Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઘેર ઘેર માટીના ચૂલા

વિશેષ-પ્રથમેશ મહેતાચૂલો ફૂંકી ફૂંકીને સસણી થઈ ગયેલી, આંધળી થઈ ગયેલી સ્ત્રીઓ વિશેની વાતો આપણે સાંભળી પણ છે અને જોઈ પણ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રાંધણ ચૂલામાં છાણાં, લાકડા અને કોલસાનો ધુમાડો ફેફસામાં ભરીભરીને ગ્રામવાસીઓ શ્ર્વાસ તથા અન્ય બીમારીઓનો ભોગ બનતા વધુ જોવામાં આવે છે.

આમ તો સમાજની સરખી સારી-નરસી બાજુ બતાવવા આપણે ઘેર ઘેર માટીના ચૂલા કહીએ છીએ, પરંતુ સ્થૂળ અર્થમાં પણ ભારતના ઘણા અંતરિયાળ ભાગમાં સાચે જ ઘેરઘેર માટીના ચૂલા પર જ રસોઇ થતી જોવા મળી રહી છે. ૨૦૧૪માં ભવ્ય વિજય મેળવી સત્તા પર આવેલી ભાજપ સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામ્ય વિસ્તારોની મહિલાને ચૂલાથી મુક્તિ અપાવવા શરૂ કરેલી ઉજ્જવલ યોજનાને મળવી જોઇએ એવી સફળતા નથી મળી શકી. દેશના ખૂણેખૂણે એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની જાહેરાત જેટલી કાગળો પર સફળ થયેલી દેખાય છે એટલી ગ્રામ્ય વિસ્તારોમાં જણાતી નથી.

રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કમ્પેસનેટ ઇકોનૉમિક્સ (આરઆઇસીઇ) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ ભારતના ઘણા ખરા પ્રદેશના ૮૫ ટકા ગામવાસીઓ આજની તારીખમાં પણ માટીના ચૂલાનો વપરાશ કરી રહ્યા છે. સર્વેના નિરીક્ષણ પ્રમાણે બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યના ૮૫ ટકા ગામડાના રહેવાસીઓ આજે પણ રાંધણકામ માટે માટીના ચૂલાનો ઉપયોગ કરી રહ્યા છે અને બળતણ માટે છાણા, લાકડા, કોલસા કે સાંઠીકડાનો ઉપયોગ કરે છે. ગ્રામવાસીઓએ એલપીજીના જોડાણ મેળવવા અંગે નાણાકીય સમસ્યા મુખ્ય કારણ જણાવ્યું છે. ચૂલાના વપરાશ અને ઇંધણના ધુમાડાને પરિણામે પારિવારિક સ્વાસ્થ્ય તો કથળે જ છે પરંતુ તેનાથી બાળમ્ાૃત્યુ દર પર પણ અસર પડી રહી છે. ચૂલાના વપરાશને પગલે ફેફસાં તથા હૃદયરોગની બીમારીઓમાં પણ વધારો થયો છે. બીજો મહત્ત્વનો ફેરફાર એ પણ છે કે સતત ચૂલા નજીક રહેવાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સતત કથળતું રહેતું હોવાથી પણ આ પ્રદેશોમાં જેન્ડર ઇક્વાલિટી (સ્ત્રી-પુરુષ સમાનતા) પર પણ અસર થવા પામી છે.

૨૦૧૮માં ચાર રાજ્યના ૧૧ જિલ્લામાં સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના ૨૦૧૬માં શરૂ કરવાામાં આવી હતી જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોને નિ:શુલ્ક ગૅસ સિલિન્ડર, રેગ્યુલેટર અને પાઈપ પૂરા પાડવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારના ડેટા મુજબ ૬ કરોડ ઘરને યોજના હેઠળ એલપીજી કનેકશન આપવામાં આવ્યા છે. આરઆઈસીઈના સર્વે મુજબ ૭૬ ટકા એલપીજી ગૅસ સિલિન્ડરના વપરાશમાં વધારો નોંધવામાં આવ્યો છે. પરંતુ મોટા ભાગનો ગ્રામ્ય વિસ્તાર ચૂલાનો વપરાશ કરતો હોવાની પણ હકીકત છે.

સર્વે કરનાર લોકોએ ગ્રામવાસીઓ સાથે વાતચીત કરતા રોજ વપરાશના રોટી, શાક, દાળ, ચા, દૂધ તૈયાર કરવામાં પહેલા ચૂલો અથવા ગૅસ સ્ટવનો વપરાશ કરવામાં આવતો. ૨૭ ટકા લોકો ગૅસ સ્ટવ વાપરે છે. જ્યારે ૩૭ ટકા લોકો સ્ટવ અને ચૂલો બંનેનો વપરાશ કરે છે. જ્યારે ૩૬ ટકા લોકો માત્ર ચૂલાનો વપરાશ કરતા હોવાનું જણાયું છે.

એલપીજી કનેકશન મેળવેલા ૫૩ ટકા લોકો પણ સિલિન્ડરની કિંમત નહીં પોસાતા સંપૂર્ણપણે ચૂલો વાપરી રહ્યા છે. જ્યારે ૩૨ ટકા લોકો બંનેનો વપરાશ કરે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ કનેકશન મેળવનારો ગરીબ વર્ગ કનેકશન બાદ દર મહિને બદલાવવા પડતા સિલિન્ડરની કિંમતથી પરેશાન છે.

ગરીબ પરિવારની છાણાં થાપતી સ્ત્રી અને લાકડાં કાપતો પુરુષ સહેલાઈથી વિનામૂલ્ય ઇંધણની વ્યવસ્થા કરી શકે છે ત્યારે સ્વભાવિક જ તેમને રાબેતા મુજબની કિંમતે મળતા ગૅસના બાટલા ક્યાંથી પોસાય? ચૂલા પર રસોઈ કરવાનું એક મુખ્ય કારણ સ્વાદનો બદલાવ પણ છે. ઘણા લોકોએ ચૂલા પર કરેલી રસોઈ વધુ સ્વાદિષ્ટ હોવાનું પણ કબૂલ્યું છે. ઘણી મહિલાઓ ગૅસ સ્ટવ પર રસોઈ કરવી વધુ હિતાવહ જણાવે છે તો ગ્રામ્ય વિસ્તારની મોટા ભાગની મહિલા ઘરમાં થતા પ્રદૂષણને બાદ કરતા ચૂલા પર થતી રસોઈ વધુ આરોગ્યપ્રદ હોવાનું પણ માને છે. અહેવાલમાં ખાસ ટાંકવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોના લોકોની એક સામાન્ય માન્યતા છે કે ગૅસ પર બનતી રસોઈ પેટમાં પણ ગ ગૅસ કરે છે.

શહેરી અને ગ્રામ્યજીવનમાં ફેરફાર ઊડીને આંખે વળગે છે. મહાનગરોમાં લોકોના દૈનિક જીવન પર ટેક્નોલૉજી હાવી થઇ રહી છે. આવતી કાલે રોજના કામ પણ મશીન કરતા થઇ જશે ત્યાં સુધી વાત પહોંચી ગઇ છે. બીજી તરફ ગામડાંમાં સ્માર્ટ ફોન પહોંચી ગયો છે, પણ રોજિંદા જીવનમાં પરંપરાને છોડવામાં અચકાટ અનુભવાતો જોઇ શકાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3cE65r
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com