Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પેપર સાથે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ ફૂટ્યુ

ફોકસ-પરેશ શાહઈન્ટરનેટે ‘વાઈરલ’ શબ્દને નવું પરિમાણ આપ્યું એટલે એના કાયમી અર્થને બીજા પાસાં મળ્યા અને એના અતિવપરાશને પગલે એ શબ્દનો પ્રચલિત અર્થ ભૂંસાયો. સોશિયલ મીડિયાએ આપણા શબ્દકોશમાં ઈન્ટરનેટે વ્યાપકપણે ફેલાવેલા આ ‘વાઈરલ’ શબ્દનો ઉમેરો કર્યો. આ શબ્દે ‘છટકી જવા’ની ભાવાભિવ્યક્તિ શૈક્ષણિક મૅનેજમેન્ટ, વ્યવસ્થા-વહીવટીતંત્રને આપી છે. કોઈ બાબતની કે ભૂલની જવાબદારી લેવી ન હોય તો એ તો ‘વાઈરલ’ છે, એનો ભરોસો ન કરશો એમ કહી દેવાથી કામ ચાલી જાય છે. એવી જ રીતે સ્ટેટ બૉર્ડ ઑફ સેક્ધડરી ઍન્ડ હાયર સેક્ધડરી એજ્યુકેશન (રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મંડળ) પેપર ફૂટ્યાની ઘટના માટે વૈકલ્પિક અને નવા શબ્દ ‘વાઈરલ’નો પ્રયોગ કરીને એનો વ્યાપ એટલા હિસ્સા કે ભાગ કે વિસ્તાર પૂરતો સીમિત કરે છે અને શિક્ષણ અધિકારીઓની સંખ્યાબંધ ભૂલોને ઢાંકી દે છે, કહોને કે એ ભૂલો પર જાજમ બિછાવી દે છે. જોકે, આમ કરવાથી ખરેખર વધુ માર્ક્સ માટે સખત પરિશ્રમ કરનારા વિદ્યાર્થીને નુકસાન થાય છે અને આ જ બાબત કલેશકારી છે.

પરીક્ષાનું પેપર ફૂટવાની વાત આપણા માટે નવી નથી, પણ અગાઉ પેપર ફૂટી જાય તો એ પરીક્ષા ફરી લેવામાં આવતી. જે વિદ્યાર્થીઓને એ ક્વેશ્ર્ચન પેપર આગોતરું મળી ગયું છે એમને તો એ વિષયમાં સારા જ માર્ક્સ આવવાના! જ્યારે અન્ય છોકરાઓને સરાસર અન્યાય જ થવાનો. આમ ન થાય માટે એ વિષયની પરીક્ષા ફરી લેવામાં આવતી. પ્રામાણિક વિદ્યાર્થીઓને આવો અન્યાય ન થાય એવી ભાવના ફેરપરીક્ષા પાછળ રહેતી. કાળાનુસાર આજે આવી ભાવના લુપ્ત થઈ છે અને ફુટી ગયેલું પેપર માંડ પાંચ-પંદર જણને મળ્યું છે, એમ બૉર્ડના અધિકારીઓ સુધ્ધાં કહી દે છે એટલું કહેવાની સાથે ‘એથી ફેરપરીક્ષા લેવાની આવશ્યક્તા નથી’, એમ પણ કહી દે છે. પરંતુ એની પ્રત્યાઘાતી અને દૂરગામી અસરોનો વિચાર કરાતો નથી. વિચારો, પેલા પાંચ કે દસ કે પંદર જણને પેપર આગોતરું મળી ગયું છે એમાંના કમસે કમ પાંચ વિદ્યાર્થી પ્રામાણિકપણે જહેમત કરનારા વિદ્યાર્થીઓની આડે આવી શકે છે! આવી સાદી બાબતનો વિચાર શિક્ષણમંડળ-એજ્યુકેશન બૉર્ડ કેમ કરી શકતું નથી? હવે બૉર્ડના અધિકારીને પૂછો કે, આ પાંચ, પંદર જણ કોણ છે એની તમને ખબર પડી જ છે તો એમને નાપાસ કરવાની કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવાની તૈયારી તમે દેખાડો છો? વાલીઓના આવા સવાલોને અધિકારીઓ આંખ આડે કાનની સ્થિતિમાં મૂકી દે છે એટલે કે નજરઅંદાજ કરે છે. ગમ્મતની વાત એવી છે કે દરેક વર્ષે પરીક્ષા અગાઉની પત્રકાર પરિષદમાં સ્પષ્ટ અને સ્વચ્છ અને ચોક્કસ કે જડબેસલાક વ્યવસ્થા કરાયાના ગીતો ગવાય છે, પણ આ વ્યવસ્થા ગોઠવતી વખતે આધુનિક પડકારોનો વિચાર કરવામાં આવતો નથી. એ સાથે આવી વ્યવસ્થાનો અમલ કરતી વખતે સેન્ટરનો આગેવાન કે મુખ્ય એક્ઝામિનર એમાં કાચો-ઊણો પડે છે કે નહીં એનો વિચાર પણ કરાતો નથી. પછી સેન્ટર-કેન્દ્ર ફાળવતી વખતે થતી ભૂલોમાંથી અનેક બાબતો જાણવા મળે છે.

