Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                 
પીવાના નિયમો

મસ્તરામની મસ્તી-મિલન ત્રિવેદીહુંજ્યારે નાનો હતો ત્યારે મને જેટલા નિયમો શિખવાડવામાં આવ્યા છે એટલું ભાગ્ય કદાચ આજની જનરેશનને પણ પ્રાપ્ત થવું શક્ય નથી! થ્રી ઇડિયટ્સમાં ભલે છોકરાએ પાટું માર્યું હોય પણ મારો રેકોર્ડ એ પહેલાનો છે કે મેં જે નર્સને પાટું માર્યું હતું એ આજની તારીખે પણ નાકમાંથી બોલે છે! આ તો શરૂઆત હતી પછી મેં જે જે પરાક્રમો કર્યાં છે એ માટે જો વાતો શરૂ કરું તો આ લેખ અહિંયા જ પૂરો થઈ જાય માટે ટૂંકાવીને વાત કરું તો નિયમ શબ્દ સાંભળતા જ મને ખબર પડે કે કદાચ આ મારા માટે જ નિયમો બન્યા હશે.

હું નાનો હતો ત્યારે મને શરીર પર કોઈ જ ભાર નહોતો ગમતો અને હું ચડ્ડી નહોતો પહેરતો પણ કોણ જાણે કેમ મને જ આવો આગ્રહ થતો જ્યારે હું અમારા સુરેન્દ્રનગરમાં લગભગ છોકરાઓને ચડ્ડી વગર જોતો, હાં એ વાત અલગ છે કે મેં ચડ્ડી વગરના અનેક નેતાઓ અમારા ગામમાં જોયા હતાં પણ આ તો દેખાય એની વાત થાય ને!!!

મને સિદ્ધાંત અને નિયમ વચ્ચેનો ફેર સમજવો ખૂબ અઘરો લાગે છે. મેં ઘણા લોકોને સાંભળ્યા છે કે ‘ફલાણો આપણો સિદ્ધાંત છે’ હવે આ ફલાણો સિદ્ધાંત એમણે માત્ર અને માત્ર પોતાના ફાયદા માટે બનાવ્યો હોય તો પછી એ સિદ્ધાંત કેમ થઈ જાય?

ચૂનિયો કાયમ અમારા મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈ જાય અને મોડા તો ઠીક પણ ન આપ્યા હોય એવા પણ અનેક દાખલા છે.

એક વાર મેં ચૂનિયા પાસે ઉછીના રૂપિયા માંગ્યા તો એણે જવાબ આપ્યો ‘જો મિલનભાઈ, ખોટું નહીં લગાડતા પણ આપણો સિદ્ધાંત છે કે કોઈને ઉછીના રૂપિયા આપવા નહીં, આપ્યા પછી ઘણા સંબંધો બગડે છે અને એનો મેં પોતે અનુભવ કર્યો છે.’

હવે આ અનુભવ એનો એ રીતે કે પોતે ઉછીના લઈને ન આપ્યા હોય એટલે સંબંધો બગડ્યા હોય, નહીં કે એણે કોઈને આપ્યા હોય અને બગડ્યા હોય! આ રીતે જ નિયમ પણ સમજાયા નથી. મારા પપ્પા સરકારી કર્મચારી એટલે હું નાનો હતો અને મને જો કોઈ પણ વસ્તુની ના પાડવી હોય તો મને કહેવામાં આવે કે ‘જો ચોકલેટ નહીં ખાવાની એવો સરકારી નિયમ આવી ગયો છે.’

ત્યારે એ ખબર નહોતી પડતી કે સરકારી નિયમ હોય તો પછી દુકાનોમાં કેમ ચોકલેટ વેચાતી હશે? પણ નિયમની વાત આવે એટલે આપણે તરત જ સ્વીકારી લઈએ. આ સ્વીકારવાની આદત આજ દિવસ સુધી ચાલુ જ છે.

મારા પત્ની ઘરમાં જેટલા નિયમો ઘડે એ નિયમ પર અમલીકરણ તરત જ હું અને મારો દીકરો બંને શરૂ કરી દઈએ. સ્કૂલ વખતે સ્કૂલના નિયમોનો ભંગ કરતા તો આખો પિરિયડ અમને ઊભા રાખવામાં આવતા. આ સજા તો માત્ર ૩૦ મિનિટમાં પૂરી થઈ જતી પણ ઘરના નિયમોની જે સજા મળે છે એ અહીં જાહેરમાં નહીં કહું કેમ કે મને ખબર છે તમારી આંખમાંથી અશ્રુધારા વહેવા લાગશે.

આમ પણ તમારી અને મારી બંનેની આંખો ભીની કરવી એના કરતાં મારી એકની થાય એ વધારે સારું, મારા પર તો દયા નથી ખવાતી તો એટ લિસ્ટ તમારા પર તો હું ખાઇ શકું ને. આ સિદ્ધાંતો અને નિયમો વચ્ચે હું ઘેરાતો રહ્યો છું એટલે હવે કંઈ પણ કામ કરું તો નિયમાનુસાર જ!

આ નિયમો ઘડતી વખતે મને એટલું દુ:ખ થયું છે જેટલું કદાચ શ્રી બાબાસાહેબ આંબેડકરને બંધારણ ઘડતી વખતે પણ નહીં થયું હોય! કેમ કે એમનું બંધારણ પ્રજાલક્ષી હતું જ્યારે મારે તો દારુ પીવાના નિયમો ઘડવાના હતા.

