Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
શ્રદ્ધા થકી માણસ અશક્ય લાગતી વાતને પણ શક્ય બનાવી શકે

સુખનો પાસવર્ડ-આશુ પટેલ૬માર્ચ, ૧૯૩૩માં રોમમાં જન્મેલા ઑગસ્ટોએ ઉચ્ચ અભ્યાસ કર્યો અને તેઓ ઉચ્ચ સ્તરના ઈકોનોમિસ્ટ બની ગયા. ૩૬ વર્ષની ઉંમરે તો તેઓ વર્લ્ડ બૅન્કમાં ઈકોનોમિસ્ટ તરીકે જોડાઈ ગયા હતા. જો કે ઑગસ્ટો ઓડોન વર્લ્ડ બૅન્કના ઈકોનોમિસ્ટ હતા એ માટે તેમના વિશે વાત નથી કરવી.

ઑગસ્ટો ઓડોને એક સ્વિડિશ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમનું એ પ્રથમ લગ્નજીવન લાંબો સમય ટક્યું નહોતું. એ પછી તેમણે એક અમેરિકન લેખિકા માઈકેલો સાથે લગ્ન કર્યા. એ વખતે તેઓ કોમોરો આઈલેન્ડસ્થિત વર્લ્ડ બૅન્કની શાખામાં ફરજ બજાવતા હતા. તેમને બીજા લગ્નથી એક દીકરો થયો. તેનું નામ તેમણે લોરેન્ઝો પાડ્યું. લોરેન્ઝો ચાર વર્ષનો થયો ત્યાં સુધી તો સામાન્ય બાળકો જેવો જ હતો, પણ તેનું પાંચમું વર્ષ ચાલતું હતું ત્યારે તેને શારીરિક તકલીફો થવા લાગી. તેની સ્કૂલમાંથી ફરિયાદો આવવા લાગી કે તેનું ભણવામાં ધ્યાન નથી રહેતું. તે અવારનવાર બીમાર પડવા લાગ્યો. તે ચીડાવા લાગ્યો. તે ક્યારેક ઊભો હોય કે ચાલતો હોય ત્યારે તેનું સંતુલન ગુમાવવા લાગ્યો. તે ચાલતા-ચાલતા પડી જવા લાગ્યો. એ વખતે ઑગસ્ટોની નિયુક્તિ અમેરિકામાં થઈ હતી. એ સમયથી ઑગસ્ટો અને તેની પત્ની માઈકેલોનાં જીવનનાં રોલર કોસ્ટર સમા તબક્કાની શરૂઆત થઈ.

એક દિવસ માઈકેલોએ લોરેન્ઝોને બોલાવવા માટે બૂમ પાડી, પરંતુ લોરેન્ઝોના કાને તેનો અવાજ પડ્યો જ નહીં! તેને સંભળાતું બંધ થઈ ગયું. એ દિવસે ઑગસ્ટો અને માઈકેલોને સ્થિતિની ગંભીરતા સમજાઈ. ત્યાં સુધી તેમને સમજાતું નહોતું કે લોરેન્ઝો સાથે શું થઈ રહ્યું છે. એ પછી તેઓ તેને વોશિંગ્ટનના એક નામાંકિત ડૉક્ટર પાસે લઈ ગયા. લોરેન્ઝો પર ઘણા ટેસ્ટ્સ કરાયા. એ પછી ખબર પડી કે લોરેન્ઝોને એન્ડ્રીનોલ્યુકોડીસ્ટ્રોફી (એએલડી) નામનો ખતરનાક રોગ થયો છે. ડૉક્ટર્સે કહ્યું કે આ તમારા દીકરાને રેર કહેવાય એવો ન્યુરોલોજીકલ રોગ થયો છે આ રોગનો કોઈ જ ઈલાજ શોધાયો નથી. એટલે તેના બચવાની કોઈ જ શક્યતા નથી. તેની સ્થિતિ હવે વધુ ને વધુ ખરાબ થતી જશે. અને માત્ર બે વર્ષ જેટલા સમયમાં જ તે મૃત્યુ પામશે.

