Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
રામરાજ્ય: કેટલું શક્ય?

સમજણ-મુકેશ પંડ્યાભારતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે. આઝાદી મળી ત્યારથી ભારતમાં રામરાજ્યની વાતો થાય છે, પણ ખરેખર રામ અને રામરાજ્ય કેવાં હતાં તેનો ઉલ્લેખ તુલસીદાસ રચિત રામચરિત માનસમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં રામરાજ્યનું વર્ણન આવે છે એ પરથી તો લાગે છે કે ત્રેતાયુગમાં જે શક્ય હતું એ આજે તો કલ્પના બહારની વાત ગણાય.

ગોસ્વામી તુલસીદાસ લખે છે.

નનરામ રાજ બૈઠે ત્રિલોકા, હર્ષિત ભયે ગયે સબ સોકા

બહસ ન કર કાહૂ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ॥

ભગવાન શ્રીરામ રાજા બનતાં જ સઘળે આનંદ છવાઈ ગયો. ભય અને શોક દૂર થઈ ગયા.

આ ચૂંટણીમાં તમારે પણ એવા જ ઉમેદવારો ચૂંટવાના છે જે સંસદમાં બેઠા હોય ત્યારે દેશ નિર્ભય બને એવી ખાતરી હોય.

દૈહિક, દૈવિક ભૌતિક તાપા, રામ રાજ નહિ કાહુહિ વ્યાપા

અલ્પમૃત્યુ નહિ કવનિઉ પીડા, સબ સુંદર સબ બિરુજ શહીરા ॥

તુલસીદાસ કહે છે કે રામરાજ્યમાં સહુની આધિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થયો. રામરાજ્યમાં કોઈ અલ્પાયુ, અકાળ મૃત્યુ અને રોગોથી ગ્રસ્ત ન રહ્યું.

આજના યુગમાં એવો રાજા જેને દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા હોય તેને ચૂંટવો જોઈએ.

નનનહી દરિદ્ર કોઈ દુખી ન દીના, નહિ કોઈ અબૂધ ન લચ્છન હીના

સબ ગુનગ્ય પંડિત સબ જ્ઞાની, સબ કૃતજ્ઞ નહીં કપટ સયાની ॥

આ પંક્તિઓમાં તુલસીદાસજી કહે છે એ આજના દરેક રાજકર્તાએ ધ્યાનમાં રાખવું જોઈએ. છેવાડામાં છેવાડાનો માણસ પણ ગરીબ ન રહે, દુખી ન રહે, નિરક્ષર અને અજ્ઞાન ન રહે, નિષ્કપટ અને સેવાભાવી બને તે જોવાની જવાબદારી રાજાની છે. જો આ શક્ય બને તો આજે પણ રામરાજ્ય શક્ય બને.

નનરામ રાજ ન ભગેસ સુનુ, સચરાચર જગ માહિ

કાલ કર્મ સુભાવ ગુન કૃત, દુ:ખ કાહુહિ નાહી ॥

પૂરા વિશ્ર્વમાં ભાગ્યે જ જોવા મળતા આવા રામરાજ્યનો વિકાસ થાય તો પછી કોઈ દુ:ખી ન રહે.

વાલ્મીકિ રામાયણમાં પણ ઉલ્લેખ છે કે શ્રી ભરતજી રામરાજ્યનું વર્ણન કરતાં કહે છે કે, નનહે રાઘવ, તમારા રાજ્યાભિષેકને એક માસ કરતાં વધુ સમય વીતી ગયો ત્યારથી બધા જ લોકો નીરોગી દેખાય છે, વૃદ્ધ માણસ-પશુઓ પાસે પણ જાણે મૃત્યુ ફરકતું નથી. સ્ત્રીઓ વિના કષ્ટ પ્રસવ કરે છે. દરેક મનુષ્ય શરીરથી હૃષ્ટપુષ્ટ દેખાય છે.

