Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ચૂંટણીઢંઢેરો એટલે નીતિવિષયક નિર્ણયો કે લેવડ-દેવડ સ્વરૂપે લાંચ?

ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશીકોઈ પણ કામ કરવા કે કરાવવા માટે નિયત ધોરણોની બહાર જઈને પૈસાની કે અન્ય ચીજવસ્તુની લેવડદેવડ કરવામાં આવે અથવા આ માટે કોઈક પ્રકારની સમજૂતી કરવામાં આવે તો એને લાંચ કહેવાય. દેશમાં લાંચરુશવત વિરોધી ધારો અમલમાં છે અને આ ધારાને જો ઝીણવટથી વાંચીએ તો એમાં લાંચની જે વ્યાખ્યા આપવામાં આવી છે એના શબ્દોની સામાન્ય માણસ માટેની સમજૂતી ઉપર પ્રમાણે તારવી શકાય. લાંચની આ વ્યાખ્યામાંથી બચી જવા માટે લાંચ આપનાર લાંચ લેનારને સીધેસીધું કશું નથી આપતો પણ પરોક્ષ રીતે એના પરિવારને ભેટ આપે છે. આ ભેટને લાંચ ન કહેવાય પણ સ્નેહ અને આદરને કારણે એ અપાયું છે એવી મરોડદાર રજૂઆત કરવામાં આવે.

ચૂંટણી જાહેર થાય એટલે રાજકીય પક્ષોના નેતાઓના પંડમાં ઓતાર આવતા હોય છે. આ ઓતારમાં કયા ભૂત, ખવીસ આવતા હોય છે એ કોઈ પૂછશો નહીં, આ ભૂત, ખવીસ પેલા નેતાઓ પાસેથી સામાન્ય બુદ્ધિથી પર એવા હાકલા-પડકારા કરાવવા માંડે છે. મેનિફેસ્ટો એટલે કે ચૂંટણીઢંઢેરો આ નામનું એક સાવ રદબાતલ થોથું બધા પક્ષો પ્રગટ કરવા માંડે છે. આ થોથામાં કરવા જેવાં કામો કરતાં નહીં કરવાનાં કામોનો ખડકલો કરવામાં આવે છે. કોઈ મતદાર એ વાંચતો નથી. પ્રસારમાધ્યમો આ થોથાનો મનફાવે તેવો અર્થ કરીને આપણને જે સમજાવે એટલું જ આપણે સમજવાનું.

સાચી વાત તો એ છે કે ચૂંટણીઢંઢેરો એ કોઈપણ રાજકીય પક્ષના રાજકીય, આર્થિક, સામાજિક અને અન્ય નીતિનિયમો અને ધોરણોની જાહેરાતો છે. એમાં પક્ષની પાયાની નીતિઓ વિશે સમજૂતી આપવાની હોય છે. એને બદલે ચૂંટણીઢંઢેરામાં સ્થૂળ પદાર્થોની લહાણી કરવાની વાત વચન તરીકે જો અપાય તો એને લાંચરુશવત ધારા હેઠળ મૂલવી શકાય કે નહીં આ મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. થોડાં વરસો પહેલાં તમિળનાડુના એ.આઈ.ડી.એમ.કે. પક્ષે આવી લહાણીનાં વચન આપ્યાં હતાં. સદ્ગત જયલલિતા આવી લહાણી માટે બહુ ઉદાર હતાં. ઘઉં, ચોખા, સાડીઓ કે ઘાસતેલથી માંડીને લેપટોપ સુધીની લહાણી એમણે જાહેર કરી હતી. આ લહાણીની અલિખિત શરત માત્ર એટલી જ હતી કે મતદારોએ એમને મત આપવાના, તેઓ સત્તાસ્થાને બિરાજે અને બિરાજમાન થયા પછી જેને લાંચ નહીં, પણ લહાણી કહેવાય એવી ઉદારતા દાખવે. આ ઉદારતા સરકારી તિજોરીમાંથી થાય છે અને આ તિજોરી આપણે આપેલા કરવેરાથી ભરાયેલી હોય છે. આપણે જે કરવેરા આપ્યા છે એ કોઈ પણ પક્ષની સરકારને આ રીતે બીજી ચૂંટણીમાં મતના બદલામાં લહાણી કરવા માટે નથી આપ્યા હોતા. આ મુદ્દો કહેવાતા કાયદાવિદોએ અને નિષ્ણાતોએ હજુ સુધી કેમ ઉખેડ્યો નથી એ વિચારવા જેવું છે.

