Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
                
ઘર કબ આઓગે
22 વર્ષ અગાઉ કચ્છ સીમાડે ગાયબ થઈ ગયેલા યુવા કૅપ્ટનને શોધવા હવે સોશિયલ મીડિયા પર

પ્રફુલ શાહ



રાહ, પ્રતીક્ષા, ઈંતેજાર, વેઈટિંગ ક્યાં સુધી? કેટલાં વરસ? અને શા માટે? બાવીસ-બાવીસ વરસથી ભટ્ટાચાર્ય પરિવારને આ દઝાડતા સવાલોના શાતાદાયી જવાબ મળ્યા નથી. આ પરિવાર માગે છે શું? પોતાનો પુત્ર જે તેમણે રાષ્ટ્રને અર્પણ કર્યો હતો અને વળતરમાં દેશ-સરકારોએ શું આપ્યું?

આ અનંત યાતના-યાત્રાની શરૂઆત થઈ ગુજરાતના કચ્છમાં. 1997ની 20મી એપ્રિલે પાકિસ્તાનને અડીને કચ્છના રણમાં આવેલી સરહદ પર ગોરખા રેજિમેન્ટનું રૂટિન આર્મી પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. એ પેટ્રોલિંગમાંથી યુવાન કૅપ્ટન સંજીત ભટ્ટાચાર્ય અને સિપાહી રામ બહાદુર પાછા ન ફર્યા.

એ બન્નેને છેલ્લે જોનારા સાક્ષીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાની લશ્કર બંન્નેને પકડીને લઈ ગયા હતા. શું કામ? કેમ? ક્યાં? સત્તાવારપણે આ પ્રશ્ર્નો અનુત્તર દશામાં લટકી રહ્યા છે. વ્યથિત પરિવારને સંરક્ષણ સૂત્રો તરફથી બિન-સત્તાવાર માહિતી મળી કે પાકિસ્તાનના 303 ઈન્ટેલિજન્સ બ્યુરોના મેજર ખિયામી અને ફિલ્ડ ઈન્ટેલિજન્સ યુનિટના કૅપ્ટન ઉમર કૅપ્ટન ભટ્ટાચાર્યને પૂછપરછ માટે 1997ની 28મી એપ્રિલે કરાચી કે હૈદરાબાદ લઈ ગયા હતા. આટલી માહિતીય કુટુંબ માટે મોટી આશા બની રહી કે અમારો દીકરો જીવતો છે ખરો.

ભારત સરકારે પાકિસ્તાનનો સત્તાવારપણે સંપર્ક સાધીને કૅપ્ટન સંજીત ભટ્ટાચાર્ય વિશે વાતચીત કરી પણ અપેક્ષા મુજબ પાકિસ્તાને નફફટાઈથી વાત ઉડાડી દીધી કે અમે તમારા આવા કોઈ અધિકારીને અટકમાં લીધા જ નથી. આમેય યુદ્ધ માટેના આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનો પાકિસ્તાને ક્યારે અમલ કર્યો છે?

ત્યાર પછી દિલ્હીમાં આવેલી વિવિધ સરકારોએ કઈ ન કર્યું, કે કરી ન શકી. ભટ્ટાચાર્ય પરિવારમાં પિતા બિમલકુમાર અને માતા કમલાજી અને બહેન સુસ્મિતા (હવે બેનર્જી) કાળજા પર ઍવરેસ્ટ મૂકીને બેસી રહ્યાં. આંસુ સુકાય નહિ, હિબકા બંધ ન થાય, પણ બે દેશ વચ્ચેના લશ્કરી મામલામાં સામાન્ય વ્યક્તિ કરી શું શકે? ત્યાર બાદ આ કુટુંબે ઘણાં પ્રયાસો કર્યા, સરકાર તરફથી અસહકાર, આંચકા અને આઘાત સિવાય કંઈ ન મળ્યું.

હવે કૅપ્ટન સંજીત ભટ્ટાચાર્યના મામલામાં નવો ઘટનાક્રમ સળવળાટ કરી રહ્યો છે. ભૂતપૂર્વ મેજર પોલ દેવાસીએ સોશ્યલ મીડિયા પર એક ઝુંબેશ હાથ ધરી છે. લયભિંફાફિંશક્ષતફક્ષષયયબિંફભસવજ્ઞળય -ટ્વિટર થકી તેમણે સુષ્મા સ્વરાજ (ઉયરયક્ષભયખશક્ષઈંક્ષમશફજીતવળફજૂફફિષ) એન. સીતારામન (ક્ષતશવિંફફિળફક્ષક્ષતશવિંફફિળફક્ષજ્ઞરરભ) ઉપરાંત તાજ્ઞસયતાયતિજ્ઞક્ષખઘઉ,ફમલાશ,ઙખઘઈંક્ષમશફ સુધી આ કેસ

પહોંચાડ્યો છે.