આજના સમયમાં નાગરિકોને સૌથી મોટી ચિંતા સ્વાસ્થ્યની છે. આધુનિક લાઈફ સ્ટાઈલ હોય કે પછી પર્યાવરણ બંનેમાં પ્રદૂષણ વધી ગયું છે. બીમારી અને રોગો વધ્યાં છે. પોતાને કોઈ ગંભીર બીમારી લાગુ પડી જાય તો તેની સારવાર માટે લોકો નાણાં સંગ્રહ કરતા હોય છે. ભ્રષ્ટાચાર આચરતા હોય છે. અનીતિથી પૈસો ભેગો કરતા હોય છે, પરંતુ દેશના તમામ નાગરિકની આરોગ્યની કાળજી સરકાર લે અથવા તો તેના કપરા દિવસોમાં સારી સારવાર મળે તેની જોગવાઈ કરી શકે તો દરેક લોકો નીરોગી અને ચિંતામુક્ત જીવન જીવી શકે. પૈસો ભેગો કરવાની લાયમાં ભ્રષ્ટાચાર ન કરે.

રામચરિતમાનસમાં તુલસીદાસ, રામરાજ્યમાં નાગરિકોનું કર્તવ્ય અને આદર્શ શું હતાં તેની વાત

પણ કરે છે.

નનસબ કે ગૃહ ગૃહ હોહિ પુરાના, રામચરિત પાવન વિધિ નાના

નર અસ્ત્ર નારી રામ ગુન ગાનહિ,

કરહિ દિવસ-નિસિ જાત ન જાનહિ॥

અવધપૂરી બાસિન્હ કર સુખ સંપદા સમાજ,

સહજ સેષ નહિ કહિ સબહિ જહં નૃપ રામ બિરાજ ॥

રામરાજ્યમાં બધા જ કર્તવ્યનિષ્ઠ નાગરિકો હતા, માત્ર પોતાના સ્વાર્થ માટે નહીં, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી કુશળતાથી નિભાવતા હતા. રાજ્યમાં દરેક સ્ત્રી-પુરુષ સત્સંગ અને અધ્યયન કરતા હતા. દરેક ઘરોમાં હર્ષયુક્ત વાતાવરણ રહેતું. દરેક નાગરિક શાસનથી સંતુષ્ટ હતો.

બહુ જ સરસ વાત કરી દીધી તુલસીદાસજીએ. તમે જ વિચારો દરેક નાગરિક માત્ર પોતાનું જ ન વિચારતાં સમગ્ર સમાજ અને રાષ્ટ્રહિતનું વિચારે તો દેશનો કોઈ પણ નાગરિક દુ:ખી અને અસંતુષ્ટ રહે ખરો. આપણે તો આપણું જ વિચારીએ છીએ. આ તો સરકારનું કામ, મારે શું લેવાદેવા એમ કહીને છટકી જતા નાગરિકોને તુલસીદાસજી સંદેશો આપે છે કે ભાઈ મારા, રામરાજ્યમાં માત્ર રાજા જ નહીં પ્રજા પણ કર્તવ્યદક્ષ, સેવાભાવી અને નિ:સ્વાર્થ હોવી જોઈએ.

આજકાલ ચૂંટણી નિમિત્તે પ્રવચનોનો શોરબકોર વધી ગયો છે. દરેક નેતા માન-મર્યાદા ભૂલીને પ્રતિસ્પર્ધીને બેફામ ગાળો ભાંડી રહ્યો છે ત્યારે કેવા વક્તા બનવું જોઈએ એ પણ રાજા રામ પાસેથી શીખવા જેવું છે.

રામ કહે છે,

નનજો અનીતિ કુછ ભાષો ભાઈ, તો મોહિ બરજૂ ભય વિસરાઈ ॥

રામચંદ્રજી જ્યારે સાર્વજનિક કે જ્ઞાનસભાઓમાં બોલવા માટે ઊભા થતા ત્યારે હાથ જોડીને જનતાને કહેતા કે જો તમારો આદેશ હોય તો હું કંઈ કહું. તમને સારું લાગે તો જરૂર સાંભળો અને પાલન કરજો. પણ જો હું કંઈક અનીતિપૂર્ણ વાત કરું તો સહેજ પણ ગભરાયા વગર મને ત્યાં જ રોકી દેજો.

