંડું અને હૂંફાળું હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2186T6j8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com