Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઐસી દિવાનગી દેખી નહીં કહીં..
એક જનૂનને કારણે જન્મ થયો મૂસા મહેલનો. લૅબેનોનમાં આવેલો આ મહેલ એક વ્યક્તિએ પોતે એકલા હાથે ઊભો કર્યો અને રચી દીધો એક ઈતિહાસ

પ્રાસંગિક-દર્શના વિસરીયાપેલા શાહરુખ ખાનની ફિલ્મનો ડાયલૉગ તો સાંભળ્યો જ હશે ને કે ‘કિસી ચીઝ કો દિલ સે ચાહો તો પૂરી કાયનાત તુમ્હે ઉસસે મિલાને કી કોશિશ મેં લગ

જાતી હૈ...’

આ ડાયલૉગને વાસ્તવિક જીવનમાં ઉતારનાર કેટલા? કદાચ ગણતાં ગણતાં આંગળીના ટેરવા પણ વધી પડે, નહીં? પણ લૅબેનોનની એક વ્યક્તિએ આ ડાયલૉગને ફિલ્મ રિલીઝ થયા પહેલાં જ એટલે કે 18મી સદીમાં જ જીવનમાં ઉતારી લીધો હતો અને એટલું જ નહીં પણ તેણે એકલપંડે જ એક આખો મહેલ ઊભો કરી દીધો હતો. અહીં વાત થઈ રહી છે લૅબેનોનના પ્રસિદ્ધ બતદ્દાઈન મહેલની કે જે ત્યાંના જ શાસક અમીર બશીર શિહાબ દ્વિતીયની યાદમાં બનાવવામાં આવ્યો હતો.

જ્યારે આ મહેલ બનીને તૈયાર થઈ ગયો ત્યારે આ મહેલ બનાવનારા કારીગરોના કાંડા કાપી નાખવામાં આવ્યા જેથી દુનિયામાં આવો બીજો સુંદર મહેલ ના બંધાય. પણ દેખભાળ અને સાર-સંભાળને અભાવે જ્યારેે મહેલની હાલત કથળવા લાગી ત્યારે 1950માં આ મહેલનું સમારકામ હાથ ધરવામાં આવ્યું અને આ સમારકામ કરનારાઓમાંથી જ એક હતો મૂસા મામરી નામનો યુવક. આ મહેલનું સમારકામ કરતાં કરતાં જ મૂસાએ મહેલની જ બાજુમાં જ આવેલી ખાલી જમીનની જાણ થઈ અને તેણે 1962માં પોતાના મહેલનો પાયો નાખી દીધો.

જોકે આ મહેલ બનાવવાનું મૂસાનું સપનું એ આજકાલનું નહીં પણ તેના બાળપણનું હતું. બાળપણથી જ તે મહેલ બનાવવાના સપના જોતો અને ઘણી વખત તો તે ક્લાસરૂમમાં જ તેના ભવિષ્યના મહેલનાં ચિત્રો પણ દોરતો. આને કારણે ઘણી વખત તેણે શિક્ષકોનો માર ખાવાનો વારો પણ આવ્યો. પણ મહેલનું સમારકામ કરતાં કરતાં અને ખાલી પડેલી જમીન જોઈને જુવાનીમાં ફરી બાળપણનું સપનું તાજું થઈ ઊઠ્યું અને મૂસાએ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું.

મહેલના નક્શાથી લઈને ઈંટ બનાવવી અને તેના નક્શીકામ કરવાનું બધું જ કામ ખુદ મૂસાએ કર્યું છે. આ મહેલની એક એક ઈંટને મૂસાએ ખરા અર્થમાં પોતાના લોહી-પસીનાથી સિંચીને મૂકી હતી.

આ મહેલની સાથે સાથે આ મહેલની નેમપ્લેટ પણ એકદમ અલગ છે, કારણ કે આ નેમ પ્લેટ પર મૂસાએ લખ્યું છે કે ‘હું અહીં યુવાન અંદર આવ્યો હતો અને એક વૃદ્ધ થઈને બહાર નીકળી રહ્યો છું.’

આ નેમ પ્લેટ પરથી જ ખ્યાલ આવી જાય છે કે આ મહેલના નિર્માણમાં જ મૂસાએ પોતાની જિંદગી ખર્ચી નાખી હતી.

મૂસાના પરિવારજનો આ મહેલ અને મૂસા વિશે વાત કરતાં જણાવે છે કે મૂસાને જ્યારે શિક્ષકે તેના બાલિશ સપનાને ધૂત્કારી નાખ્યું ત્યારે મૂસાએ નક્કી કરી લીધું કે તેઓ એક દિવસ મહેલ બનાવશે જ અને તેણે મહેલમાં જ મૂસાએ ચાહીને એક નાનકડો દરવાજો બનાવ્યો છે, જેથી જો અચાનક કોઈ દિવસે તેને મારનાર શિક્ષક મહેલ જોવા આવે તો તેમણે ઝૂકીને દાખલ થવું પડે અને મૂસાના અપમાનનો બદલો પૂરો થઈ જાય. આ ઉપરાંત મૂસાએ તેમના જીવનમાં બનેલી અને લૅબેનોનની સંસ્કૃતિ દર્શાવતી કેટલી ઘટનાઓને પણ આ મહેલમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

જોકે આ મહેલના નિર્માણ પાછળ એક બીજી સ્ટોરી એવી પણ છે કે 14 વર્ષની ઉંમરે મૂસા એક કિશોરીના પ્રેમમાં પડ્યો, પણ કિશોરી ધનવાન પરિવારની હતી એટલે તેણે મૂસાને કહ્યું કે જે દિવસે તે મહેલ બનાવી લેશે એ જ દિવસે તે તેની સાથે વાત કરશે. મૂસાએ મહેલ બનાવવાની શરૂઆત કરી અને વર્ષો બાદ 1969માં આ મહેલ જાહેરજનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે પણ સેંકડો પર્યટકો આ મહેલની મુલાકાત લેવા આવે છે.

બંનેમાંથી જે પણ સ્ટોરી સાચી હોય એ, પણ એકલા હાથે મહેલ ઊભો કરવાની વાત જ કેટલી રોમાંચક છે નહીં. મૂસાની પત્ની મારિયાને પણ તેના પતિના આ સાહસ માટે ગર્વ છે કે તેણે બનાવેલા મહેલની ચર્ચા આખી દુનિયા કરી રહી છે. મૂસાભાઈનું આ સાહસ જોઈને તો ‘દિવાના’ ફિલ્મનું ગીત ‘ઐસી દિવાનગી, દેખી નહીં કહીં....’ જ યાદ આવી ગયું બોલો!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

321n2O
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com