Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ર્હાઇન ફૉલ્સ: યે ગોરી નદિયોં કા ચલના ઉછલકર, જૈસે અલ્હડ ચલે પિ સે મિલકર

યુરોપ ડાયરી-હેન્રી શાસ્ત્રીવિદેશ પર્યટનની વાતચીતમાંં યુએસના નાયગ્રા ફૉલની વાત અચૂક નીકળે. નાયગ્રા ફૉલ એટલે ભવ્યાતીત. આનાથી વધુ વિશાળ, વધુ સુંદર અને દિલને વધારે તરબતર કરી દેનારો કોઈ ધોધ છે જ નહીં એવી ગેરસમજણ સાથે ઘણાનો ઉછેર થયો છે. અમારા કોચમાં પણ કેટલાક સહેલાણીઓ આવી સમજણ ધરાવતા હતા. એમાંય જ્યારે હવે સવારી ઊપડે છે સ્વિટ્ઝર્લેન્ડનો ર્હાઈન ફૉલ્સ જોવા ત્યારે નાયગ્રા ફૉલ્સની તોલે કોઈ ન આવે એવી ગુસપુસ શરૂ થઇ ગઈ. યુએસના એ વિખ્યાત ધોધના દર્શન અગાઉ કરી લીધા હતા એવા બે-ચાર જણે તો એના ગીત ગાવાના શરૂ પણ કરી દીધા. પેલી ‘જિસ લાહૌર નહિ દેખ્યા, ઓ જન્મ્યા નઈ’ની પંક્તિની માફક. બે-ચાર એવાય હતા જેઓ આપણા દેશના ધોધની તારીફના પુલ બાંધી રહ્યા હતા. સાથે સાથે એવા પણ લોકો હતા જેમની પાટી સાવ કોરી હતી. તેમણે ધોધમાર વરસાદ જોયો હતો, પણ ર્હાઈન ફૉલ્સના સ્વરૂપમાં પહેલી વખત ધોધનું રૂપ નિહાળવાના હતા.

કક્કુ ક્લોકનું સૌંદર્ય અને એનો ટહુકો હજી કાનમાં ગુંજી રહ્યો હતો એવી મનોદશામાં રહેલો પ્રત્યેક સહેલાણી સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રવેશવા અને ત્યાંના ધોધના દર્શન કરવા તલપાપડ થઇ ગયો જે સ્વાભાવિક હતું. પ્રત્યેક સહેલાણીએ એ કુદરતના નજારાની એક તસવીર પોતાના ભાવવિશ્ર્વમાંં તૈયાર કરી લીધી હોય એવું લાગ્યું. સાથે સાથે યુએસના વોટરફૉલ્સનું ગવાઇ રહેલું ગાણું તો હતું જ. જોકે, ભારતમાં પણ સારી એવી સહેલ કરી ચૂકેલા એક ભાઈએ હળવેકથી કહ્યું ,‘સ્વિટ્ઝર્લેન્ડનો આ ધોધ રમણીય છે. મનને તરબતર કરી દેનારો છે એની ના નહીં. મેં તો યુએસનો નાયગ્રા ફૉલ સુધ્ધાં જોયો છે. અત્યંત ભવ્ય છે. મજા પડી જાય જોઈને. જોકે, મેં દક્ષિણ ભારતમાં આવેલા વૉટરફૉલ પણ જોયા છે. કદાચ ભવ્યતામાં એ આ બે વિદેશી ધોધ કરતા પાછળ પડી જતા હશે, પણ માત્ર સૌંદર્યની વાત કરીએ તો ‘હમ કિસી સે કમ નહીં’ એમ ચોક્કસ કહી શકાય. અહીં તમને કદાચ ધોધના પડવામાં મોઝાર્ટ કે બિથોવનની સિમ્ફનીના આહલાદક સ્વર સંભળાતા હશે, જ્યારે કેરળ, કર્ણાટક કે મેઘાલયના ધોધને નીરખતી વખતે આપણા સમૃદ્ધ સંગીતનો તાલ, એનો કલરવ તમારા કાનમાં ગુંજે, રણકી ઊઠે.

