Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
બ્લેકહોલ: હવે મિસ્ટર ઇન્ડિયામાંથી મિસ્ટર યુનિવર્સ બન્યો

મોન્ટાજ-અભિમન્યુ મોદીબ્લેકહોલ એટલે કોઈ ભૂત નથી. બ્લેકહોલ ફક્ત વિજ્ઞાનીઓને રમવા માટેનું જ રમકડું નથી. બ્લેકહોલની વાત કરવા માટે કોઈ અઘરી અઘરી થિયરી કે વિજ્ઞાન આવડવું જરૂરી નથી. બ્લેકહોલ તો બધા માણસોની, રોજબરોજની વાત છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં તો બ્લેકહોલનો ઉલ્લેખ સાંભળવા મળે જ છે. પણ કોઈ પણ માણસ પણ બ્લેકહોલની સમજમાંથી નીકળતો હોય છે. બ્લેકહોલ એટલે એવી જગ્યા જ્યાંથી કશું પણ પાછું ન આવી શકે. મૃત્યુ એ સંસારનું અંતિમસત્ય હોય તો બ્લેકહોલ બ્રહ્માંડનું પરમસત્ય છે. મૃત્યુ છે પણ દેખાય નહીં. કોઈને જોઈતું ન હોય છતાં પણ એ મેળવવું જ પડે. ક્યારે કોને મૃત્યુ આવી જાય તે કહી ન શકાય. આ બધા જ સદ્ગુણો (કે દુર્ગુણો) બ્લેકહોલના છે.

આકાશમાં તારાઓની સંખ્યા ગણી ન ગણાય એટલી. એમાં અમુક તારાઓ ખાઉધરા હોય એટલે એટલા જાડાને મોટા થઈ ગયા હોય કે પોતે જ પોતાનું વજન ન ઝીલી શકે. આપણે માણસો જાડા થઈએ તો ડાયાબિટીસ કે હાઈ બીપી થાય. આ તારાઓમાં તો જીવ હોય નહીં. તારાઓ ગાંડા થઈ જાય. અમુક તારાઓ જ્વાળામુખીની જેમ ફાટે જેને વિજ્ઞાનમાં સુપરનોવા કહે. અમુક તારાઓ અમુક પ્રોસેસ પછી બ્લેકહોલ બને. એવી જગ્યા બને જ્યાં કંઈ દેખાય જ નહીં. ટોર્ચ નાખો તો પણ ન દેખાય અને બીજા તારાનો પ્રકાશ પડે તો પણ ન દેખાય. ચોમાસામાં રસ્તા ઉપર ગટરનું ઢાંકણું ખુલ્લું હોય પણ ઉપર પાણી વહેતું હોય તો દેખાય નહીં ને સીધા એમાં ખાબકીએ એવું જ બ્લેકહોલનું. કાજળઘેરા આકાશમાં એ દેખાય જ નહીં અને જો કોઈ તારો કે નાનકડો ગ્રહ એની હડફેટમાં આવી ગયો તો એ સીધો બ્લેકહોલની અંદર જ પડે. આપણા ગટરના ખાડામાં પ્રિન્સ જેવો કોઈ માસૂમ છોકરો પડી જાય તો છત્રીસ કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરીને એને બહાર પણ કાઢી શકીએ. જ્યારે આ બ્લેકહોલ તો એવો ઘટોત્કચ છે કે જેનો ભોગ લઇ લે એને છોડે નહીં. બ્લેકહોલ પાસેથી તો પ્રકાશ પણ પાછો ન આવી શકે. સમય ખુદ જ્યાં ટાઈમ પ્લીઝ કરીને સ્થિર રહી જાય એવા બ્લેકહોલની તાકાત કેવડી બધી હશે.

