Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
૧૯૬૦ના દાયકામાં પણ કૅરેબિયનોએ ભારતમાં ક્રિકેટોત્સવ માણેલો!

રમત જગત-અજય મોતીવાલા૨૦૦૮માં શરૂ થયેલી ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય, ખેલાડીઓને સૌથી વધુ પૈસા તથા અનેક નવા પ્લેયરોની કારકિર્દીને નવી દિશા અપાવતી તેમ જ ભલભલી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ અને ટુર્નામેન્ટોને થંભાવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અત્યારે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ આન્દ્રે રસેલ, કીરૉન પોલાર્ડ, ક્રિસ ગેઇલ, અલ્ઝારી જોસેફ ખૂબ ઝળકી રહ્યા છે. સિક્સરોનો વરસાદ વરસાવી રહ્યા છે.

આઇપીએલ પૂર્ણપણે ભારતની એવી ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ છે જેમાં રમવા દર વર્ષે વિદેશના અસંખ્ય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ભારત આવતા હોય છે. (દુશ્મન-દેશ પાકિસ્તાનને બાદ કરીએ તો) ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યૂ ઝીલૅન્ડ, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ સહિત વિશ્ર્વના લગભગ તમામ ક્રિકેટ રમતા રાષ્ટ્રોના પ્લેયરો ભારતના આ ક્રિકેટોત્સવમાં ભાગ લે છે. જોકે, વેસ્ટ ઇન્ડિઝનો ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની બાબતમાં ભારત સાથે બહુ જૂનો નાતો છે.

વર્તમાન કૅરેબિયનોના સુપર-ડુપર પર્ફોર્મન્સ પરથી વીતેલા વર્ષોની યાદ આવી ગઈ.

એક જમાનો હતો જ્યારે ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં એક બાજુ કૅપ્ટન ફ્રેન્ક વૉરેલ, રોહન ક્ધહાઇ, ગૅરી સોબર્સ, વેસ્લી હૉલ અને લાન્સ ગિબ્સ જેવા નામાંકિત કૅરેબિયન ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય તખ્તા પર હરીફ દેશોને પડકારી રહ્યા હતા ત્યારે બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝના જ ચાર્લી સ્ટેયર્સ નામના ફાસ્ટ બોલિંગ-ઑલરાઉન્ડર ભારતમાં રણજી ટ્રોફીમાં ચમકી રહ્યા હતા.

એપ્રિલ ૧૯૬૨માં મન્સૂર અલી ખાન પટૌડીના સુકાનમાં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડિઝમાં ટેસ્ટ-શ્રેણી બહુ ખરાબ રીતે હારી હતી. ઉપર આપણે જે મહાન કૅરેબિયનોના નામ જાણી ગયા એ જ ખેલાડીઓ સામે ૦-૫થી થયેલી હારને કારણે ભારતીય ક્રિકેટના સત્તાધીશો સફાળા જાગી ગયા હતા અને તેમણે વેસ્ટ ઇન્ડિઝથી ચાર ફાસ્ટ બોલરોને ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા બોલાવ્યા હતા. ફાસ્ટ બોલિંગનો સામનો કરવામાં શું તકેદારીઓ રાખવી અને કેવી રીતે વધુ રન બનાવવા એ જાણવા કૅરેબિયન બોલરોને બોલાવવામાં આવ્યા હતા. એ ચાર ઝડપી બોલરોમાંથી ચાર્લી સ્ટેયર્સ રણજી ટ્રોફીમાં મુંબઈ વતી (એ સમયની બૉમ્બે ટીમ) વતી રમ્યા હતા. રૉય ગિલક્રિસ્ટ હૈદરાબાદ વતી, લેસ્ટર કિંગ બેંગાલ વતી અને ચેસ્ટર વૉટ્સન દિલ્હી વતી રમ્યા હતા.

