Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
હાઇ બ્લડપ્રેશરને કાબૂમાં રાખવાની ચાવી તમારા હાથમાં જ છે

આરોગ્ય વિજ્ઞાન-ડૉ. મલ્લિકા ચંદ્રશેખર ઠક્કુર (આયુર્વેદ ક્ષેત્રનાં ક્ધસલ્ટન્ટ)હાઇ બ્લડપ્રેશરનું શરીરમાં હોવું એ એક ચિહ્ન પહેલાં છે અને રોગ પછી. હાઇ બ્લડ પ્રેશર થવાનાં ઘણાં કારણો છે. એ ચિકિત્સા પહેલાં નિદાન કરવું જરૂરી છે. શરીરમાં પથરી કે કિડનીના સોજાથી લોહીનું દબાણ વધુ થતું હોય અથવા માનસિક તાણ, ભાવ વગેરેને કારણે દબાણ વધતું હોય તો તેની સારવાર કરવી. શરીર-મન-વાણીનો પૂરતો આરામ અને મનને આનંદમાં રાખવાની કોશિશ - દવાને ઘણી મર્યાદિત અને ઓછી કરી નાખશે. જો કે, રોગ મટે ત્યાં સુધી દવા લેવી જરૂરી છે જેથી શરીરના અન્ય અવયવોને નુકસાન ન થાય.

આમ છતાં ઘણી વાર અમુક દર્દીમાં લોહીનું દબાણ અતિશય ઊંચું અને ધ્યાન માગી લે તેવું દેખાય છે. આ કષ્ટ સાધ્ય સ્થિતિમાં દબાણ નીચે લાવવા ઔષધ લેવા જ પડે છે. લાંબા સમયથી રોગને કારણે ધમની સખત બની જાય છે. તેમાં કેલ્શિયમ સંચય પામે છે અને નોતરે છે મગજના રોગ, હૃદયરોગ અને કિડનીનાં દર્દો જે છેલ્લે અસાધ્ય બની જાય છે. આવે વખતે આયુર્વેદિક ઔષધો એલોપથીની સાથે સાથે અને પછી જેમ જેમ રોગ કાબૂમાં આવે ત્યારે એકલાં પણ લેવાય.

સર્પગંધા, શિલાજિત જેવા નામ અમૃત સમાન છે. સર્પગંધાના મૂળ દવામાં વપરાય છે. આધુનિક કંપનીઓએ તેમાંથી આલ્કલોઇડ કાઢીને પ્રચલિત કર્યું છે, પરંતુ આયુર્વેદના સિદ્ધાંત મુજબ તેનાં અસલ મૂળ જ ખૂબ સુંદર કામ કરે છે. આલ્કલોઇડથી પાંચ ગણું વધારે. આ લેવાથી લોહીનું દબાણ ઓછું થાય છે. શિરોભ્રમ-ચક્કર જેવાં લક્ષણ ઓછાં થાય છે. માથાનો દુ:ખાવો મટે છે અને સુખી-શાંત નિદ્રા આવે છે.

આ ચપટી ચૂર્ણ સાથે ચંદ્રાવલેહ કે ચંદનાદિ અર્ક લેવાથી આરામ મળે છે. આ દવા લાંબો સમય લેવાથી પણ તેની આડઅસર નથી થતી કે નથી તેની ટેવ પડતી આવે વખતે જો માનસિક ક્ષોભ થતો હોય તો ભાંગરો, શંખાવલી, જટામાંસી, ગળો, બ્રાહ્મી, સર્પગંધા, જીવંતી દરેક દસ-દસ ગ્રામ મેળવી પીસી ચૂર્ણ તૈયાર કરી એક એક ચમચી સવાર-સાંજ લેવું. કિડનીનો સોજો હોય ત્યારે સાથે સાથે આરોગ્યવર્ધની, શિલાજિત, પુનર્નવા વગેરે પણ ખૂબ ફાયદાકારક નીવડે છે. કિડનીના સોજામાં પેટ હંમેશાં સાફ રાખવું. મૃદુ વિરેચક ઔષધ લેવાં, (કડક જુલાબ કદી લેવો નહીં) જેમ કે હરડે, હિમજ, ત્રિફળા, સ્વાદિષ્ટ વિરેચન જે માફક આવે તે લેવાય-પુનર્નવા -સાટોડીની અસર પણ સોજાને દૂર કરે છે.

