Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
મંદિરોનું મની (મિસ) મૅનેજમેન્ટ

અભિમન્યુ મોદી‘મંદિર વહી બનાયેંગે’ની રાષ્ટ્રવ્યાપી આહલેકથી ગરમાયેલા ભારતના રાજકારણમાં મંદિરોની બાબતને લઈને સુપ્રીમ કોર્ટે એક અતિમહત્ત્વનો પ્રશ્ર્ન કર્યો છે જેની ચૂંટણીના માહોલમાં ગંભીરતાથી નોંધ લેવાયી નથી. સુપ્રીમ કોર્ટે સરકારને પોઈન્ટ બ્લેન્ક સવાલ કર્યો કે મંદિરોના વ્યવસ્થાપનમાં સરકારે શું કામ દખલ કરવી જોઈએ? મંદિરોનું કામકાજ અને તેની સંભાળનો હક તેના ભક્તોનો છે તો સરકાર આટલાં બધાં મંદિરોનો કારભાર સંભાળવાનો દુરાગ્રહ કેમ રાખે છે? ઓરિસ્સાના પુરીના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં ભક્તોને સરકારી બાબુઓ દ્વારા થતી હેરાનગતિ વિષયક અરજીની સુનાવણીના જવાબમાં સુપ્રીમ કોર્ટના જજોની બેઠકમાં રહેલા જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ અબ્દુલ નાઝીરે આ સળગતો સવાલ પૂછીને એ ટકોર પણ કરી હતી કે ૨૦૧૪ માં તામિલનાડુના પંદરસો વર્ષ જૂના નટરાજ મંદિરના બધા જ પ્રકારના વ્યવસ્થાપનની જવાબદારી રાજ્ય સરકાર પાસેથી આંચકી લેવામાં હતી અને તે મંદિરના ટ્રસ્ટીઓ, ભક્તો અને મહંતને સોંપવામાં આવી હતી. સરકાર મંદિરોની જવાબદારી પરાણે લે છે તો એ જ મંદિરોમાં અમુલ્ય પ્રતિમાઓની ચોરી થાય છે, ત્યારે સરકાર જવાબદાર રહેતી નથી. આવું કેમ? સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેઠકે દુ:ખ સાથેના આશ્ર્ચર્ય સાથે સરકારને આ સવાલો કર્યા હતા. આ આખી ઘટનાનાં મૂળિયાં બહુ ઊંડાં છે અને લોકોની ધાર્મિક શ્રદ્ધાને રાજકારણ દ્વારા સંચાલિત કરવાનું કામ સરકારો દાયકાઓથી કરતી આવી છે તેના કારણે મામલો ગંભીર અને પેચીદો બની ગયો છે. આપણે બહુ જ સરળ ભાષામાં આ દુર્ઘટનાચક્રને સમજીએ.

