Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
દુર્ગાવતી વોરા-૨

પ્રફુલ શાહક્રાંતિકારીઓમાં ‘દુર્ગાભાભી’ તરીકે માનપૂર્વક ઓળખાવાતાં ગુજરાતણ દુર્ગાદેવી ભગવતીચરણ વોરાએ ૧૯૨૯માં એકાએક અંડરગ્રાઉન્ડ કેમ થવું પડ્યું? આ સવાલના જવાબ માટે ફ્લેશબૅકમાં જવું પડશે.

૧૯૨૭ની ૧૭મી ડિસેમ્બરે હિન્દુસ્તાની ક્રાંતિકારીઓ ભગતસિંહ અને શિવરાજ રાજગુરુએ સહાયક પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જોન સોન્ડર્સનો વધ કર્યો. માભારતીના આ બન્ને સપૂતને સુખદેવ થાપર અને ચંદ્રશેખર આઝાદે મદદ કરી હતી. હકીકતમાં તો આ ક્રાંતિકારીઓનું નિશાન સોન્ડર્સ નહિ, લાલા લજપતરાયના મોર્ચા પર લાઠીમારનો આદેશ આપનારો પોલીસ સુપરિન્ટેન્ડન્ટ જેમ્સ સ્કૉટ હતો. સ્કૉટના પાપે લાઠીમારમાં માર્યા ગયેલા લજપતરાય શહીદ થઈ ગયા હતા. ક્રાંતિકારીઓ જડબાતોડ જવાબ આપવા માગતા હતા. આને પગલે દેશ આખામાં જુસ્સો ફરી વળ્યો. હિન્દુસ્તાન સોશિયલ રિપબ્લિકન એસોસિયેશન (એચ.એસ.આર.એ.) દ્વારા પોસ્ટર લગાવામાં, પેમ્પફ્લેટ વહેંચાયાં જેવાં બુલંદ અવાજે કહેવાયું હતું: "આજે દુનિયાએ જોઈ લીધું કે ભારતીયો નિર્જીવ મડદાં નથી, તેમનું લોહી ઠંડું નથી પડી ગયું. દેશના સન્માન માટે તેઓ પોતાનું જીવન ન્યોચ્છાવર કરી શકે છે... એક માણસને મારવો પડ્યો એનું અમને દુ:ખ છે, પરંતુ આ વ્યક્તિ ક્રૂર, અન્યાયી, ધિક્કારપાત્ર વ્યવસ્થાનો હિસ્સો હતો એ એને મારવી જરૂર હતી. આ વિશ્ર્વની સૌથી ક્રૂર સરકાર છે.

.૩૨ એમ.એમ.ની સેમિ-ઑટોમેટિક પિસ્તોલ કૉલ્ટ થકી આ મિશન પૂરું કરીને બધા ક્રાંતિકારીઓ સફળતાપૂર્વક જીવતેજીવ ભાગી ગયા, પણ બ્રિટિશરોના મોઢા પર અને ખાસ તો એમના અભિમાન પર આ સણસણતો તમાચો હતો. એટલે આપણા ક્રાંતિકારીઓ અને બ્રિટિશ પોલીસ વચ્ચે શરૂ થઈ ઉંદર-બિલાડીની રમત.

આવાં પોસ્ટર અને પેમ્પફ્લેટ લાહોર સુધી પહોંચ્યાં હતાં. દુર્ગાદેવીના કાન સુધી ઘણી વાતો જતી હતી. એક તરફ એચ.એસ.આર.એ. દ્વારા ખુલ્લેઆમ આ કૃત્યની જવાબદારી સ્વીકારાઈ હતી, પણ બીજી તરફ કોઈનાં નામ જાહેર નહોતાં થયાં, પરંતુ દુર્ગાબહેનને લાગતું હતું કે આમાં ભગતસિંહ સામેલ હોવા જ જોઈએ.

ભગવતીદેવીના પતિ ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસની ખાસ બેઠકમાં હાજરી આપવા માટે કલકત્તા જવા નીકળ્યા. જતી વખતે તેમણે પત્નીને તાકીદના સમયે વાપરવા માટે ચાર-પાંચ હજાર રૂપિયા આપી રાખ્યા. એ સમયમાં આ ઘણી મોટી રકમ ગણાતી હતી. જોકે, પતિ-પત્ની સુપેરે જાણતાં હતાં કે ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સામેલ હોવાથી પોલીસ કે જાસૂસો તેમના પર નજર રાખતાં જ હોય.

આ અગાઉ ભગવતીચરણે બૉમ્બ બનાવવા માટે લાહોરમાં એક રૂમ ભાડે રાખી હતી. ૧૯૨૮માં માતા બન્યા બાદ દુર્ગાદેવીએ પોતાની ક્રાંતિકારી પ્રવૃત્તિ પર કામચલાઉ બ્રેક મારી હતી, કારણ કે અંગ્રેજ પોલીસવાળાએ એચ.એસ.આર.એ.ના કાર્યકર્તા પર દમન આચરવાનું શરૂ કરી દીધું હતું. બન્ને જાણતાં હતાં કે પોલીસ-જાસૂસોની બાજનજર વચ્ચે પોતે કેટલું મોટું

જોખમ લઈ રહ્યાં છે, પણ દેશની આઝાદીના મતવાલાને ક્યાં કોઈનો ડર હોય?