શિલાજિત હાઇ બ્લડપ્રેશરમાં ખૂબ જ અસરકારક છે. શિલાજિત એ આપણા પ્રાચીન ઋષિમુનિઓની લાંબા આયુષ્યની ચાવી હતી. પથ્થરમાંથી ઝરતો એ રસ આપણા પથ્થર જેવી થતી ધમનીને પણ કોમળ બનાવે છે. મૃદુ થયેલી ધમની લોહીના પરિભ્રમણને સરળ બનાવે છે. અવરોધ દૂર કરે છે.

ડાયાબીટિસ સાથે હાઇ બ્લડપ્રેશરમાં એ વધુ સારું કામ આપે છે. ડાયાબીટિસથી થતી નબળાઇ શિલાજિત દૂર કરે છે અને હાઇ બ્લડપ્રેશરમાં પણ મદદરૂપ થાય છે. શુદ્ધ શિલાજિત, ગળોનું ઘન અને શુદ્ધ ગુગળ (સાત વાર શુદ્ધ કરેલું ઉત્તમ ગુગળ)નું રસાયન બને છે. ત્રણેને સમભાગે લઇ ખાંડી તેની બબ્બે ગોળી સવાર સાંજ લેવી.

આયુર્વેદમાં આસવોનું મહત્ત્વ પણ ઘણું છે. અહીં ઉશીરાસવ, ચંદનાસવ, પુનર્નવારિષ્ટ અને અભયારિષ્ટ મેળવીને લેવાથી દરદીને આરામ મળે છે. પેટ સાફ થાય છે. અને હાઇ બ્લડપ્રેશરના દરદીને દર્દથી રાહત મળે છે. લસુનાદિવટી અને ગંધકવટી બબ્બે ગોળી સવાર-સાંજ નાસ્તા પછી લેવાથી વાયુ દૂર કરી લોહીને આસાનીથી શરીરમાં ભ્રમણ કરવા દે છે. ડાયાબીટિસ ન હોય અને ફક્ત હાઇ બ્લડપ્રેશર હોય તેવા દરદીને શીતળ ઔષધો ખૂબ અનુકૂળ આવે છે. આંબળાના ચૂર્ણને ૨૧ સ્વરસની ભાવના આપી રસાયન યોગ બનાવી સવાર-સાંજ લેવાથી નસોની કમજોરી દૂર થાય છે. આમલકીય રસાયન તથા ચંદ્રાવલેહ પણ ઉત્તમ અસર કરે છે. આમાં પડતા કહોળુ, શતાવરી, વિદારીકંદ, એલચી વિચારવાયુ ઘટાડે છે અને શાંત નિદ્રા આપે છે. લોહીના દબાણને સામાન્ય કરી ભ્રમ, ચક્કર અને માથાનો દુખાવો દૂર કરે છે.