મુંબઈથી આશરે બસો કિલોમીટર છેટે પુણે જિલ્લામાં અંબેગાંવ નામનું તાલુકા કક્ષાનું નાનું ગામ આવેલું છે. તે ગામડાની પોણા બે લાખની વસ્તીમાં એક શાંતાબાઈ કરીને મહારાષ્ટ્રીયન દાદીમા રહે છે જેનો દીકરો ગુજરાતમાં નોકરી કરે છે. શાંતાબાઈ રોજ સવારે ઊઠે છે, પૂજાપાઠ કરે છે, માળા ફેરવે છે અને રસોડાના સ્ટોરરૂમમાં છેક ઊંચે રાખેલી એક બંધ બરણીમાં દસ રૂપિયા નાખે છે. આખા વર્ષ દરમિયાન તેણી દરરોજ દસ રૂપિયા તે બરણીમાં નાખીને સાચવશે અને વર્ષના અંતે બહુ જ શ્રદ્ધાથી તેણી મુંબઈ આવશે. ગુજરાતમાં રહેતા પોતાના દીકરાની એકની એક નાની દીકરીને પણ ફોન કરીને રોજનો એક રૂપિયો સાચવવાના સંસ્કાર શાંતાબાઈએ આપ્યા છે. શાંતાબાઈએ પોતે ભેગા કરેલા ૩૬૫૦ રૂપિયા અને પોતાની પૌત્રીના ૩૬૫ રૂપિયા મુંબઈના એક બહુ મોટા મંદિરમાં પૂજા કરીને દાનપેટીમાં નાખશે. શાંતાબાઈ બિસ્માર રસ્તાઓ ઉપર હાલકડોલક થતી સરકારી બસમાં ઘરે પાછા જશે ત્યારે તેના ચહેરા ઉપર સ્મિત હશે, કારણ કે તેમને એમ છે કે તેમણે આખું વર્ષ મહેનત કરીને હિંદુ ધર્મ માટે અને પોતાને જ્યાં શ્રદ્ધા છે તે મંદિરની જાળવણી માટે યથાશક્તિ યોગદાન આપ્યું. વિધિની વક્રતા એ છે કે શાંતાબાઈ બહુ મોટા ભ્રમમાં જીવે છે. શક્ય છે તેના રૂપિયા થકી મદરેસા કે ચર્ચની કમ્પાઉન્ડ વોલ બનતી હોય અથવા તો તે રૂપિયાનો દુરૂપયોગ થતો હોય.

આવી દસ કરોડ શાંતાબાઈઓ ભારતમાં હશે જેના કરોડો પુત્રો-પુત્રીઓ આ પ્રકારની આંધળી માન્યતામાં જીવે છે, કારણ કે ભારતભરનાં મોટાભાગનાં મંદિરોમાં દાનપેટે આવતા રૂપિયાનું મેનેજમેન્ટ સરકાર કરે છે, મંદિર નહિ. ઉદાહરણ તરીકે, આંધ પ્રદેશમાં આવેલા બેતાલીસ હજાર મંદિરોમાં જેટલી રકમ આવે છે તેમાંથી બ્યાશી પ્રતિશત રકમ વ્યવસ્થાના બહાના હેઠળ સરકાર લઇ લે છે અને તેમાંથી ફક્ત અઢાર ટકા રકમ જ મંદિરો પાસે પાછી આવે છે. જગવિખ્યાત તિરુમાલા તિરુપતિ મંદિર વર્ષેદહાડે એકત્રીસો કરોડ જેટલી માતબર રકમ દાન પેટે મેળવે છે જેમાંથી પંચ્યાશી ટકા રકમ સ્ટેટ એક્સ્ચેકરને જાય છે. શ્રદ્ધાળુઓ તકલીફ વેઠીને પોતાના પરસેવાની કમાણીનો એક નિશ્ર્ચિત ભાગ પોતાના ભગવાન માટે રાખતા હોય છે; એ શ્રદ્ધા સાથે કે તે રૂપિયાને કારણે સનાતન ધર્મના દેવસ્થાનો ટકવામાં મદદ મળશે, પરંતુ એ રૂપિયા દાનપેટીમાંથી સીધા સરકારી તિજોરીઓમાં જાય છે. સૌથી મોટો વિરોધાભાસ એ છે કે આજ સુધીની બધી સરકારોએ મંદિરોનો વહીવટ રાજ્ય સરકારને સોંપવાની સત્તા આપી છે પરંતુ ચર્ચ અને મસ્જીદના કારભારમાં માથું મારવાનો વિચાર સુદ્ધાં નથી આવતો. આને આપણે બિનસાંપ્રદાયિકતા કહીશું?

