Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
હમ સે કા ભૂલ હુઇ
(એલ. કે. અડવાણી)

સિક્રેટ ડાયરી-નિખિલ મહેતાએકાણું વર્ષ સુધી માણસ જીવે તો લોકો એને નસીબદાર ગણે, પરંતુ હું એવો કમનસીબ છું કે ઉંમરની સાથોસાથ જેના નસીબ અને માનસન્માન ઘટતાં જાય છે. આમ તો છેલ્લાં પાંચ સાત વર્ષથી જ મારી હાલત ખરાબ થઇ છે, પરંતુ એમ લાગે છે કે હું જાણે યુગોથી કોઇ વેદના ભોગવી રહ્યો છું. હું એકાંતમાં હોઉં ત્યારે એકલતા અનુભવું છું અને લોકોની વચ્ચે હોઉં ત્યારે પણ એકલતા જ અનુભવું છું. આ જગતમાં જાણે મારું કોઇ નથી એવું સતત લાગે છે. કોણ જાણે કયાં કર્મોની સજા મને મળી રહી છે.

હજુ થોડાં વર્ષો પહેલાની તો વાત છે, જ્યારે હું એક સન્માનપાત્ર વ્યક્તિ હતો. સન્માનપાત્ર વ્યક્તિ જ નહીં, દેશનો એક મોટો નેતા હતો. ભારતીય જનતા પક્ષનો પ્રમુખ. હું દેશના નાયબ વડા પ્રધાનપદનો હોદ્દો પણ શોભાવી ચુક્યો છું. આ તો ઠીક, મારા પક્ષના સભ્યો મને ખૂબ આદર કરતાં હતા. કારણ એ કે મેં મારી આખી જિંદગી મારા પક્ષના હિતમાં વિતાવ્યા છે. પક્ષને એવો મજબૂત બનાવ્યો છે કે આજે અમારો પક્ષ દેશનો સૌથી વધુ તાકાતવાન પક્ષ બની ગયો છે. પણ એ શા કામનું? મારો પક્ષ મજબૂત બન્યો છે, પરંતુ હું નબળો બની ગયો છું.

પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાંથી અમે હિન્દુસ્તાન આવ્યા ત્યારે મારા જેવા અનેક સ્થળાંતર કરનારાના મનમાં દેશદાઝ હતી. ૧૯૪૧માં હું રાષ્ટ્રીય સેવક સંઘમાં જોડાયો અને ત્યારથી આજ સુધી હું હિન્દુત્વ માટે લડી રહ્યો છું. હિન્દુત્વ માટે જોકે મેં લડવાની સાથોસાથ લડાવવાનું કામ પણ કર્યું છે. ભારતીય જનતા પક્ષના બે સૌથી મહાન નેતાઓમાં હમણા સુધી મારી ગણતરી થતી હતી. એક અટલ બિહારી વાજપેયી અને બીજો હું. હવે મારું આ સ્થાન છિનવાઇ ગયું છું. અને મને લાગે છે કે વાજપેયીજીનું સ્થાન પણ કદાચ થોડા સમયમાં છિનવાઇ જશે. વાજપેયી- અડવાણીના સ્થાને હવે બીજા બે મહાન નેતાઓ આવી ગયા છે. મોદી-શાહ.

મૂળ તો વાજપેયીજી અને મારા વિચારોમાં કોઇ ખાસ ફરક નહોતો. અમે બંને હિન્દુત્વના હિમાયતી એટલે અમારો માર્ગ એક હતો. અમારે હિન્દુત્વના માર્ગે ચાલીને જ સત્તા પ્રાપ્ત કરવાની હતી. વાજપેયીજી મારા કરતાં જરા વધુ પ્રેક્ટિકલ હતા એટલે તેઓ મારી જેમ ઉગ્ર હિન્દુત્વમાં નહોતા માનતા. એમનો અભિગમ જરા ઉદારમતવાળો હતો. આથી એમની છાપ મવાળ તરીકેની હતી અને મારી છાપ હાર્ડલાઇનર તરીકેની. એ સમયે તો આ બે વચ્ચેનો ફરક મને ખાસ કોઇ મહત્ત્વનો ન લાગતો, પરંતુ પછીથી મને સમજાયું કે મવાળ તરીકેની છાપ હોવાને લીધે વાજપેયીજીને અન્ય પક્ષોમાં તથા બૌદ્ધિકોમાં એક પ્રકારની સ્વીકૃતિ મળી હતી, સન્માન મળ્યું હતું. આ જ કારણસર એમને વડા પ્રધાન બનવાનો મોકો મળ્યો, પરંતુ મને ક્યારેય ન મળ્યો. અમારા બે વચ્ચે છૂપી સ્પર્ધા છે એવી વાતો પણ ત્યારે થતી હતી, પરંતુ હું વ્યક્તિ કરતાં વિચારને વધુ મહત્ત્વ આપનાર વ્યક્તિ છું. આથી વાજપેયીજી વડા પ્રધાન બને એની સામે મેં ક્યારેય વાંધો ન ઉઠાવ્યો. મને ફક્ત એ વાતમાં રસ હતો અમારો, અમારા પક્ષની વિચારસરણીનો વિજય થાય. આથી જ મેં પક્ષને મજબૂત બનાવવા માટે જાતને ઘસડી નાખી.