એ ધ્વનિ તમને તરબતર કરી મુકે, દિલને બાગ બાગ કરી દે અને હૈયું યુવાન બનાવી દે.’ તેમની આ રજૂઆત સાંભળવામાં તો સારી લાગી. શેર લોહી સુધ્ધાં ચડી ગયું, પણ... મારા મનમાં ઉઠેલો આ પણ તેમને કદાચ સંભળાઈ ગયો હોય એમ તેમણે તરત તેમના સ્માર્ટફોનમાં ભારતના વૉટરફૉલ્સની તસવીરો-વીડિયો દેખાડ્યા અને એ જોનારાઓની આંખો ચમકી ઊઠી. તેમની દલીલોનો મનોમન સ્વીકાર થઇ ગયો. આ નજારો જોવા માટે પ્લાનિંગ કરવું જ રહ્યું એવી ગાંઠ મનોમન વાળી લીધી. ર્હાઇન ફૉલ્સ નજીકથી જોયા પછી બિમલ રૉયની ‘મધુમતી’ માટે ગીતકાર શૈલેન્દ્રએ લખેલા સુપરહિટ સૉન્ગ ‘સુહાના સફર ઔર યે મૌસમ હંસી’ની પંક્તિઓ ‘યે ગોરી નદિયોં કા ચલના ઉછલકર, કે જૈસે અલ્હડ ચલે પિ સે મિલકર’ નું સ્મરણ થઇ આવ્યું. ફિલ્મનો હીરો દિલીપ કુમાર નવી નોકરીના સ્થળે જઈ રહ્યો હોય છે ત્યારે રસ્તામાં એને ધોધબંધ વહેતી નદીના દર્શન થાય છે. એના રૂપ પર એ મોહી પડે છે ત્યારે મુકેશજીના પ્લેબૅકમાં નાયકના મોઢામાંથી આ પંક્તિઓ સરી પડે છે. ગામડાગામની નટખટ અને અલ્લડ (હિંદીમાં અલ્હડ) યુવતી એના પ્રિયતમને મળીને હૈયામાં છલકાતા પ્રેમસાગર સાથે રૂમઝુમ કરતી ઘરે પાછી ફરતી હોય ત્યારે એની ચાલ પેલા ધોધરૂપે પડતા પાણી જેવી જ હોય છે એવું ગીતકારે લખ્યું છે. ર્હાઈન ફૉલ્સ જોયા પછી ભલે આપણે સ્વિટ્ઝર્લેન્ડ અને સાથે સાથે યુએસના વૉટરફૉલ્સના ગુણગાન ગાઈએ, પણ આપણા ધોધ સુધ્ધાં સૌંદર્યમાં કંઈ કમ નથી, એને ટક્કર આપે એવા તો છે જ એનો પણ સ્વીકાર કરીએ. કદાચ એનાથી ચડિયાતા પણ હોઈ શકે છે. કદાચ શબ્દ એટલા માટે લખવો પડે છે કે આ લખનારે કમનસીબે ભારતના રમણીય વૉટરફૉલ્સ હજી સુધી નીરખ્યા નથી. થીમ પાર્ક જોવાના હોય, પ્રકૃતિનું સૌંદર્ય નીરખવાનું હોય.

યુરોપ દર્શનથી બેવડો લાભ થઈ રહ્યો હતો. વિદેશના કેટલાક રમણીય અને ઐતિહાસિક સ્થળોના દર્શન અને જાણકારી આનંદવર્ધક અને સાથે સાથે જ્ઞાનવર્ધક સાબિત થઇ રહ્યા હતા અને સાથે સાથે આપણું વતન પણ ખુંદવા જેવું છે અને ભવ્યનું લેબલ ધરાવતા વિદેશી સ્થળો કરતાં કેટલાંક ચડિયાતાં સ્થળો આપણે ત્યાં છે એનો અહેસાસ થઈ રહ્યો હતો. ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ એ કહેવત તો તમને ખબર જ હશે અને એવું આપણે આપણા પ્રવાસન સ્થળો સાથે ન કરી બેસીએ એટલી તકેદારી તો રાખશું જ ને. અલબત્ત આ વાત માત્ર વિદેશની વાહ વાહ કરતા અને સ્વદેશી સૌંદર્યને માણવાનું ટાળતા લોકોને વધુ લાગુ પડે છે.