આ વખતે દસમા ધોરણનું એક પેપર ભિવંડીમાં ફૂટ્યું. પરીક્ષાના એક કલાક અગાઉ એ વિદ્યાર્થીઓના વ્હોટ્સ ઍપ પર આવ્યું હતું. એક સાબદા નાગરિકે આ વાત વિશે જણાવ્યા છતાં ડિવિઝનલ બૉર્ડ કચેરીના અધિકારીઓએ શરૂમાં તો આ બાબતે ‘આંખ આડા કાન’ કર્યા હતા. આનું કારણ એ જ કે, ‘આ તો વાઈરલ છે’. પરીક્ષા શરૂ થતાં ‘પેપર વાઈરલ થયું’નો સંદેશો સતત આવ્યા કરે છે. ‘આવા દરેક સંદેશામાં કેવી રીતે ધ્યાન આપવું, એટલે આમાં સહેજ દુર્લક્ષ થયું’નું ગીત અધિકારીઓ ગાય છે. પેલો સુજાણ સાબદો નાગરિક પણ વાત પડતી મૂકે એવો નહોતો. એણે આખી વાતની તરતપાસ કરી પછી પોલીસે આ બાબતે ખખડાટ-અવાજ કર્યો ત્યારે શિક્ષણ ખાતાના અધિકારીઓ સફાળા જાગ્યા અને દોડધામ શરૂ કરી. જોકે, એ દોડધામમાં પણ ઢીલાશ અને ઠંડાપણું રાબેતાનું હતું. મીડિયાનું પ્રેશર વધારે હોઈને આ મામલે તપાસકાર્ય ગતિશીલ બન્યું ખરું, પણ પોલીસ ફરિયાદ કરીને ફરી પાછા બધા શાંત થઈ ગયા, કારણ હવે આગળનું કામ પોલીસ કરશે એવો તેમને અને સૌને સધિયારો. ‘અમે શું કરીએ’ એવું બૉર્ડના અધિકારીઓનું કહેવું હતું એમ જાણકારોએ કહ્યું છે. આ સ્થિતિ માટે જવાબદાર કોણ? જાણકારી મળ્યા બાદ પણ આ મામલે ધ્યાન નહીં આપનારા અધિકારીને આ તમામ બાબતે જવાબદાર ઠેરવી શકાય? આ બાબતે તપાસ કરવાની વ્યવસ્થા બૉર્ડ પણ કરી શક્યું હોત, પણ એટલી તસદી બૉર્ડે લીધી નહીં.

પેપર ફૂટે નહીં એ માટે બૉર્ડ ખાસ કાળજી રાખે છે, સાવધાની રાખે છે, ચોકસાઈ રાખે છે એમ કહેવામાં આવે છે. આ સાવધાની, ચોકસાઈ, કાળજી એટલે શું? એ કેવી રીતે રાખવામાં આવે છે? તો જાણો, પરીક્ષાના સેન્ટર પર એક કલાક પહેલા જ પશ્ર્નપત્રિકા પહોંચે. આ ક્વેશ્ર્ચન પેપરો એ વિભાગ કે ડિવિઝનની કસ્ટોડિયન શાળામાંથી લાવવા માટે સંબંધિત સેન્ટરમાંથી એક શિક્ષક રિક્ષા દ્વારા એ કસ્ટોડિયન સ્કૂલ ખાતે પહોંચે છે. એ વખતે એ રિક્ષાનો નંબર નોંધીને સહી લેવી બંધનકર્તા છે. એવી જ રીતે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તર પત્રિકાઓ-ઍન્સર પેપર્સ લઈ જતી વખતે સવારના કે અગાઉની રિક્ષાને ન રોકતા નવી જ રિક્ષા કરવી અને એનો નંબર લઈને સહી લેવી એવો નિયમ છે. એ ઉપરાંત મોબાઈલ દ્વારા પેપર વાઈરલ થવાની બાબતને ટાળવા માટે પરીક્ષા કેન્દ્ર-એક્ઝામ સેન્ટર પર આવનારા શિક્ષકો અને શિક્ષકેતર કર્મચારીઓએ પરીક્ષા શરૂ થવાના પહેલા પોતપોતાના મોબાઈલ સેન્ટરના ચીફ પાસે જમા કરાવવા અને પરીક્ષા થઈ ગયા બાદ પરત લઈ લેવા એવી સ્પષ્ટ સૂચના છે.