ભગતસિંહ અને સાથીઓ પોલીસના હાથમાં આવવા માગતા નહોતા. સોન્ડર્સની હત્યાના બે દિવસ બાદ ભગતસિંહે દુર્ગાભાભીનો સંપર્ક સાધ્યો. ભગતસિંહની સાથે સુખદેવ અને રાજગુરુ પણ હતા. ભગતસિંહે દેખાવ બદલી નાખ્યો હતો. સફાચટ દાઢી-મૂછ સાથે તેમણે ઈંગ્લિશ ટાઈપનાં પેન્ટ-શર્ટ ધારણ કર્યા હતાં. દુર્ગાદેવી સોન્ડર્સના ખાત્મામાં ભગતસિંહની ભૂમિકા વિશે જાણતાં હતાં, પરંતુ ઔચિત્ય જાળવવા મૌન રહેવાનું મુનાસિબ માન્યું. તેમની સમક્ષ રાજગુરુની ઓળખ નોકર તરીકે અપાઈ અને તેમણે સ્વીકારી લીધું.

દુર્ગાદેવીએ એક પળનોય વિચાર કર્યા વગર પતિએ આપેલી પૂરેપૂરી રકમ ભગતસિંહને આપી દીધી. એટલું જ નહિ, આ વીરને બચાવવા માટે તત્કાલીન સામાજિક માળખામાં એકદમ મોટું અને અકલ્પ્ય પગલું ઉપાડ્યું. ભગતસિંહ સફળતા-સરળતાથી હેમખેમ પ્રવાસ કરીને લાહોર નીકળી જાય એ બહુ જરૂરી હતું. દુર્ગાદેવી પોતાની સાથે દીકરાને લઈને નીકળ્યાં પણ ભગતસિંહનાં પત્ની બનીને. આ યુગલના નોકર તરીકે સાથે હતા રાજગુરુ. આ ત્રણેય પોલીસવાળાના નાક હેઠળથી સલામતપણે છટકીને રેલવે સ્ટેશન પહોંચી ગયાં. લાહોરથી કલકત્તા જતી ટ્રેનમાં ભગતસિંહ અને દુર્ગાદેવી ફર્સ્ટ ક્લાસમાં બેઠાં ને ‘નોકર’ રાજગુરુ થર્ડ ક્લાસમાં.

અને સૌની નજરથી બચવા માટે ચંદ્રશેખર આઝાદે પણ ગજબનાક વેશપલટો કર્યો હતો. તેઓ પંડા બન્યા હતા, રામનામ શાલ પહેરી હતી. સુખદેવનાં માતાજી અને ધર્મપત્ની જાત્રાએ નીકળ્યાં હોય અને આઝાદ તેમના રક્ષક-વળાવિયા હોય એવો આભાસ ઊભો કરાયો હતો.

કોઈને જાણ નહોતી પણ ભગતસિંહે લખનઊથી જ ભગવતીચરણને સંદેશો મોકલાવી દીધો હતો કે હું ‘દુર્ગાવતી’ સાથે આવું છું. ભગવતીજીને નવાઈ લાગી કે વળી આ દુર્ગાવતી કોણ હશે? એ વખતે ભગવતીચરણ કલકત્તામાં પોતાની બહેન સુશીલાને ઘરે રહેતા હતા. ભગતસિંહ સાથે પોતાની પત્નીને જોઈને ભગવતીચરણને આશ્ર્ચર્ય થયું. એમાંય ભગતસિંહ - સુખદેવના સફળતાપૂર્વક નાસી છૂટવામાં પોતાની પત્નીએ સાથ આપ્યો હોવાનું જાણીને તો તેમની છાતી ગર્વથી ફુલાઈ ગઈ.

આ રીતે ક્રાંતિકારીઓના વહાલાં અને સન્માનનીય ‘દુર્ગાભાભી’એ ઘણું કર્યું, પણ ઈતિહાસમાં તેમની નહિવત્ નોંધ છે. કલકત્તામાં ક્રાંતિકારીઓ પાસેથી બૉમ્બ બનાવવાનું શીખવા પાછળ ભગવતીચરણ વોરાનો ઈરાદો વિધાનસભા પર હુમલો કરવાનો હતો. તેઓ આ બધું કરી રહ્યા હતા ત્યારે દુર્ગાબહેન નાનકડાં પુત્ર સાથે લાહોરમાં એકલાં બધું સંભાળતાં હતાં.

અચાનક ૧૯૨૯ના એપ્રિલમાં ભગવતીચરણે દુર્ગાવતીને તાત્કાલિક દિલ્હી આવવાનું કહેણ મોકલ્યું. પ્રસંગ ગંભીર હતો. ભગતસિંહને આખરી અલવિદા કરવાની હતી. સુશીલા સાથે દિલ્હી પહોંચેલા દુર્ગાવતીએ પોતાના પતિ અને ચંદ્રશેખર આઝાદની હાજરીમાં ભગતસિંહને ભાવતી મીઠાઈ અને મોસંબી ખવડાવ્યાં. કોઈ એક શબ્દ ન બોલ્યું. અંદેશો હતો કે ભગતસિંહ વિધાનસભા પર બૉમ્બ ફેંકવા જશે અને કદાચ ક્યારેય પાછા ન આવે. ભવિષ્યમાં ક્રાંતિકારી તરીકે નામના મેળવનારાં સુશીલાએ અંગૂઠામાં કાપો મૂકીને ભગતસિંહને રક્ત-તિલક કર્યું.

તરત જ મિજબાનીનો માહોલ ભૂલીને ભગતસિંહ દિલ્હીની કેન્દ્રીય વિધાનસભાને ફૂંકી મારવાના કામે લાગી ગયા. તેમને બટુકેશ્ર્વર દત્ત સાથ આપવાના હતા. ૧૯૨૯ની આઠમી એપ્રિલે ભગતસિંહ અને દત્તે અંગ્રેજોનાં મૂળિયાં હચમચાવી નાખ્યાં, ત્યારે દુર્ગાવતીએ ગજબનાક હિમ્મત સાથે સાથ આપ્યો હતો કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. (ક્રમશ:)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

tm46c2A
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com