-------------------------

નદી મિલે સાગર મેં, સાગર મિલે કૌન સે જલ મેં, કોઈ જાને ના

કક્કુ ક્લૉકના ગામમાં પેટપૂજા કરીને અમારી સવારી ઊપડી સ્વિટ્ઝર્લેન્ડ તરફ. એક અત્યંત રસપ્રદ માહિતી. સ્વિટ્ઝર્લેન્ડ એક લૅન્ડલૉક્ડ (ગુજરાતી શબ્દ છે ભુવેષ્ટિત) દેશ છે. જે દેશ ચારે બાજુએથી જમીનથી ઘેરાયેલો હોય અને સમુદ્રમાર્ગ સાથે સીધું જોડાણ ન ધરાવતો હોય એ દેશ લૅન્ડલૉક્ડ ક્ધટ્રી તરીકે ઓળખાય છે. વિશ્ર્વમાંાં આવા ૪૯ દેશ છે જેમાં સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ છે. આ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે આવા દેશો દરિયાઈ માર્ગે વેપાર કરવાથી વંચિત રહે છે જેની માઠી અસર દેશના અર્થતંત્ર પર પડતી હોવાનું ઇતિહાસ કહે છે. જોકે, જાણવા જેવી વાત એ છે કે એવા મુઠ્ઠીભર દેશો છે જે લૅન્ડલૉક્ડ ક્ધટ્રી હોવા છતાં આર્થિક સમૃદ્ધિ ધરાવે છે અને એમાં રળિયામણું સ્વિટ્ઝર્લેન્ડ વટથી બિરાજે છે.

‘આપણે હવે જર્મનીની સરહદ પાર કરીને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રવેશી ગયા છીએ અને થોડી વારમાં શફાઉઝન શહેરમાં આવેલા ર્હાઈન ફૉલ્સ પહોંચી જશું’ એવી ટૂર ઑપરેટરના ગાઈડ દ્વારા કરાયેલી જાહેરાતે બપોરના જમણ પછી જેમની આંખો ઘેરાઈ હતી એમના સહિત બધાને રોમાંચિત કરી દીધા. ‘મારું મન મોર બની થનગાટ કરે’ એ અમર પંક્તિનોે પ્રત્યક્ષ અનુભવ થઇ રહ્યો હતો. કોચ ઊભો રાખ્યા પછી દસેક મિનિટ ચાલ્યા બાદ જ કુદરતી સૌંદર્ય જોવા મળવાનું હોવાથી ઊતરતાની સાથે ટાંટિયામાં જોર આવી ગયું.

