Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
તમને શું વધારે ભાવે છે, દાળઢોકળી કે પૂરણપોળી?

સ્વાસ્થ્ય સુધા-શ્રીલેખા યાજ્ઞિકગુજરાતીમાં એક સુંદર કહેવત છે કે નજેનું અથાણું બગડ્યું તેનું વર્ષ બગડ્યું, જેની દાળ બગડી તેનો દિવસ બગડ્યો.પપણ..પણ..જેમના ઘરે પૂરણપોળી બની તેમનો તો દિવસ અચૂક મીઠો-મીઠો બની જાય ને ! તુવેરની દાળ તો સ્વાદિષ્ટ બનવી જ જોઈએ તેવો વણલખ્યો નિયમ ગુજરાતી પરિવારમાં છે. કેમ સાચી વાત કહી ને!

ઉનાળામાં સૂર્યદેવ તેમની ગરમીનો પરચો બતાવી દેવા એક તરફ તત્પર હોય છે. તો બીજી તરફ ગરમીમાં પડતી લાંબી છુટ્ટીઓની વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જોતાં હોય છે. ગૃહિણીઓ વર્ષભરના મસાલા, દાળ-ચોખા-ઘઉં ભરવાની સાથે અથાણાં બનાવવાની તૈયારીઓ શરૂ કરે છે. પાપા લોગ નાની મોટી પિકનિક કે ટૂરમાં સહકુટુંબ ફરવા જવાય તે માટેના વિવિધ સ્થળોના ભાવની સરખામણીમાં વ્યસ્ત બની જતાં હોય છે.

આજે જ્યારે વિભક્ત કુટુંબની સંખ્યા વધી રહી છે ત્યારે પણ વર્ષભર વાપરી શકાય તેવા અનાજને ભરવાની પ્રથા અનેક કુટુંબોમાં જોવા મળે, સચવાયેલી જોવા મળે છે. વર્ષભર ચાલી શકે તે માટે અનાજ ભરવાનો રિવાજ વાસ્તવમાં લાભકારક ગણાય છે. એક તો આપ વારંવાર દાળ કે મસાલાની ખરીદીમાં વધતા ભાવવધારાથી બચી શકો છો, વળી સમયની પણ બચત થાય છે. એક સાથે ખરીદી કરવાથી ભાવનો પણ ફાયદો થાય છે. ગુણવત્તાસભર માલ પણ મળે છે. વળી દાળ કે ચોખા જેટલાં જૂના તેટલાં વધુ સ્વાદિષ્ટ બને છે. તેની યોગ્ય રીતે સાચવણી કરવી જરૂરી છે.

તુવેરની દાળ ભરવાની મોસમ ચાલી રહી છે, અખબારોમાં પણ વિવિધ કંપની તેમની તુવેરની દાળ શ્રેષ્ઠ છે તેવા પ્રકારના દાવા કરતી હોય છે.

આપણે પણ જાણી લઈએ તુવેરની દાળમાં છુપાયેલા સ્વાસ્થ્યવર્ધક ગુણોને.

ગુજરાતી ઘરોમાં સૌથી પ્રિય તથા સામાન્ય રીતે રોજ બનતી કોઈ દાળની પસંદગી થતી હોય તો તે છે તુવેરની દાળ. આજે જમવામાં શું બનાવ્યું તેવા સામાન્ય પ્રશ્ર્નના જવાબમાં તુવેરની દાળ-ભાત-રોટલી-શાક-કચુંબરનું નામ અવશ્ય લેવાય. ગરમાગરમ તુવેરની દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ખારેક, શિંગદાણા, સૂરણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે જ્ઞાતિનો ભોજન સમારંભ હોય ત્યારે પંગતમાં બધા ભોજન કરવા બેસે. પડિયા-પતરાળીમાં સોડમયુક્ત ભોજન પીરસાય ત્યારે ગરમાગરમ દાળ-ભાતનો આસ્વાદ માણવાની સ્વાદ-રસિયાઓ આતુરતાથી રાહ જોતા હતા. લાંબા સમય સુધી સ્વાદિષ્ટ દાળનો સ્વાદ-સંતોષ દાઢે વળગેલો જોવા મળતો. હવે તો બુફેનો જમાનો આવી ગયો છે. તેમાં પણ ઈટાલિયન તથા ચાઈનીઝ વાનગીઓની મોજ માણ્યા બાદ એસિડિટીની તકલીફ ભોજનનો આનંદ જ ભુલાવી દેતી હોય છે.

તુવેરની દાળને વિવિધ રાજ્યોમાં અલગ અલગ નાને ઓળખવામાં આવે છે. ગુજરાતીમાં તુર દાર કે તુવેરની દાળ, હિન્દીમાં અરહરની દાળ કે તુવહર દાળ, અંગ્રેજીમાં પિજિયન પી, તમિલમાં તુવરમ પરુપ્પુ, તેલુગુમાં કાંડી પપ્પુ કહે છે. પ્રોટીનની ભરપૂર આ દાળ શાકાહારી ભોજનનું એક અભિન્ન અંગ ગણાય છે. તુવેરની દાળને વિવિધ પ્રદેશમાં વિવિધ રીતે બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં સંભાર તરીકે ઉપયોગમાં લેવાય છે. તો રાજસ્થાનમાં દાલબાટીની વાનગીમાં તુવેરની દાળનો પણ ઉપયોગ થાય છે. દાલ તડકાં, મીઠી ગુજરાતી દાળ, લચકો દાળ, દાળ ઢોકળી કે દાલફ્રાય વગેરે બનાવવામાં આવે છે.