અભ્યાસ અને અનુભવોને આધીન નિયમો બનતા હોય છે કેમ કે નિયમો બનાવતા પહેલા કેટલી છટકબારીઓ છે એનો અભ્યાસ કરવો જરૂરી છે. જેમ કે અમારા એક મિત્રે નિયમ બનાવ્યો કે ‘હું રાજકોટમાં દારૂ નહીં પીવ’ આ પાછળનું કારણ એ હતું કે બહારગામ જવાનું થાય અને ત્યાં દારુ શોધવો પણ મુશ્કેલ બને એટલે એ બહાને છૂટી જાય પણ ૪ કે ૫ દિવસમાં જ એને જ્ઞાન થયું કે માત્ર ૭ કિ.મી. દૂર જઈએ એટલે ‘રાજકોટ શહેરની હદ પૂરી’ લખેલું બોર્ડ આવે છે.

પછી શું ફેર એટલો પડ્યો કે ૭ કિ.મી.નું પેટ્રોલ વધારે વપરાવા લાગ્યું અને એણે મનોમન નક્કી કરી લીધું કે ’એમ માનીશુ કે બાટલીમાં ૧૦૦ રૂપિયા વધી ગયા’ આજની તારીખે પણ નિયમનો ભંગ કર્યા વગર રેગ્યુલર દારૂ પીવે છે!

અમારા એક બીજા મિત્રે નિયમ બનાવ્યો કે ‘બે પેગથી વધારે નહીં જ પીવાનો’ આ વાતથી મને ખુશી થઈ કેમ કે મેડિકલ સાયન્સ પણ કહે છે કે જો ૧૫૦ એમ.એલ. દારૂ રોજ પીવામાં આવે તો તમારી પાચનશક્તિમાં વધારો થાય છે, સ્ટ્રેસ દૂર થાય છે, સારી ઊંઘ આવે છે. તેના આ નિયમ પછી હું સવારે તેના ઘેર પહોંચ્યો તો બરાબર બે પેગ દારૂ ભરીને બેઠો હતો. મારી પાસે પેગીયું લઈને મપાવ્યા પણ ખરા અને કહે ‘જો નિયમ એ નિયમ. બે પેગ એટલે બે પેગ. હવે સીધા બપોરે બે પેગ પેવાના. પછી સાંજે અને પછી રાત્રે’.

અહિયા સુધી તો વાંધો નહોતો પણ મને આશ્ર્ચર્ય તો એવા મિત્રોનું છે જે નિયમ બનાવે છે કે ‘દારૂ પી ને સીધું ઊંઘી જ જવાનું’ અને સાચે નિયમ મુજબ ઊંઘી જ જાય છે પણ કોના ઘેર એ ખુલાસો ન થયો હોવાથી અનેક વાર હું એમના ઘેર ઝઘડાની પતાવટમાં ગયો છું! મને સૌથી વધારે સારો નિયમ ચૂનિયાનો લાગ્યો છે અને મારા પીવાના નિયમમાં હું આ નિયમને પ્રથમ નિયમ તરીકે લખવાનો છું.

ચૂનિયાનો નિયમ છે કે ‘પોતાના પૈસે ક્યારેય દારૂ નહીં પીવાનો’ જોકે ચૂનિયાની એ આવડતને સલામ જ છે કે રોજ મફત પીવડાવવાવાળું શોધી જ લે છે! પાછું દરેક વખતે એમ કહીને ઊભો થાય કે ‘હવે ક્યારેક મારા તરફથી પાર્ટી કરીએ’ હું સાક્ષાત સાક્ષી છું કે આજની તારીખ સુધી એ ક્યારેક આવ્યું જ નથી!!!

મારી પાસે એક ચૂનિયાવાળો નિયમ તો હતો જ પણ છટકબારી ન રહે એ રીતના બીજા નિયમો બનાવવાના હતા. મેં મારી ઔકાત મુજબ નિયમ બનાવ્યો કે આપણે અમુક પર્ટિક્યૂલર બ્રાન્ડ જ પીવી.

ઔકાત શબ્દ એટલે જ વાપર્યો છે કે કોઈ સ્કોચ ન સમજી લે. આ નિયમ સાથે જ મેં એક ખાલી બાટલી ઉપરથી સીલ તોડીને તૈયાર રાખ્યું છે કે જો અતિશય એવું થાય તો એ બોટલમાં ભરીને નિયમ મુજબ આપણે પી શકાય. ત્રીજો નિયમ કર્યો કે ક્યારેય પકડાય ન જઈએ એ રીતે દારૂ પીવો.

ના.. પોલીસની વાત નથી કરતો કેમ કે એ તો અમારા ગુજરાતમાં જેમ કડક નિયમો બને એમ વધારે રૂપિયા માંગે બાકી સેટ તો થઈ જ જાય! ન પકડાવવાનો અર્થ અહીં ઘેર પત્ની દ્વારા ન પકડાવવું કરવો. એ માટે ઘેર એક આલ્કોહોલવાળું કફ સીરપ રાખી જ દીધું છે જેનો ઘેર આવીને એક ઘૂંટડો પી અને કહેવાનું કે કફ સીરપની વાસ છે અને છેલ્લો નિયમ ખૂબ અઘરો છે પણ આશા રાખીએ કે પોઝિટિવ જ હશે. છેલ્લો નિયમ એ કર્યો છે કે મુંબઈ સમાચારનું પેમેન્ટ આવે એમાંથી જ દારૂ ખરીદવો. છેને બાકી કડક નિયમ???

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

S4JLO501
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com