નિવૃત્ત મેજર દેવાસી ખૂબ વ્યથિત છે. તેઓ કૅપ્ટન ભટ્ટાચાર્યના સાથીદાર હતા. તાજેતરમાં એક વૅબસાઈટને તેમણે જણાવ્યું કે, મેં એક મિત્ર અને સાથીને ગુમાવ્યાને 22 વર્ષ થઈ ગયા છે. મારો દોસ્ત એકદમ સીધો, સરળ લશ્કરી માણસ હતો કે જે ઉચ્ચ તાલીમ અને કૌશલ-કરતબ ધરાવતો હતો. આજેય એના વિશે વિચારે ચડી જાઉં તો હું ઊંઘી શકતો નથી. આ કેસમાં હવે સચ્ચાઈ બહાર આવવી જ જોઈએ. કંઈ જ ન થવાથી હું કંટાળી ગયો છું. એટલે કૅપ્ટન ભટ્ટાચાર્યની બહેન સુસ્મિતા અને થોડા મિત્રો સાથે ચર્ચા કરીને મેં સોશ્યલ મીડિયાની શક્તિનો ઉપયોગ કરવાનું વિચાર્યું છે. અમારી માત્ર એક જ માગણી છે: કૅપ્ટન સંજિતને પાછા લાવો.

સુસ્મિતા બેનર્જીએ સાતમી ફેબ્રુઆરીએ ટ્વિટ કર્યું છે: હું ઝંપીને બેસવાની નથી. મારા આખરી શ્ર્વાસ સુધી લડીશ. એક ભાઈને, દીકરાને ખોઈ બેસવો એ કંઈ આસાન નથી. હું સરકારને પૂછવા માગું છું કે રેડિયો ટ્રાન્સસ્ક્રીપ્ટને પુરાવો કેમ ન ગણાયો? મારા ભાઈના કેસમાં હું ક્યારેય ચૂપ કે શાંત નહોતી, ખૂબ બોલતી હતી. શા માટે મારો અવાજ ન સંભળાયો? ઑફિસરને પાછો મેળવવા અમારે સોશ્યલ મીડિયાની મદદ કેમ લેવી પડે છે? દેશ અને પ્રજાને બચાવવા એ માત્ર લશ્કરવાળાની જ ફરજ છે? એમાં આપણી કોઈ ભૂમિકા નથી? એ લોકો આપણા દેશનો ભાગ નથી? લયભિંફાફિંશક્ષતફક્ષષયયબિંફભસવજ્ઞળય

આ વખતે કૅપ્ટન સંજીત ભટ્ટાચાર્યની શોધ વધુ ઉગ્ર બનાવવાની નેમ છે. પાંચેક વર્ષ અગાઉ એકાદ હજાર પરિવારજનો, મિત્રો અને સામાજિક કાર્યકરોએ મળીને આ કેસ ફરીથી ખોલવા માટે ભવફક્ષલય.જ્ઞલિ પર પિટિશન કરી હતી, પરિણામ શૂન્ય.

પાંચ ફૂટ છ ઈંચ ઊંચા, માર્શલ આર્ટ્સની બધી શાખામાં માહેર અને માસ્ટર નેવીગેટર જેવા કૅપ્ટન કચ્છના રણમાં એકદમ ઓગળી તો ન જાય ને? સરકાર કોઈ પણ પક્ષની હોય, તે પોતાના લશ્કરી જવાનોનું કેટલું ધ્યાન રાખે છે, એનું વધુ એક શરમનાક ઉદાહરણ છે આ કેસ. હજી તો 1992ના ઑગસ્ટમાં 7/8 ગોરખા રેજિમેન્ટમાં જોડાયા અને 1997 19મી/20મી રાતે કચ્છના રણમાં પેટ્રોલિંગ કરતી વખતે કૅપ્ટન સંજીત જીવતાજાગતા માણસમાંથી મિસિંગ કેસ બની ગયા. આજેય એવું માનનારા અનેક છે કે કેપ્ટન ભટ્ટાચાર્યને પાકિસ્તાને ગેરકાયદે યુદ્ધ-કેદી બનાવીને કોઈક કાળકોટડીમાં પૂરી રાખ્યા છે. એમના પર શું વીતતું હશે એની કલ્પના જ કમકમાટી ઊપજાવી દે છે.