ફોલિક એસિડ: તુવેરની દાળમાં સમાયેલું ફોલિક એસિડ એક અગત્યનું વિટામિન ગણાય છે. મહિલાઓ માટે તે અતિ ઉપયોગી ગણાય છે. ગર્ભવતી સ્ત્રી તથા બાળકના સ્વાસ્થ્ય માટે તુવેરની દાળનો ઉપયોગ તેમાં સમાયેલા ફોલિક એસિડને કારણે ઉપયોગી બને છે. ગર્ભસ્થ શિશુમાં સર્જાતી જન્મજાત ખામી જેવી કે નસ્પાઈના બાઈફિડાપ થી બચાવી શકાય છે. આહારમાં ફોલિક એસિડને કારણે મગજ તથા કરોડરજ્જુની ૭૦ ટકા તકલીફથી બચી શકાય છે. ન્યૂ યોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.

પ્રોટીનનો ખજાનો : લીલી તુવેરની ગણતરી શાકમાં થાય છે. જ્યારે સુકવેલી તુવેરની ગણતરી દાળમાં થાય છે. આમ દાળ-શાક બંનેમાં સમાયેલા ગુણો તુવેરની દાળમાં જોવા મળે છે. પ્રોટીન, ડાયેટરી ફાઈબર તથા વિવિધ પોષક તત્ત્વોનો ખજાનો તુવેરમાં સમાયેલો છે. શાકાહારીઓ માટે તુવેરની દાળ એક સંપૂર્ણ તથા શ્રેષ્ઠ આહાર ગણાય છે. યાદ કરો આપણે વારંવાર કહેતાં હોઈએ છીએ કે ઘરના વડીલો કે જેઓ ૭૦-૮૦-૯૦ની વયે પણ તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવીને જીવન જીવતા હોય છે તેઓએ યુવાનીમાં નિયમિત તથા પ્રોટીનથી ભરપૂર આહાર સપ્રમાણ માત્રામાં લીધો હોય છે. રોજ એક સંપૂર્ણ ભોજન જેમાં દાળ-ભાત-રોટલી-શાક-કચુંબર-છાશનો સમાવેશ થતો હોય તેવા આહારની પસંદગી પ્રમાણભાન સાથે કરી હોય છે. આથી જ ઢળતીવયે તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત જોવા મળે છે.

કાર્બોહાઈડ્રેટસ્: શરીરને સ્ફૂર્તિલું રાખવા માટે કાર્બોહાઈડ્રેટસ્ની યોગ્ય માત્રાનીં આવશ્યક્તા પડે છે. કાર્બોહાઈડ્રેટસ્યુક્ત આહાર આપણે કરતાં હોઈએ છીએ ત્યારે શરીરમાં તેનું રૂપાંતર ગ્લુકોઝમાં કે લોહીમાં શર્કરાના

સ્વરૂપે થાય છે. આમ શર્કરા શરીરના વિવિધ અંગો જેવા કે મગજ, નર્વસ સિસ્ટમને એનર્જી બક્ષે છે.

ફાઈબર: ડાયેટરી ફાઈબરનું પ્રમાણ તુવેરની દાળમાં ભરપૂર પ્રમાણમાં છે. જે શરીરની ચયાપચયની ક્રિયાને નિયમિત બનાવે છે. ડાયેટરી ફાઈબરનો ઉપયોગ કરવાથી હદયની બીમારી, ડાયાબિટીસ કે અમુક પ્રકારના કેન્સરથી પણ બચી શકાય છે. કારણકે તેમાં સ્ટેચ્યુરેટેડ ફેટ કે કૉલેસ્ટ્રોલનું પ્રમાણ જોવા મળતું નથી. આયર્ન, કૅલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ તથા વિટામિન -બીનું પ્રમાણ પણ ધરાવે છે.

તુવેર દાળ બનાવતાં પહેલાં ૧૫-૨૦ મિનિટ પલાળી રાખવાથી વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તુવેરની દાળને લાંબો સમય રાખવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે તેને દિવેલ લગાવીને ભરવી. બજારમાં હાલ દિવેલ લગાવેલી તૈયાર દાળ પણ મળી રહે છે. જે એક વર્ષ સુધી સારી રહે છે. કોઈ કડવા લીમડાંના સુકા પાન તથા આખા લાલ મરચાં ગોઠવીને કોરી એટલે કે તેલ વગરની દાળને બે-ત્રણ મહિના માટે સાચવે છે. માંદગીમાં કે તંદુરસ્ત સ્વાસ્થ્યના આગ્રહી અનેક લોકો રાત્રિના ભોજનમાં ખીચડી ખાવાનું પસંદ કરે છે. તો હવે તંદુરસ્ત સ્વાસ્થ્ય જાળવવું હોય તો તુવેરની દાળનો ઉપયોગ આહારમાં અચૂક કરજો હોં કે...આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Bl730Ig5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com