એ પછી લોરેન્ઝોની હાલત વધુ ને વધુ ખરાબ થતી ગઈ. થોડા સમય પછી તેનું બોલવાનું પણ બંધ થઈ ગયું. ત્યાર પછી થોડા સમયમાં તેના શરીરના મોટાભાગના અંગો નિષ્ક્રિય થવા લાગ્યા. તે માત્ર આંગળીઓ હલાવી શકતો હતો. પછી એ પણ બંધ થઈ ગયું. માત્ર આંખોથી ઈશારા દ્વારા તેને જે કહેવું હોય એ સમજાવવાની કોશિશ કરતો હતો. તેનું શરીર વેજિટેબલ જેવું બની ગયું.

ઑગસ્ટોે ઓડોનના પિતા બ્રિટિશ આર્મીના જનરલ રહી ચૂક્યા હતા એટલે ઑગસ્ટોેમાં પણ જીવન પ્રત્યે થોડી લડાયક વૃત્તિ હતી. ઑગસ્ટોેનો દીકરો લોરેન્ઝો પથારીવશ થઈ ગયો એ વખતે ઑગસ્ટોેની ઉંમર ૫૦ વર્ષની હતી. ડોક્ટર્સે હાથ ઊંચા કરી દીધા એ પછી તેણે અને તેની પત્ની બીજા ઘણા બધા ડૉક્ટર્સ પાસે ગયા. જો કે બધા ડોક્ટરે તેમને કહી દીધું કે આ કેસમાં કશું થઈ શકશે નહીં. તમારે હવે તમારા દીકરાને ઘરે જ રાખવો પડશે. તેને હૉસ્પિટલમાં દાખલ કરવાનો કોઈ જ અર્થ નથી. કારણ કે આ કેસમાં કોઈ આશા નથી.

જો કે ઑગસ્ટોે અને માઈકેલાએ હાર માની નહીં. તેમણે સૌપ્રથમ મેડિકલ સાયન્સની ટેક્સ્ટ્સ બુક્સ અને મેડિકલ વર્લ્ડનાં અન્ય પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. પછી ધીમે-ધીમે તેઓ અઘરાં પુસ્તકો વાંચવા લાગ્યા. તેઓ રિસર્ચ લેવલનાં પુસ્તકો સુધી પહોંચ્યા. તેમણે અમેરિકાની જાણીતી લાઇબ્રેરીમાં ઉપલબ્ધ હતા એવા મેડિકલના પુસ્તકો પણ વાંચી નાખ્યા. એ પછી તેમને ખબર પડી કે આ બીમારીને રોકવા માટે એક ઓઈલનું મિશ્રણ બનાવી શકાય છે જેનાથી આ બીમારી પર કાબૂ મેળવી શકાય છે. ડૉક્ટર્સે તો કહી દીધું હતું કે તમારો દીકરો હવે બે વર્ષ, વધુમાં વધુ ત્રણ વર્ષ જીવશે. એ પછી તેનું શરીર ધીમે-ધીમે કામ કરતું બંધ થઈ જશે. તેનાં ફેફસાં અને કિડની તથા લીવર જેવા અંગો કામ કરતા બંધ થઈ જશે.

જો કે ડૉક્ટર્સની આવી નિરાશાજનક વાતો છતાં ઑગસ્ટોે અને માઈકેલાએ મૃત્યુ પામવા તરફ ધકેલાઈ રહેલા દીકરાને બચાવવા માટે દિવસ-રાત મેડિકલ પુસ્તકો વાંચીને લોરેન્ઝો માટે ઓલિવ ઓઈલ અને અન્ય ઓઈલ્સ તથા ફેટી એસિડ્સનાં મિશ્રણથી એક વિશિષ્ટ ઓઈલ બનાવ્યું અને એ મિશ્રણથી લોરેન્ઝોનો ઈલાજ શરૂ કર્યો. એ ઓઈલને તેમને લોરેન્ઝો ઓઈલ નામ આપ્યું. ઈકોનોમિસ્ટ પિતાએ અને લેખિકા માતાએ પોતાની રીતે દીકરાની સારવાર કરવાનું શરૂ કર્યું.

