Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
પાર્કિંગ પ્રૉબ્લેમ !

અમથું અમથું હસીએ-રતિલાલ બોરીસાગરઅઅમદાવાદમાં વસવા માટે વાહન વસાવવાનું અનિવાર્ય ગણાય છે. પણ બધા વાહનચાલકો પોતાનાં વાહનો સરળતાથી પાર્ક કરી શકે એવી પાર્કિંગ-વ્યવસ્થા અત્ર-તત્ર-સર્વત્ર હોવી જોઈએ એવું સ્વીકારાયું નથી. એટલે પછી વાહનચાલકો અત્ર-તત્ર-સર્વત્ર આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરી દે છે. ‘અમદાવાદમાં પાર્કિંગ પ્રૉબ્લેમ : એક વિવેચનાત્મક અભ્યાસ’ પીએચ.ડી.ની ડિગ્રી માટે અભ્યાસ થઈ શકે એટલી ગુંજાશ છે આ વિષયમાં. ‘દરવાજા સામે વાહનો પાર્ક કરવાં નહિ’ એવી નોટિસો ખાનગી મકાનોના કેટલાક માલિકો મૂકે છે. એ દરવાજા સામે બે-ચાર વાહનો પડ્યાં જ હોય છે ! કેટલાક્ધો તો, દાખલા તરીકે મને, આવી નોટિસ વાંચીને જ ત્યાં વાહન પાર્ક કરવાની પ્રેરણા મળે છે. (એકવાર તો મેં ટ્રાફિક નિયમનખાતા તરફથી મુકાયેલા ‘નો પાર્કિંગ’ના લખાણવાળા થાંભલાને અડકાડીને જ મારું સ્કૂટર પાર્ક કર્યું હતું અને કડદો કરવામાં નિષ્ફળ જવાને કારણે દંડ પણ ભર્યો હતો.) કેટલીક વાર સ્કૂટર પાર્ક કર્યા પછી આજુબાજુ એટલાં બધાં સ્કૂટર પાર્ક થઈ ગયાં હોય છે કે એ ચક્રાવામાંથી સ્કૂટર બહાર કાઢવાની અભિમન્યુવિદ્યા જેને આવડતી હોય એ જ સ્કૂટર બહાર કાઢી શકે. આવી કોઠાવિદ્યાની જાણકારીના અભાવે એકવાર આવા ચક્રાવામાંથી સ્કૂટર બહાર કાઢવા જતાં એક મોટરસાઇકલ આખી અને એક સ્કૂટર અર્ધું મારા પર એવી રીતે ગોઠવાઈ ગયાં કે સ્કૂટર બહાર કાઢવાની વાત તો બાજુ પર રહી પણ હું પોતે ચાર-પાંચ પરોપકારી સજ્જનોની સઘન મદદ પછી માંડ બહાર નીકળી શક્યો હતો.

રસ્તા પર વાહનો પાર્ક કરવાં એ ગુનો ગણાય છે. પણ અમદાવાદમાં ગાય પોતે ઇચ્છે ત્યાં પાર્ક થઈને ઊભી રહે છે એ ગુનો બનતો નથી. મરજીમાં આવે ત્યાં પાર્ક થઈને ઊભી રહેતી ગાયને ઉપાડીને કોઈ ટ્રકમાં ચડાવી દેતું નથી. (એ રીતે સરકાર અને એનું ટ્રાફિક નિયમનખાતું પોતાનો સંસ્કૃતિપ્રેમ બતાવી રહ્યાં છે.) પણ ટ્રાફિક નિયમનખાતાની ગાડી નીકળે છે અને સ્કૂટરોનાં અપહરણ થવા માંડે છે. પૃથ્વીરાજ ચૌહાણ જેવા વીર પુરુષો સ્વયંવર મંડપમાંથી બધાંના દેખતાં જ પોતાને મનથી વરી ચૂકેલી ક્ધયાને ઉઠાવી જતા. આ વીર ટ્રાફિકવાળાઓ પણ એ જ રીતે ધોળે દિવસે બધાંના દેખતાં જ સ્કૂટરો ઉપાડી જાય છે. વાહનચાલક્ધાી મંજૂરી વગર આ રીતે એનું વાહન ઉઠાવી જવું એ ગુનો ગણાય. પણ સરકારી ખાતું આમ કરે ત્યારે કાયદેસરની કાર્યવાહી ગણાય છે. એટલે હું સ્કૂટર ચલાવી રહ્યો હોઉં ને અપહરણકર્તાઓની ગાડી નજરે પડે તો હું એટલો બધો ભયભીત થઈ જાઉં છું કે સ્કૂટરનું બૅલેન્સ જાળવવાનું ખૂબ અઘરું થઈ પડે છે. આવા અપહરણમાંથી મારા સ્કૂટરને ઉગારવા જતાં જે આપત્તિ થઈ એની કથા જાણવા-માણવા જેવી છે એટલે લખ્યા વગર રહી શકતો નથી.

