Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
સ્વપ્નાવસ્થામાં રહેલા ક્ધિનરના દુસ્વપ્નને ચિત્રિત કરતા સ્વપ્નદૃષ્ટા ચિત્રકાર

તાવ-શરદી-ખાંસીની સેંકડો દવાઓ બજારમાં ઉપલબ્ધ હશે, પરંતુ ભાગ્યે જ થતા અમુક ફ્લુની જૂજ દવાઓ બની હશે. વ્યવહારુ બનતી ગયેલી માનવજાતની આ ફિતરત રહી છે કે બહુમતી માટે વધુ સવલતો ઊભી થાય અને અલ્પમતિ માટે ઓછી. ઘરના માળિયા અલ્પ વપરાશમાં આવતી જગ્યા છે એટલે ત્યાં ડેકોરેશન ન થાય, ડ્રોઈંગ રૂમમાં શો-પીસ મૂકવામાં આવે. આપણા સમાજમાં એટલે કે મનુષ્યોની દુનિયામાં કિન્નરોનું મહત્ત્વ પણ અમુક રીતે એવું જ છે અર્થાત ઓછું છે. પુરુષ અને સ્ત્રી સિવાયની ત્રીજી જાતિના માણસો એટલે કિન્નરોએ મહદઅંશે સમાજ ઉપર આધાર રાખવો પડે છે. માટે તેઓની અવગણના થતી હોય છે અને શોષણ પણ થતું હોય છે. આ એક આદર્શ સ્થિતિ નથી અને માનવતા પણ તેમાં સચવાતી નથી. કદાચ એટલે જ આ ચિત્ર રસપ્રદ છે. કારણ કે તેમાં સપનું જોઈ રહેલો કિન્નર દેખાય છે.

આ ચિત્રની પાછળ રહેલી વાર્તાની વાત કરીએ તે પહેલા આ ચિત્રપ્રકાર અને તેના સમયગાળામાં આર્ટની પરિસ્થિતિ વિષે ચર્ચા કરીએ તો આ ચિત્ર વધુ રસપ્રદ બનશે. વીસમી સદીની શરૂઆત થઇ અને કલાજગતમાં આધુનિકવાદનો વાયરો ફૂંકાયો. મોર્ડનીઝમના ઝંઝાવાત હેઠળ એકેડેમિક આર્ટનું મહત્ત્વ ભૂંસવા લાગ્યું. રેનેસાં એટલે કે નવચેતનાના સમયે યુરોપમાં ઈમ્પ્રેઝનીઝમ અને એક્સપ્રેઝનીઝમ પછી પણ બેરોક અને બીજી ઘણી સ્ટાઈલો આવેલી. તેમાં એક મહત્ત્વની સ્ટાઈલ હતી એકેડેમિક આર્ટ. એકેડેમિક આર્ટ શું છે?

સોળમી સદીથી યુરોપમાં ઘણી બધી આર્ટ સ્કૂલો ખૂલવા મંડી. કળાના નિષ્ણાતો દ્વારા ચિત્રકલા અને સ્થાપત્યકળાની સઘન તાલીમ આપવાનું શરૂ થયું. આવી એકેડેમિક સંસ્થાઓમાંથી મહાન ચિત્રકારો બહાર આવ્યા. તેઓની કળા જુદા રસ્તે ચાલી. તેમની કૃતિઓમાં સામાજિક જાગૃતિનો પડઘો દેખાતો હતો. તે સિવાય ફ્રેન્ચ સ્ટાઈલના વાસ્તવવાદ ઉપરાંત ઈમ્પ્રેઝનીઝમ સ્ટાઈલની દૃશ્યકળા અને એક્સપ્રઝનીઝમનો ભાવનાત્મક સ્પર્શ ઉમેરાયો. શિલ્પ હોય કે ચિત્રો, એકેડેમિક આર્ટની કૃતિઓ વધુ બૌદ્ધિક બની. ચિત્રકારોનું ફોકસ નેરેટીવ ઈમ્ફેસીસ એટલે કે કથાનકના મહત્ત્વમાંથી પરમ સત્યોના ઉપદેશાત્મક આહ્વાન તરફ શિફ્ટ થતું ગયું. આ વાત સહેજ અઘરી હશે પણ તેનું ઐતિહાસિક મહત્ત્વ બહુ છે. એકેડેમિક આર્ટ શૈલીએ આપણને મહાન કલાકારો આપ્યા. પણ સખેદ કહેવું પડે છે કે મોર્ડનીઝમના યુગે એકેડેમિક આર્ટનો એક સુવર્ણકાળ ભુલાવી દીધો.

પણ આપણે એ ભૂલ નહિ કરીએ. ગયા અંકમાં જે ચિત્રની ચર્ચા કરેલી તે ‘વ્હાઈટ સ્લેવ’ના ચિત્રકાર અને એકેડેમિક આર્ટ શૈલીના મહાન કલાકાર એન્તોઇન લેક્મેત દુ નેયનું જ આ ચિત્ર છે ‘ધ ડ્રીમ ઓફ અ યુનક’. યુનકની આગળ આર્ટિકલ ‘એ’ લગાડ્યો છે જ્યારે ડ્રીમની આગળ ‘ધ’ લાગે છે. તેનો મતલબ એ કે આ ચિત્રમાં કિન્નર મહત્ત્વનું પાત્ર છે પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વનું તેનું સ્વપ્ન છે. ક્ધિતુ, એ સ્વપ્ન નથી રહેતું, તે હકીકતમાં દુસ્વપ્ન છે.