ડોક્ટર્સને આ વિશે ખબર પડી ત્યારે તેમણે કહ્યું કે આ ઈલાજ તો અર્થહીન છે. મેડિકલ સાયન્સના રિસર્ચર્સ સાથે તેમની મુલાકાત થઈ ત્યારે તેમણે કહ્યું કે તમારા આ ઊંટવૈદાથી તો તમારા દીકરાની સ્થિતિ વધુ ખરાબ થશે! ઑગસ્ટોે અને માઈકેલાએ હિંમતપૂર્વક અને ધીરજપૂર્વક દીકરાની સારવાર ચાલુ રાખી અને તેમણે ડોક્ટર્સને અને રીસર્ચર્સને ખોટા પાડ્યા. ડૉક્ટર્સે કહી દીધું હતું કે લોરેન્ઝો બે વર્ષનો મહેમાન છે એટલે લોરેન્ઝો સાત વર્ષની ઉંમરે મ્રુત્યુ પામશે એવો ડૉક્ટર્સનો અંદાજ હતો એને બદલે તે ૩૦ વર્ષનો થયો ત્યાં સુધી જીવ્યો! એટલે કે લોરેન્ઝો ડૉક્ટર્સના અંદાજને ખોટો પાડીને વધુ અઢી દાયકા સુધી જીવ્યો.ઑગસ્ટોે અને તેની પત્નીની માઈકેલાએ દીકરા લોરેન્ઝો માટે મેડિકલ બુક્સ વાંચીને પોતાની મેળે જે ઈલાજ શોધ્યો એની નોંધ પહેલા અમેરિકાનાં અખબારોમાં લેવાઈ અને પછી જગતભરના મીડિયામાં એ વાત પ્રસારિત થઈ. જો કે મેડિકલ વર્લ્ડના લોકોએ ઑગસ્ટોે અને માઈકેલાએ બનાવેલા સ્પેશિયલ ઓઈલની હાંસી ઉડાવી. જો કે એ પછી ઓસ્ટ્રેલિયન ફિલ્મ ડિરેક્ટર જ્યોર્જ મિલરે નિક નોલ્ટે, સુઝેન સેરેંડોન, ઝેક ઓપમેલી ગ્રીનબર્ગ જેવા એક્ટર્સને લઈને લોરેન્ઝોપસ ઓઈલપ નામની હોલીવુડ ફિલ્મ બનાવી. એ ફિલ્મને ઑસ્કર એવૉર્ડમાં અનેક કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. એ ફિલ્મની મેડિકલ ફિલ્ડના લોકો તથા ઘણા બૌદ્ધિકો દ્વારા ખૂબ ટીકાઓ થઈ કે આ વાહિયાત દવા પર ફિલ્મ બનાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે. ડિરેક્ટરે કહ્યું કે અમારો હેતુ એ દર્શાવવાનો છે કે એક માતા-પિતાએ દીકરાને બચાવવા માટે કેવી અકલ્પ્ય મહેનત કરી અને રિસર્ચ તથા શ્રદ્ધાને કારણે કઈ રીતે દીકરાને બચાવ્યો.

પોતાની વ્યક્તિ માટે લાગણી હોય તો માણસ તેને બચાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને ઊંડી શ્રદ્ધા સાથે કોઈ વ્યક્તિ મચી પડે અશક્ય લાગતી વાતને પણ શક્ય બનાવી શકતી હોય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

F103854
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com