અમદાવાદમાં ‘મીઠાખળી છ રસ્તા’ નામનો વિસ્તાર છે. આ છ રસ્તામાંના એક રસ્તા પર કૉર્પોરેટ ક્ષેત્રની એક બૅન્ક આવેલી છે. આ બૅન્કમાં મારે ઓછામાં ઓછું મહિને એક વાર જવાનું થતું હતું ડિપૉઝિટ મૂકવા માટે નહિ, બૅન્કમાંથી લીધેલી લોનનો હપ્તો ભરવા માટે. એક દિવસ લોનનો હપ્તો ભરવા જઈ રહ્યો હતો. તમે બાળકોને નિશાળે જતાં ને નિશાળેથી છૂટતાં જોયાં છે ? નિશાળના દરવાજામાં પ્રવેશે ત્યારે પડી ગયેલાં મોઢે ને ઘસડાતા પગે પ્રવેશે પણ છૂટતી વખતે દરવાજામાંથી નીકળે ત્યારે હર્ષોલ્લાસથી કિકિયારીઓ કરતાં નીકળે. એ જ રીતે મારે જ્યારે લોનનો ચૅક લેવા બૅન્કમાં જવાનું હોય છે ત્યારે મારું હૃદય ભારે ઉત્સાહમાં હોય છે, સ્કૂટરની સ્પીડ અમથી-અમથી વધી જાય છે, પરંતુ લોનનો હપતો ભરવા બૅન્કમાં જવાનું થાય છે ત્યારે મારો ઉત્સાહ એકદમ મંદ પડી જાય છે. હૃદય વિષાદનો અનુભવ કરે છે. સ્કૂટર અમથું-અમથું ધીમું પડી જાય છે. હું જાણું છું કે બૅન્કોની લોનના હપ્તા ન ભરીએ તો ચાલે, ઓછામાં ઓછું નિયમિત ન ભરીએ એટલું તો ચાલે જ એવું માનનારો મોટો વર્ગ આપણે ત્યાં છે. મને પણ આ પ્રમાણે માનવાનું અને એ માન્યતા પ્રમાણે આચરણ કરવાનું ગમે, પરંતુ આ માટે જે હિંમત જોઈએ એ ‘હિંમત’ નામધારી વ્યક્તિનો ભાઈ હોવા છતાં મારામાં નથી એટલે લોનના હપતા ભલે કચવાતા જીવે પણ હું નિયમિત ભરું છું.

તે દિવસે આ રીતે ખિન્ન હૃદયે લોનનો હપતો ભરવા જઈ રહ્યો હતો. ત્યાં દૂરથી મેં સ્કૂટર અપહરણકર્તાઓની ગાડી જોઈ. બહુ ઉત્સાહથી સ્કૂટરોને અપહરણ-ગાડીમાં નખાતાં જોયાં. એક ભાઈ પોતાનું સ્કૂટર પાછું મેળવવા કાલાવાલા કરી રહ્યા હતા. મારી નબળી આંખે પણ મને આ બધું સ્પષ્ટ દેખાયું.