સ્થળ પર પહોંચ્યા પહેલા ગાઈડના કહેવાથી સમગ્ર સહેલાણીઓનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો અને તરત જ બધા સાથે શેર પણ થઇ ગયો. સાતેક મિનિટ ચાલ્યા પછી ધોધના પહેલા દર્શન થયા અને મન ભાવવિભોર થઇ ગયું. માનવસર્જિત વિશ્ર્વમાંથી કુદરતના ખોળે આવવાનો આનંદ આહલાદક જ હોય એ કહેવાની જરૂર ખરી? સૌપ્રથમ સહેલાણીઓને એક રૂપકડી સ્પીડબોટમાં બેસાડીને ર્હાઈન નદીમાં ફેરવવામાં આવ્યા. એ સહેલ દરમ્યાન ઠંડા અને નિર્મળ જળની છોળો માણતી વખતે યુવાનીનું સ્મરણ થઈ આવ્યું. ત્યારબાદ એક ખાસ સીડી ચડીને ઉપર જવાને કારણે બરફાચ્છાદિત લાગતો ધોધ સાવ નજીકથી નીરખવાનો પણ મોકો મળ્યો. સાથે સાથે આજુબાજુના નજારાનું વિહંગાવલોકન પણ કરવા મળ્યું. ર્હાઇન નદી તરફ જતા રસ્તા પર રાખવામાં આવેલું એક વરાળનું એન્જિન પણ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સ્વિટ્ઝર્લેન્ડ સમુદ્રથી વંચિત છે પણ અહીં સરિતાના જળ ખળખળ વહેતા જોવા મળે છે. એમાં ર્હાઈન નદી સૌથી લોકપ્રિય નદી તરીકે ઓળખ ધરાવે છે. આ નદીની કેટલીક ખાસિયતો જાણવા જેવી છે. આલ્પ્સ પર્વતમાળાથી ઍટલાન્ટિક મહાસાગરનો હિસ્સો ગણાતા નૉર્થ સી સુધી વહેતી આ નદી ચાર દેશમાંથી પસાર થાય છે

અને મજા તો એ વાતની છે કે દરેક દેશ એને પોતાની ગણીને ગૌરવ લે છે. યુરોપના થયેલા ઔદ્યોગિકરણમાં આ નદી મારફત થયેલા વેપારધંધાએ મહત્ત્વનો ફાળો આપ્યો હોવાનું માનવામાં આવે છે. આ નદી કેટલાક દેશો સાથે સરહદ બાંધવામાં (સ્થૂળ અર્થમાં) નિમિત્ત બની હોવાથી મહેલો અને કિલ્લાઓ જેવા કેટલાક માનવસર્જિત બાંધકામ તૈયાર કરવામાં નિમિત્ત બની છે. અલબત્ત માત્ર સૌંદર્યની વાત કરીએ તો નિસર્ગ સ્થાપત્યને એટલે કે આર્કિટેક્ચરને મહાત કરી દે છે. યુરોપના બિગેસ્ટ વૉટરફૉલનો શિરપાવ ધરાવતો આ ધોધ સહેલાણીઓ માટે અનેરું આકર્ષણ છે. આપવામાં આવેલી માહિતી મુજબ દર વર્ષે ૧૦ લાખ સહેલાણીઓ આ જગ્યાનું સૌંદર્ય માણવા આવે છે. પંદરેક હજાર વર્ષ પહેલા આ ધોધ અસ્તિત્વમાં આવ્યો હોવાનું કહેવાય છે. આ નદી અને પડતા ધોધની આસપાસ રહેલા ખડકો-પથ્થરો નથી ખવાઈ જતા કે નથી એનું ધોવાણ થતું. એટલે એના પર ઊભા રહીને ફોટોગ્રાફ્સ લેવામાં પૂરતી સલામતી છે એ બાબત પ્રત્યેે ધ્યાન દોરવામાં આવ્યું. ધોધ જોઈને મન પ્રસન્ન થયું અને તરત એક સાબુની જાહેરખબરમાં જોયેલા ધોધનું સ્મરણ થઇ આવ્યું. ધોધ પડતો હોય ત્યારે દૂધની નદીઓ વહેતી હોવાનું લાગે એ સાંભળેલી વાતો પ્રત્યક્ષ અનુભવી. ફાળવેલા સમયમાંથી ૯૦ ટકા સમય કુદરતના ખોળે આળોટી લીધા પછી ઇન્ડિયન ફૂડનો નાસ્તો અને નાનીમોટી ખરીદી ઔપચારિકપણે પાર પડી. મન તરબતર થઇ ગયા પછી હજી એક દિવસ સ્વિટ્ઝર્લેન્ડમાં વિતાવવાનો છે એ જાહેરાતે મન મલકાઇ ગયું. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

c1Rx05
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com