Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
વાસંતી પવનનો સ્પર્શ કળીઓનાં સપનાંને રમણે ચડાવે છે
વસંતનું આગમન શીતકાલનાં ર્જીણવસ્ત્રોનો ત્યાગ કરી નવા યૌવનમાં વસ્ત્રો ધારણ કરવાનું આમંત્રણ આપી રહ્યું છે. મધુર સપનાં ત્યારે જ આવે કે જ્યારે મિલનનું વાતાવરણ ચારેપાસ પથરાયેલું હોય- વસંત માનવીને પણ આવી મિલનભૂમિકાનું નિમંત્રણ આપી રહી છે

કવિતાની કેડીએ-નલિની માડગાંવકરમૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશી પોતાની ઋતુઓની ચાહનાને આ ગીત રચનામાં ઉંમગભેર પ્રગટ કરે છે. એમની રચનાઓમાં પ્રતિબિંબ થતો પ્રકૃતિ વૈભવ માણવા જાણે પ્રવેશદ્વાર જેવી બે પંક્તિઓ

સર્જી છે;

"વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી;

પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ!

‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાસભર આવો છે. એમનો ‘મંગળ શબ્દ’ તોય ‘ભોમિયા વિના’ કવિ આ પ્રકૃતિની સમૃદ્ધિને ઓળખી શક્યા છે.

બાળક જન્મથી જ માતા-પિતાનું ઋણી છે. મોટું થઈ એ જગતને ઓળખતું થાય એની સાથે એ પોતાના શબ્દોનું પણ ઋણી બની જાય છે. પછી સમગ્ર જીવનમાં એ શબ્દોના રહસ્યને પામી એ પોતાના ઋણને ફેડવાનો પ્રયત્ન કરે છે. કવિ પોતાની રચનાઓથી આ ઋણને ફેડવાનો પ્રયત્ન કરે છે. આ કવિતા પણ ‘બારણે ટકોરા’ મારતી આનંદભેર આપણે આંગણે ઋતુક્રીડા કરતી હોય છે.

દરેક વ્યક્તિની આસપાસ આ આનંદઋતુ પણ ‘પંચમ બોલ’ના ટહુકા કરતી હોય છે. પાંચનો આંક પંચેન્દ્રિયથી માંડીને પંચામૃત સુધી શુભ- મંગલ ગણાય છે. સંગીતની પરિભાષામાં ‘પ’ સ્વરનું કાર્ય અનંત છે. એ તો પૂર્ણરૂપે વિરાજમાન છે. પંચમ એ સૌન્દર્યમંત્ર છે. વસંતના આગમનની એંધાણી છે.

‘પંચમી આવી વસંતની’ આ ગીત લોકપ્રિય છે. સૂરની મસ્તીમાં રાચતી કવિતા છે. આ ગીતની નિકટ જતાં પણ વસંતનાં શૃંગાર સજીને જવું પડે છે. એ વસંતના શૃંગાર એટલે ચેતનાના શૃંગાર. કોકિલ અર્થાત્ કોયલનો મધુર ટહુકો પંચમ સૂરના માધુર્યને વહાવનારો છે. માણસની ગરિમા હોય કે ઈશ્ર્વરની ચમત્કૃતિ હોય કે પ્રકૃતિનું રમ્ય- ભવ્ય ગાન હોય: કવિ માત્રનો પંચમસૂર એ પ્રિયસૂર છે.

આ સૂરને જ સુમધુર રૂપે, આધુનિક વિજ્ઞાન યુગની સ્પર્ધા વચ્ચે પણ સાચવીને આગલી પેઢીના સર્જક હૃદય સુધી પહોંચાડ્યો છે.

સુપ્તને પણ જગાડે એવું આ ગીત છે. કવિ અને કોકિલ વચ્ચેની આ સેતુલીલા છે. સુપ્ત હૃદયને શબ્દોથી ચેતનવંતુ બનાવે છે. વસંતનો બોલ લતા પર જન્મેલી કળીઓને ઉઘાડે છે.

જાણે કે વાસંતી પવનનો સ્પર્શ કળીઓનાં સપનાંને રમણે ચડાવે છે. કળીનું પરિવર્તન ફૂલમાં થાય છે. જાણે કે કિશોરાવસ્થા યૌવનનું રૂપ ધારણ કરી વિકસિત થાય છે. કોયલ હોય એટલે આમ્રમંજરીથી ભાષા પણ પોતાનો વૈભવ પાથરતી જણાય છે. આસપાસ અર્થાત્ આમ્રમંજરીની આસપાસ મદમસ્ત બનીને ગુંજારવ કરતા ભ્રમરની ભાષા મંજરી જ જાણી શકે છે. પોતાના પ્રિય ભ્રમર માટે રસની કટોરીઓ અર્થાત્ મધુરસની કટોરીઓ આંબે આંબે તૈયાર કરી છે.