ભાજપ આજે જે કારણોસર સત્તા પર છે એના મૂળમાં મારા વ્યક્તિગત પ્રયાસો હતો. રામજન્મભૂમિના મુદ્દે જ ભાજપને એક આગવી ઓળખ મળી અને આ ઝુંબેશને વેગવાન બનાવવા માટે મેં દેશવ્યાપી રથયાત્રા કાઢી હતી. મારી રથયાત્રા એક ઇતિહાસ છે અને ત્યાર પછી બનેલી ઘટનાઓ પણ ઇતિહાસ બની ગઇ છે. રથયાત્રાને પગલે બાબરી ધ્વંશ થયો, ભાજપની ઉન્નતિ થઇ અને દેશભરમાં ભાજપની સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો.

વાજપેયીજી સાથેના આટલાં વર્ષોના સહવાસ અને મારી સરખામણીમાં એમને મળેલા

વધુ માનસન્માન પરથી હું એક વાત શીખ્યો કે હિન્દુત્વના નામે મત મળી શકે, પરંતુ જો તમે વધુ પડતા કટ્ટરવાદી બનો તો સમાજનો અને રાજકારણીઓનો એક મોટો વર્ગ તમારાથી દૂર જતો રહે અને સત્તા પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલી પડે. આ જ કારણસર રાજકીય કરીઅરના અંત ભાગમાં મેં જરા અલગ અભિગમ અપનાવ્યો. ૨૦૦૫ હું પાકિસ્તાનના પ્રવાસ ગયો હતો. એ સમયે મેં પાકિસ્તાનના સંસ્થાપક મહમ્મદ અલી ઝીણાની પ્રશંસા કરી. એમને ધર્મનિરપેક્ષ ગણાવ્યા. એક કટ્ટરવાદી હિન્દુ નેતા તરીકે મેં કરેલાં આ નિવેદનોએ મોટો વિવાદ જગાવ્યો. મને ખબર નહીં કે કટ્ટરવાદીમાંથી સહેજ મવાળ બનવાનું પરિણામ આવું આવશે. આરએસએસના નેતાઓ મારી પાછળ પડી ગયા અને આખરે મારે ભાજપના પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું.

બસ, આ ઘટનાથી મારી પડતી શરૂ થઇ. એ દરમિયાન મારા ચેલા નરેન્દ્ર મોદીની વગ વધતી ગઇ. આખરે ૨૦૧૩માં મોદીને આગામી લોકસભાની ચૂંટણીની પ્રચાર સમિતિના વડા બનાવવામાં આવ્યા. નારાજ થઇને મેં પક્ષના બધા જ પદો પરથી રાજીનામાં આપી દીધાં. જોકે હવે મારા રાજીનામાંની કોઇ વેલ્યૂ નહોતી રહી અને મોદી પોતાની મરજી મુજબ પક્ષમાં આગેકૂચ કરતા ગયા. પક્ષના વડા પ્રધાનપદ માટેના ઉમેદવાર મોદી જ બને એ બાબતે હવે પક્ષમાં કોઇ વિવાદ રહ્યો નહોતો. એ સમયે મેં એવો આત્મસંતોષ લીધો કે ભલે હું વડા પ્રધાન ન બનું, પરંતુ મારા માટે બીજા ઘણા સ્કોપ છે. જેમ કે રાષ્ટ્રપતિપદ મળી શકે, લોકસભાના સ્પીકરનું પદ મળી શકે, અરે મોદીના હાથ હેઠળ કોઇ આદરપાત્ર ખાતું પણ મળી શકે. હું આવા ખયાલોમાં રાચતો રહ્યો અને બીજી તરફ નરેન્દ્ર મોદીએ મારો કાંટો સાવ કાઢી નાખવાનું નક્કી કરી લીધું હતું.

