Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
અવળચંડાં અવતરણો ક્વોટેશનો કે જુમલાઓ?: રેડીમેડ રોચક મસાલો!

મિજાજ મસ્તી-સંજય છેલટાઇટલ્સ: મારે શું બોલવું- એ જો આસપાસના લોકો જ નક્કી કરવાના હોય તો બહેતર છે કે એ લોકો જ મારા વતી બોલી નાખે ! (છેલવાણી)

ઓમારા ભૈ, તમે કે હું રાજકારણથી સૂગ ધરાવીએ છીએ કારણકે આપણે સીધાસાદા લોકો છીએ..આપણને શું લેવા દેવા ?- કોઇપણ સરકાર આવે ? આપણી હાલત તો એ જ રહેશે.. આપણાં પ્રોબ્લેમ તો પેલા ચામડીના રોગ જેવા છે જે ક્યારેય પૂરેપૂરા જતાં જ નથી..એ તો આજીવન ચાલ્યા જ કરે છે કે કરશે ! પણ તો યે એક વાત તો આ લોકસભા ઇલેક્શન સમયે મને સમજાય છે કે આપણો મહાન ભારત દેશ, ખરેખરે તો ખેતીપ્રધાન નહિ પણ જુમલા પ્રધાન કે ડાયલોગબાજી પ્રધાન દેશ છે. અહીંયા દરેકને કોઇને કોઇ ડાયલોગ મારવો કે વિચાર ઉછાળવો ગમે છે.

સામાન્ય માણસ પણ કાંઇ નહીં તો જૂની કહેવતો કે મુહાવરાઓ ટાંકીને પાનના ગલ્લે

છવાઇ જતો હોય છે. જૂઠો નેતા જુમલાઓથી સભા ગજાવીને તાળી ઉઘરાવીને ઇલેક્શન જીતી શકે છે. સાધારણ જ્ઞાનવાળો કથાકાર મનભેદ-મતભેદ, સંત-વસંત જેવા પ્રાસવાળા શબ્દો વાપરીને સંત-મહાત્મા સાબિત થઇ શકે છે. અનેક ચાલુ વક્તાઓ ચાણક્ય કે વિવેકાનંદના નામે

કોઇપણ ફાલતું વિચાર ખપાવીને સભાઓ ગજાવીને ગજવામાં પુરસ્કાર લઇને ઘરે હરખાતો

હરખાતો જઇ શકે છે. સ્માર્ટ સંચાલક, મુશાયરા અને સાહિત્ય સભામાં ઉધારના ક્વોટેશનોથી વિદ્વત્તા ઝળકી શકે છે. નબળી વાર્તાઓવાળી ફિલ્મો પણ ધૂંઆધાર ડાયલોગબાજીથી હિટ થઇ

શકે છે.

કોલમિસ્ટો તો વોટ્સએપ પર ફેલાતાં ચીકણાં ચૂપડા ક્વોટેશનોથી પોતાની કેરીઅર ચલાવતાં હોય છે વળી ગુજરાતી નાટકોમાં પણ વોટ્સએપ પર ફરતાં વાક્યોથી કામ ચાલી જઇ શકે છે આ બધું એટલું કહું છું કે હમણાં ઇલેક્શનની મૌસમ વખતે દેશની હવામાં જાત જાતના જુમલાઓ, અવતરણો છૂટ્ટા ઉડી રહ્યા છે ત્યારે એક નવું પુસ્તક હાથમાં આવ્યું: ધ ડિક્શનેરી ઓફ આઉટરેજિયસ ક્વોટેશન (માર્શ ડેન) એટલે કે ચોંકાવનારા અવતરણોનો શબ્દકોષ.. આ કિતાબમાં કેટલાંક ચોંકાવનારા અને રમૂજી કે પછી વિચિત્ર વિચારો છે જે પેશ કરું છું (પણ હા કૌંસમાંના અભિપ્રાય મારા પોતાના મૌલિક છે)-

ૄ લોકશાહી એટલે વાંદરાં પાંજરાંમાંથી સરકસ ચલાવવા નીકળ્યાં...

(આ અમેરિકાના રાજકારણ માટે લખાયેલું વાક્ય છે, જે ભારતના રાજકારણ માટે લાગુ પડે છે એવું અમારું માનવું નથી પણ ધારવું છે)

ૄ પોતાના દેશ માટે જુઠ્ઠું બોલવાની કલાત્મક નેતાગીરી એટલે મુત્સદ્દીપણું...

(આ વાતને નેતાઓએ ના પાળેલા જુમલાઓ સાથે કોઇ લેવા દેવા નથી અને જો સામ્યતા હોય તો એ કેવળ એક સંયોગ છે)

ૄ જાહેરાત એ વિજ્ઞાન છે... માણસની બુદ્ધિને પકડવાનું જકડવાનું લાંબા સમય માટે જેથી, એમાંથી પૈસા મળી શકે...

(આ ક્વોટેશનને મોદીજીના જીવન પર બનેલ ફિલ્મ કે સિરિયલ સાથે કોઇ લેવાદેવા નથી)

ૄ ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરે છે અને ઇતિહાસકારો એકમેકના પડઘા પાડે છે.

(આ વાત ૧૯૭૫ની ફુલ્લી ઇમરજંસી અને આજની અદ્રશ્ય ઇમરજંસી સાથે કોઇ સંબંધ નથી)

ૄ લોકો હકીકતમાં છાપાં વાંચતા નથી, દરરોજ સવારે ગરમ પાણીથી સ્નાન કરવા જેવી ટેવ જેવી આ વાત છે.