હાઇ બ્લડપ્રેશરવાળા દરદીને અતિ વ્યાયામ તથા અતિ ક્રિયાથી દૂર રહેવું જોઇએ. દરદીને આ દર્દમાં હૃદયનો ડાબો ખંડ નબળો પડે છે. હૃદય નબળું હોય - થડકો ઝડપી હોય તો ડિજિટલિસ જેવી દવાઓથી આરામ મળે છે. સ્ત્રીસંગમાં અતિ ક્રિયા વર્જ્ય છે. મોતી પિષ્ટી ચપટી, જવાહર મોહરા ચપટી સાથે મેળવી તેનું એક એક પડીકું સવાર-સાંજ લેવું. ખાવાપીવામાં મરચું, મસાલેદાર ભોજન તથા ખટાશ લેવી નહીં. જરૂર પડે તો સિંધવ તથા મરી પથ્યરૂપે લેવાય. જેટલું મીઠું ઓછું એટલું આ દર્દમાં વધુ રાહત મળે. દબાવીને જમવું નહીં. ક્રોધ, શોક, ચિંતા અને અતિ પરિશ્રમથી દૂર રહેવું. શવાસન જેવા યોગાસન કરવા. ખોરાકમાં વાલ, પાપડી, ગુવાર, ફૂલકોબી, અડદ, ચણા, વટાણા, બાજરી, ભાત, મિષ્ઠાન તથા વધુ પડતા તળેલા ખોરાક ન લેવા. રાત્રે મોડે સુધી જાગવું, એક સાથે દાદરો પણ વધુ વાર કે વારંવાર ચડ-ઉતર ન કરવા.

લોહીના ઊંચા દબાણના કેસોમાં સૌથી વધુ ભાર પૂર્ણ વિશ્રાંતિ, કાયા વાણી અને મનની ઉપર મૂકવો જરૂરી બને છે. આ સાર-સંભાળ સાથે દરદીએ નિયમિત ભોજન લેવું જોઇએ. ભારે ભોજનનો ત્યાગ કરવો. સર્પગંધા નિયમિત લાંબો સમય ચાલુ રાખવી જોઇએ. દર બે ત્રણ મહિને તબિયતનું તબીબી નિદાન કરાવવું જોઇએ. વધુ પડતો મેદ વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. આ બધા સાથે પેટ સાફ રાખવું જોઇએ. ધંધો અથવા પ્રવૃત્તિ યથાશક્તિ કરવી.

લોહીના નીચા દબાણમાં શક્તિવર્ધક ચિકિત્સા મુખ્ય સૂત્ર છે. પાંડુ હોય તો રક્તવર્ધક ચિકિત્સા કરવી. બૃહત સુવર્ણ વસંત માલતી એક ચપટી, પીપર ચપટી મેળવી એની સાથે કેસરીજીવન કે ચ્યવનપ્રાશ ૧૦ થી ૨૦ ગ્રામ સવાર સાંજ લઇ ઉપર દૂધ લેવું. આ ક્રમ જેને ન પરવડે તેઓ ઝેરકોચલાની કોઇ સારી બનાવટ લે. અગ્નિતુંડી કે નવજીવનવટી લોહીના નીચા દબાણમાં સારો લાભ કરે છે. જમ્યા બાદ બે બે ગોળી લેવી. અંગુરાસવ, અશ્ર્વગંધારિષ્ટ, પિપલ્યાસવ કે સારસ્વતારિષ્ટ મેળવી તેમાંથી અડધો કપ ભોજન લીધા બાદ લઇ શકાય. તેલની માલિશ કરવી. ઠંડા પાણીથી નહાવું. દરરોજ ચાલવાનો-ફરવા જવાનો વ્યાયામ રાખવો. વિટામિન - બીની પ્રમુખતાવાળો આહાર-પૌષ્ટિક આહાર લેવો ખાસ જરૂરી છે. સુપાચ્ય ખોરાક લેવો. બસના કંડ્કટર, સેલ્સમેન, દલાલો વગેરેને બેસવા કરતાં ઊભા રહેવું પડે છે. જેમ બેઠાડું જીવનથી હાઇ બ્લડપ્રેશર થાય છે, તેમ અતિ પરિશ્રમ અને સતત ઊભા રહેવાથી લૉ બ્લડપ્રેશર થાય છે. વધુ પડતા સતત જુલાબ પણ લૉ બ્લડપ્રેશર કરે છે અને ગરમ પાણીથી બહુ ન નહાવુ કે માથે બહુ ગરમ પાણી ન રેડવું જોઇએ. તીવ્ર લૉ બ્લડપ્રેશરમાં પથારીમાં સતત આરામ કરવો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

41506yk
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com