મંદિરો અને પ્રશાસન વચ્ચે અનેક વખત સત્તાની સાઠમારી થઇ ચૂકી છે. ભૂતકાળમાં થયેલા આવા અગણિત કેસોમાં આ અઠવાડિયે થયેલો કેસ પણ નોંધાઈ જશે. થયું એવું કે સુપ્રીમ કોર્ટમાં કોઈએ પી.આઈ.એલ. (પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન) દાખલ કરી, કારણ કે ઓરિસ્સાના જગન્નાથ મંદિરમાં ભક્તોને ગેરવ્યવસ્થાનો ભોગ બનવું પડે છે, અપમાનિત થવું પડે છે અને અમુક ભક્તોને તો પ્રવેશ પણ મળતો નથી, કારણ કે તે મંદિરનો વહીવટ સરકારી બાબુઓને હસ્તક છે. સરકારે બચાવપક્ષમાં ઊતરીને એવો લુલ્લો બચાવ કર્યો કે મંદિરનું તંત્ર મંદિરની ચોખ્ખાઈ જાળવવામાં નિષ્ફળ ગયું છે માટે સરકારે હસ્તક્ષેપ કરવો પડે છે. ગોવર્ધન મઠના જગદગુરુ શંકરાચાર્ય શ્રી નિશ્ર્ચલાનંદ સરસ્વતી તરફથી આવેલા એડવોકેટ સૂચિત મોહંતીએ તો ત્યાં સુધી કહ્યું કે જયારે જયારે રાજ્ય સરકારે મંદિરોની આંતરિક બાબતમાં દખલગીરી કરી છે ત્યારે ઘણી વખત મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓમાં ધક્કામુક્કી અને નાસભાગના અઘટિત બનાવો બન્યા છે.

અટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે અપેક્ષ કોર્ટને કહ્યું કે કેરળનું સબરીમાલા મંદિર ત્રાવણકોર દેવાસ્વોમ બોર્ડ સંભાળે છે જેની નિયુક્તિ સરકારે કરી છે અને આ જ રીતે સરકાર દ્વારા ઘણાં ‘મંદિરો મેનેજ’ થઇ રહ્યાં છે. જગતની સૌથી મોટી બિનસાંપ્રદાયિક લોકશાહીના પાયા ઉપર આંગળી ચિંધાય તેવો સવાલ વેણુગોપાલે કર્યો કે બિનસાંપ્રદાયિક તંત્રમાં સરકાર કોઈ મંદિર સંભાળે તે ક્યાં સુધી વાજબી છે?’ કોર્ટમાં તો આ સવાલ કદાચ નિરુત્તર રહ્યો હશે, પરંતુ આ સવાલનો જવાબ એ થાય કે સરકાર મંદિરનું મેનેજમેન્ટ સંભાળે એ ફક્ત ગેરવાજબી જ નથી, પરંતુ ગેરકાયદેસર છે અને ગેરબંધારણીય પણ છે. મંદિરોનું મેનેજમેન્ટ સંભાળીને આ બધી સરકારો ખુદ ભારતના બંધારણનો અનાદર અને અપમાન કરે છે. કેમ? ભારતના બંધારણનું તેરમું પાનું ખોલો. (પાન ક્રમાંક માર્ક કરો. આ આંકડાને ઘણા ધાર્મિક લોકો અપશુકનિયાળ ગણે છે!) તેરમા પાનાં ઉપર ‘રાઈટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન’ નામનું હેડિંગ જોવા મળશે. જેની નીચે લખ્યું છે કે કોઈ પણ સંપ્રદાયને પોતાનું ધર્મસ્થાન બાંધવાનો અને ધરાવવાનો હક છે અને તેનો વહીવટ તેમણે ખુદે સંભાળવાનો થાય. અર્થાત્ પ્રશાસન એમાં હસ્તક્ષેપ કરી શકે નહિ. તો આટલાં વર્ષોથી સરકાર ભારતભરનાં લાખો મંદિરોમાં દખલગીરી કરે છે તેની સામે આજ સુધી અવાજ કેમ નથી ઊઠ્યો?