ચોકસાઈ પેટે આટલી વ્યવસ્થા હોવા છતાં ક્વેશ્ર્ચન પેપર વાઈરલ થાય છે. એનું કારણ શું? એનો જવાબ શોધવાનું કામ બૉર્ડને મહત્ત્વનું લાગતું નથી! ‘અમે કડક, કઠોર નિયમો કર્યા છે છતાં આવું બને છે તો એ માટે અમે કેવી રીતે જવાબદાર હોઈ શકીએ...’ આવો તૉર અધિકારીઓને હોય છે, એમ એક જાણકારે કહ્યું છે. આવી પરિસ્થિતિ હોય ત્યારે એમાંથી કોઈ ઉકેલ-ઉપાય મળવો અશક્ય જ. એમ તો આવા મામલામાં જાંચ-તપાસ માટે જિલ્લાની પોતાની ફ્લાઈંગ સ્ક્વૉડ હોય છે અને ડિવિઝનલ બૉર્ડનું પણ આવું ખાસ દળ કે સ્પેશિયલ ફ્લાઈંગ સ્ક્વૉડ હોય છે. જોકે, મળતી માહિતી અનુસાર આ વખતે આવા દળના સભ્યોમાં પણ કાંટછાટ કરીને એની પાંખો કાપવાનો પ્રયાસ કરાયાનું કહેવાયું હતું. આજના કાળ અનુસાર કૉપી કરવી કે પેપર ફૂટવાની પદ્ધતિમાં ફેરબદલ થાય છે, થયા કરે છે એટલી વાત પણ સ્વીકારવાનું બૉર્ડને અઘરું પડી રહ્યું છે. એ કારણે બૉર્ડ રિક્ષાનો નંબર નોંધવો, મોબાઈલ જમા કરવા અને તેની નોંધ રાખવી જેવા કારકુની કામોમાં પોતાની ક્ષમતા અને ઊર્જા વેડફે છે!

બારમા ધોરણના ક્વેશ્ર્ચન પેપર ફુટવાનું પ્રમાણ હવે નગણ્ય થઈ ગયું છે, કારણ કે બારમાના ૨૫ પ્રશ્ર્નપત્રિકાનું એક પૅકેટ તેયાર કરાયેલું હોય છે અને તે સીધું વિદ્યાર્થીઓની સમક્ષ જ એક વિદ્યાર્થીની સહી લઈને જ ખોલવામાં આવે છે. દસમા ધોરણ માટે આવું નથી. એમાં ૫૦થી ૧૦૦ પેપરનું પૅકેટ આવે છે પછી તે દરેક વર્ગ-ક્લાસ દીઠ વહેંચવા માટે સેન્ટરનો નિયામક પરીક્ષાના સમય કરતાં ખાસ્સું વહેલા એ પૅકેટો ફોડી-ખોલીને તેની વહેંચણી જૂની પદ્ધતિથી કરે છે. એ કારણે જ પેપર ફૂટવાની ઘટનામાં કેન્દ્રનો મુખ્ય એક્ઝામિનર કે તેના હાથ નીચેનો અધિકારી સહભાગી હોવાનું કેટલાક કિસ્સામાં જોવાયું છે. ગયા વર્ષે મુંબ્રાના પેપર ફુટવાના મામલામાં આ જ વાત જોવા મળી હતી. એમ જુઓ તો એક બૉર્ડ દ્વારા લેવાતી બે અલગ ધોરણની પરીક્ષાની પદ્ધતિમાં કેટલો તફાવત છે એ જોઈ શકાય છે... તો આવો તફાવત કેમ છે? ૨૫ ક્વેશ્ર્ચન પેપરનું પૅકેટ વર્ગમાં લઈ જઈને ખોલવું એ એમ તો ઑલપ્રૂફ વ્યવસ્થા ન કહેવાય પણ વિવિધ વિકલ્પોમાંનો એક પર્યાય તો નક્કી જ છે! વળી, બૉર્ડ દ્વારા કરાતી પરીક્ષાના કેન્દ્રની પસંદગી સુધ્ધાં નિર્દોષ હોવી અત્યંત આવશ્યક છે. આ વખતની પરીક્ષાઓમાં આ મામલે શિથિલતાને પગલે મુંબઈ ડિવિઝનના અનેક ક્ેન્દ્રમાં વિદ્યાર્થીઓએ ગરબડ-ગોટાળાનો સામનો કરવો પડ્યો હતો. એક સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે જગ્યા નહોતી. આ કારણે છેક છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં જવું પડ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા આપવાની બાબતે બૉર્ડની આવી ઉદાસીનતા હોય તો આવા અધિકારીઓ પાસેથી વધારે કશાની અપેક્ષા રાખવી એ તમારું કે મારું ભોળપણ જ કહેવાય!

પોલીસો સમક્ષ આજે જેમ સાઈબર ક્રાઈમ એ બહુ મોટો પડકાર છે એમ એજ્યુકેશન બૉર્ડ સમક્ષ ટૅક્નોલૉજીને કારણે પેપર ફૂટવાનો પડકાર છે. આ બાબતે બૉર્ડના અધિકારીઓએ અને લાગતાવળગતા સત્તાધીશોએ પોલીસની સાથે મળીને ટકાઉ ઉપાય ખોળી કાઢવો અત્યંત જરૂરી છે, નહીં તો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભાવિનું પડીકું વળી જવાની પાકી સંભાવના છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3g43Muv
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com