(નહાવા વિશેના આ વિધાન સાથે આ કોલમ કે આ છાપા સાથૈ કોઇ સ્નાન સૂતકનો સંબંધ નથી)

ૄ બધાં જ રાજકીય જૂથો પોતાનાં જ જુઠ્ઠાણાંઓ ગણીને મરી જતાં હોય છે.

(આ વાત જૂઠ્ઠી સાબિત કરનારને પદ્મશ્રી મળવાની ગેરેંટી, સરકાર ભલે કોઇ પણ આવે)

ઇંટરવલ:

આંસુ સે નદી બને, નદી સમુંદરમેં જાયે

પર્બત કા રોના કોઇ દેખા ના જાયે (બદનામ નઝર)

તો પેશ છે, થોડાં વધું ક્વોટેશનો ..અવતરણો..હું આશા રાખું કે ભારત દેશની

સાચી અને સ્વસ્થ લોકશાહીને સાચવવા માટે કદાચ આ લાચાર અવતરણો, આ અમુક

શબ્દો આ વખતે કામ આવે ..કારણકે હવે તો માત્ર આશા ઉમ્મીદ અને સપનાઓનો જ

સહારો છે, લોકતંત્ર બચાવવા માટે .. બાકી તો આઝાદ વિચારો પર ગીધડાંઓ અને

શિયાળવાઓનો પહેરો સતત લાગી ચૂક્યો છે.. એની વે .. તો ક્વોટેશનોની દુનિયામાં આગળ વધીએ.. -

ૄ સારા નાગરિકો મત નથી આપતા એના કારણે જ ખરાબ નેતાઓ ચૂંટાય છે.

(મતદાનને દિવસે લોનાવાલા-ખંડાલા કે દમણ- આબુ જનારાઓએ આ વાતને ગણવી અને મજા કરવી)

ૄ તમને ના કહેતાં આવડવી જોઇએ...

(કોઇપણ ઉમેદવારને મત ના આપવાની સગવડ- ગઘઝઅ (નોટા) પાછળ આ વાક્ય કારણરૂપ હોઇ શકે એવો અમને શક છે)

ૄ ભવિષ્યમાં દરેક માણસ પંદર મિનિટ માટે પ્રખ્યાત થશે.

(મીડિયામાં આવેલ આજનું સ્કેન્ડલ કાલની ગોસિપ અને પરમદિવસે અફવા અને ૩ દિવસ બાદ અસત્ય સાબિત થાય છે- એવા એક સર્વે પરથી કદાચ પ્રેરાયેલું વિધાન)

ૄ મને અફવાઓ ફેલાવવી ગમતી નથી પણ મારી પાસે હોય તો એનું હું કરું પણ શું?

(સરકાર ભક્તોએ આ ક્વોટેશન વાંચીને ખામખાં અકળાઇ જવું નહિ)

- ટેલિવિઝન એ તો પડદા પર આવવા માટે છે, જોવા માટે નહીં.

(રાજકીય ચર્ચાઓમાં આવતાં ચાર-પાંચ રાબેતા મુજબના ચહેરાઓને અર્પણ)

ૄ યુદ્ધને ઝડપથી પતાવવું હોય તો યુદ્ધમાં હારવું જોઇએ...

(આ ઇલેક્શનમાં હારનારી પાર્ટીને નમ્ર સલાહ)

ૄ મારું માનો, હવે મગરો પણ મગરો જેવા નથી રહ્યા...

(જાહેરમાં રડીને વારેવારે પક્ષપલટો કરતાં નેતાઓ કે કાર્યકર્તાઓને આ વિધાન સાથે કોઇ સંબંધ નથી)

ૄમને કોઇ દિવસ ડ્રગ સાથે મુશ્કેલી નથી પડી, જે મુશ્કેલી પડી તે પોલીસ સાથે...

(સત્તા, જાન લેવા જાલિમ ડ્રગ જેવો નશો છે, એ માત્ર સંયોગ છે, ચોખવટ ખાતર)

તો વાચક મિત્રો મારા જેવા એક મામૂલી લેખકનું કામ છે, આંધીમાં દીવો પેટાવવાનું..પણ એક સળગતાં લાચાર દીવાને સળગતો રાખવાનું કામ છે વાચકોનું..તો એવામાં તમને અનેક વાદાઓ, જુમલાઓ, ક્વોટેશનો કે અવતરણો મુબારક ! આ તો તમે બધું સમજો જ છો કે કોણે કોણે ક્યારે, ૧૯૬૦ કે ૧૯૬૭થી લઇને ૨૦૧૯ અને કેવું કેવું આપણા ગુજરાતીઓ સાથે શું શું કરેલું ? અને હવે પણ શું શું કરશે કે કરી શકશે ..એટલે આજથી ૧૫ દિવસ બાદ ૨૯ એપ્રિલે મુંબઇમાં લોકસભાની ચૂંટણી છે, હેપ્પી ઇલેક્શન.. જય જય ગરવી ગુજરાત, જય હિંદ અને વંદે માતરમ!

એંડ ટાઇટલ્સ:

આદમ: વોટ કોને આપીશ તું?

ઇવ : ચોટ જેને આપીશ હું !

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

273668
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com