તારાજડિત એવી ચાંદની રાતમાં સૂતેલો આ માણસ કિંપુરુષ છે તે તેના ચહેરાના ચોક્કસ ઘાટઘૂટથી ખબર પડી જાય છે. પણ એ સુતા સુતા એવું તે કયું ડ્રીમ જોઈ રહ્યો છે જે અસલમાં નાઈટમેરમાં તબદિલ થાય છે એ સવાલનો જવાબ આ ચિત્રની પ્રેરણા ક્યાંથી આવી તે પ્રશ્નના ઉત્તરમાંથી મળી શકે. એન્તોઇન લેક્મેત દુ નેયને કોઈ નાના કિશોરના સપનામાં કેમ રસ ન પડ્યો? જુવાનજોધ ખુબસૂરત યુવતી કે જે અચાનક વિધવા બની હોય તેવી અભાગણના સપનાનું ચિત્ર વધુ યાદ રહેત લોકોને; તો એવું ચિત્ર કેમ લેક્મેત દુ નેયે કેમ ન બનાવ્યું? મરણ પથારીએ રહેલા વૃદ્ધના સપનામાં આ ચિત્રમાં બતાવ્યું છે એવું નાનું બાળક બતાવ્યું હોત તો જોનારાઓ તે વિઝન પર આફરીન પોકારી ઉઠ્યા હોત પણ એવું ચિત્ર કેમ ન બન્યું અને ફક્ત કિન્નરનાં સપનાનું ચિત્ર દોરવામાં આવ્યું?

સતરમી સદીમાં મોન્તેસ્ક્વી નામનો એક નોંધપાત્ર ફ્રેન્ચ માણસ થઇ ગયો જે ન્યાયાધીશ હતો અને રાજકારણનો ફિલસૂફ હતો. તેમણે પત્રવ્યવહારના ફોર્મમાં એપ્સીટલરી નવલકથા લખી હતી જેનું શીર્ષક છે: ‘પર્શિયન લેટર્સ’. એ નવલની વાર્તામાં ઉસ્બેક અને રિકા ઈરાનથી ફ્રાન્સની સફર શરૂ કરે છે. ઉસ્બેક પોતાની પાંચ પત્નીઓ ઝાશી, ઝેફીસ, ફાત્મે, ઝેલીસ અને રોક્સેનને પોતાના જનાનખાનાના કિન્નરોની દેખરેખ હેઠળ છોડીને જાય છે. પોતાની પત્નીઓ અને કિન્નરો સાથે લાંબી સફર દરમિયાન પત્રવ્યવહાર થાય છે. વર્ષો સુધી પાંચે પત્નીઓ કિન્નરોના વડપણ હેઠળ રહે છે એમાં કિન્નર નામે કોસરુંને ઉસ્બેકની રખાત ઝેલીદ સાથે પરણવાની ઈચ્છા થાય છે. સુલતાનની મસ્જિદની પાસે એક અગાસીમાં કોસરું સૂતો છે, નશો કરી રહ્યો છે અને ઝેલીદનું સપનું જોઈ રહ્યો છે, જે આ ચિત્રમાં દેખાય છે.

નશો કરી રહેલા કિન્નરના હુક્કામાંથી ઘેરા ભૂરા આકાશ નીચે સફેદ-વાદળી ધુમાડો નીકળ્યો જે ખુબસુરત યુવતીના આકારનો છે જે કિન્નરનું સ્વપ્ન સૂચવે છે. તે યુવતીની બાજુમાં નાનું બાળક છે એ એન્જલ છે જેને પુત્તો કહેવામાં આવે છે. ચર્ચની દીવાલોમાં જોવા મળતો આ પુત્તો ભગવાનનું સ્વરૂપ પણ કહેવાય. પરંતુ તેના હાથમાં બાણ-તીરને બદલે તેના શરીર કરતાં પણ મોટી છરી છે જેમાંથી લોહી ટપકી રહ્યું છે. તે સિમ્બોલ છે કિન્નરની વિવશતાનું અને તેની નપુંસકતાનું. આ સિમ્બોલ નિશ્ર્ચિત કરે છે કે આ સ્વપ્ન નથી પણ દુસ્વપ્ન છે. ઓટલા ઉપર હાથની પ્રિન્ટ દેખાય છે. એ સમયે રિવાજ હતો કે એવી નિશાનીથી દૈત્યો દૂર રહે. તેની બાજુમાં ચિત્રકારની સાઈન છે. (ચિત્રકારે પોતાને દૈત્યોનો દુશ્મન ગણાવ્યો?) મસ્જિદમાં કોઈ લાઈટ દેખાતી નથી પણ તેની આજુબાજુના ઘરની બંધ બારીઓ અને તેના બારણાઓમાંથી ચાલુ રહેલી બત્તીઓનો પ્રકાશ થોડો આવી રહ્યો છે. આવી રીતે નિશાના અંધકાર નીચે આશા-નિરાશાના દ્વંદ્વનું નિરૂપણ નશાના ધુમાડામાં અને ખુદાની બંદગીના સ્થાન પાસે બહુ કલાત્મક રીતે થયું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ji31a5xB
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com