આવા હોનહાર દેશપ્રેમીને પાછા લાવવાને બદલે ભારત સરકારે એક પગલું ભર્યું; કૅપ્ટનને મૃત ઘોષિત કરી દીધા! 2002માં આ શરમનાક જાહેરાત અગાઉ 2001ની 27મી ફેબ્રુઆરીએ આર્મી હેડક્વાર્ટરમાંથી ભટ્ટાચાર્ય પરિવારને એક પત્ર મળ્યો: ‘આપને આ સાથે વિનંતી કરવામાં આવે છે કે કૅપ્ટન સંજીત ભટ્ટાચાર્ય 1997ની 20મી એપ્રિલથી મૃત સમજી લેવા બાબતે આપની લેખિત સંમતિ આપશોજી. જો હજી પણ આ પગલાંનું સમર્થન ન કરતા હો તો તેમને મૃત ન ધારી લેવાના આપનાં કારણો જણાવશોજી.’

નિંભર સરકાર અને અમલદારશાહીને તો લાગણી ન હોય પણ માતાના હૃદય પર શું વીતે? કમલાજી ગળગળા થઈ ગયાં: ‘હું મા છું મા. હું મારા પુત્રને મૃત કેવી રીતે ધારી લઉં? મેં મારો દીકરો લશ્કરને સોંપ્યો હતો. એ લોકોએ મને એના વિશે જણાવવું પડે, મને પૂછવાનું ન હોય. હું માનું છું કે મારો દીકરો જીવતો છે અને એ પાછો આવશે જ.’

આ જ આશામાં દર વર્ષે 10મી જુલાઈએ ભટ્ટાચાર્ય પરિવાર પનોતા પુત્ર સંજીતનો બર્થ-ડે મનાવે છે કેક કાપીને.

પુણેના કૅપ્ટન સંજીત ભટ્ટાચાર્યના માતા-પિતાએ પુત્રને પાછો મેળવવા કરેલા પ્રયાસો ભલભલા પથ્થર દિલને પીગળાવી દે. વડા પ્રધાન અટલ બિહારી અને જનરલ પરવેઝ મુશર્રફ 2001માં મળ્યા ત્યારે બંનેને આશા જાગી હતી કે બંને નેતા યુદ્ધ-કેદીઓ વિશે કંઈક નક્કર પહેલ અને પ્રગતિ કરશે, પણ આ મિની શિખર પરિષદમાં કંઈ ન ઊપજ્યું.

આ યુગલે ભારતના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન જ્યોર્જ ફર્નાન્ડિસ અને પાકિસ્તાનના માનવ અધિકાર પુરસ્કર્તા અશ્મા જહાંગીર સહિતના અનેક સાથે વાતચીત અને પત્ર-વ્યવહાર કર્યા પણ નસીબે યારી ન આપી તે ન જ આપી, આજ સુધી.

કોઈ પણ વ્યક્તિને મૃત જાહેર કરતા પહેલા શું જરૂરી હોય એ કહેવાની જરૂર ન પડે. કોઈને મૃત શા માટે અને કેવી રીતે ધારી લેવાય? મૃત હોય તો શબ ક્યાં? કઈ રીતે મર્યા? કોણે માર્યા? ભારતની સીમામાંથી ગાયબ કેવી રીતે થયા? પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યા? એમની સાથે કંઈ ઘટના બની?

દેશ માટે સર્વસ્વ હોડમાં મૂકી દેનારા જવાન સાથે શું થયું એ જાણવાનો મૂળભૂત અધિકાર તો પરિવારને હોય જ. વયોવૃદ્ધ માતા-પિતાની આંખમાં મોતિયો આવ્યો હોય કે એ ઉતરાવ્યો હોય પણ એમાં કાયમ દેખાતો સંજીત પાછો ફરશે ખરો?

હા, આપણે સૌ એવી આશા રાખીએ. પ્રાર્થના કરીએ. જય હિંદ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1XC16f03
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com