ચેતના ધ્વનિપ્રિય છે, કર્મપ્રિય છે. એ હૃદયનાં દ્વાર બંધ રાખવા નથી દેતી. ઉદારતા એ ચેતનાનાં ભીતરી સૂરો છે. એને ઘૂંટી ઘૂંટીને મધુર બનાવે છે. જ્યારે મનગમતા અતિથિનું આગમન થાય ત્યારે હૈયું એના પર ઓવારી જાય છે.

ઓવારણાં લેતી નારી પ્રતિમા કોનાથી અજાણી છે, જાણે આંગળીના ફૂૂટતા ટાચકાથી એ પ્રિય આગંતુકની વેદનાને ખંખેરી નાખે છે. કવિ અહીં પ્રેમ કે આનંદ શબ્દ નથી વાપરતા પણ ‘હેત’ શબ્દ પ્રયોજે છે. આ હેત શબ્દ જ સ્નેહનાં ઓવારણાં જેવો છે. ગીતની અંતિમ પંક્તિ જાણે શિરમોર જેવી છે. સૃષ્ટિનો હિંડોળો તો અવિરત ગતિમાન છે. વસંતના ઓવરાણા માનવસૃષ્ટિ લે છે. હિંડોળો ઝૂલતો હોય ત્યારે એનું સૌન્દર્ય અનેરું હોય છે અને એના પર બેઠેલા પ્રિયજન હોય તો પછી પૂછવું શું?

માનવ અને પ્રકૃતિ વચ્ચેનું આ સાયુજ્ય છે. કોયલને પંચમ સૂરે ટહુકવાનું નિમંત્રણ માનવ આપી રહ્યા છે. દક્ષિણના વાયરા પણ ‘મલય સમીર’ જેવા ચેતનવંતા છે. એ યુવતીની લટો સાથે અડપલાં કરે છે. સમગ્ર ગીતમાં માનવ અને પ્રકૃતિ એવાં એક થઈ ગયા છે કે સૂરોની સજાવટ પણ જાણે એની સાથે સ્પર્ધા કરતી આગળ આવે છે. આમ માનવ, પ્રકૃતિ અને માનવ રચિત સૂરોનો ત્રિવેણી સંગમ આ ગીતમાં રચાયો છે.

વસંતનું આગમન શીતકાલના ર્જીણવસ્ત્રોનો ત્યાગ કરી નવાં યૌવનમાં વસ્ત્રો ધારણ કરવાનું આમંત્રણ આપી રહ્યું છે. મધુર સપનાં ત્યારે જ આવે કે જ્યારે મિલનનું વાતાવરણ ચારેપાસ પથરાયેલું હોય- વસંત માનવીને પણ આવી મિલનભૂમિકાનું નિમંત્રણ આપી રહી છે. સમગ્ર ગીત કેન્દ્રએ બિંદુઓથી જ્યારે આનંદ ફેલાવી રહે ત્યારે આવું નાનકડું ગીત પણ પ્રકૃતિની વિરાટ પ્રતિમા સર્જતું હોય અને આપણા હૃદયમાં પણ વામનરૂપ લઈને વિરાજમાન થતું હોય છે.

-----------------------------------------------

પંચમી આવી વસંતની

કોકિલ, પંચમ બોલ બોલો

કે પંચમી આવી વસંતની,

દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં!

ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,

લાગ્યો જ્યાં એક વાયુઝોલો-

કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો

કે પંચમી આવી વસંતની,

આંબે આંબે હસે રસની કટોરીઓ,

ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ,

આછો મકરંદ મંદ ઢોળો

કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો

કે પંચમી આવી વસંતની,

ચેતના આ આવી ખખડાવે છે બારણાં,

હેતે વધાવી એને લો રે ઓવારણાં

ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો!

કે પંચમી આવી વસંતની.

- ઉમાશંકર જોશી

આવતા કેટલાય દાયકાઓ સુધી આ ગીત ફક્ત સહૃદયના મનમાં જ નહીં; સંગીતપ્રેમીઓના હૃદયમાં ચિરંજીવ સ્થાન લેનારું બનશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

F530g14
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com