આ બધું અંધેરતંત્ર શરૂ થયું બ્રિટિશરાજના સમયથી. મદ્રાસ હિંદુ રિલિજિયસ એન્ડોવમેન્ટ એક્ટ-૧૯૨૩માં પસાર થયો જે આઝાદી પછી હિંદુ રિલિજિયસ એન્ડ ચેરીટેબલ એન્ડોવમેન્ટ એક્ટ-૧૯૫૯ના નામે ઓળખાતો થયો. આ નવા ‘કાયદા’ અનુસાર જે તે રાજ્યની સરકારને છૂટ મળે છે કે તે રાજ્યમાં આવેલા કોઈ પણ મંદિરનો વહીવટ ખુદ સંભાળે. કર્ણાટક જેવા રાજ્યમાં તો સ્થિતિ ઔર ગંભીર છે, કારણ કે ૧૯૯૭માં તે સરકારે એક નવો ધારો પસાર કર્યો જે મુજબ મંદિરમાં પુજારીની નિમણૂક કરવાથી લઈને મહંત અને પુજારીને પગાર આપવા સુધીની સત્તા મંદિર પાસે નથી રહેતી. સરકારે કર્ણાટકનાં મંદિરોના પુજારીઓને સાવ મામૂલી પગાર આપવાનું ઠેરવ્યું. જે મંદિરોને પુજારીઓનાં કુટુંબો છ-સાત પેઢીથી પૂરી સમર્પણભાવનાથી સંભાળતા આવતા હોય તેવા પુજારીઓની સ્થિતિ સરકારે ચપરાસી કરતા પણ નબળી કરી નાખી. આનું પરિણામ એ આવ્યું કે કર્ણાટકમાં ૧૯૯૭માં બે લાખ ચોસઠ હજાર મંદિરો હતાં તો ૨૦૦૨માં તેમાંથી ઘટીને અઢી લાખ મંદિરો જ વચ્યાં. આખા દેશમાં મંદિરોની સંખ્યા વધી રહી છે તો આ રાજ્યમાં કેમ ઘટી? કારણ કે કર્ણાટકની સરકારને મંદિરો પાસેથી બોતેર કરોડ રૂપિયા મળે તો તેમાંથી માત્ર દસ કરોડ રૂપિયા જ મંદિરોને પરત મળે છે. મંદિરો પાસે નિભાવખર્ચ જ ન બચે તો તેની જાળવણીના અભાવે મંદિરો બંધ કરી દેવા પડે છે. શું આ સ્થિતિ યોગ્ય છે?

પુરીના જગન્નાથ મંદિરમાં જ ગયા ઓક્ટોબરમાં ભક્તોની લાઈન બાબતે માથાકૂટ થઇ હતી અને હિંસક બનાવો બન્યા હતા તો પાંચ પોલીસમેનને સસ્પેન્ડ કરવા પડ્યા હતા અને હિંસા સાથે સંકળાયેલા બીજા અઢાર લોકોની ધરપકડ કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટે ત્યારે જ કહેલું કે પોલીસને મંદિરમાં બંદૂક જેવાં હથિયારો કે બૂટ પહેરીને જવાની પરવાનગી નથી. આ વાતનો અર્થ એ થયો કે પ્રશાસન દ્વારા પ્રજાની આસ્થાના પ્રતીક સમાન મંદિરોમાં કેવું વર્તન થતું હશે. પરંતુ તેની પહેલા કેવી કેવી દુર્ઘટનાઓ ઘટી ગઈ છે જે બહુ ધ્યાનમાં આવી નથી. જેમ કે, આંધ્ર સરકારે ગોલ્ફ કોર્સ બનાવવા માટે દસ મંદિરોને તોડવાની છૂટ આપી હતી. આ મુદ્દો વિદેશના લેખક સ્ટીફન નેપ તેના પુસ્તકમાં નોંધે છે. તેમણે બરાબર સવાલ કર્યો કે માની લો કે દસ મંદિરોને બદલે દસ મસ્જિદો તૂટી હોત તો?