છેલ્લાં પાંચ વર્ષમાં મને જે અનુભવો થયા છે એવા અનુભવ બીજા કોઇને ન થાય એવી હું ઇશ્ર્વરને પ્રાર્થના કરું છું. જે રીતે મારી માનહાનિ થઇ છે, મને હાંસિયામાં ધકેલવામાં આવ્યો છે અને જાહેરમાં મારી બેઇજ્જતી કરવામાં આવી છે એવી કોઇ દુશ્મનની પણ ન કરે. નરેન્દ્ર તો મારો ચેલો હતો. ગુજરાતનાં રમખાણો વખતે જ્યારે વાજપેયીજીએ નરેન્દ્ર મોદી સાથે કડક રીતે વર્ત્યા ત્યારે મેં જ છૂપી રીતે મોદીને સપોર્ટ કર્યો હતો. આજે મને આમ તો કહેવાતા માર્ગદર્શક મંડળમાં નાખી દેવામાં આવ્યો છે, પરંતુ હકીકતમાં મને અને પક્ષના બીજા સિનિયરોને પાંજરાપોળમાં મૂકી દેવામાં આવ્યા હોય એવું લાગે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં મને ઘણી વાર લાગ્યું કે મારે બળવો કરીને જાહેરમાં મોદીની ટીકા કરવી જોઇએ, પરંતુ મારી હિંમત ન ચાલી. કદાચ મનમાં એવી લાલચ પણ હતી કે કોઇ નાનોમોટો હોદ્દો આપી દેવાની દયા મોદીના હૃદયમાં આવી જાય. મારો ચેલો જોકે સાવ જ પથ્થરદિલ નીકળ્યો. મારી ઉંમર હવે ૯૧ વર્ષની થઇ ગઇ છે એટલે લોકસભાની ચૂંટણી લડવાની મારી ઇચ્છા તો નહોતી, પરંતુ આ લોકોએ જે રીતે મારી અવગણના કરીને, મને અપમાનીત કરીને ગાંધીનગરની બેઠક માટે અમિત શાહના નામની જાહેરાત કરી એનાથી મને ખૂબ દુ:ખ લાગ્યું. તેઓ મારી પાસે અમિત શાહના નામની જાહેરાત કરાવી શક્યા હોત, મને તેઓ એટલી નાની ખુશી પણ આપવા માંગતા નહોતા. આખરે મેં હિંમત એકઠી કરીને બ્લોગ લખ્યો, જેમાં પક્ષના હાલના નેતાઓની આડકતરી રીતે ટીકા કરી.

જોકે મારા બ્લોગની બહુ અસર નથી થઇ, કારણ કે મેં બહુ મોડું કરી નાખ્યું એવું બધા કહે છે. આથી હું વધુ દુ:ખ અનુભવી રહ્યો છું. યોગ્ય સમયે હિંમત ન દાખવીને હું ફરી એકવાર નિષ્ફળ ગયો છું. મારા કરતાં તો મુરલી મનોહર જોશી વધુ હિંમતવાન કહેવાય કે ટિકિટ ન આપવાની વાત જ્યારે અપમાનીત કરીને કહેવામાં આવી કે તરત એમણે જાહેરમાં બળાપો કાઢી નાખ્યો. વધુ હિંમતવાન તો શત્રુઘ્ન સિંહા કહેવાય, જેઓ સતત મોદીશાહની વિરુદ્ધમાં બોલતાં રહ્યા અને છેવટે કૉંગ્રેસમાં જોડાયા. આ પહેલા યશવંત સિંહાએ પણ તડ અને ફડ કરી નાખવાની હિંમત કરી હતી.

આટલી ઉંમર અને આવી મોટી રાજકીય કારકીર્દી પછી મારી ઝોળી ખાલી જ છે. ઇતિહાસ મને સારી રીતે યાદ નહીં કરે. કદાચ રથયાત્રા અને બાબરીના સંદર્ભમાં મને ખરાબ રીતે યાદ કરવામાં આવશે. મારા જીવનને કોઇ સંદેશ નથી, છતાં એક સંદેશ હું લોકોને આપવા જરૂર માગું છું: કોઇ વાતનો અને કોઇ વ્યક્તિનો ડર ન રાખો. જો ડર ગયા વો મર ગયા.

૦-૦-૦

(નિખિલ મહેતાએ કરેલી કલ્પના)આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

56P617c
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com