બૅન્ક પાસે સ્કૂટર ઊભું રાખવાને બદલે હું આગળ છ રસ્તા પર લઈ ગયો. હું એટલો બધો ગભરાઈ ગયો હતો કે મને થયું કે સ્કૂટર ધીમું પણ પાડીશ તો આ લોકો મને પણ સ્કૂટર સહિત અપહરણ-ગાડીમાં ચડાવી દેશે ! છ રસ્તા સુધી તો પહોંચી ગયો પણ ત્યાં ટ્રાફિક એટલો બધો હતો કે આમ જાઉં કે તેમ જાઉં એવું વિચારવાનો વખત નહોતો. એક ફિલ્મી ગીતમાં નાયક ગાય છે કે ‘જિસ ગલી મેં તેરા ઘર ન હો બાલમા, ઇસ ગલી મેં હમે પાંવ રખના નહિ’ મારી મન:સ્થિતિ એથી ઊલટી હતી : ‘જિસ ગલી મેં તેરી ગાડી ખડી હો મહેરબાં, ઉસ ગલી મેં હમેં સ્કૂટર રખના નહિ’. છમાંની એક ગલીમાં સ્કૂટર વાળીને દૂર-દૂર લઈ ગયો. ત્યાં એક ખાંચો જોયો. એ ખાંચામાં કેટલાંક સ્કૂટરો પડેલાં મેં જોયાં. મેં ત્યાં સ્કૂટર પાર્ક કરી દીધું. તાપ એટલો બધો હતો કે ઘડીક તો અહીં હું શા માટે આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે તેવા, સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનીઓને થાય તેવા, પ્રશ્ર્નો મને થવા માંડ્યા.

મેં તાપથી રક્ષણ મેળવવા માથા પર ટોપી ધારણ કરી હતી. આ કારણે તાપ ઓછો આવતો હતો, પણ વિચારો બિલકુલ આવતા નહોતા. સ્કૂટર પાસે જ સ્થિર થઈને હું થોડી વાર ઊભો રહ્યો. આખરે મને યાદ આવ્યું કે હું બૅન્ક્ધાી લોનનો હપ્તો ભરવા નીકળ્યો છું. હું ખાંચાના છેડા પર આવ્યો, ત્યાં એક ખાલી રિક્ષા જોઈ. તાપથી હું એટલો બધો અકળાઈ ગયો હતો કે બૅન્ક બહુ દૂર નહોતી તોય મેં રિક્ષા ઊભી રખાવી અને એમાં હું બેસી ગયો અને એ રીતે બૅન્કમાં પહોંચ્યો.

લોનના હપ્તાનો ચૅક ભરવા મેં સ્લિપ મેળવી. સ્લિપમાં ડિપૉઝિટરનો રસીદ નંબર ભરવાનો આવ્યો. રસીદનંબરવાળી પાવતી તો સ્કૂટરની ડીકીમાં રહી ગઈ હતી ! હવે ? હું દર મહિને લોનનો હપ્તો ભરવા આવતો હતો એટલે કાઉન્ટર પરના અધિકારી મને એક પ્રામાણિક દેણદાર તરીકે દીઠે ઓળખતા હતા. મેં એમને રસીદનંબર જોઈ આપવા વિનંતી કરી. એમણે મારું નામ પૂછ્યું મેં ‘રતિલાલ બોરીસાગર’ કહ્યું. એમણે કમ્પ્યૂટરની કળો દબાવી, બે-ત્રણ વાર દબાવી પછી કહે, ‘નામ ખોટું લાગે છે.’ જે નામ મને જન્મ પછી તરત મળ્યું હતું, જે નામથી મેં મારું ભણતર પૂરું કર્યું હતું, લગ્નની કંકોતરીમાં જે નામ છપાવીને મેં લગ્ન કર્યાં હતાં, જે નામથી એકતાળીસ વરસ નોકરી કરી હતી એ નામ ખોટું છે, એવું જિંદગીના ઉત્તરાર્ધમાં સાંભળીને ઘડીભર તો હું ડઘાઈ ગયો. મેં નમ્રતાથી કહ્યું, ‘હું બહુ બધું ભૂલી જાઉં છું તે સાચું છે, પણ મારું પોતાનું નામ ભૂલી જાઉં એટલો સ્મૃતિભ્રંશ હજુ નથી થયો.’

‘એમ નહિ. આને બદલે બીજા કોઈ નામે ડિપૉઝિટ હશે.’ અધિકારીએ કહ્યું.

‘મારે નામે પણ આટલી ડિપૉઝિટ માંડ મૂકી શક્યો છું. બીજાને નામે ડિપૉઝિટ મૂકી શકું એવો સમૃદ્ધ હું ક્યારેય હતો નહિ ને લાગે છે કે હઈશ પણ નહિ.’