કર્ણાટકમાં આવેલાં કુલ મંદિરોમાંથી પચીસ ટકા એટલે કે પચાસ હજાર મંદિરો બંધ થઇ જવાની આશંકા છે કારણ કે તે મંદિરો પાસે ફંડ જ નથી. સરકાર પાસેથી મદદની વાત દુર રહી જે રૂપિયા મંદિરોના પોતાના હકના છે તે પણ પાછા નથી આવતા. સ્ટીફન નેપનો એક બીજો આરોપ એ પણ છે કે કેરળમાં ગુરુવયુર મંદિરનું ફંડિંગ બીજા કામ માટે વપરાય છે અને નવા પિસ્તાલીસ મંદિરોના બાંધકામની છૂટ નથી અપાતી. અયપ્પા મંદિરની જમીન બીજા લોકોએ પોતાના કબજામાં લઇ લીધી અને સબરીમાલા મંદિર નજીક આવેલા જંગલના હજારો એકર ઉપર ચર્ચ કબજો જમાવી રહ્યું છે. કર્ણાટકના માજી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કાલડકના કોલુર મુકામ્બિકા મંદિરને બે હજાર ગરીબ બાળકોને રોજીંદા ભોજન વિતરણના સેવાકાર્ય ઉપર રોક લગાવી દીધી. એ જ રાજ્યમાં આરટીઆઈ ફાઈલ થઇ હતી જેના જવાબમાં ખબર પડી એક મંદિરોમાંથી સરકારે આંચકી લીધેલું નેવું ટકા ફંડ મંદિરો માટે વપરાતું નથી. બની શકે તે ફંડથી બીજા ધર્મના સ્થાનકોને ફાયદો થતો હોય.

સૌથી વધુ ચોંકાવનારો કિસ્સો તો તિરુપતિ મંદિરમાં બન્યો. તે મંદિરમાં રહેલા હજારો એન્ટીક દાગીનાઓ અને બીજી મહત્ત્વની વસ્તુઓની ચોરી થઇ ગઈ. આ કીમતી ઘરેણાઓ લોકરમાંથી ચોરાયા. આ મંદિરનો વહીવટ સરકાર પાસે હતો. એવું કહેવાય છે કે તે એન્ટીક વસ્તુઓ વિદેશમાં અબજો રૂપિયાના ભાવે વેચાણી. આંધ્ર પ્રદેશના બે વખત મુખ્યમંત્રી તરીકે રહી ચૂકેલા વાયએસઆરના ટૂંકાક્ષરી નામે ઓળખાતા સેમ્યુઅલ રાજશેખર રેડ્ડીએ માર્ચ ૨૦૦૬ માં તિરૂમાલાના સંકુલમાં આવતા એક હજાર પ્રાચીન સ્થંભોનો ધ્વંશ કરી નાખેલો. તે મંદિરના પુજારીઓએ આક્ષેપ કર્યો હતો કે તે જ સરકારે મસ્જિદ અને ચર્ચના રીનોવેશન માટે સાડા સાત કરોડ આપ્યા હતા.

કલંકિત ભૂતકાળ અને રાજકારણની ગંદકીનાં ઉદાહરણો અને વાતોનો અંત નહિ આવે. ભારતમાં હજારો વર્ષો જૂના મંદિરો છે. જેની કિંમત રૂપિયામાં ન ગણી શકાય. મંદિર કે કોઈ પણ ધર્મસ્થળ જે તે ધર્મના લોકોની શ્રદ્ધાનું પ્રતીક છે અને તે શ્રદ્ધા ઉપર જ ચાલતું હોય છે. તેમાં સરકારનો કે જે તે ધર્મની બહાર રહેલી ઓથોરિટીનો હસ્તક્ષેપ યોગ્ય ન ગણાય. ભારતનું બંધારણ એવું કરવાની પરવાનગી નથી આપતો. ભારત બિનસાંપ્રદાયિક સ્વતંત્ર દેશ છે. પ્રતીક પાસેથી રૂપિયા લઈને પરવેઝ કે પીટરને આપવા તે બિનસાંપ્રદાયિકતા કે માનવતા નથી. એ જ રીતે પીટરના રૂપિયા પણ આ પદ્ધતિથી પ્રતીક પાસે ન જવા જોઈએ. દરેક ધર્મસ્થાનનો વહીવટ એ જે તે ધર્મના શ્રદ્ધાળુઓની આંતરિક બાબત છે. વ્યવસ્થાના નામે બિનસાંપ્રદાયિકતાના નેજા હેઠળ દંભી બિનસાંપ્રદાયિકતાનું રાજ વધતું જાય છે જે હિંદુ કે કોઈ પણ ધર્મ પાળતા નાગરિકો માટે નુકસાનકારક છે. નાગરિકોને નુકસાન થાય એ છેવટે દેશને નુકસાન થાય જ. કોઈ એક જ ધર્મની અંગત બાબતોમાં સરકાર માથું મારે અને બીજા ધર્મમાં માથું ન મારે તે બિનસાંપ્રદાયિકતા ન કહેવાય પણ તેને તુષ્ટિકરણની વિકૃત પ્રવૃત્તિ કહેવાય. જેની સામે બધા નાગરિકોએ એક થઈને અવાજ ઉઠાવવાનો હોય. શાંતાબાઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ એ બહુ મોટું પાપ ગણાશે એ સરકારે અને બધા જ ધર્મના નાગરિકો તથા સરકારી બાબુઓએ આજીવન યાદ રાખવું પડશે.