૨૦૧૯ની ચૂંટણી ટાણે કૉંગ્રેસ પક્ષે જે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો છે એ ઢંઢેરો ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવ્યા એ પછીની તારીખનો છે. આમાં કૉંગ્રેસ પક્ષે દેશના તમામ નાગરિકો, જેઓ પ્રતિ માસ રૂપિયા બાર હજારથી ઓછી કમાણી કરે છે એમને આ ઘટતી રકમ સહાયરૂપે આપવાનું વચન આપ્યું છે. આ રકમ માટે કેટલા લાભાર્થીઓ હશે અને દેશની તિજોરી ઉપર એનો કેટલો બોજો પડશે એ આંકડાબાજીમાં આપણે અહીં પડવું નથી. આ જરૂરી રકમ શી રીતે મેળવી શકાશે એની વાત પણ આપણે કરવી નથી. આંકડાઓની આ અદ્ભુત અટવિમાં ચાલાક, ચબરાક, ચતુર આવાં થોકબંધ ટોળાંઓ ફાવે તેવાં પરિણામો લાવી શકે છે. આપણી જેવા સામાન્ય સમજદાર માણસોએ આ જાદુગીરીને આંખ ફાડીને જોયા કરવાનું.

અહીં લાખ રૂપિયાનો સવાલ એજ પેદા થાય છે કે કૉંગ્રેસ પક્ષે મતના બદલામાં જે બાર હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે એને લાંચ કહેવાય કે નહીં? જો તમે અમારા પક્ષને મત આપીને અમને સત્તા સ્થાને બિરાજમાન કરશો તો એના બદલામાં અમે તમને દર મહિને બાર હજાર રૂપિયા ભેટ આપીશું. આ બાર હજાર રૂપિયાના બદલામાં લેનારે કંઈ જ કામ કરવાનું નથી માત્ર એક જ વાર કૉંગ્રેસ પક્ષને મત આપવાનો છે. બાકીનાં પાંચ વરસ એટલે સાઠ મહિના સુધી દર મહિને બાર હજાર રૂપિયા મળતા રહેેશે. આ ગુણાકાર જેમને આવડતો હોય એમણે કરી લેવો.

હવે જો કોઈ એમ કહે કે ભાજપની કેન્દ્ર સરકારે પણ ખેડૂતોને દર વરસે છ હજાર રૂપિયા સહાયનું માત્ર વચન નહીં આપ્યું, આ છ હજાર પૈકીનો પહેલો હપ્તો રૂપિયા બે હજારની ચુકવણી પણ કરી નાખી છે. આ પૂર્વે લગભગ બધી સરકારોએ-પછી ભલે એ ગમે તે પક્ષની હોય, ખેડૂતોની બેંક લોનની પરત ચુકવણી માફ કરી જ દીધી છે. આ બંને પગલાંને પણ કાનૂની અને નૈતિક રીતે ચકાસવા જેવાં છે. વ્યક્તિગત કિસ્સાઓમાં જે તપાસવું જોઈએ એને સામૂહિક ધોરણે મૂલવી શકાય નહીં. આમ છતાં આ પગલાંઓ તત્કાલીન સરકારોએ લીધેલા નીતિવિષયક નિર્ણયો કહેવાય. એમાં કોઈ પણ પ્રકારની તત્કાલીન લેવડદેવડની ગંધ નથી આવતી. લાંબા ગાળે આવાં પગલાંથી જે તે સરકાર લોકપ્રિય થાય એવી અપેક્ષા તો એમાં ખરી જ પણ આવો કાયદો અમલમાં મૂકીને લાભાર્થી પાસેથી તત્કાલ કશુંક વળતર મેળવવાની એમાં જોગવાઈ નથી, આ જોતાં આ પગલાંઓ, જોકે મારા અને તમારા કરવેરાથી જ ભરાયાં છે છતાં તેને લાંચરુશવત ધારા નીચે તપાસી શકાય એમ નથી એવું લાગે છે.

આપણે ત્યાં ચૂંટણી પંચ અને સર્વોચ્ચ અદાલત સ્વતંત્ર સત્તા છે. આ બંનેને કેટલાક અબાધિત અધિકારો છે. કોઈ પણ તત્કાલીન સરકાર એને સ્વતંત્ર કામગીરી કરતા રોકી શકતી નથી. કોઈએ પણ ચૂંટણી કમિશનર કે સર્વોચ્ચ અદાલત પાસે જઈને આ વિસંગતિ પ્રત્યે ધ્યાન દોરવાની જરૂર નથી. તેઓ સ્વતંત્ર રીતે કાનૂની પરિભાષામાં જેને સુઓમોટ્ટો કહે છે એનો અમલ કરી શકે છે. દુર્ભાગ્ય એ છે કે એમનું ધ્યાન દોરવા માટે આપણે અંગ્રેજીમાં કહેવું પડે છે. પ્રાદેશિક ભાષામાં આ સાહેબો કશું સમજતા હોતા નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5e5104F8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com