‘તમે રતિલાલ પછી શું કહ્યું હતું ?’

‘બોરીસાગર.’

‘બોરીસાગર શું છે ?’

‘અટક છે.’ મારા આ જવાબ પછી અધિકારીએ ફરી કમ્પ્યૂટરની કળો દબાવી. રસીદનંબર મળ્યો. આ રસીદનંબર મળતાં અધિકારીએ કહ્યું, ‘તમારે અટક પહેલાં બોલવી જોઈતી હતી.’

‘હવે લોનનો હપ્તો ભરવા આવીશ ત્યારે એમ કરીશ.’ મેં કહ્યું.

‘ના, હવે આવો ત્યારે નંબર ઘેરથી લખીને જ લાવજો.’

‘ઓ.કે.’ મેં કહ્યું.

બૅન્કમાંથી નીકળી હું ચાલતોચાલતો ફરી મીઠાખળી છ રસ્તા પર આવ્યો. પણ હવે જ ખરી સમસ્યા ઊભી થઈ. આ બૅન્ક્ધાા રસ્તા સિવાય બીજા પાંચ રસ્તા હતા. આ પાંચમાંથી કયા રસ્તે જઈને મેં કોઈ ખાંચામાં સ્કૂટર પાર્ક કર્યું હતું, તે યાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો. પણ કશું યાદ આવ્યું નહિ. હું સ્કૂટર લાવ્યો હતો કે નહિ, એ જ યાદ કરતાં ઘણી મુશ્કેલી પડી. ‘ટૅક્સીડ્રાઇવર’ નામની જૂની ફિલ્મમાં ફિલ્મનો હીરો દેવાનંદ એક ગીત ગાય છે. તલત મહમૂદના મખમલી કંઠથી એ ગીત ગવાયું છે. ‘જાયેં તો જાયેં કહાં, સમજેગા, કોન યહાં, દર્દભરે દિલ કી જુબાં... જાયેં તો જાયેં કહાં ?’ મને પણ આવો જ પ્રશ્ર્ન થવા માંડ્યો. ક્યાં જાઉં ? કયા રસ્તે જાઉં ? અત્યારે મારા હૃદયમાં જે દર્દ છે તે પાર્કિંગના આયોજનની જેની પાસે સત્તા છે કે સ્કૂટરનું અપહરણ કરી જવાની જેમની સત્તા છે તે સમજશે ? કોણ સમજે ? શા માટે સમજે ?

છ રસ્તા પર આમ હું મનોમંથન કરતો ઊભો હતો, ત્યાં એક રિક્ષા મારી પાસે ઊભી રહી. રિક્ષાવાળા ભાઈએ પૂછ્યું, ‘અરે સાહેબ, હજુ અહીં છો ? સ્કૂટર નથી લઈ આવ્યા ?’ મેં જોયું કે સ્કૂટર મૂકીને હું જે ખાંચા પાસેથી રિક્ષામાં બેસીને બૅન્ક પાસે આવ્યો હતો એ જ આ રિક્ષા હતી ! ચમત્કારો આજેય બને છે ! સાક્ષાત્ પ્રભુ ગરુડ પર બેસીને મારી સમસ્યા હલ કરવા આવ્યા હોય એવો આનંદ મને થયો. મેં પૂછ્યું, ‘જે ખાંચા પાસેથી હું તમારી રિક્ષામાં બેઠો હતો તે ખાંચા સુધી તમે મને લઈ જઈ શકો ? એ ખાંચો અહીંથી તમને જડે ?’

‘હા-હા કેમ નહિ ? હું આંખો મીંચીને રિક્ષા ચલાવું તોય ખાંચો જડી જાય.’ રિક્ષાવાળા ભાઈએ કહ્યું. આંખો મીંચીને રિક્ષા ચલાવવાની એમની વાતથી હું થોડો ગભરાયો. પણ પછી સમજ્યો કે એ સાહિત્યની ભાષામાં બોલ્યા હતા. હું રિક્ષામાં બેઠો. થોડી જ વારમાં રિક્ષાવાળા ભાઈ મને પેલા ખાંચા પર લઈ આવ્યા, એટલું જ નહિ, રિક્ષા ખાંચામાં વાળીને બરાબર મારા સ્કૂટર પાસે જ ઊભી રાખી !

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

84S10h8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com