જો કે અપવાદો પણ ઘણા છે જેમ કે જામનગરનાં મંદિરો જામ ધર્માદા ટ્રસ્ટ જ સંભાળે છે અને સરકાર તેમાં ઘોંચપરોણા કરી શકી નથી. વિરપુરના વિખ્યાત જલારામ મંદિરમાં તો દાન સ્વીકારવામાં આવતું જ નથી એટલે ત્યાં આવતા રૂપિયાની જાળવણીનો સવાલ નથી. પરંતુ આવા અપવાદો ઓછા હોય છે. ભારતભરમાં પચીસ લાખ કરતાં વધુ મંદિરો હશે. જેની સાથે કરોડો લોકોની ભાવના જોડાયેલી છે.

બીજી વાત, ધાર્મિક આસ્થા અંગત બાબત છે પણ એક હકીકત છે કે મંદિર એ ફક્ત પૂજા કરવા માટેનું સ્થાનક નથી બલકે હજારો વર્ષ જૂની સંસ્કૃતિ, જ્ઞાન અને સંપત્તિનું એક પવિત્ર પ્રતીક છે. કોઈ એક મોટું મંદિર બીજા સેંકડો લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી આપતું હોય છે. કપૂરની ગોળીથી લઈને ફૂલોની હારમાળા સુધી બધા ધંધાર્થીઓના ઘર આવાં મંદિરોને કારણે ચાલતાં હોય છે. મંદિર એ દેશના વિકાસની પારાશીશી નહિ હોય પણ મંદિરની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કૃત્ય દેશના અધ:પતનની નિશાની જરૂર છે.

આ અઠવાડિએ સુપ્રીમ કોર્ટે સરકારને જે સવાલ પૂછ્યો તે એક હકારાત્મક પગલું છે. આપણને આશાનું એક કિરણ મળ્યું કે મંદિરોને સ્વતંત્રતા મળશે અને તેનું ‘રાષ્ટ્રીયકરણ’ બંધ થશે. જો કે મંદિરોને સાવ છૂટોદોર મળે તો તેમાં પણ ગેરરીતિઓ કે અન્યાય થવાની સંભાવના ખરી પણ તેનું પ્રમાણ ઓછું હોય છે. જરૂરી કાયદાની લગામ તો તેની ઉપર હસ્તક્ષેપ કર્યા વિના લગાવી જ શકાય. બાય ધ વે, એક વેબસાઈટ ઉપર એક વ્યક્તિએ એવી ટીખળ કરી છે કે મંદિરનું સંચાલન સરકાર કે મંદિરને સોંપવા કરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત્ રોબોટને સોંપી દેવું જોઈએ. તે અન્યાય નહિ થવા દે. પ્રજાનો દરેક ઓથોરિટી ઉપરથી વિશ્વાસ ઊઠી જાય તે પહેલા નક્કર પગલા લેવાં જરૂરી છે તેવું નથી લાગતું?

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

23wx81
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com