આકાશમાં આવા અસંખ્ય તારાઓ રહેલા છે અને આવા અગણિત બ્લેકહોલ પણ છે. આકાશમાં બ્લેકહોલ હોય તો પણ દેખાય નહીં તો આપણને ખબર કઈ રીતે પડી કે એ અંધારી ગુફા જેવા આકાશમાં છુટાછવાયા પડ્યા હશે? કાગળ-પેનથી. યસ. આઇન્સ્ટાઇન જેવા ઘણા વિજ્ઞાનીઓએ થિયરી વડે સાબિત કરેલું કે આકાશમાં એવી સંરચના હોવી જોઈએ જ્યાંથી પ્રકાશ પણ પાછો ન ફરી શકે અને સમય પણ સ્થિર થઈ જાય. પ્રચલિત રીતે આઇન્સ્ટાઈને સૌથી પહેલા સાબિત કરેલું કે બ્લેકહોલ આકાશમાં હશે. પછી તો ઘણા ભૌતિકશાસ્ત્રીઓએ જુદા જુદા ગાણિતિક સમીકરણો લગાવીને બ્લેકહોલ હશે એવું દાવા સાથે કહેલું. પણ આજ સુધી બ્લેકહોલનું અસ્તિત્વ કાગળ ઉપર જ હતું, અમુક સરકારી યોજનાની જેમ. આ અઠવાડિયે પહેલી વાર એવું બન્યું કે બ્લેકહોલની મુહદિખાઈ થઈ અને તેનો ફોટો પડ્યો.

ન દેખાતી વસ્તુની અબજો કિલોમીટર છેટેથી તસવીર લેવી તે

ઐતિહાસિક ઘટના કહેવાય, સમગ્ર માનવજાત માટે. ચંદ્ર ઉપર એક દ્રાક્ષ રાખી હોય અને તેનો ક્લીઅર ફોટો લેવાનો હોય તો? બ્લેકહોલનો ફોટો તો તેનાથી પણ અઘરી ઘટના છે જે ભૌતિકશાસ્ત્રીઓએ કરીને બતાવ્યું. એક સમયે અશક્ય લાગતું કામ સાકાર થયું. આઠ જુદા જુદા ટેલિસ્કોપને લિંક કરીને ઇવેન્ટ હોરાઈઝન ટેલિસ્કોપ બન્યું જેના વડે બ્લેકહોલની પહેલીવહેલી તસવીર લેવામાં આવી. આપણાથી તે પાંચસો મિલિયન ટ્િિલયન કિલોમીટર દૂર છે. ત્રીસ લાખ પૃથ્વીઓ ભેગી થાય તેના કરતા પણ આ બ્લેકહોલ મોટો છે.

આ ફોટોમાં કાળા કુંડાળા પાસે ઓરેન્જ અને યલો કલરની એક રિંગ દેખાય છે. એ બ્લેકહોલની સરહદ એટલે ઇવેન્ટ હોરાઈઝન છે. ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પહોંચી જાય પછી બહાર ન નીકળી શકે. સમય પણ થંભી જાય અને પ્રકાશ પણ કેદ થઈ જાય, કારણ કે બ્લેકહોલનું ગુરુત્વાકર્ષણ બળ જ અસીમ હોય. અનંત તાકાત વડે તે પોતાના ગર્ભમાં વેક્યુમ ક્લીનરની જેમ બધું ખેંચતો રહે. આશ્ર્ચર્ય એ થશે કે માણસ જો બ્લેકહોલમાં જાય તો તેના શરીરને કંઇ ન થાય, પણ તે પાછો ન આવી શકે. અંદર ગયેલા માણસને ઉપરથી કોઈ જુવે તો ચોંટી ગયેલો હોય એવું લાગે કારણ કે અંદર તો સમય પણ સ્ટોપ થઈ જાય છે ને. બહુ વિચિત્ર વિભાવના લાગે પણ બ્લેકહોલ બ્રહ્માંડની સૌથી વિચિત્ર જગ્યા છે. અને માટે જ તેની તસવીર મેળવવી એ અલભ્ય સિદ્ધિ કહેવાય.

કેટી બાઉમેન નામની ઓગણત્રીસ વર્ષની હાર્વર્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીએ બ્લેકહોલની તસવીર પાડી શકાય તેના માટેનું અલગોરીધમ બનાવ્યું હતું. અત્યારે આખી દુનિયામાંથી તે વિદ્યાર્થિની અને આ પ્રોજેકટની સમગ્ર ટીમ ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. માનવજાતની આ બહુ મોટી સિદ્ધિ છે. આપણે બ્રહ્માંડમાં કેટલા નાના છીએ તેની ફરીથી એક વખત અનુભૂતિ થઈ.

-------------------------

બ્લેકહોલની તસવીર પાડી શકાય એ માટેનું અલગોરીધમ બનાવનાર કેટી બાઉમેન

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

W676l6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com