આજકાલ તો દરેક નેતા બેફામ વાણીવિલાસ કરતા હોય છે. એને કોઈ પણ ભોગે સત્તા મેળવવી હોય છે. સત્તા મેળવીને પોતાનો સ્વાર્થ સાધવો હોય તે જ વ્યક્તિ બેફામ બોલે છે, જ્યારે જે ઉમેદવાર નિ:સ્વાર્થ છે જે સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે ચૂંટણીમાં ઊભો છે તે નિર્ભયતાથી બોલે છે, પણ વાણીનો વિવેક ચૂકતો નથી. સેવા કરવાની તક પ્રજા આપે તો ઠીક, બાકી સત્તા મેળવવા તે પ્રજાને કોઈ લાલચ આપતો નથી કે નથી પોતાની વાણી દ્વારા ભય કે દ્વેષનું વાતાવરણ ફેલાવતો.

રામ જ્યારે રાજા હતા ત્યારે પ્રજામાં આવી જ નિર્ભયતા હતી. તુલસીદાસ તો કહે છે કે ત્યારે એવી ઉત્તમ પરિસ્થિતિ હતી કે સિંહ અને હાથી પણ દુશ્મની રાખીને નહીં, પણ મૈત્રીભાવથી રહેતા હતા. વનમાં પક્ષીઓના અનેક ઝુંડ નિર્ભય બનીને ઊડતાં રહેતાં. તેમને શિકારીઓનો ભય ન હતો.

પક્ષીની જ વાત નીકળી છે તો હાલમાં જ પક્ષીઓને ચણ નાખવાની વિરુદ્ધમાં ચુકાદો આવ્યો છે તે ખરેખર દુ:ખી કરનારો છે. કબૂતરના ચરકથી બીમારી થવાની શક્યતા સોમા ભાગ જેટલી પણ નથી એ વાત સંશોધન દ્વારા પુરવાર થઈ ગઈ હોવા છતાં કોઈ એક જણની ફરિયાદના આધારે સમગ્ર મુંબઈગરાઓ પક્ષીને ચણ ન નાખી શકે એવો કાયદો આવી રહ્યો છે. પક્ષીઓથી બીમારી આવે એ તો ભ્રમ છે, તેનાથી વધુ બીમારી તો આપણી આધુનિક ખાણીપીણી અને રહેણીકરણીથી આવી રહી છે. એક વાત યાદ રાખજો તમે કુદરતનો નાશ કરશો તો કુદરત પણ તમારો નાશ અવશ્ય કરશે.

રામે દરેક પશુ-પક્ષીઓને પણ મિત્ર જેવું જ સ્થાન આપ્યું હતું. જટાયુની અંતિમવિધિ મનુષ્યને છાજે એ રીતે કરી હતી. વાનરો અને રીંછને ગળે વળગાડ્યાં હતાં. આ જ મહિનામાં શ્રી મહાવીર ભગવાનનો જન્મદિવસ (તા. ૧૭/૪/૧૯)ના દિને અને રામભક્ત હનુમાનજીનો જન્મદિન (તા. ૧૯/૪/૧૯)ના દિને આવી રહ્યો છે તો શ્રી સ્વામિનારાયણ ભગવાનની તો આજે જ જન્મજયંતી છે. જે મહિનામાં આવા જીવદયાપ્રેમી ભગવંતોનો જન્મ થયો હતો એ જ મહિનામાં આપણને પક્ષીઓને ચણ નાખવા સંબંધે ટોકવામાં આવે છે. દરેક જણ પોતાના અને પોતાના કુટુંબીઓ માટે ભવ્ય ફ્લેટ બુક કરવા તત્પર છે. કબૂતરનો એક નાનકડો માળો વીંખાઈ જાય તેની ખેવના તેને નથી. આવા સમયમાં શું રામરાજ્ય શક્ય બને ખરું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

48l24322
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com