જ્યૉર્જટાઉનના ચાર્લી સ્ટેયર્સની કહાણી ગજબની હતી. તેઓ ૧૯૬૨ની સાલમાં ચાર ટેસ્ટ રમ્યા હતા અને એ તેમની આખરી ચાર ટેસ્ટ હતી. ત્યાર પછી તેમને ઇંગ્લૅન્ડના પ્રવાસે નહોતું જવા મળ્યું, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે તેમને ભારત બોલાવ્યા હતા જ્યાં તેઓ રણજી ટ્રોફીમાં બૉમ્બે વતી થોડી મૅચો રમ્યા બાદ રાજસ્થાન સામે જે ફાઇનલ રમ્યા હતા એ તેમની કરિયરની અંતિમ પ્રથમ કક્ષાની મૅચ બની ગઈ હતી. નવાઈની વાત એ છે કે એ ફાઇનલમાં તેમણે કુલ ૩૬ રનમાં ૬ વિકેટ લીધી હતી અને એ તેમની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. મુંબઈએ રાજસ્થાનને એક દાવથી હરાવ્યું હતું. મુંબઈને રણજીમાં ચૅમ્પિયન બનવામાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ તેઓ વેસ્ટ ઇન્ડિઝ પાછા નહોતા ગયા, પરંતુ પ્રોફેશનલ ક્રિકેટ રમવા ઇંગ્લૅન્ડ પહોંચી ગયા હતા. લૅન્કેશર લીગમાં તેઓ એન્ફીલ્ડ ટીમ વતી રમ્યા હતા. ત્યારે તેઓ પચીસ વર્ષના હતા અને ક્રિકેટ રમવા ઉપરાંત વધુ ભણતર માટે ઇંગ્લૅન્ડમાં જ રોકાઈ ગયા હતા. થોડા વર્ષો પછી તેઓ વિવિધ કારણોસર અનેક દેશોમાં ફર્યા હતા. હેલ્થ મૅનેજમેન્ટનો કોર્સ તેમના માટે ત્યારે અગ્રસ્થાને હતો અને એમાં તેઓ પૂર્ણ સ્તરે પ્રોફેશનલ બન્યા હતા. તેઓ ઉત્તર અમેરિકા અને લંડનમાં પણ થોડા વર્ષો રહ્યા હતા. ૨૦૦૫માં લંડનમાં તેમનું અવસાન થયું હતું.

જમૈકાના ફાસ્ટ બોલર રૉય ગિલક્રિસ્ટ ૧૯૫૭થી ૧૯૫૯ સુધીમાં ૧૩ ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે ૫૭ વિકેટ અને ૪૨ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૧૬૭ વિકેટ લીધી હતી. ૧૯૬૨-પ૬૩માં ચાર્લી સ્ટેયર્સની સાથે રૉય પણ ભારત આવ્યા હતા અને રણજી ટ્રોફીમાં તેમને હૈદરાબાદ વતી રમવાનું આમંત્રણ મળ્યું હતું. એના થોડા જ મહિના પૂર્વે તેઓ ભારતમાં ટેસ્ટ-સિરીઝ રમી ચૂક્યા હતા અને સંખ્યાબંધ વિકેટ લઈ ચૂક્યા હતા એટલે ભારતની ડોમેસ્ટિક ક્રિકેટ માટેની પિચો તેમના માટે કોઈ નવી વાત નહોતી. યોગાનુયોગ, સ્ટેયર્સની જેમ રૉયનું પણ ક્રિકેટ-કરિયરનું એ આખરી વર્ષ બન્યું હતું. રૉય તેમના વતન જમૈકા વતી પાંચ મૅચ રમ્યા હતા, જ્યારે હૈદરાબાદ વતી એનાથી એક વધુ એટલે કે છ મૅચ રમ્યા હતા. એના પરથી સાબિત થાય છે કે તેમના માટે જમૈકા કરતાં પણ ભારતીય ક્રિકેટ કેટલી બધી મહત્ત્વની હતી.

જમૈકાના લેસ્ટર કિંગની ક્રિકેટ-કથા વધુ રસપ્રદ છે. તેઓ ૧૯૬૨માં પ્રથમ ટેસ્ટ અને ૧૯૬૮માં આખરી ટેસ્ટ રમ્યા હતા. ૧૯૬૨ની ભારત સામેની કરિયરની પહેલી ટેસ્ટમાં તેમણે પહેલી પાંચ ઓવરમાં ચાર વિકેટ લીધી હતી. એમ.એલ. જયસિંહા, વિજય મહેરા, સલીમ દુરાની અને વિજય માંજરેકર તેમના એ ચાર શિકાર હતા. કારકિર્દીમાં માત્ર આ બે ટેસ્ટ રમનારા કિંગ ગજબના સ્વિંગ અને ઇનકટર-આઉટકટર કરી શક્તા હતા, પરંતુ તેમના સમયગાળામાં વેસ્લી હૉલ, ગૅરી સોબર્સ અને ચાર્લી ગ્રિફિથની મોજૂદગીને કારણે કિંગને ફક્ત બે ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હતો. ૧૯૬૨-પ૬૩ની રણજી સિઝનમાં તેઓ બેંગાલ વતી થોડી મૅચો રમ્યા હતા. તેઓ વિવિધ દેશોમાં ફર્યા હતા. ૧૯૯૮માં તેમનું અવસાન થયું હતું.

જમૈકાના ચેસ્ટર વૉટ્સન (જેઓ ક્રિકેટ રમી લીધા પછી અકાઉન્ટન્ટ બન્યા હતા)એ રણજી ટ્રોફીમાં દિલ્હીની ટીમ વતી રમ્યા હતા. અત્યારે તેઓ ૮૦ વર્ષના છે.

-----------------------

રૉય ગિલક્રિસ્ટ (એકદમ ડાબે), લેસ્ટર કિંગ (વચ્ચે) અને ચેસ્ટર વૉટ્સન (જમણે)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

70u544R
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com